અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસમુખ પાઠક/ઠાકોરજી - મા
ઠાકોરજી - મા
હસમુખ પાઠક
એક વાર માએ કહ્યું:
(મા મારી ગુરુ)
આ ઠાકોરજી સામે જો!
આ ઠાકોરજી તો પથ્થર છે.
એ ઠાકોરજી કેવી રીતે? — મેં પૂછ્યું.
જે તારી અંદર છે, તે જ
અહીં બહાર સર્વત્ર બિરાજે છે.
અંદર જો, બહાર જો!
તે કેવી રીતે
મારી સામે જોતો હોય એમ જો!
મેં ઠાકોરજી સામે જોયું, મા સામે જોયું.
માના શબ્દથી
ઠાકોરજી મા થયા.
(જાગરણ—પાછલી ખટઘડી, પૃ. ૮)