અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વાડીલાલ ડગલી/બાળકોના વૉર્ડમાં એક માતા
બાળકોના વૉર્ડમાં એક માતા
વાડીલાલ ડગલી
જાણે સાવ ખાલી ખાટલાના
ઊંચાનીચા થતા ખૂણા પાસે
સ્ટૂલ પર બેઠી બેઠી માતા
ઓશીકાની ઝૂલ પર ઢળી પડે.
કૂણા શ્વાસોચ્છ્વાસ સાંભળતા
વિહ્વળ કાનને ઝોકું આવે
શિશુની ધૂપછાંવ સૃષ્ટિમાં
જનેતા જરા ડોક લંબાવે.
સંશય, અજંપો, ભીતિ, થાક
ચપટીક ઊંઘમાં ઓગળે.
ગાંડા દરિયાનાં મોજાં પર
સૂનમૂન એક ફૂલ તરે.
(સહજ, ૧૯૭૬, પૃ. ૧૦૭)