અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હર્ષદ ત્રિવેદી/પહાડની એક પળ
પહાડની એક પળ
હર્ષદ ત્રિવેદી
છાતી ઉપર હાથ મૂકીને કોઈ પડ્યું હો આડું સામે એમ પડ્યો છે પહાડ,
હળવે રહીને શ્વાસ લિયે ત્યાં ઊગી નીકળે દેહ ઉપર કૈં નાનાં-મોટાં ઝાડ!
પર્ણે પર્ણે પથ્થરિયો મલકાટ ખરે ને ઊડે હવામાં પછી ખીણમાં જડે,
ધુમ્મસ વચ્ચે માર્ગ શોધતા હણહણતા અશ્વો ને એના દૂર ડાબલા પડે.
અંધારાને લૂંટી લેવા તેજ તણી તલવારો લઈને કોણ પાડતું ધાડ?
છાતી ઉપર હાથ મૂકીને કોઈ પડ્યું હો આડું સામે એમ પડ્યો છે પહાડ.
એમ થતું કે હમણાં લાંબા હાથ થશે ને આળસ મરડી પડખું જો ફેરવશે,
સંધ્યા થાશે, રાત થશે ને પારિજાતનાં ફૂલો જેવા તારાઓ ખેરવશે.
આંખ જરી ઘેરાતી ત્યાં તો વાદળ આવી ઓઢાડી દે મખમલિયો ઓછાડ!
છાતી ઉપર હાથ મૂકીને કોઈ પડ્યું હો આડું સામે એમ પડ્યો છે પહાડ.