અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/કવિ લઘરાજીનું ચિંતન


કવિ લઘરાજીનું ચિંતન

લાભશંકર ઠાકર

ચરણ ચાલ્યા કરે છે
એટલે ચારણ બન્યો છું?
કારણ નથી કોઈ?
તરણ તાર્યા કરે છે એટલે
તારો બન્યો છું?
ચારણ અને કારણ બધાં
છે આમ તો
ચક્રો મનોરથનાં
તૂટેલાં!
ધાર ચપ્પાની અરે ચીરી શકે ના કંઠ,
સૂકાભંઠ શબ્દોની ખખડતી
વાટકી આ હાથમાં.
મને આપો અમી-ની પ્યાલી, ઓ પ્યારા પ્રભુ
હું પી જવાનો છું નહીં પાપને,
પાપના પ્રાસે
શકું ખેંચી અનાદિ આપને.
તાર કાચો
તૂટતાં તૂટી જવાનો છું
કાચનો પ્યાલો કદી ફૂટતાં પ્રભુ
ફૂટી જવાનો છું.
ઉલેચાતો શબદ,
ક્યાંક તો ખૂટી જવાનો છું.
અને તૂટી જવાનો છું
ક્રિયાના
કર્મથી
નામના વ્યયથી
વિશેષણથી
આમ-થી ને તેમ-થી
તે-થી અને જે-થી
છે અને છું-છા થકી.
વ્હેલ જૂની છે ને વાંકી ધૂંસરી
ચડે બેસે ને વળી ઊતરે
ખખડતી ખેંચે કવિતા કોણ?
ચૂંચવે છે ચરણ કોનાં?
ચારણ બનીને કોણ આ
ચાલ્યા કરે છે?
આરણ નથી કારણ નથી,
ને છતાં
ખખડતી ખેંચે કવિતા કોણ?
(લઘરો, ૧૯૮૭, પૃ. ૫૪-૫૫)