અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/પરિપ્રશ્ન


પરિપ્રશ્ન

રાજેન્દ્ર શુક્લ

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લગની, લગાવ, લહરો — આ હાવભાવ શું છે?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળી કળીમાં,
એનો ઇલાજ શું છે, આનો બચાવ શું છે?

ચિંતા નથી કશી પણ નમણા નજૂમી, કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?

ફંગોળી જોઉં શબ્દો ને મૌનને ફગાવું —
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે?

હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છ્‌વાસને મળે છે,
સ્થળ જેવુંયે નથી તો ઝળહળ પડાવ શું છે?
(કાવ્યકોડિયાં : સંપુટ-૨, ૧૯૮૧, સંપા. સુરેશ દલાલ, પૃ. ૭૫-૭૬)