અવતરણ

Avataran title-350x557.jpg


અવતરણ

રમણ સોની



‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.



લેખક-પરિચય


ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે. રમણ સોની





પુસ્તક-પરિચય


આ પુસ્તક(2016)માં ઉત્તમ વિવેચકો, વિચક્ષણ વિચારકો અને પ્રતિભાવંત સર્જકોના વિવિધ વિષયો પરના વિચારઅંશો ઝિલાયેલા છે. એથી આ નાનું પુસ્તક ખૂબ સમૃદ્ધ બન્યું છે. આ વિચારોની પસંદગી તથા વિષયક્રમને આધારે ઇચ્છિત મુદ્દો શોધીને વાંચી શકવાની યોજના આ સંગ્રહને વિશિષ્ટ બનાવે છે. એક બીજા અર્થમાં આ સંપાદન મુક્ત સંચય છે. એથી નિજાનંદે કોઈપણ પાનું ખોલીને કોઈપણ વિચારને માણવાની અહીં સગવડ છે. વૌવિધ્ય અને વ્યાપ એકસાથે રજૂ થયાં હોવાથી વિવેચન અને વિચારનું એક ગતિશીલ ચિત્ર અહીં પ્રાપ્ત થાય છે.

વળી દરેક પાને તે તે વિચારના લેખક, એ અંશ જેમાંથી લીધેલો છે એ પુસ્તકનું નામ, પ્રકાશન વર્ષ – જેવી વિગતો નોંધેલી હોવાથી વધુ જિજ્ઞાસુ અભ્યાસીને મૂળ ગ્રંથ સુધી જવાની સગવડ પણ મળે છે. પુસ્તકને અંતે આપેલી લેખક-અનુવાદકોની અને ગ્રંથ-સામયિકોની સૂચિ વાચકને સહાયક બને એવી છે. આ પુસ્તક સંપાદનની શાસ્ત્રીયતાનું અને સંપાદકની સજ્જતાનું નિદર્શન આપે છે. પુસ્તકની મુદ્રણ-સજાવટ પણ કલાત્મક છે. રમણ સોની




Avataran (Quotations by Prominent writers)
Edited by Raman Soni
Pratyaksha Prakashan, Vadodara, 2016


મુદ્રણ-અધિકાર : રમણ સોની
પ્રત : 500
પૃષ્ઠ : 12 + 100
કિંમત : રૂ. 80/-


પ્રકાશક :
શારદા સોની
પ્રત્યક્ષ પ્રકાશન,
18, હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, વડોદરા-15


મુદ્રણ-અંકન :
'મહેશ ચાવડા
દિયા અક્ષરાંકન, વાસણા(બો), તા. બોરસદ, જિ: આણંદ-388540
મો. 99091 00127


મુદ્રક :
ભગવતી મુદ્રણાલય અમદાવાદ 16.
ફોન 079 22167603



અર્પણ


હેમન્ત દવે અને હર્ષવદન ત્રિવેદીને –






આરંભે બે વાત …


ગુજરાતી તેમજ અન્યભાષી વિવેચકો-વિચારકો-સર્જકોના પ્રભાવક અને વિશિષ્ટ વિચારઅંશોનો આ સંકલિત સંચય છે. ‘પ્રત્યક્ષ’ના છેલ્લા પૂંઠે, આવા વિચારખંડો મૂકવાનું રાખેલું અને વાચકોને એમાં રસ પડેલો – એકાદ વાર, કોઈ કારણસર એ ખંડ મૂકવાનો રહી ગયેલો ને તરત કેટલાકે પૂછેલું, આ વખતે વિચારખંડ કેમ નથી? ત્યારથી વિચારેલું કે આ બધા વિચારખંડોનું સંપાદન કરવું જોઈએ.

છેક 1991થી આ ક્રમ ચાલતો રહ્યો છે – પહેલો જ વિચારખંડ નર્મદનો જાણીતો ‘ટીકાવિદ્યા’ વિશેનો હતો. વચ્ચે પાંચ-સાત અંકોમાં, છેલ્લે પાને જાહેરખબરો લીધેલી ત્યારે, એ ક્રમ અટકી ગયેલો તે (જાહેરાતો ત્રીજે પૂંઠે લેવાનું રાખીને) ફરીથી તરત શરૂ કરેલો.

*

24 વર્ષમાં આવા અવતરણ-ખંડોનું પ્રમાણ ઠીકઠીક થયેલું. સંકલિત કરવાનું આવ્યું ત્યારે જોયું કે એમાંનાં કેટલાંક અવતરણો, પ્રાસંગિક હોવાથી, ન સાચવીએ તો ચાલે એમ હતાં. એટલે એને સ્થાને કેટલાંક નવાં ઉમેરી લીધાં. ને એમ 96 અવતરણો સંકલિત કર્યાં.

અવતરણો એકસાથે સામે આવ્યાં ત્યારે ખ્યાલ આવ્યો કે વિચારોનું, વિષયોનું, અભિવ્યક્તિનું કેટલું બધું ચિત્તાકર્ષક વૈવિધ્ય એમાં આવેલું છે! વળી, એ વિષયોની – લેખકોનાં વક્તવ્યોમાંથી પ્રગટતા મુખ્ય સૂરોની – યાદી કરી ત્યારે એમ થયું કે આનો જો વિષયક્રમ કર્યો હોય તો અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી પણ નીવડે. આ વિષયક્રમને આધારે તે તે અવતરણ-ઘટક સુધી પહોંચી શકાય અને અભ્યાસની જરૂરિયાત મુજબ એ વિચારોનું સંકલન કરી શકાશે.

