અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સંજુ વાળા/છાપે ચડતા


છાપે ચડતા

સંજુ વાળા

છાપે ચડતા શહેરનાં રૂપ નવાં હરરોજ,
પા કૉલમની આંખને આઠ કૉલમનો બોજ.

છાતી વચ્ચે વિસ્તરે બહુમાળી ષડ્‌યંત્ર
અજગરબંધ ઉચ્છેદવા કોઈ ન જાણે મંત્ર.

દસ્તક દેવા દ્વાર પર આવે ઇન્દ્રધનુષ્ય,
એવી પળની રાહમાં વીતી ગયું આયુષ્ય.

હાંફે, દોડે ફરી ફરી કહો કેટલે લક્ષ્ય?
ઇમારતી અરણ્યમાં માણસ શોધે ભક્ષ્ય.

વ્યાકુળ નજરે તગતગે ક્ષિતિજ લગ સરિયામ,
આવી બેઠું નેજવે વ્હાલવછોયું ગામ.

આ છેડે સોનાપુરી ’ને ઓ છેડે છે ઝૂ,
શહેર ભરચક ભીડ, ધુમાડો, અકળામણ ને બૂ.



આસ્વાદ: આધુનિક મનુષ્યની વિભીષિકા – વિનોદ જોશી

આજનો કવિ દુહા લખે તો કેવા લખે તેનો આ રચના એક નમૂનો છે. કાવ્યસ્વરૂપનું માળખું એનું એ જ રહે પણ અંદરનું દ્રવ્ય બદલાઈ જાય તેવું ઘણાં કાવ્યસ્વરૂપોમાં થયું છે. સાંપ્રત સમયમાં લખાતી ગઝલો તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ગઝલનો મિજાજ ન હોય તે છતાં ગઝલ તરીકે ઓળખાતી પાર વગરની રચનાઓ આજે કોઈને પણ મળી આવશે. અહીં મુખ્યત્વે મધ્યકાળના સાહિત્યમાં વપરાતા દુહા કે દોહરા છંદમાં કવિએ આધુનિક સંવેદનને ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. આ છંદની પસંદગી શા માટે કરી છે તેનો કોઈ એક ઉત્તર હોઈ શકે નહીં. પણ કવિએ જે વિષયની અભિવ્યક્તિ કરવા તેનો ઉપયોગ કર્યો છે તેમાં તે બરાબર બંધ બેસે છે તેવું લાગે છે. પહેલા દુહામાં જ છાપાનો નિર્દેશ કરી આધુનિક સમયના એક મહત્ત્વના આવિષ્કારનો કવિએ ઉપયોગ દર્શાવી દીધો છે. દરરોજ નવાં રૂપે પ્રગટ થતું શહેર રોજેરોજ છાપે ચડે છે. ‘છાપે ચડવું' એવો રૂઢિપ્રયોગ આપણી લોકબોલીમાં સામાન્ય છે, દોહરામાં તે સ્વાભાવિક પણ લાગે છે. છાપામાં ચડતા નવા નવા સમાચારોની ભરમાર એટલી તો વિરાટ છે કે કવિને કહેવું પડે છે કે: ‘પા કૉલમની આંખને આઠ કૉલમનો બોજ’ અહીં આવતો ‘બોજ શબ્દ છાપામાંથી શાની પ્રાપ્તિ થાય છે તેનો સૂચક છે. નાનીસરખી આંખને સૌંદર્યની કામના ફળે નહીં અને બોજ વેંઢારવાનો જ આવે તે પરિસ્થિતિ અસહ્ય હોય તો પણ આધુનિક મનુષ્યની તે નિયતિ છે. એક તરફ આઠ આઠ કૉલમો ભરીને છપાય તેટલી ઘટનાઓ બને છે, બીજી તરફ તે બધી વિશે સક્રિય થવાની મનુષ્યની ક્ષમતા નથી. દરરોજ બદલાતા જતા પરિસરનાં રંગરૂપને એટલે જ આસ્વાદી શકાતાં નથી, બલકે, એ આસ્વાદવા જેવા હોતાં નથી. એટલે તો એનો બોજો લાગે છે. ‘બહુમાળી ષડ્યંત્ર’ એવું બહુ લાક્ષણિક રીતે કહીને કવિએ ઇમારતો વચ્ચે રંધાતા ભેદભરમનો સંકેત કર્યો છે. વૃક્ષો, નદીઓ, પર્વતો, આકાશ, સમુદ્ર કે સૂર્યચંદ્ર જેવાં નિસર્ગનાં તત્ત્વોથી છેડો ફાડી મનુષ્ય જડ ઇમારતની ચોખંડી કેદમાં સામે ચાલીને પુરાઈ ગયો છે, કવિ તો આગળ વધીને એમ કહે છે કે આવી ઇમારત ક્યાંય નથી પણ પોતાની છાતી વચ્ચે જ જાણે રચાઈ છે. જ્યાં ધબકતું હૃદય હોવું જોઈએ તેને સ્થાને બહુમાળી નિર્જીવ સંવેદનો ગોઠવાઈ ગયાં છે, એટલું જ નહીં; પડ્યંત્રો વચ્ચે તે ભીંસાયેલા છે. કદાચ ષડ્‌યંત્રો રચી પણ રહ્યા છે. કોઈ વિરાટકાય અજગર ભરડો લઈ લે પછી છૂટે નહીં તેવી છે આ વાસ્તવિકતા. એના