અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘રાઝ’ નવસારવી/થઈ છે ચમનની એવી દશા


થઈ છે ચમનની એવી દશા

‘રાઝ’ નવસારવી

થઈ છે ચમનની એવી દશા ઇન્કિલાબમાં,
ખુશ્બૂ રહી નથી હવે કોઈ ગુલાબમાં.
આભાસ થાય છે ને અનુભવ થતો નથી,
જીવું છું એવી રીતે કે જાણે છું ખ્વાબમાં.
જેથી બીજાને ફૂલ સરળતાથી સાંપડે,
કાંટા ચૂંટીને જાઉં છું હું ફૂલછાબમાં.
મારી ખુશીનું દૃશ્ય હકીકતમાં એ જ છે,
બાળક હસી ઊઠે છે કદી જેમ ખ્વાબમાં.
દીવાનગીનો ‘રાઝ’ હશે એ કયો પ્રકાર?
શોધું છું મારું નામ હું કોરી કિતાબમાં.
(ઊર્મિનાં શિલ્પ, ૧૯૮૨, પૃ. ૧)