અલ્પવિરામ/માનુનીને

માનુનીને

હે માનુની, હ્યાં જડતા ધરીને
પાષાણ છે જે તુજ પાસમાં પડ્યો,
જે રુક્ષતા અંતર સંભરીને
જણાય છે નિત્ય કઠોર શો ઘડ્યો;
કાલાંતરેયે કદી કોઈ કાળે,
ઉત્ક્રાંતિના આ ક્રમમાં, અજાણ
એ મંજરી થૈ મૃદુ કોઈ ડાળે
પ્રફુલ્લશે, પથ્થરમાંય પ્રાણ;
એ ભાવિના પંથપ્રયાણને વિશે
પળી, હવે કૈંક વિકાસલ્હાણે
પડ્યો અહીં છે તુજ પાસમાં દીસે;
સંભાળ, જાણે અથવા અજાણે
એને જરી ચરણ રે તવ જો, અડે ના;
ને ભૂતકાલ નિજનો સ્મરણે ચડે ના!