અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિકૃષ્ણ પાઠક/ઘટના એવી


ઘટના એવી

હરિકૃષ્ણ પાઠક

ઘટના એવી કંઈ અણઘટી
કેમે ના પરખાય એવડી ઊંડી ને અટપટી
ઘટના એવી કંઈ અણઘટી.

કિયે વાયરે ઊઠી એમાં કોણે પૂર્યા રંગ,
સાન કશી ના મળે છતાં સૌ સાંભળનારાં દૃગ.
ઘડીક ઊજળે અંગે, ઘડીમાં મેલી માથાવટી.
ઘટના એવી કંઈ અણઘટી.

મૂળ જડે નહિ મનમાં, તનમાં ફેલાવે કંઈ તાપ,
ગયું કોઈ પ્રગટાવી કે એ પ્રગટી આપોઆપ?
મથું ખાળવા ત્યાં તો ભાળું – જતા વેળની વટી.
ઘટના એવી કંઈ અણઘટી.

અસમંજણના અણઘડ આંટે અથરો અથરો બેસું;
પરોવાઈને વળતો પાછો, પાછો વળતો પેસું...
ખરેખર કંઈ થયું ન’તું તો ગયું હવે શું મટી?
ઘટના એવી કંઈ અણઘટી.
(પરબ, એપ્રિલ ૨૦૦૬, ‘ઘટના ઘાટે’, પૃ. ૯)



આસ્વાદ: વણઘટી ઘટનાનો વિસ્મય – રાધેશ્યામ શર્મા

કૃતિનું શીર્ષક પ્રથમ પંક્તિમાં વણાઈ આવ્યું. ‘ઘટના એવી’ વાંચતાં ભાવકને થાય કે ‘ઘટના કેવી?’ તો ખુલાસો તરત મળ્યો, એવી કંઈ ‘અણઘટી.’ તાત્પર્ય કે કદી ઘટી નથી એવી ઘટના. અહીં ઘટી ગયેલી ઘટનાની વાત ન–હોય; નથી, છતાં કંઈક નવતરું કથવું છે; અકથ્ય હોવા છતાં કથ્યના ક્ષેત્રમાં વ્યક્ત કરવું છે એટલે પંક્તિ ઘડી: ‘કેમે ના પરખાય એવડી ઊંડી ને અટપટી.’ કાળ અને ક્ષેત્રના પરિમાણની ભાષામાં આટલુંક ચપટીક કહી શકાય કે પેલી ઘટના ઊંડી ને અટપટી છે, માટે તો કેમે કરી પરખાય એવી નથી.

‘ઇતિ–હ–આસ’ શબ્દ સૂચવે છે, આમ આવી ઘટના ઘટી હતી. એક જર્મન લેખકે હિસ્ટરી અને સ્ટૉરી વિશે લખેલું પ્રસ્તુત છે:

History tells now it was,
A story – how it might have been.

ઇતિહાસસ્થિત ઘટના ભૂતકાળ સાથે જોતરાયેલી છે. જ્યારે વાર્તાની ઘટના, એ કેમ ઘટી હશે એની કલ્પકતા સાથે સં–કળાયેલી છે. અહીં સરસ કવિતા છે.

તો અહીં સર્જક ઊંડી, અટપટી પ્રતીત થયેલી અણઘટેલી, કદાચ અણ–ઘડેલી ઘટનાની આકૃતિ કંડારી રહ્યા છે.

ઘટના શબ્દોને છૂટો પાડી જોઈએ! ઘટ–ના ઘાટે જુદી જ ઘટના ઘટે. ‘ઘટ’ એટલે ઘડો, કુંભ, હૃદય, દેહ, મન. આવી ઘટ-નદીના ઘાટે ઊંડી અટપટી અણઘડી અશીકશી ઘટના ભજવાઈ ગઈ છે.

પરખાય એવી નથી એટલે બાવન મૂળાક્ષર બહાર ‘બાવન બહાર’ની ખરી.

દલપત પઢિયાર જેવા મુક્ત કંઠે ગાઈ શકે એવી ગીતનુમા રચનાનો પહેલી ત્રણ કેડીઓનો અંતરો ફિનોમિનાની ઉદ્ભટ ઍબ્સર્ડ ચાલનો અણસાર આપે છે. ‘કિયે વાયરે ઊઠી’ વાંચતાં સાંભરી આવે, વા વાયો ને નળિયું ખસ્યું. ‘કોણે પૂર્યા રંગ’માં ‘કોણે’ શબ્દથી અજ્ઞાત તત્ત્વની જિકર, સાનભાન બહારની બીનાથી સૌ સાંભળનારા દંગ! શાથી કે ઘડીક ઊજળે અંગ, ઘડીમાં મેલી માથાવટી.

