અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/યામિનીને કિનારે


યામિનીને કિનારે

રાજેન્દ્ર શાહ

આછી ઘેરી પુર ઉપરની ધૂમ્રની ધૂંધળીમાં
ધીરે ધીરે અરવ પગલે ઊતરે અંધકાર.
લીલાં ભૂરાં નયનમધુરાં ખેતરો ને બીડોમાં
વાંકી શિંગી, કૃષિક, દ્રુમ ને પંખીઓનાં અપાર
થાક્યા જેવા લથડી નમતા ઘંટડીના સ્વરોમાં
છાયાચિત્રો સજીવ રમતાં યામિનીને કિનાર.

ધીરે ધીરે નયનધન સૌ અંધકારે વિલાય,
ધીરે ધીરે શબદ શમતાં મૌન ઊંડું છવાય.
રે એ મૌને, ગહન ગરવી શાંતિએ શાં ય જાદુ?
હૈયે જાગે સ્વપનમય કો રાગિણીનાં તુફાન.
પૃથ્વીપેટે સ્ફુરતી વહતી નિર્ઝરી જેમ સાદું
હોઠે આવી ફરકી ઝરતું મર્મરે રમ્ય ગાન.
ને ગાણાના ધ્વનિત પડઘા હોય ના એમ જાણે
વ્યોમે વ્યોમે તરલ ધવલા ફૂટતા તારલાઓ.