અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/અરે, બ્હાવરી!


અરે, બ્હાવરી!

વિનોદ જોશી


ઊઘડે જો પોપચાંનાં પાન અરે, બ્હાવરી!
શમણાં ઢોળાઈ જતાં રોકીએ...

ખોટ્ટું છે નળિયું હરખાય એ જ કારણથી વરસે વરસાદ એમ ધારવું,
અધકચરાં વેણને જ સંભારી સાત સાત જનમારા જીવતર ઓવારવું,

મૂંઝવે જો મીઠાં તોફાન અરે, બ્હાવરી!
હૈયાં ઘોળાઈ જતાં રોકીએ...
પાણી તો રેડવાનું મૂળિયાંમાં હોય, ભલે તરસે મરતું હો કોઈ પાંદડું,
આખ્ખું આકાશ આમ સહિયારું, ચકલીને ભલે હોય પોતાનું આંગણું,

ભૂલવે જો ભીતરનાં ભાન અરે, બ્હાવરી!
જીવતર રોળાઈ જતાં રોકીએ...

(નવનીત સમર્પણ, નવેમ્બર, 2020, પૃ.133)