અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/ભજનગીતિ


ભજનગીતિ

રાજેન્દ્ર શુક્લ

રૂડી ચોપાટું મંડાણી ચંદનચોકમાં
નાખ્યા લખ ચોરાસી દાવ
એવી ચોપાટું મંડાણી ચંદનચોકમાં.

રૂડાં ચાંદાસૂરજનાં કીધાં સોગઠાં
નાચ્યાં કોઈ આંખ્યુંને અણસાર
એવી ચોપાટું મંડાણી ચંદનચોકમાં.

તમે પાસા ઢાળો કે તારા ઝળહળે
ને મૂઠી વાળો ત્યાં અંધાર
એવી ચોપાટું મંડાણી ચંદનચોકમાં

હવે ચોક રે ઘેરીને મરમી મલકતાં
અમે નેણ ઢાળ્યાં રે નતોડ
એવી ચોપાટું ખેલાણી ચંદનચોકમાં.