ગ્રામમેળામાં એક માણસ ફુગ્ગા વેચવા, બધાંનું ધ્યાન કર્ષવા હવામાં રંગબેરંગી ફુગ્ગા ઉડાડતો હતો. છેલ્લે શ્વેત રંગનો ઊજળો ફુગ્ગો ઉડાડ્યો તેવે એક કાળામેશ હબસીનું શિશુ દોડી આવ્યું, કહેવા લાગ્યું – તમે ધોળાની જેમ કાળા ફુગ્ગાને ઉપર આકાશમાં મોકલેલો તો શું તેય બીજા બધાની પેઠે ઊંચે એટલો જ પહોંચશે? ફુગ્ગાવાળાએ તરત કાળો ફુગ્ગો છોડી મૂક્યો ને બોલ્યો, ઉપર પહોંચવા માટે કોઈ ખાસ રંગની નહીં, અંદરના તત્ત્વની જરૂર છે!

અહીં તો ઘડીક ઊજળો, તો ઘડીકમાં પલટો મારી મેલી
મથરાવટીવાળો કાળવો અંગરંગ ક્યારે ઝબકાવી જાય એ
કહેવાય નહીં. અણઘટી ઘટનાનું આ પણ એક ચરિતર નહીં?

એક કણબી વેવાઈના ગામ જવા ગાડામાં જતા હતા. સાથે વાળંદ આલતો’તો એને ગાડામાં પગચંપી કરવા બેસાડી દીધો, ત્યાં એનો સગો નીકળ્યો તો તેણે પૂછ્યું, ‘ઘરે કૈ’ કે’વરાવું છે? તો વાળંદ બધું વટ પાડવા બોલ્યો, ‘દેખ્યું તેવું કે’જો’ (એટલે કે હું વહેલે ચઢી જાઉં છું એમ કહેજો). કણબી ભાયડાએ તરત એને હેઠે ઉતારી બેચાર ખાસડાં મારી પેલાના સગાને કહ્યું, ‘આ પણ દેખ્યું તેવું કે’જે!’ ઘટનાના રંગ–તરંગ આવાય હોય જેમાં પેલી માથાવટીના ખેલ પણ ઝળકી જાય!

બીજા અંતરમાં અણઘટી ઘટના અંગેનું મનોદૈહિક વાતાવરણ વર્ણવાયું છે. તાપસંતાપ પ્રસરાવતી બીનાનું મૂળ ન મનમાં, ન ત નમાં જડે. આવા ઉત્તાપની જ્વાળા કોઈ વણજાણ્યું પ્રગટાવી ગયું કે એની મેળે આપોઆપ ઊભર્યું? દૈ જાણે! કવિ–નાયક આગ ખાળવા મથે ત્યાં તો ભાળી જાય છે: ‘જતી વેળને વટી.’ (અહીં ‘અટપટી’ ‘માથાવટી’ સાથે આવતો ‘વટી’નો પ્રાસ–પ્રયોગ કવિને સલામ પાઠવવા પ્રેરે એવો છે). ભાગતા ભૂતની ચોટલી પકડાય? એના જેવી સ્થિતિમાં જતી વેળને, જતી ઘડીને બલકે જતાં કાળાંશને સર્જકચેતના સાક્ષીભાવે માત્ર ન્યાળીભાળી રહે એવું વર્ણન સૂક્ષ્મ છે.

અંત્ય કડીઓમાંની પહેલી, કાવ્યનાયકની અધીરી પ્રકૃતિને ‘અથરો અથરો’ બેસું એવા પુનરાવર્તનથી તો મઢી છે પણ ‘અસમંજસના અણઘડ ઓટે’ નિરૂપી ‘પરોવાઈને વળતો પાછો, પાછો વળતો પેસું…માં સોયદોરાની ચંચળ ગતિનું રિમોટ કલ્પના પણ સંકેલ્યું છે.’

છેલ્લી કડી, નહીં ઘટેલી ઘટનાનું અવ્યાખ્યેય અનુપમ રૂપ અંકે કરીને જંપતી નથી પણ નાયકની દર્દવ્યથાને આબાદ અભિવ્યક્તિ અર્પી રહી છે. વાસ્તે કવિશ્રી હરિકૃષ્ણ પાઠકને સાધુવાદ.

ખરેખરું કંઈ થયું ન‘તું
તો
ગયું હવે શું મટી?

ઘટના કોઈએ ઘડી નહોતી, ઘટીયે નહોતી તોપણ એ શાશ્વત પ્રશ્ન મૂકતી ગઈ, ‘ગયું હવે શું મટી?’ આ તો ભવરોગ નહીં? દર્દ મટી ગયું નથી, મટી જનારું નથી ત્યાં –

મીરા સાંભરી આવી, મેરા દરદ ન જાને કોઈ…


(રચનાને રસ્તે)