અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેશ પંડ્યા/હવા વહે છે...


હવા વહે છે...

રાજેશ પંડ્યા

હવા તો વહેતી રહે છે
દરેક વખતે સુગંધને આપણા સુધી લઈ આવે
કે ઓરડાને ધૂળથી ભરી દે
એવું બને પણ નહીં.
ફળિયામાં નાળિયેરી ઊભી હોય સ્તબ્ધ
અને ચાંદનીનું જળ તરંગિત ન થાય
એવું પણ બને. કોઈ વાર
સામે પાર જવા નીકળેલી હોડી
મધવ્હેણે ઘૂમરી ખાય, ઊભી રહી જાય
ત્યારેય હોડી સ્થિર રહે એટલી
હવા તો વહે જ છે.
પછી, એક પછી એક પરપોટા ફૂટતા જાય છે
ને સઢ ખૂલતો જાય છે
સામે કાંઠે
ટેકરી ઉપરના કોઈ મંદિરની ધજા
પુષ્કળ હવામાં ફફડતી હોય એમ.
ક્યારેક
નહાતીવેળા સવારે ધોયેલાં વસ્ત્રો
કામ પર જતા પહેલાં સુકાઈ ગયા હોય
તો માત્ર એક જોડીથીય ચાલી જતું હોય છે
પણ ચોમાસામાં તો ઘર આખામાં વળગણી બાંધવી પડે
ને છેક ત્રીજેચોથે દિવસે ભેજ શોષાય છતાં
હવા વહેતી જ હોય છે
દીવો સળગતો રહે એટલી.
હવા વહેતી ન હોય એમ લાગે છે
ત્યારે અરીસા પર ધૂળને લૂછી ચહેરો જોવા જતાં
વળગણી પર વસ્ત્રો ઝૂલતાં દેખાય
સઢ ખૂલતા દેખાય, ધજાના ફફડાટો સંભળાય
એટલે સમજાય
કે હવા તો ચોક્કસ વહે છે આરપાર.
પરબ, ઑગસ્ટ, પૃ. ૧૪-૧૫