જોકે, આ અવતરણ-સંચયનો પહેલો અને રસપ્રદ ઉપયોગ તો નિજાનંદી વાચનનો જ છે. કોઈ પણ પાનું ખોલતા જાઓ અને એમાંના વિચાર-વિશેષને માણતા જાઓ.

પરંતુ, એમ યથેચ્છ વાંચતાંવાંચતાં પણ અભ્યાસી-વિદ્યાર્થીઓના મનમાં આપણાં વિચાર-વિવેચનની સમૃદ્ધિનો તૃપ્તિકર સંચાર થતો જાય, એ પ્રયોજન અગ્રસ્થાને રહ્યું છે. પછી એમાંથી જ સંદર્ભો તરફ જતો રસ્તો ખૂલે એવી વ્યવસ્થા કરી છે. પ્રત્યેક અવતરણમાં લેખકનામની નીચે પુસ્તક-નામ, એનું વર્ષ, બન્યું ત્યાં એનો પૃષ્ઠક્રમ પણ મૂકેલાં છે. એનો આધાર લઈને મૂળ સ્રોત સુધી પહોંચી શકાશે.

છેલ્લે બે સૂચિઓ પણ મૂકી છે. લેખક (કર્તા, અનુવાદક) સૂચિ અને ગ્રંથ-સામયિક સૂચિ. આ અવતરણ-સંકલનનો વ્યાપ એનાથી સૂચવાય છે ને વળી, એમાં એક પ્રકારની વાચક-સહાયકતા પણ છે – લેખક કે પુસ્તકના તંતુએ પણ વાચક અવતરણ-ઘટકોમાં જઈ શકશે.

એક હાથવગી પુસ્તિકારૂપે આ સંપડાવવું હતું, એથી પુસ્તકનું નામ પણ કશા ભારવાળું નહીં, પણ સહજભાવે જ ‘અવતરણ’ રાખ્યું છે.

આશા છે કે વાચકોનાં ચિત્તહૃદયમાં આ અવતરણો પ્રસન્નતાપૂર્વક ઝમતાં રહેશે.

– રમણ સોની

વડોદરા; નવું વર્ષ 2072; તા. 12 નવે. 2015

ramansoni46@gmail.com

ફોન 922 821 5275




અ વ ત ર ણ
સંપાદક
રમણ સોની



પ્રત્યક્ષ પ્રકાશન, વડોદરા

અ વ ત ર ણ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૧.
ટીકાવિદ્યાનું મહત્ત્વ

જે ગ્રંથો ઉપર ટીકા થાય છે, તે ગ્રંથો જો સારા હોય છે તો તે વધારે ખપે છે. અલબત્ત, થોડી સમજના અને થોડી વિદ્યાના પુરુષો ચોપડી કહાડીને મોટું માન મેળવી જાય તેનો અટકાવ થવો જોઈએ. જે ડાહ્યો ગ્રંથકાર છે અને જેને સુધરવાની ઇચ્છા છે, તે તો પોતાના ગ્રંથો પર સારી અથવા નરસી ટીકા થઈ જોવાથી ટીકા કરનાર ઉપર દ્વેષ રાખતો નથી, પણ ઊલટો એનો આભાર માને છે. જે ટીકા કરાવવાથી બીહે છે, તે અધૂરો છે. પણ ટીકા કોણે કરવી? જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી, તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય.

નર્મદ
[‘ટીકા કરવાની રીત’ – ‘નર્મગદ્ય’(1865)માંથી]




૨.
વિવેચકનું કર્તવ્ય

વિવેચક જૂના શિષ્ટ ગ્રંથોનું ઉત્તમ વિવેચન આપે એટલું જ પૂરતું નથી, એની શક્તિની કસોટી તો રચાતા આવતા સાહિત્યને તારતમ્ય બુદ્ધિએ તપાસી એની અંતર્ગત શક્યતાઓ અને સિદ્ધિઓ પોતાની ઘડાયેલી રુચિ વડે ઓળખી કાઢી એની સાચી મુલવણી કરવામાં છે. પ્રચલિત પરંપરાગત રૂપોની ઓળખ તો સામાન્ય ભાવકોને પણ હોય. પણ પરંપરાના શેરડા કાળે કરીને ઊંડા ચીલા બની ગયા હોય ત્યારે આડેધડે રસ્તો કરતા નવયાત્રીઓની પ્રવૃત્તિઓ પર જે નજર રાખતો રહે અને એ પ્રવૃત્તિઓ કેટલે અંશે ખરેખર કાર્યસાધક છે એ દર્શાવતો રહે એ સૌ ભાવકોનો અગ્રેસર એવો વિવેચક ગણાય.

ઉમાશંકર જોશી
[‘શૈલી અને સ્વરૂપ’(1960)માંથી]



3.
વિવેચન અને ગ્રંથકાર

આપણામાંના ઘણાને વારંવાર જે વિચારો આવતા હોય છે, પણ મન મોકળું મૂકીને કહી નાખવાની હિંમત ચાલતી નથી, તે વિચારો રોબર્ટ લિન્ડના નીચે લખ્યા લેખમાંથી સાંપડે છે :

ગ્રંથકાર બનવાનો પ્રારંભ કરતાં પહેલાં છાતી લોખંડે મઢી લેજો. આટલી વાતની ગાંઠ વાળજો :

1. જેમ લેખકને, તેમ વિવેચકને પણ છૂટથી બોલવાનો હક છે.

