અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/આયુષ્યના અવશેષે: ૩. સ્વજનોની સ્મૃતિ


આયુષ્યના અવશેષે: ૩. સ્વજનોની સ્મૃતિ

રાજેન્દ્ર શાહ

જીરણ થઈને ભીંતે ઝૂકી ઊભો હજી ખાટ આ,
રજનિ નમતાં જે ઢાળીને પિતાજી પુરાણની
જીવનબળને દેતી ક્‌હેતા કથા રસની ભરી,
પુર ઘર સમું હેતે મ્હોર્યું હતું પરસાળમાં.

મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું,
નિત નિત વલોણાનાં એનાં અમી ધરતી હતી.
સુરભિ હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી,
અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું.

અહીં ઉપરની મેડી જોને કશી વલખી રહી!
પ્રિય! ઊછળતાં બે હૈયાંનો થયો અહીં સંગમ.
અહીં પૂનમની રાતે મોજે ચડ્યાં ભરતી સમ.
ગગન ઝીલતી જાળી જાળાં થકી અવ આંધળી.

ગિરિસર સમું હંસોનો જે કલધ્વનિ રેલતું,
તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું.