અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હર્ષદ ત્રિવેદી /પરંપરા


પરંપરા

હર્ષદ ત્રિવેદી

ઑફિસેથી આવીને
ટેવ મુજબ
ડોરબેલ વગાડવાને બદલે
બારીમાંથી ડોકિયું કરીને
દીકરાને હાઉક કરવા વિચારું છું
પણ, થીજી જાય છે મારું હાઉક,
ખોડાઈ જાય છે નજર!
ઘરમાં
દીકરો મારા સ્વર્ગસ્થ બાપુજીની
બંડી પહેરી,
બેય હાથ ખિસ્સામાં નાંખી રોફભેર
આંટા મારી રહ્યો છે!
હું તેને ખબર કે ખલેલ ન પડે એમ
પાછલે બારણેથી
ચૂપચાપ આવી જાઉં છું
અંદરના ઓરડામાં.
એક જૂની
પતરાની પેટીમાં જાળવીને રાખેલો
મારા દાદાનો ફાટેલા અસ્તરવાળો,
કોટ કાઢું છું.
મારો એક હાથ એની બાંયમાં જાય છે,
અદ્ધર જ રહી જાય છે બીજો હાથ,
કેમ કે
કોટ ખભેથી ટૂંકો પડે છે!
હતો એમ પાછો ગડી વાળીને મૂકી દઉં છું,
ફિનાઈલની ગોળીની ગંધ ઘેરી વળે છે
આગળ આવીને જોઉં છું તો –
બંડી અસ્તવ્યસ્ત પડી છે પલંગ પર
ખુલ્લું ફટ્ટાસ બારણું મૂકીને
દીકરો તો રમવા ચાલ્યો ગયો છે શેરીમાં
ક્યાંક દૂર!
હું બંડી અને કોટની સાથે
મારું ઈસ્ત્રીબંધ શર્ટ મૂકીને
એક ઊંડો શ્વાસ લઈ લઉં છું!



આસ્વાદ: બાપુજીની બંડી પહેરી આંટા મારી રહ્યો છે – રાધેશ્યામ શર્મા

રચનાનું શીર્ષક ‘પરંપરા’ ભાવકને કઈ દિશામાં દોરી જાય?

પોતાના વર્તમાનથી ઘણી આગળ વ્યતીતમાંથી વહી આવતી ને પેઢી દર પેઢી રેલાઈ રહેતી અવિરત ધારા એટલે પરંપરા. એને આધુનિક પારિવેશિક પરિભાષામાં વર્ણવવી હોય તો એને ધારાવાહિક ચૅનલ કે કથા કહી શકાય; વ્યક્તિના જેહનમાં, એના ડી.એન.એ.માં વણાઈને પ્રસંગોપાત્ત તે પ્રગટ થતી હોય છે.

કર્તાએ કૃતિના પ્રોઝ–પોએમના માળખામાં બધા સ્તબકો. પંક્તિઓના ટકડા પાડી જે રીતિએ રચ્યા છે એ સીધી સળંગ એક લીટીમાં લખી શકાય. પણ આની તો જુદી મજા છે. નાની–મોટી કડીઓના વિરામને બદલે સળંગ લીટીમાં લખ્યું હોત તો કર્તાનો પંક્તિ અનુસરતો વિરામ–લય પ્રાપ્ત ના થાત.

પ્રથમ સાત કડીના સ્તબકમાંથી પસાર થતાં તરત પામી જવાય કે કૃતિની આકૃતિ કથન–કાવ્યની છે. તદ્દન સીધીસાદી શિશુસહજ શૈલીમાં પિતાનો ગૃહપ્રવેશ એક પ્રકારના સ્તબ્ધ વિસ્મયમાં ફ્રેમ થયો છે.

ડોરબેલ વગાડ્યા વગર બાપ, બારીમાંથી પુત્રને ‘હાઉક’ જેવા જરીક ભય પમાડી હસાવવાના અવાજ સાથે આશ્ચર્ય આપવાની ચેષ્ટા કરવા વિચારે છે ત્યાં તો ઊલટાનો પોતે જ નવાઈની નવાજીશમાં જોતરાય છે;

પણ, થીજી જાય છે મારું હાઉક,
ખોડાઈ જાય છે મારી નજર!

‘હાઉક’ ફ્રિઝ શોટમાં પરિણમે છે. પિતાએ પુત્ર સંબંધે એવું શું જોયું કે જેથી નજર ખોડાઈ ગઈ?

બીજા સ્તબકમાં અચંબાનો ખુલાસો છે. કાવ્યનાયકનો દીકરો, પિતાના પણ પિતા એટલે કે દાદાજી–જે સ્વર્ગે સિધાવ્યા છે એમની બંડી ચઢાવી, કદાચ બાપદાદાની અદાથી બેય હાથ ખિસ્સામાં નાખી રોફભેર આંટા મારી રહ્યો છે! પરિસ્થિતિની નાજુકતા સાચવી બાપ, દીકરાને ખલેલ ખબર ના પડે એમ પાછલે બારણેથી ચૂપચાપ અંદરના ઓરડામાં પહોંચી જાય છે.

કર્તાની સર્જકક્ષમતાનો અંદાજ હવે અનુવર્તી પંક્તિઓમાં મળે છે. પિતા, નાયકને શું સૂઝે છે કે અંદરના ઓરડે પેસી જૂની પતરાની પેટીમાંથી દાદાનો જર્જરિત કોટ કાઢી પહેરવા મથે છે પણ નિષ્ફળ જાય છે.

આ લખનારને ‘અંદરનો ઓરડો’ અજ્ઞાતચિત્તનું ગર્ભગૃહ અને જૂની પતરાની પેટી પરમ્પરાના પ્રતીક રૂપે વસી ગયું, ઠસી ગયું. પોતાના દીકરાએ એના દાદાની પરંપરા પરિધાન કરવાની અદાકારી કરી તો એના પિતાએ પુત્રની પરમ્પરાને અનુસરી પોતાના દાદાનો વારસો (હેરિટેજ) — કોટ પહેરવાના પ્રયાસમાં મથામણ કરી તો કોટ ખભેથી ટૂંકો પડે છે અને ‘અધ્ધર જ રહી જાય છે બીજો હાથ’ (પરમ્પરા સાથે, વારસા સાથે પુખ્ત પૌત્રની ચેષ્ટા ‘શેકહૅન્ડ’ માટે તત્પર છતાં નાકામયાબ રહે છે. સિમ્બૉલિક ઍકશનનું તાત્પર્ય એ કે પરંપરા પણ ટૂંકી પડે છે) કોટની વર્ષોપુરાણી ગડી વાળીને પૂર્વવત પેટીમાં તે મૂકી દે છે, અને ‘ફિનાઈલની ગોળીની ગંધ ઘેરી વળે છે.’

ઘરગથ્થુ વપરાશની વસ્તુ ફિનાઈલની ગોળીના વિનિયોગમાં સેન્સ ઑફ ટાઇમિંગ અને ‘ગંધ’ના ઉલ્લેખમાં ‘આગુ સે ચલી આતી હૈ’ એવી વિરાસતની અપર્યાપ્ત દશા સૂચવાઈ છે.

કોટ પેટીમાં પૂરીને પિતા નાયક બહાર આવી જુએ છે તો પુત્રે પહેરેલી બંડી પણ અસ્તવ્યસ્ત પડી છે (મતલબ ઉસકો ભી વિરસા વિરાસત રાસ ન આઇ!) અને ‘ખુલ્લુંફટાસ’ (શબ્દનો ધ્વનિગત સરસ ઉપયોગ) બારણું મૂકીને ‘દીકરો તો રમવા ચાલ્યો ગયો છે શેરીમાં ક્યાંક દૂર!’ રમણ–ભ્રમણ ઉત્તેજતી શેરીની કેડી પર – જાણે પૂર્વજ પરમ્પરાથી ક્યાંક–ક્યાંનો ક્યાંય–દૂરસુદૂર દીકરો તો ચાલ્યો ગયો! હવે?

હું બંડી અને કોટની સાથે
મારું ઇસ્ત્રીબંધ શર્ટ મૂકીને
એક ઊંડો શ્વાસ લઉં છું!

જરીપુરાણી બંડી–કોટની સંગાથે નાયક પોતાનું ઇસ્ત્રીબંધ શર્ટ મૂકીને એવા સંકેત વેરે છે? એને પરંપરા સાથે અનુકૂલન સાધવું છે? ભલે દીકરો દૂર વિ–દૂર સંચરી ગયો પણ વારસા સાથે ઊંડો શ્વાસ ભરી લઈ પોતે તો પૂર્વજધારામાં વહી રહેવા ચાહે છે.

(ર)

પ્રસ્તુત પ્રાસંગિક સંદર્ભમાં, ચાર્લી ચેપ્લિનની આત્મકથામાંની એક ઘટના યાદ આવી. ચેપ્લિન પાંચ જ વરસનો. ગજબ ગરીબાઈના કારણે વૃદ્ધ માતા સ્ટેજ પર ગાવા જતી. એક દિવસ માંદી મા ગાઈ ના શકી, ધ્રુસકે ધ્રુસકે રોતી વિંગમાં પાછી ફરી. મૅનેજરે કહ્યું, ‘ચાલ છોકરા, તારી માની અદાથી તું ગાઈ નાચી બતાવીશ?’ ચાર્લીએ ભારે જાતભરોસાથી ‘હા’ કહીને માતાની આબાદ મિમિક્રી કરી તાળીઓ મેળવી. કાર્યક્રમ બાદ માની આંગળી પકડી બોલેલો, ‘ચાલ મા, ઘરે જઈએ, હું જ હવે ગાઈશ, નાચીશ અને ઘણાબધા પૈસા કમાઈશ.’

આમ માતાનો વારસો, માતૃપરમ્પરા ચેપ્લિને જાળવી ને પૂરી ઉંમર ‘મધર્સ હૅરિટેજ–ડે’ રૂપે ઊજવ્યો! ‘હૅરેડિટી’ની વ્યાખ્યા અંગ્રેજી ભાષામાં, વાંચવા જેવી છે:

‘When a tin–age boy winds up with his mother’s big brown eyes and his father’s long yellow convertible.’

‘સમીપે’–૧૭માં છપાયેલું, ‘પરંપરા’ કાવ્ય, પિતા–પુત્રના વ્યતીત–વર્તમાન અનુસન્ધાનને પ્રતીકાત્મક પ્રવિધિપૂર્વક એટલી સહજતાથી મૂર્તતા અર્પી છે કે કહેના પડે, હૅટ્સ ઑવ ટુ હર્ષદ… (રચનાને રસ્તે)