અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/માંડ રે મળી છે
માંડ રે મળી છે
હરીન્દ્ર દવે
માંડ રે મળી છે અલ્યા, ઉજ્જડ આ સીમ,
આમ અળગો અળગો તે શીદ ચાલે,
આંકડિયા ભીડી લે લજ્જાળા છેલ!
ભલે એકલદોકલ કોક ભાળે.
મૈયરનો મારગડો મેલી દીધો છે હવે
મોકળું મૂકીને મન ફરિયે,
આંખના હિલોળે ઝૂલી લઈએ વ્હાલમ,
થોડું નેહના નવાણ મહીં તરીએ,
સાંજ ક્યાં નમી છે? હજુ આટલી ઉતાવળ શું?
વેળ થ્યે લપાઈ જશું માળે.
હમણાં વંકાશે વાટ સાસરિયે જાવાની,
થંભી જશે થનગનતી પાની,
નીચાં ઢાળીને નેણ ચાલીશું રાજ,
અમે લાજ રે કાઢીશું વ્હેતા વા’ની;
મોકો મળે તો જરા ગોઠડી કરીશું
ચોરીછૂપીથી આંખડીના ચાળે.