અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/તો અમે આવીએ


તો અમે આવીએ

વિનોદ જોશી

આપી આપીને તમે પીંછું આપો,
સજન! પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નિચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને સમણું ઓઢાડી
અમે ઉંબરની કોર લગી લાવ્યાં;

આપી આપીને તમે ટેકો આપો,
સજન! નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વીંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ,
આંગળીયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું?

આપી આપીને તમે આંસુ આપો,
સજન! આંખો આપો તો અમે આવીએ…
(ઝાલર વાગે જૂઠડી, પૃ. ૧૧)