અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/સંગમાં રાજી રાજી


સંગમાં રાજી રાજી

રાજેન્દ્ર શાહ

         સંગમાં રાજી રાજી
         આપણ
         એકબીજાના સંગમાં રાજી રાજી,
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
                           નેણ તો રહે લાજી,
                  આપણ એકબીજાના સંગમાં રાજી રાજી,
         લેવાને જાય ત્યાં જીવન
                           આખુંય તે ઠલવાય!
         દેવાને જાય, છલોછલ
                           ભરિયું શું છલકાય!

એવી એ
આપલેને અવસરિયે પાગલ
                           કોણ રે’ કહે પાજી?
         આપણ એકબીજાના સંગમાં રાજી રાજી
         વીતેલી વેળની કોઈ
                           આવતી ઘેરી યાદ,
         ભાવિનાં સોણલાંનોયે
                           રણકે ઓરો સાદ;
આષાઢી
આભનાં વાદળ વીજ શાં વારિ
                  ઝરતાં રે જાય ગાજી!
                           આપણ એકબીજાના સંગમાં રાજી રાજી.




રાજેન્દ્ર શાહ • સંગમાં રાજી રાજી • સ્વરનિયોજન: અજીત શેઠ • સ્વર: હનિરુપમા શેઠ અને અજીત શેઠ



આસ્વાદ: સર્જક પ્રતિભાની એક ગુલછડી – રાધેશ્યામ શર્મા

સંગી–ચેતનાની આત્મલક્ષી અભિવ્યક્તિ સરળ વહનમાં પ્રકટ કરતું આ ગીત ઊર્મિકાવ્યનું એક સરસ ઉદાહરણ છે. કેવી રીતે? માનવ- સમૂહબદ્ધ સંઘમાં રાજી થવા કરતા ના–રાજીની દશાઓ અધિક જોવા મળે. જ્યારે બે સ્વસ્થ વ્યક્તિનો સંગ રાજી થવાના સંયોગોમાં સવિશેષ પરિણમે. આથી વિરુદ્ધ વિપરીત સ્થિતિમાં રાજી થવાનું નોયે બને.

સંગ એટલે સહવાસ, સોબત, સંયોગ. એની સંગતિ, ‘સિમેટ્રી’ ટકાવવી ઉભય પક્ષના હાથમાં, બલકે હૈયામાં હોય.

વળી સંગની સ્થિતિમાં અતિ પરિચયથી ઉપેક્ષા, અવજ્ઞા, અવહેલના જન્મવાની સંભાવના પણ ખરી.

‘સંગમાં રાજી રાજી’ – નાયકની–નાયિકાની ભાવમુદ્રાઓની વિભિન્ન સ્થિતિઓ પ્રકાશિત કરે છે.

એકલા નહીં, ‘એકબીજાના સંગમાં રાજી રાજી’ ખરું, પણ ઘટનાકલાપ આવો ખૂલે છે:

‘બોલવા ટાણે હોઠ ખૂલે નહીં
નેણ તો રહે લાજી‘

અહીં નાયક કરતાં તો નાયિકાનો સંગીન અનુભવ મૂર્ત થયો લાગે. પ્રથમ પરિચયની ભૂમિકાની કલ્પના કરીએ તો બે પાત્રો અથવા બંનેમાંથી એકની મનોદશા આવી થઈ જાય. મનમાં ઘમસાણનાં વાદળ ઘણાં ઘેરાતાં હોય, ક્યારેક તો ગર્જતાં હોય પણ બોલવાની ઘડી આવતાં હોઠે ખંભાતી તાળાં લાગી જાય! ગગન ગોરંભાયેલું હોય પણ વર્ષાનું એક બિન્દુ ના ઝરે…

વાચાની આ અવસ્થા સાથે નેત્રો કેવાં વર્તે? જાણે કોઈ સામાજિક અપરાધ થઈ ગયો હોય એમ–નેણ લાજી મારે ત્યાં.

ગીતના બીજા સ્તબકમાં લેવા–દેવાની વાત, વ્યાવહારિક સ્તરથી ઉપર ઊઠી લોકોત્તર મુગ્ધ સ્નેહની ભોંય પર ઊઘડી છે.

જો લેવા જાય છે તો ત્યાં આખુંય જીવન ઠલવાય છે.
જો દેવા જાય છે તો
‘છલોછલ ભરિયું શું છલકાય!’