2. જેમ લેખકોમાં, તેમ વિવેચકોમાં પણ સારા, નરસા ને વચલા એવા ત્રણેત્રણ વર્ગો હોય છે.

3. વિવેચક દ્વેષ કે કૂડ વગર ગ્રંથકાર પર કડક કલમ ચલાવી શકે છે.

4. રાજકારણમાં આપણે સૌએ એકમત બનવું જોઈએ એમ કહેવું જેટલું હાસ્યાસ્પદ છે, તેટલું જ હાસ્યાસ્પદ આપણે સાહિત્યમાં એકમત બનવું એમ માનવા-મનાવવા નીકળવું તે છે.

5. ટીકા કે વિવેચનથી મુક્ત રહેવાનો ઘમંડ આજે તો સરમુખત્યાર સિવાય કોઈ ન સેવી શકે.

ઝવેરચંદ મેઘાણી
[‘કલમ અને કિતાબ’, સંપા. મહેન્દ્ર મેઘાણી (1987)માંથી]



૪.
વિચારપરિવર્તન માટેના તરીકા

સાહિત્યના કેટલાક વૈષમ્યવીરોની એક દલીલ એવી હોય છે કે ગુજરાતની આ ઊંઘાળવી જડ પ્રજામાં જાગૃતિ આણવા માટે તેને શબ્દાર્થના વિષમ આઘાતો કરવાની આજકાલ ભારે જરૂર છે. એને લીધે કંઈક જાગૃતિ આવે છે, જીવન પ્રગટે છે, સજીવતાનો ફાલ તો ઊતરે છે, માટે અમે આઘાત કરીને પણ પ્રજોદ્ધાર જ કરીએ છીએ એવું કંઈક એ પક્ષનું મંતવ્ય છે. એ પદ્ધતિ ઊંઘતા માણસને ઉઠાડવા માટે ધોકાનો ઉપયોગ કરવા જેવી છે. અને તેમ કરતાં છતાંયે, શું આવા આઘાતો કદી પ્રજામાં સંગીન કે ચિરકાલીન જાગૃતિ આણી શકે ખરા? ન આણી શકે. એથી ઊલટું, જેમ જીવશાસ્ત્રના અભ્યાસી મૂએલા દેડકામાં વીજળીના પ્રવાહનો સંચાર કરીને તેને ચોમેર પગ ઉછાળતો બનાવી શકે છે, અને પ્રવાહ થંભતા એવી ‘સજીવતા’વાળા દેડકામાંથી પાછું મુડદું જ છેવટ થઈ જાય છે, તેમ સમાજના સૂક્ષ્મ શરીરને વીજળિક સાહિત્ય દ્વારા ઝટકા દેનારા માણસો ફક્ત નકામો તાત્કાલિક ખળભળાટ કરી જાય છે. જડ પ્રજાશરીરો અનામય બને છે તે એવા ઝટકાઓથી નહિ પણ વિચારનાં સાત્ત્વિક અને સંશુદ્ધિવંત પરિવર્તનોથી જ.

વિજયરાય ક. વૈદ્ય
[‘કૌમુદી’ સં. 1983, વૈશાખ (ઇ.1927)]



૫.
વિવેચકની સત્યનિષ્ઠા

વિવેચકમાં સત્યનિષ્ઠા હશે અને સારી સાહિત્યભક્તિ હશે તો સૌ સાહિત્યસર્જકો સાથે ભળતો છતાં તેમની કૃતિને મૂલવવાનું આવશે ત્યારે કૃતિને એમનાથી અલગ પાડીને એને વિશે વિચારશે અને કહેવા જેવું લાગે તે કહેશેય તે. એ કોઈની શેહ-શરમમાં પોતાનો ધર્મ ચૂકશે નહીં. નિષ્પક્ષતા, તટસ્થતા, સમતોલપણું, સ્પષ્ટ-વક્તૃત્વ, નીડરતા ઇત્યાદિ ગુણનામોનો જાપ ઘણીવાર વિવેચકનાં ગુણલક્ષણો વિશે બોલતાં-લખતાં થાય છે. એ બધા ગુણો સત્યનિષ્ઠામાં સમાઈ જાય. સત્યનિષ્ઠ હશે જો વિવેચક, તો એ નિષ્પક્ષ રહેવાનો અને સમતોલ પણ રહેવાનો. ‘સમતોલ રહેવાનો’ એનો અર્થ સમતોલ દેખાવા માટે ગુણ અને દોષ સામસામાં પલ્લાંમાં મૂકી વચ્ચેથી ત્રાજવાની દાંડી તે ઝાલવાનો, એમ નહીં; એનો અર્થ એટલો જ કે જો એને બીજી રીતે સત્ત્વશાળી કૃતિમાંય બેચાર દોષ દેખાયા હોય, અને કોઈ દોષપ્રધાન કૃતિમાં કંઈ ગુણાંશ દેખાયો હોય તો તે નિર્દેશ્યા વિના એ રહે નહીં.

