અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/આયુષ્યના અવશેષે: ૪. પરિવર્તન
આયુષ્યના અવશેષે: ૪. પરિવર્તન
રાજેન્દ્ર શાહ
શિશુ હૃદયના ઉલ્લાસે હ્યાં ઊભી ઝરૂખા કને
ઇહ નીરખતો ચીલો, બંકી ધરી ગતિ દૃષ્ટિમાં
ક્ષણ ક્ષણ રમી સંતાતો ને અનંતન સૃષ્ટિમાં
ભ્રમણ અરથે જાતો, પૂંઠે વિમુગ્ધ મૂકી મને.
તલસતું હતું હૈયું કેવું સુદૂર અગમ્યને
પથ વિહરવા કાજે! — જેની અપૂર્ણ કથા તણા
ધૂમસ પર અંકાતી મારી સુરંગીન કલ્પના;
નિજ રચિત, આનંદે જોતાં દૃગો, ભવિતવ્યને.
હજીય ઝરૂખો એનો એ, હું, અને વળી પંથ આ,
પણ અવ અહીં આવી ઘેરી વળે ગતની સ્મૃતિ.
બીન મૂક થયું તોયે એની સુણી રહું ઝંકૃતિ,
વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વર વંૃદમાં.
સરલ મનનાં ચાંચલ્યોનાં હવે નહિ ક્રીડન,
અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન.