અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શિવજી રૂખડા/તું વાગ મંજીરા, હવે
તું વાગ મંજીરા, હવે
શિવજી રૂખડા
એકતારો રણઝણે, તું વાગ મંજીરા, હવે
લોક સૂતા છે પણે, તું વાગ મંજીરા, હવે.
ને કહે ગંગાસતી રે! વીજળી ચમકારમાં
રાત કાળી રણઝણે, તું વાગ મંજીરા, હવે.
ખુદ પોતાને મળીને શ્વાસની વાતો કરે
શબ્દ પર શબ્દો ચણે, તું વાગ મંજીરા, હવે.
પડશો ના તાર નોખા આ પટોળા-ભાતના
કારીગર કુશળ વણે, તું વાગ મંજીરા, હવે.
ઓમકારે, શૂન્ય માંહી નાદની ઝાલર બજે
સૂરના આ સગપણે તું વાગ મંજીરા, હવે.
દિવ્ય જ્યોતિ આંખ સામે ઝળહળે છે કાયમી
‘દર્દ’ અજવાળે ભણે, તું વાગ મંજીરા, હવે.
(ફૂલન પર્યાય, ૧૯૯૦, પૃ. ૬૨)