અનંતરાય રાવળ
[‘સાહિત્યનિકષ’ (1958)માંથી]



૬.
સંપાદનનું મહત્ત્વ

મારી કૃતિઓ ‘કુમાર’ જેવાં અગ્રગણ્ય માસિકોમાં છપાવી શરૂ થઈ તે પ્રારંભિક કાળમાં હું પ્રેરણા ઉપર ખૂબ મદાર બાંધતો. એક જ બેઠકે કોઈ ચેકાચેકી કર્યા વિના કૃતિ સર્જવાની શક્તિનો મને ફાંકો હતો. અને એ લખાયા બાદ ક્યારેય એક કાનોમાતર કે અલ્પવિરામ ફેરવવાની જરૂર ન પડી તે વાતનો વળી વધારે ફાંકો હતો. મને દહેશત છે કે આવી શક્તિનો ફાંકો હજી પણ કોઈ પુખ્ત ઉંમરના હિંદીઓ રાખે છે. પ્રેરણા જેવું સર્જનમાં બીજું કંઈ બળ નથી એ તો પુરવાર છે. અને પહેલા જોશમાં લખાયેલા પદ્યમાં કે ગદ્યમાં વસ્તુ અને શૈલીનો નૈસગિર્ક વિનિમય હોય છે. પણ તેમ છતાં સંપાદનનું મહત્ત્વ બહુ જ મોટું છે તે હું મારા આધુનિક અંગ્રેજી સાહિત્યપ્રવૃત્તિના સમાગમથી પકડી શક્યો. વાચકને મન, વિવેચકને મન તો અંત-કડીની જ, એટલે કે સર્વ પ્રયત્નોને અંતે પાકા માલની જેમ જે રજૂ થાય છે તેની જ સાથે નિસબત છે. લેખકે એ એક જ બેઠકે સર્જી હોય કે એ કૃતિના અનેક પાઠ બનાવ્યા હોય, એમાં કાપકૂપ કે ઉમેરણી કરી હોય, વાક્યોને અહીંતહીં સમાર્યાં હોય, ફકરાઓનું કે કડીઓનું શિલ્પ સુઘટિત કર્યું હોય – એ મુદ્દાની હોડ નથી. મૂલ્યાંકન તો થવાનું અંતે છપાયેલી, પીરસેલી, પ્રત ઉપરથી.

કૃષ્ણલાલ શ્રીધરાણી
[‘પુનરપિ’ (1961)ને અંતે ‘કાવ્યવસ્તુવિસ્તાર’ માંથી]



૭.
બાળવાર્તાની શોધ

બાલવાર્તાની શોધમાં ફરતાં હું બીજા દેશોના લોકસાહિત્યમાં પ્રવેશ્યો. વિશ્વના વિદ્વાનો ભારતને વાર્તાનું પિયર માને છે. દરિયો ખેડનારાઓ, કાફલાઓ લઈને હજારો ગાઉની ધરતીની ખેપ કરનારાઓ પોતાની સાથે કેવળ ધનમાલ નહિ, વાર્તા-સમૃદ્ધિ અને વાર્તા-સંસ્કૃતિ પણ લઈ જતા. મેં મનથી સાગરખેડુ, રણખેડુ, પહાડખેડુ બનીને દેશ-વિદેશની યાત્રાઓ કરી અને એમાં જે રત્નો મળ્યાં તે મેં પહેલ પાડીને, વાન અને વાઘો બદલવો પડે તો બદલીને ગુજરાતી બાળકોની આગળ રજૂ કર્યાં. આ વાર્તાઓમાંની ભાગ્યે જ કોઈ વાર્તા જે રૂપમાં મળી તે રૂપમાં મેં જેમની તેમ રજૂ કરી હશે, કારણ કે મારો એ ઉદ્દેશ નહોતો. હું પુરાતત્ત્વનો સંશોધક નથી કે લોકસાહિત્યનો તુલનાત્મક અભ્યાસી નથી. હું તો માત્ર બાળસાહિત્યનો લેખક છું. વસ્તુ બાળકની આગળ રજૂ કરવા જેવું છે કે કેમ તે હું પહેલું જોઉં. પછી તે કેવી રીતે રજૂ કરવું અને તેનો સંદેશો કેવી રીતે વ્યક્ત કરવો – ગૂઢ રાખીને કે અગૂઢ રાખીને, બોધનો ભાર મારા કે બાળકના માથે રાખ્યા વિના જ – તે વિચારી લઉં અને તે પ્રમાણે લખું.

રમણલાલ સોની
[‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ (1997)નું સ્વીકાર-વક્તવ્ય]



૮.
યંત્રવિજ્ઞાનની પરંપરા

યંત્રવિજ્ઞાનનો આ ઇતિહાસ પરિવર્તન, સર્જન અને સ્થળાંતરની એક અખંડ પરંપરા છે, આગળ કહ્યું તેમ યંત્રવિજ્ઞાન ભૌતિક વિશ્વનું, પ્રકૃતિનું, પદાર્થોનું પરિવર્તન કરે છે અને એ દ્વારા કૃત્રિમ પદાર્થોનું સર્જન અને સ્થળાંતર કરે છે. યંત્રવિજ્ઞાનની આ પ્રક્રિયા કોઈ કાળમાં, સંસ્કૃતિ યુગ પૂર્વે અને ઔદ્યોગિક યુગ પછી થયું હતું તેમ, ત્વરિત ગતિથી થાય છે તો કોઈ કાળમાં, સંસ્કૃતિ યુગથી ઔદ્યોગિક યુગ લગી થયું હતું તેમ, મંદ ગતિથી થાય છે – પણ એની એક અખંડ પરંપરા છે.

