અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/અહો ગાંધી


અહો ગાંધી

સુન્દરમ્

અહો ગાંધી! સાધી સફર સહસા આમ અકળી,
રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને!
ગયા-ના રોકાયા વચન ‘જઉં છું’ એય વદવા,
ઘડી તો પૃથ્વીનું પણ સ્થગિત હૈયું કરી ગયા!

તમારે ના વૈરી, પણ જગતનાં વૈર સહ હા
તમે બાંધી શત્રુવટ, પ્રણયની વેદી રચવા
ચહ્યું, વિશ્વે અદ્રિ સમ વિચારવા શાંતિસદન.
મચ્યા એ સંગ્રામે કવચ ધરીને માત્ર પ્રભુનું.

ઢળ્યા એ સંગ્રામે! પ્રભુ થકી જ આ ત્રાણ ઊતર્યું?
તમોને વીંધી ગૈ સનન, કરુણા એ શું પ્રભુની?
મનુષ્યે ઝંખેલાં પ્રણય-સતનો સિદ્ધિ-પથ આ
અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ?

હજી રોતી પૃથ્વી પ્રગટ ધરતીનાં રુદન શા
હતા ગાંધી. એને ગત કરી, પ્રભો! તેં રુદનને
વધાર્યાં. ક્યારેયે રુદન સ્મિતમાં ન પલટશે?
કહે, પૃથ્વી અર્થે પ્રગટ તવ આનંદ ન થશે?

         પૂર્ણથી પૂર્ણ એ તારા
                  સત્ય-આનંદનો ઘટ
         અક્ષુણ્ણ, ધરતી તીરે
                  પ્રગટાવ, મહા નટ!



આસ્વાદ: રુદન સ્મિતમાં પલટશે ખરું? – હરીન્દ્ર દવે

સુન્દરમે ગાંધીજી વિશે બે સુંદર કવિતાઓ લખી છે એમાંની એક આશાવાદની કવિતા હતી. એમાં ગાંધીજીના આગમનથી ભારતમાં આવેલા ચમત્કારિક પરિવર્તનની નોંધ લેતાં કવિએ સાશ્ચર્ય કહ્યું હતુંઃ

પ્રભુ, તેં બી વાવ્વાં જગપ્રણયના ભૂમિઉદરે,
ફળ્યાં આજે વૃક્ષો, નરણપથ શું પાપ પળતું!

અહીં ગાંધીજીની વિદાય વેળા છવાયેલા સ્તબ્ધતાના વાતવરણની વાત છે; આખુંયે જીવન જે શાંતિ માટે જીવ્યા એ ગાંધીના મૃત્યુએ કેવી આંધી પ્રગટાવી? એ કંઈ મરણપથારી પર સૂતા સૂતા ‘આવજો, હવે સૌનું ધ્યાન રાખજો’ જેવું કંઈ જ કહેવા રોકાયા ન હતા; એ તો ઓચિંતા જ વિદાય થયા. એમની વિદાયથી આખીય પૃથ્વીનું હૈયું સ્થગિત થઈ ગયું.

ગાંધીને કોઈ વેરી ન હતું. એમણે શત્રુવટ બાંધી હતી જ જગતમાં વેર જેવી જે વૃત્તિ છે તેની સામે. એમની ઝંખના પ્રણયની વેદી રચવાની હતીઃ શાંતિનું ભવન રચવાના એને કોડ હતા. એ નિઃશસ્ત્ર હતા, તો સામે પક્ષે આ દુનિયાનું સૌથી મોટું સામ્રાજ્ય હતું; પરંતુ આ સંગ્રામમાં એને ઊની આંચ પણ ન આવી—પ્રભુના કવચ દ્વારા એમની રક્ષા થતી હતી, પ્રભુની પ્રત્યેના શ્રદ્ધાનું કવચ અભેદ્ય હોય છે.

તો પછી આ સંગ્રામમાં એ જેના વડે ઢળ્યા, એમના દેહમાં ત્રણ વીંધ પાડતી જે ગોળીઓ પરોવાઈ એ શું હતું? કવિ કહે છે, કે ગાંધીજીને જે ‘સનન’ કરતી ગોળી વીંધી ગઈ એ રિવોલ્વરની ગોળીઓ ન હતી, એ તો પ્રભુની કરુણા હતી… પ્રભુએ જ ઉતારેલું ત્રાણ હતું!

જ્યારે પણ કૃષ્ણ કોઈ પારધીના બાણથી ઢળે છે, કે ઈસુનો દેહ લોખંડના ખીલાઓથી જડાય છે કે ગાંધીના દેહને વીંધતી ગોલીઓ છૂટે છે ત્યારે માનવસંસ્કૃતિના ગુંબજમાં શાશ્વતપ્રેમ ગૂંથાતો રહે છે. અસતના હાથે સત્ય હણાય, એ જ શું સત્યના અવતારકાર્યની પરાકાષ્ઠા કે? બર્નાડ શોના સેંટ જોનમાં વેધક પ્રશ્ન પુછાયો છે.

Must then a christ parish in torment in every age to save those that have no imagination? તો શું, પ્રત્યેક યુગમાં આ કલ્પના વિહોણા લોકોને ઉગારવા માટે ઈસુને વેદનાપૂર્ણ મૃત્યુ સ્વીકારી લેવું?

સુન્દરમે એમની આગળની કવિતામાં ‘ગાંધીરૂપે ધરતીનાં સમસ્ત રુદનો પ્રગટ થયાં છે’ એવું કહ્યું હતું. ધરતીના રુદન જેવા ગાંધી ગત થયા ત્યારે આખીયે પૃથ્વી રડી રહી.

આજે પ્રશ્ન એ છે, કે ગાંધીજીએ એ રુદનને સ્મિતમાં પલટાવવાનું જે અવતારકાર્ય ઉપાડ્યું એ આપણે પૂરું કરી શકીશું ખરા?

કવિએ આ કવિતાની પ્રથમ ત્રણ કડીમાં ગાંધીજીને સંબોધન કર્યું છે અને પછી પરમાત્માને… એ મહાનટ જગન્નિયંતાને પ્રાર્થે છે, કે ગાંધીજી જે સત્ય આનંદનો ઘટ છલકાવવા મળ્યા હતા, એને હવે આ પૃથ્વીપટે પ્રકટાવ.

(કવિ અને કવિતા)