અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ જોષી/એકદન્ત રાક્ષસ
એકદન્ત રાક્ષસ
સુરેશ જોષી
એકદન્ત રાક્ષસનાં ખુલ્લાં જડબાં જેવું આ ઘર
મગરબરછટ એની સિમેન્ટત્વચા
દાખલ થતાં જ હીંચકો
ચીંચવાતો કચવાતો ડાકણ ડચકારો
ઝૂલે એના પર હવાનું પ્રેત.
પછી આવે દીવાનખાનું
ભીંત પર ફોટા
પીળા પડી ગયેલા ભૂતકાળનાં ચાઠાં
આ શયનગૃહની અન્ધ ખંધી બારી
જોતી ગુહ્ય આદિમ સ્વપ્ન
એની પાસેથી ચાલી જાય છે
વીજળીના તારની સીધી નૈતિક રેખાઓ.
પણે ગોખલો
એમાં બેચાર દેવનો સરવાળો
ઘીનો દીવો –
ધર્મનું આશ્ચર્યચિહ્ન!
ડાલડાના ડબ્બામાં ઉછેરેલાં તુલસી
ખૂણાઓના શ્યામ સાથેના વિવાહના કોડભર્યા અન્ધકાર
ટ્રેજેડીના નાયકની અદાથી કર્યા કરે છે આત્મસંલાપ.
માળિયામાં આપઘાત કરવાનું ગમ્ભીરપણે વિચારતો બેઠેલો ઉંદર
માળિયામાંથી દેખાતું મેલું મરિયલ આકાશ
કદીક એકાદ તારો,
એની પછી જ હશે ને સ્વર્ગ?
મે: 1968