નિરંજન ભગત
[‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ (1975)]


૯.
વિવેચકનો કાવ્યવિવેક

અલબત્ત, દરેક વિવેચકની કવિતાવિવેકની વ્યવહારુ પ્રવૃત્તિની પાછળ એને અભિપ્રેત કાવ્યસિદ્ધાન્ત ડોકિયું કરવાનો જ. વારંવાર એને કોઈ ને કોઈ કાવ્યસિદ્ધાંતો સાથે મેળ કે વિરોધ દાખવવાના પ્રસંગો પણ આવવાના. ક્યાંક સીધી સિદ્ધાન્તચર્ચામાં ઊતરવાનો પણ પ્રસંગ આવે એ અસંભવિત નથી. વિવેચક હંમેશાં કાવ્ય ‘વિશે’ નહિ પણ કાવ્ય ‘સાથે’ મથામણ કરી રહ્યો હોય છે, એટલે કાવ્ય સાથેની પ્રત્યક્ષ મથામણમાં જેટલાં કાવ્યવિચારમંથનો મદદરૂપ થાય એવાં હશે તે બધાંનો એ જરૂર આદર કરવાનો. પણ સતત એણે કાવ્ય સાથે હાથ મિલાવેલા હશે અને એની ઉષ્મા અનુભવતાં અનુભવતાં જ – બલકે એ ઉષ્માધબકનો આનંદ બીજાઓને ઓળખાવવા-પહોંચાડવામાં ઉપકારક થાય એ પૂરતી – પરોક્ષ ચર્ચાને એ આવકારશે. કાવ્ય સાથેના પ્રત્યક્ષ સંબંધ સાથે સંકળાયેલા અનેક નાનામોટા પ્રશ્નોને તાત્ત્વિક દૃષ્ટિએ એણે ચર્ચવાના રહેવાના. પણ કાવ્યથી દૂર ચાતરી પરોક્ષ ચર્ચામાં જ વિવેચક ગૂંચાઈ જાય તો એણે સમજવું જોઈએ કે વિવેચનની નહિ પણ તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ એ કરી રહ્યો છે. આ ભેદ ખ્યાલમાં રહેવો જોઈએ.

ઉમાશંકર જોશી
[ઠક્કર વસનજી વ્યાખ્યાનો, 1959: ‘કવિતાવિવેક’(1997)માંથી]


૧૦.
હકીકતની શુદ્ધિ

હકીકતની શુદ્ધિ માટે આપણે પૂરતો આગ્રહ કેળવી શક્યા નથી. આ વાતનું સમર્થન હું એક બીજી રીતે પણ કરવા ઇચ્છું છું. કોઈ પણ કામ સંપૂર્ણ શુદ્ધ રીતે કરવું ઘણું મુશ્કેલ હોય છે. નાનીમોટી થોડી ભૂલો રહી પણ જાય. પણ એ ભૂલોની જાણ થયા પછી એ સુધારવા માટે જે કંઈ ઉપાયો હાથમાં હોય તે ઉપાયો કરવાની તત્પરતા આપણે બતાવીએ છીએ ખરા? ભૂલો વધારે હોય તો થયેલા કામને રદ કરવાની આપણામાં હિંમત હોય છે ખરી? ગાંધીજીએ ગોખલેના લેખોના નબળા અનુવાદની છપાયેલી નકલો પસ્તીમાં પણ ન કાઢતાં બળાવી દીધેલી. અને આ એ ગાંધીજી હતા જે વપરાયેલાં કવરોને પણ ફાડીને ઉપયોગમાં લેતા હતા. પ્રજાને સાચું જ્ઞાન, સાચી માહિતી ન આપી શકીએ પણ ખોટું જ્ઞાન, ખોટી માહિતી તો કેમ અપાય?

જયંત કોઠારી
[‘સાહિત્યિક તથ્યોની માવજત’ (1989)માંથી]
૧૧.
સર્જનનો મહિમા

કલાકારની આ સાધના અત્યંત દુષ્કર છે. પરંતુ અંતે જ્યારે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે તે ખરેખરો ચમત્કાર સર્જાઈ જાય છે, જીવનનું સમસ્ત ઋત – અંતસ્તત્ત્વ (દર્શન, સંવેદન, અનુભૂતિ સહિતનાં તમામ સત્ત્વો) પોતે જ વિરલ સૌંદર્યરૂપે પ્રગટ થાય છે. આમ ‘content’ પોતે જ રૂપાંતર પામી રચનારૂપે પ્રગટ થાય છે, ત્યારે પેલો પાગલ માનવી વિશ્વકર્માને આસને બેઠેલો દેખાય છે. અલબત્ત, આનો અર્થ એવો નથી કે સાહિત્ય યા કલાનું સર્જન જીવનનિરપેક્ષ છે, અથવા કલાકાર જીવનથી પર એવાં કોઈ મૂલ્યો સર્જે છે. પરંતુ આનો અર્થ એટલો તો ખરો જ કે આવું સર્જન વ્યવહારજીવનથી નિરપેક્ષ છે, એ જીવનની સમાંતરે તેનો સ્વતંત્ર લીલા-વિસ્તાર છે; અને વ્યવહાર-જીવનથી સાવ અનોખાં, ભિન્ન રૂપો અને રચનાઓ દ્વારા તે સૌંદર્યનું આગવું મૂલ્ય પ્રગટ કરે છે.

