અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુંદરજી બેટાઈ/પંખાળા ઘોડા


પંખાળા ઘોડા

સુંદરજી બેટાઈ

પંખાળા ઘોડા, ગઢ રે કૂદીને ક્યાં ઊડિયા હો જી?
         જરિયે કીધ ના ખોંખાર,
         મૂકી પછાડી અસવાર,
         કીધા અજાણ્યા પસાર;
પંખાળા ઘોડા, ગઢ રે કૂદીને ક્યાં સંચર્યા હો જી?

         તોડી દીધી નવસેં નેક,
         છોડી દીધા સઘળા ટેક,
         આડા આંકી દીધા છેક,
પંખાળા ઘોડા, ગઢ રે ભાંગીને ક્યાં પરવર્યા હો જી!

પંખાળા ઘોડા, ક્યાં રે અગોચર ઊપડ્યા હો જી!
         સૂની મૂકી તૃષ્ણાનાર,
         શીળા આશાના તૃષાર,
         સૌને કરીને ખુવાર,
         ખુલ્લાં મૂકી નવે દ્વાર,
પંખાળા ઘોડા, કિયા રે મુલક તને સાંભર્યાં હો જી!