જીવન સમસ્ત ઠાલવી દીધું એટલે લેવાનું રહ્યું નહીં, અને દેવાનું આવ્યું તો છલોછલ એટલું ભર્યું કે કહેવું પડે ‘શું છલકાય!’

એક ઝેન માસ્ટરને જપાનનો એક ફિલસૂફી ભણાવતો પ્રાધ્યાપક મળવા ગયો. ઉસ્તાદે પ્રાધ્યાપકના છલોછલ ચા ભરેલા પ્યાલામાં ચાહપૂર્વક ચા રેડ્યા કરી, રેડ્યા જ કરી; પ્રાધ્યાપકે અકળાઈને પૂછ્યું: છલોછલ ચાના પ્યાલામાં હજુ ચા રેડવાનું પ્રયોજન? ઝેન માસ્ટરે કંઈક આવું કહેલું, પ્યાલાની પેઠે તુંયે ખયાલોથી છલોછલ ભરેલો છે, એટલે જે કાંઈ રેડાશે તે વ્યર્થ જશે. ખાલી, શૂન્ય હોય તો સભરતા માટે અવકાશ મળે.

અને ગીતનાં પાત્રોની કહાની ન્યારી છે. નેહનાં નીરથી ભરપૂર છે બંને એટલે કપણ પાજીપણું જોજનો દૂર છે. બંને આપલેની અવસરવેળાએ પણ પ્રેમોન્માદ પાગલ છે પછી, ‘કોણ ર્‌હે કહે પાજી?’

ગીતસર્જકે અહીં પાજી રહેવાની અને કહેવાની એવી બેઉ સ્થિતિનો ઝીણો ભેદ કંડાર્યો.

ત્રીજો વળાંક, ભૂતકાળ અને ભવિષ્યકાળના ચૈતસિક ચિતારને ઊંડળમાં લે છે.

વીતેલી વેળની કોઈ
આવતી ઘેરી યાદ,
ભાવિનાં સોણલાંનો યે
રણકે ઓરો સાદ

મર્મી કવિએ, વીતેલી વેળની ઘેરી યાદનું નામ નહીં આપીને એક કાંકરે બે પંખી પાડી આપ્યાં!

યાદને ‘કોઈ’ કહી સસ્પેન્સ વેર્યો,

‘ઘેરી’ કહીને ગંભીર ગહનતા અર્પી… વેળા એ વીતી ચૂકી છે, વ્યતીતની ગુહામાં ઘેરી યાદ અસ્પષ્ટ ‘કોઈ’ રૂપે ગરક થઈ ગઈ!

હવે–હાલ–હમણાંના વર્તમાન નિધિમાં શું સંભળાય છે? ‘ભાવિનાં સોણલાંનોયે રણકે ઓરો સાદ.’ આ પંક્તિમાં યોજેલા ‘સોણલાં’ ‘ઓરો’ શબ્દોમાં તળલોકની આછોતરી સુવાસ ભાવકમાં સંક્રાન્ત થાય છે. ‘યે’નો ઉપયોગ વિશિષ્ટ ભાર, ‘રણક’માં ‘સાદ’નું નાદ– સંકેતાયું છે.

‘રાજી–રાજી’, ‘લાજી’, ‘પાજી’ પ્રાસો સાથે ગીતની અન્ય પંક્તિમાં ‘ગાજી’નો પ્રવેશ, ‘ઠલવાય’, ‘છલકાય’, ‘યાદ’, ‘સાદ’ની પ્રાયોજના સાથે સુમેળ સાધે છે. (‘પાજી’વાળો પ્રાસ જરીક આકૃષ્ટ આગંતુક ગણાય.)

આષાઢી
આભનાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી

ભાવિ સ્વપ્નોના રણકતા સાદને વિશિષ્ટ ઉપમા ‘આષાઢી આભનાં વાદળ વીજ શાં વારિ’–થી સંકલિત કરવાનું કર્મ ભાવકના આંતર ગગનમાં ગાજતું રહે એવું છે.

સાદા–સીધા લાગતા આ ગીતમાં સ્નેહ–સમર્પણની સૂક્ષ્મતાને ગૂંથી આપનારી સર્જકપ્રતિભા કવિવર રાજેન્દ્ર શાહમાં કેટલી વિપુલ અને કેવી વિશિષ્ટ છે તેવી આ રચના પણ એક ગુલછડી છે! (રચનાને રસ્તે)