ભોગીલાલ ગાંધી
[મૂલ્યાંકનની કસોટી–લેખ,1961 : ‘મિતાક્ષર’(1970)માંથી]


૧૨.
અવલોકન વાંચવાં, શાને માટે?

‘ગ્રંથ’ ચલાવતાં મને ઘણી વાર એવો વિચાર પણ આવતો કે લોકો અવલોકનો શા માટે વાંચતા હશે? એના ઘણા જવાબ હોઈ શકે. પણ હું આટઆટલાં વર્ષોથી અવલોકનો શા માટે વાંચતો હતો? મારા પૂરતું તો એમ કહી શકું કે જેમ કોઈ વાર્તા વાંચતા આનંદ પ્રાપ્ત થાય તેમ અવલોકન વાંચતાં પણ મને આનંદ પ્રાપ્ત થાય છે. અવલોકન વાંચવા માટેનાં અનેક કારણો મેં પ્રસંગાનુસાર આગળ ધર્યાં હશે, પણ સાચું કારણ આનંદ છે. ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં જે જે સામયિકો વાંચું છું તેમાં પહેલી નજર પુસ્તકોનાં અવલોકનો ઉપર પડે છે. એવું નથી કે વાર્તા-નવલકથાનાં અવલોકનમાં રસ પડતો હોય. ખરી રીતે એમાં ઓછો રસ પડે છે. કવિતા, વિવેચન, ચરિત્ર અને અન્ય ગંભીર વિષયોનાં પુસ્તકોનાં અવલોકનોમાં વધુ રસ પડે છે. કેટલાંક અવલોકનો મારે માટે પુસ્તકની અવેજીની ગરજ સારે છે. એ પુસ્તકો સારાં છે કે ખરાબ તેનો સવાલ હોતો નથી. અવલોકનો જ એવાં હોય છે કે હું તેનાથી જ કામ ચલાવી લઉં છું. બીજાં કેટલાંક અવલોકનો પ્રસ્તુત પુસ્તકો વાંચવાં પ્રેરે છે. કેટલાંક વાંચેલા પુસ્તકોનાં અવલોકનો પણ વાંચું છું. – કદાચ સમીક્ષકનાં મૂલ્યાંકનો સાથે મારાં મૂલ્યાંકનોને સરખાવી જોવા.

યશવંત દોશી
[‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ સંપા. રમણ સોની, 1996-માંથી]


૧૩.
પ્રશિષ્ટ ગ્રંથો

પ્રશિષ્ટ સાહિત્યગ્રંથો એ નૃંવશશાસ્ત્રીઓને ઉપયોગી સાહિત્યિક વા સાંસ્કૃતિક માહિતી મેળવવા પૂરતા જોઈ જવા માટેના દસ્તાવેજો નથી. એમનો સાચો અને ચિરંતન મહિમા એમનામાં સંગ્રહિત સૌંદર્ય તેમ જ એ સૌદર્ય- માંથી ફલિત જીવનદર્શન એ છે. ભિન્નભિન્ન પ્રકારના અને સંકટમય એવા સામાજિક સંદર્ભોમાં મુકાયેલાં સ્ત્રી-પુરુષોના હર્ષ-ક્લેશમાં, વૃત્તિઓમાં, સંવેગોમાં ભાવક પોતે સંવૃત થઈ જાય છે, પણ એટલું જ સર્વ કંઈ નથી કે નથી એ વસ્તુ સર્વાધિક મહત્ત્વની, કારણ કે ભાવક અહીં જ અટકી નથી જતો; એ તો સૌંદર્ય અને પ્રેરણાના રહસ્યમય પ્રભાવ દ્વારા એક સર્વથા નવીન જ જીવન અને અનુભૂતિની ભૂમિકા ઉપર વિચરતો થાય છે.

વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
[‘સાહિત્યસંસ્પર્શ’ (1979)માંથી]


૧૪.
કળાકારની પસંદગીઓ

જેના વિના પોતાને ચાલતું નથી એ સૌંદર્ય અને જેનાથી પોતાને ઉતરડી શકાતો નથી એ જનસમૂહ એ બે વચ્ચેથી કળાકારે પોતાનો માર્ગ કરવાનો હોય છે. એટલે, જ, સાચા કળાકારો કશાયનો તિરસ્કાર કરતા નથી, કોઈપણ બાબત અંગે ચુકાદો આપવા કરતાં તેને સમજવાનો તેમનો પ્રયત્ન હોય છે. આ વિશ્વમાં તેમણે જો કોઈ એકનો પક્ષ લેવાનો હોય તો એ માત્ર સમાજનો પક્ષ લે – એવા સમાજનો જેમાં, નિત્શે કહે છે એમ, ન્યાયાધીશ નહીં પણ સર્જક અગ્રેસર હોય, પછી ભલેને એ જીવ શ્રમજીવી હોય કે બુદ્ધિજીવી.

આલ્બેર કામૂ
[અનુ. પ્રમોદકુમાર પટેલ, ‘તત્ત્વસંદર્ભ’(1999) પૃ. 188]


૧૫.
કળાકાર અને ભાષા

મનુષ્યોને જે હૃદયની ભૂમિકાએ સંબોધવા મથે છે તે શબ્દના કલાકારનું કામ વિકટ બન્યું છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સેતુ રચવા માટે જે ભાષા ખપમાં આવતી હતી તે હવે કામ આપતી નથી. ભાષાની કટોકટી સરજાઈ છે. બે કારણે : આજની પરિસ્થિતિ અંગે તીવ્ર સંવેદનો અનુભવતા શબ્દના કલાકારને એ સંવેદનો પહોંચાડનારી ભાષા સુલભ થઈ નથી. પિરાન્દેલોના ‘સિક્સ કૅરેક્ટર્સ’માંનો ફાધર કહે છે તેમ, શબ્દથી વ્યક્ત થતા અર્થનો આપણે સહિયારો આસ્વાદ લઈ શકીશું એવો ખ્યાલ એક ભ્રમણા છે. આપણે માનીએ છીએ કે આપણે એકબીજાને સમજીએ છીએ પણ ખરેખર આપણે સમજ્યાં હોતાં જ નથી. પ્રત્યાયન કોઈ વાસ્તવિક અર્થમાં સધાયું હોતું જ નથી. અને આ વિષાદપૂર્ણ અનુભવને લીધે મનુષ્ય વ્યક્તિ પોતે એકલી પડી ગઈ હોવાનું વિશેષ અનુભવે છે.

યશવંત શુક્લ
[સાહિત્ય પરિષદનું પ્રમુખીય વક્તવ્ય, સુરત, 1983]


૧૬.
કાવ્યધ્વનિનું સ્વરૂપ

એટલા માટે ધ્વનિનું સ્વરૂપ સ્પષ્ટરૂપે નિરૂપવાની જરૂર છે. કેટલાકે ધ્વનિનું લક્ષણ એ રીતે બાંધ્યું છે કે જે કાવ્યમાં કેટલાક શબ્દોની અને અર્થની ચારુતા, રત્નોની ઉત્કૃષ્ટતાની પેઠે, અમુક વિશેષજ્ઞોને જ સમજાય એ રીતે – વર્ણવી ન શકાય એ રૂપમાં – પ્રતીત થતી હોય તેને ધ્વનિ કહે છે, તે યોગ્ય નથી. કેમકે, શબ્દની સ્વરૂપગત વિશેષતા એ છે કે તે અક્લિષ્ટ હોય એટલે કે તેમાં શ્રુતિકટુત્વ વગેરે દોષો ન હોય, અને વળી, તેનો વારેવારે પ્રયોગ ન થયો હોય. તેની વાચકત્વગત વિશેષતા એ છે કે તેમાં પ્રસાદ ગુણ હોય અને વ્યંજના હોય. અર્થની વિશેષતા એ છે કે તે સ્પષ્ટરૂપે પ્રગટ થતો હોય, વ્યંગ્યાર્થપરક હોય અને વ્યંગ્યાંશ વિશિષ્ટ હોય. એ બંનેની, એટલે કે શબ્દગત અને અર્થગત વિશેષતાની વ્યાખ્યા થઈ ન શકે એવું નથી. એ ઉપરાંત, કોઈ અનાખ્યેય વિશેષતાની સંભાવના કલ્પવી એ વિવેકબુદ્ધિ મરી પરવાર્યાનું જ લક્ષણ છે. કારણકે કોઈ વસ્તુ એવી તો હોઈ શકે જ નહિ, જે અનાખ્યેય હોય, અર્થાત્ શબ્દો દ્વારા જેનું વર્ણન જ ન થઈ શકે એવી હોય.

આનંદવર્ધન
[‘ધ્વન્યાલોક’, અનુ. નગીનદાસ પારેખ(1981)-માંથી]


૧૭.
સાંસ્કૃતિક પરંપરા

આપણે જગતની પ્રત્યેક ચીજનું અર્થઘટન કર્યું છે, સિવાય કે આપણું પોતાનું. કૃતિપાઠના નિગૂઢ અર્થોનું ‘ડિકન્સ્ટ્રક્શન’(અપોદ્ગ્રથન) કરવાનું હોય કે પછી કોઈ વિવેચનપદ્ધતિની અંધતાને ખોલી બતાવવાની હોય – એવા બધામાં તો આપણે આપણી પ્રજ્ઞાનો ઘણો બધો ઉન્મેષ બતાવી રહ્યા છીએ, પરંતુ એ કૃતિઓનું જગતમાં જે ખરેખરું જીવન છે, એમની જે વસ્તુતા છે, દૈન્ય કે મુક્તિ આપવાનું એમનામાં જે સામર્થ્ય છે, એમની જે કાલાતિક્રાન્તતા છે – એ માટે આ તપાસપદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આપણે આપણું અસામર્થ્ય પ્રકટ કર્યું છે. આનું પરિણામ શું આવ્યું? જગત પ્રત્યે અંધ બનીને મુગ્ધપણે આપણે કહી રહ્યા છીએ કે કૃતિપાઠ એ માત્ર કૃતિપાઠ છે, તે સિવાય કશું નહીં. સાચી વાત તો એ છે કે કૃતિપાઠ જેટલા અંતર્મુખ હોય છે, તેટલા તે જગત પ્રત્યે પણ અભિમુખ હોય છે. આ સાહિત્યકૃતિઓ અનિવાર્યપણે પરિસ્થિતિ, કાળ, સ્થળ અને સમાજમાં – અર્થાત્ જગતમાં નિવિષ્ટ હોય છે, અને વ્યવહારજગત સાથે તેમનો અવિચ્છિન્ન સંબંધ જોડાયેલો રહે છે. કોઈપણ કૃતિપાઠને સમજવા માટે તેને તેની સાંસ્કૃતિક પરંપરામાં મૂકીને જોવા આવશ્યક છે.

