અલ્પવિરામ/તને જોવાને જ્યાં —

જે કંઈ હસતું

તને જોવાને જ્યાં —

તને જોવાને જ્યાં નયન પરના પક્ષ્મ-પરદા
ઉપાડું છું, – જાણે ઘનતિમિરઘેરી પૃથિવીની,
ઉષાકાલે, જોવા અધિક સુષમા, પૂર્વરવિની
પ્રકાશે આંજેલી અભિનવ ખુલે દૃષ્ટિ વરદા.

તને ત્યાં તો ન્યાળું પલપલ નિરાલી, નિત નવી,
લહું તારા પૃથ્વી જલલહર ને વાયુ સરખી,
બધાં ચાંચલ્યોમાં અતિવ તુજને ચંચલ સખી;
ઉરે ના અંકાતી અસલ તુજ શી રે તુજ છવિ.

અને ત્યારે પાછા નયન પરના પક્ષ્મ-પરદા
પડે, ત્યાં તો શી સત્વર અચલ અંધારમહીં રે
રહસ્યોની સૃષ્ટિ સરલ ઉઘડે, સ્પષ્ટ લહી રે
તને ત્યાં તો, ન્યાળું અસલ જ, જહીં તું તું જ સદા !
કશી અંધારા શી અવિચલ તહીં તું વિલસતી !
અનન્યા શી ધન્યા ! ધ્રુવ અચલ સ્વત્વે તું હસતી !

૧૯૫૨
 
(મૂળ કાવ્યસંગ્રહ ‘અલ્પવિરામ’માં આ કાવ્ય નથી)