અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/લાભશંકર ઠાકરની કવિતા


લાભશંકર ઠાકરની કવિતા

સિતાંશુ યશશ્ચંદ્ર

સોજો ચઢેલા શરીરને જેમ દાક્તર અડકે,
એમ તું અમારા મનને અડક, કવિ.

દુખાડ અને જાણ,
એ જ તારી રીત છે.

દરદી કણસે છે, કુટુંબીઓ કકળેછે, ભૂવાઓ હાકલા કરે છે.
ત્યારે તું તારા શાંત અવાજમાં અમને સવાલો પૂછ,
અમારાં ખાનપાન વિશે, ટેવો વિષે, મજબૂરીઓ વિષે અને પૂર્વજો વિષે.

અમે ઘણું બધું ભૂલી ગયાં છીએ.
અમે ઘણું બધું છુપાવીએ છીએ.
ડિલે તાવ ધખે છે ને તોય
લૂ વાતા મેદાનમાં અમે સંતાકૂકડી રમીએ છીએ.
ઘાટ ઘડેલા કે વગર ઘડેલા પથ્થરો પાછળ સંતાઈએ છીએ,
પડછાયા નીચે પડછાયા.

અમને શોધી શોધને તારી ઇસ્પિતાલમાં દાખલ કર,
અમને દેહભાન કરાવ ને ઓસડિયાં પા.

શરબતો પીપીને,
ઢીલી મીઠાઈ લાસલૂસ ખા ખા કરીને,
અન્નને નામે હવે અમને ઊબક આવે છે.

અમારા જઠરમાં આગ લગાડ લાંઘણોની,
તૂરા કડવા રસથી અમારી જીભને ઝાટકા માર,
થોથર ચઢેલી અમારી કાયાની નિર્મમ નિરીશ્વર ચિકિત્સા કર.

બેભાન અમે મરણાસન્ન છીએ,
અમને ભાનમાં લાવ,
અને જિવાડ, કવિ.
(સપ્ટેમ્બર, ૧૯૯૭)