અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/ખાટી રે આંબલીથી


ખાટી રે આંબલીથી

રાજેન્દ્ર શાહ

ખાટી રે આંબલીથી કાયા મંજાણી,
         એને તેજને કિનારે એણે આણી રે.

પાંપણની પાંદડીના ઓરા તે અંતરાયે
         પેલી બાજુનું કૈં ન જોયું,
નિજની સંગાથ જેનું મન ઘેલું મોહ્યું
         રે પરની પ્રીત્યું ના એણે જાણી રે.

પંડને પંપાળવામાં મોંઘેરાં ચીર કેરા
         રંગ રે નિહાળ્યા ઓઘરાળા,
એને અંજાળવાને ઓછી રે તેજમાળા,
         ઓછાં છે જાહ્‌નવીનાં પાણી રે.

ખાટી રે આંબલીને ભીને તે સંગ, ઝાંખી
         કાયાનો કાટ લીધો માંજી,
તેજને અંજન એવું રૂપ લીધું આંજી,
         રે ઝળહળ દુનિયા ઝિલાણી રે.

(સંકલિત કવિતા, પૃ. ૧૪૪)




રાજેન્દ્ર શાહ • ખાટી રે આંબલીથી • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