અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/ચાલવું (સંબંધ-વિચ્છેદનું ગીત)


ચાલવું (સંબંધ-વિચ્છેદનું ગીત)

સિતાંશુ યશશ્ચંદ્ર

ફરી ખભે છે કોટ, ફરી મજબૂત છે પગમાં જોડા,
આજ દુબારા અમે એક્‌ઠો તડાક દે કર તોડા.

શરદચંદ્ર બંગાલી આમિ, યૂપીકા દેહાતી,
યા તો હમ તુરકાણ, બિલા’તી, આજ ન હમ ગુજરાતી.

વડોદરેથી ઊપડ્યા, અડધા કલાકમાં કઠમંડુ,
કસ્ટમપસ્ટમ કુછ નહીં, પંખી જાણે ફોડે ઈંડું.

દોહદ, કોટા, દિલ્હી કહેઃ ‘રુક રુક’, હમ ગોટાગોટ,
યૂં પેઠે પંજાબ કે કીધુંઃ ‘હમ પઠાણ. યે કોટ.’

ખંભે કોટ જોઈ પંજાબી કહેઃ ‘લો ખાવ પકોડા.’
આજ દુબારા અમે એક્‌ઠો તડાક દે કર તોડા.

હવે રોટલી દારભાત પાપડને ઉપર ઘી? છી!
હવે તો ચંદરસિંગ બક્સી ભેળા ખાસું મરઘી.

હવે અમે જ્યાં જ્યાં વસીએ ત્યાં ત્યાં ગાયબ ગુજરાત,
રાતનો થઈ જાય દિવસ, દિવસમાં પેઠા તો થાય રાત.

દરેક જંક્શન ઉપર પકડીએ ભૂલથી ખોટી ટ્રેન,
લાલ લટકતી હોય, ન તોયે કદી ખેંચીએ ચેન.

છતાં અમે એકેય મુકામે નથી પહોંચતા મોડા,
વો કૈસે? — વો ઐસેઃ
ફરી ખભે છે કોટ, ફરી મજબૂત છે પગમાં જોડા.

હરેક રસ્તે, હરેક પાટે, હર સિગ્નલ છે લીલા,
હર વળાંક પાછળ હાજર છે એક્સિડંટ ટેકીલા.

પ્રાણ જાય પણ વચન ન જાયે એવા અચૂક હાક્સા,
મારે સ્વાગત ઊભા, કરમાં લઈ ચાકલેટના બક્સા.

પહાડ તેટલા લેન્ડસ્લાઇડ ને પાણી એટલાં પૂર,
‘પવન’ એટલું બોલું કે વાવા લાગે ગાંડોતૂર.

બલૂન બહેક્યાં, જહાજ લહેક્યાં, કાંપ્યા કચ્છી ઘોડા,
ફરી ખભે છે કોટ, ફરી મજબૂત છે પગમાં જોડા

જ્યાં જ્યાં જાઉં ત્યાં જગત, હવે તો જ્યાં પેસું તે પોળ,
હવે જડે જે તે શોધેલું, શાની ખાંખાંખોળ?

જે ઊભું તે પંખી — અધ્ધર ફેંકેલો પથરો પણ,
પથ્થર-પંખી કેટલું જીવશે? વીંઝ, પછી મિનિટો ગણ!

અવળું ગણતો, સવળું ગણતો, પછી માત્ર ગણગણતો,
ઘર મારું તોડીને હું ખંતે ખંડેર આ ચણતો.

તેજ ચીજ લાવ્યો છું, ભઈ, જો હોય તો લાવો સોડા,
આજ દુબારા અમે એક્‌ઠો તડાક દે કર તોડા
(૧૯૯૫)