અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/સભર સુરાહી


સભર સુરાહી

રાજેન્દ્ર શુક્લ

સભર સુરાહી, લલિત લચક કટિ,
કોમલ-સ્કંધા ગઝલ,
વનવન ભમતાં મિલત
અતર્કિત યોજનગંધા ગઝલ.

લખચોરાસી લખત લખત
ચખ વેધત રે લખ સકલ,
અલખ અલખ ગિરનારી ગાજે
નિત પડછંદા ગઝલ,

ચાક ગરેબાઁ, બેબાક દિશા,
દામન દર દર ઊડે,
અષ્ટ પાશ આકાશ ઉડાવત
ત્રુટિતફંદા ગઝલ.

સાઁસઉસાઁસ ચલાવત છૂવત
ઝિલમિલ સાતોં ગગન,
વિહઁસ વિહઁસ કરતાલ નચાવત
ગાવત બંદા ગઝલ.

કઁહ લગ રૂઠો, માન કરો અતિ,
મુખ મચકોડો અલગ,
સૂર મિલાવી ગાઓ પ્રિયજન
સત્‌િચત્‌નંદા ગઝલ.
(કાવ્યકોડિયાં : સંપુટ-૨, પૃ. ૫૯-૬૦)