નિવારણ માટે કોઈ મંત્ર પણ મળવો મુશ્કેલ છે તેમ કવિ વધુમાં ઉચ્ચારે છે. પણ આ સ્થિતિમાંથી એક દિવસ તો બહાર નીકળી શકાશે તેવી આસ્થા સેવતો મનુષ્ય ઇન્દ્રધનુષ ઊગવાની રાહમાં બેઠો છે. એને ખબર છે કે ઘરનાં દ્વાર બંધ છે. પણ બંધ છે એટલે જ ટકોરા વાગવાનો સંભવ છે. ઇન્દ્રધનુષની સપ્તરંગી છટાની કામના કરતા કરતા આયુષ્ય વીતી ગયાની પ્રતીતિ ભયથી ધ્રુજાવી દે તોપણ તેનો કશો ઇલાજ નથી. શાસ્ત્રકારો તો કહી જ ગયા છે કે સમય પસાર થતો નથી, આપણે સમયમાંથી પસાર થઈએ છીએ. તૃષ્ણા જીર્ણ થતી નથી, આપણે જીર્ણ થઈએ છીએ. કવિ એવું નથી ઇચ્છતા કે ઇન્દ્રધનુષ એમને આખેઆખું સાંપડે. એમને તો કેવળ તેના આગમનનો, બારણે ટકોરારૂપી સંકેત માત્ર અપેક્ષિત છે. પણ બારણે ટકોરાની એ એકાદ પળની પ્રતીક્ષામાં જ આયુષ્ય સમાપ્ત થઈ જાય છે. રઘવાયા બની જવાય એવી સ્થિતિમાં મુકાયેલો આજનો મનુષ્ય અકર્મ રહી શકતો નથી અને કર્મ વિશે હંમેશાં સાશંક રહે છે. આ જ તો એની વરવી નિયતિ છે. એને પોતે શું કરી રહ્યો છે તેની ખબર નથી અને જે કરી રહ્યો છે તે નિરથર્ક નીવડનારું છે. આ પ્રતીતિ હોવા છતાં ભાગદોડ ચાલુ રહે છે. એ નિસર્ગનો મટી ગયો છે અને ઇમારતોનો બની ગયો છે. અરણ્યમાં શિકાર શોધતા કોઈ રાની પશુ જેમ એ નગરના ઇમારતી અરણ્યમાં ભક્ષ્યની શોધ આદરે છે. આવી પરિસ્થિતિમાં ક્યારેક ક્યાંકથી, એકાએક પોતાના અરણ્યવાસી તરીકેનાં મૂળિયાં હલબલી ઊઠે છે અને કવિને આશ્વાસન સાંપડે છે. શાનું આશ્વાસન છેક ક્ષિતિજ લગી સરિયામ્ તગતગતી વ્યાકુળતાના ભારઝલ્લા અનુભવની, સાથોસાથ કવિને અચાનક પોતાનું ‘વ્હાલસોયું ગામ’ યાદ આવી જાય છે. જે આંખોને છેક ક્ષિતિજ સુધી ઝાંઝવાં જેવું જ સઘળું દેખાતું હતું તેનાં નેજવે આવીને પેલું નાનકડું ગામ આવીને જાણે બેસી જાય છે. કવિ ખુદથી વેગળા પડી ગયેલા પોતાના નિસર્ગરાગને જાણે ફરી પાછો પોતાના વ્હાલસોયા ગામને નિમિત્તે જગાડે છે અને આધુનિક અરણ્ય જેવી શહેરી વિભીષિકામાંથી પોતાની જાતને માંડ કરાવીને છોડાવે છે. એકાદ પળના આમ વછૂટવામાં પણ કવિને દર્શન લાગે છે. એક તરફ જીવનના અંતકાળનું સ્મારક એવી સોનાપુરી અને બીજી બાજુ પ્રાણીસંગ્રહાલય, એક છેડે મુક્તિ, બીજે છેડે પશુતા. પિંજરમાં પુરાયેલા પ્રાણી માફક, નક્શાની જેમ જીવતા રહેવાની મનુષ્ય નિયતિ સામે સોનાપુરીનો સંકેત બહુ સાર્થક છે. જીવનનું જ્યાં પૂર્ણવિરામ છે તે સ્થાન જેવું છે તેવું પણ મુક્તિનું દ્વાર છે. બાકી શહેર તો ભરચક ભીડ, ધુમાડો, અકળામણ અને બદબૂથી ખદબદે છે. આ ખદબદાટ બહારની પરિસ્થિતિનો નથી, અંદરની પરિસ્થિતિનો છે. દુહા જેવા આપણા પ્રાચીન કાવ્યરૂપમાં કવિએ આધુનિક મનુષ્યની વિભીષિકા અને તેના વરવા રૂપને નિરૂપવાનો પ્રયત્ન કર્યો છે તેમાં કાવ્યરૂપની જે વિડંબના છે તેવી વિડંબના જીવન પ્રત્યેની પણ છે. કવિ નિરંજન ભગતે મુંબઈ મહાનગરની યાતના વિશે બોદલેરનાં કાવ્યોથી પ્રેરાઈને કરેલી રચનાઓ તપાસવા જેવી છે. માણસ પોતે માણસ હોવા વિશેની કેવળ કલ્પના જ કરી શકે તેવી ભયાનકતા વચ્ચેનો ઘેરાવ અને વિખરાવ માણસની અંદર જ કેવો નીપજે છે તેની પ્રતીતિ આધુનિક કવિની અને આધુનિક કવિતાની આગવી ઓળખ છે.