અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘બેફામ’ બરકત વીરાણી/વૃક્ષો ઉગાડે છે
વૃક્ષો ઉગાડે છે
‘બેફામ’ બરકત વીરાણી
જગતના ભેદ ઢાંકે છે કોઈ, કોઈ ઉઘાડે છે;
ધરે છે હુશ્મ પરદાઓ, મહોબ્બત વસ્ત્ર ફાડે છે.
પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે,
ઘણાં પ્રારબ્ધને જળ છાંટીને એમ જ જગાડે છે.
જીવનનો કેફ કઈ રીતે મળે આ દંભી દુનિયામાં?
કોઈ પીતું નથી, સૌએ ફક્ત હોઠે લગાડે છે.
જગતના દુઃખથી ત્રાસ્યા હો, તો દુઃખ રાખો મહોબ્બતનું,
એ એવું દર્દ છે જે સર્વ દર્દોને મટાડે છે.
ભલા, આ શ્વાસ પણ કેવો જીવનનો બોજ છે કે સૌ
ઉપાડીને મૂકી દે છે, મૂકી દઈને ઉપાડે છે.
સ્વમાન એવું કે શીતળતા નથી મળતી સહારામાં,
હું જો બેસું છું પડછાયા નીચે, એ પણ દઝાડે છે.
કિનારે જઈને પણ મારે તો છે અસ્તિત્વ ખોવાનું,
સમંદરમાં મને તોફાન, તું મિથ્યા ડૂબાડે છે.
અહીં ‘બેફામ’ જીવતાં તો કદી છાંયો નહીં મળશે,
અહીંના લોક કબરોની ઉપર વૃક્ષો ઉગાડે છે.