હરિવલ્લભ ભાયાણી
[‘ભારતીય સંસ્કારપરંપરા અને આપણો વર્તમાન’(1994)]


૧૮.
સંપૂર્ણ સાહિત્ય

આપણે જાણીએ છીએ કે મધ્યકાલીન સાહિત્ય કંઈ એકાંતમાં અંગત વાચન માટેનું સાહિત્ય ન હતું. પ્રત્યક્ષ રજૂઆત અને સમૂહભોગ્યતાની દૃષ્ટિથી એ રચાતું હતું અને એનો એના સ્વરૂપનિર્માણમાં મહત્ત્વનો ફાળો હતો. લોકોની મધ્યકાલીન સાહિત્યના સર્જનમાં પરોક્ષ સામેલગીરી હતી. લોકોની વિવિધ જરૂરિયાતો સંતોષવા નિર્માયેલું, સર્વ પ્રકારનાં કાવ્યચાતુર્યોનો આશ્રય લેતું અને ગાનાદિ કળાને પણ પોતાની સહાયમાં લેતું મધ્યકાલીન સાહિત્ય શુદ્ધ સાહિત્ય નહોતું પણ, કહો કે, સંપૂર્ણ સાહિત્ય હતું. હા, જેમ સંપૂર્ણ રંગભૂમિ (ટોટલ થિએટર) જેવી કોઈ વસ્તુ છે, તેમ સંપૂર્ણ સાહિત્ય (ટોટલ લિટરેચર) જેવી કોઈ વસ્તુ પણ હોઈ શકે. મધ્યકાલીન સાહિત્યને સંપૂર્ણ સાહિત્યનાં ધોરણોથી માણવું-નાણવું જોઈએ.

જયંત કોઠારી
[‘મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ’(1995)માંથી]


૧૯.
સાહિત્ય અને વાસ્તવ

જેમ જેમ અમે શિષ્ટ લેખકોનું ગદ્ય વાંચતા જઈએ છીએ, તેમ તેમ અમારી ખાતરી થતી જાય છે કે સારું ગદ્ય લખવા કરતાં સારું પદ્ય લખવું વધારે સહેલું છે. અહીં અમે ‘સારું ગદ્ય’ અને ‘સારું પદ્ય’ એ શબ્દોથી પ્રતિભાશાળી ‘કલાવિધાન’ વાળા ગદ્ય કે ઉચ્ચ પ્રકારની કવિતાનો નિર્દેશ કરવા માગતા નથી. અમે તો ફક્ત સીધાં, સાદાં, સચોટ, ગડમથળ કે ગોટા વગરનાં અને શબ્દ કે અર્થની ખેંચતાણ વિનાનાં ગદ્ય-પદ્ય માટે લખીએ છીએ. અમે શિષ્ટ લેખકો પાસેથી ફક્ત એવું ગદ્ય માગીએ છીએ કે જેના અર્થ બાબતે સંદેહ પડે નહીં, જેનો એકએક શબ્દ સાર્થ હોય, જેના અન્વય કે સંબંધ બાબતે જરાપણ શકશુબો રહે નહીં. દુર્ભાગ્યે આવું સાદું, સરળ અને સહેલું ગદ્ય આપણે ધારી શકીએ એટલું સાધારણ નથી.

જ. એ. સંજાના
[ ‘અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો’(1955) ]


૨૦.
સામયિકનું શહૂર

દર મહિને અનેક નવાં સામયિકો પ્રગટ થયે જાય છે. તે સાથે જ વાચકોની ઉપેક્ષારૂપી પાનખરનાં ચિહ્નો પણ દેખાવા માંડ્યાં છે. નવાં નીકળતાં સામયિકો પ્રત્યે કેટલાંક ચાલુ સામયિકો અકળામણ પ્રગટ કરે છે તે બરાબર નથી. જો અકળામણ કોઈ વસ્તુ સામે પ્રગટ કરવા જેવી હોય તો તે કેમ બહુ સામયિકો નીકળે છે, અથવા બંધ થાય છે એ સામે નહીં, પણ ગુજરાતી ભાષાનાં તમામ સામયિકોમાં થઈને પણ થોડાંઘણાં વાંચવા જેવાં પાનાં કેમ મળતાં નથી તેની સામે કરવા જેવી છે. સર્જન તો પ્રતિભાનાં સ્વૈર સ્ફુરણની પ્રસાદી છે. સર્જનની ઓટ સામે ફરિયાદ ક્યાં કરવા જઈએ? પણ વિચારપૂર્ણ અને વિચારપ્રેરક લેખો વરસેદહાડે થઈને પણ કેમ ગણ્યાગાંઠ્યા પણ મળતા નથી એ જરૂર ચિંતા ઉપજાવે એવો પ્રશ્ન છે.

ઉમાશંકર જોશી
[‘સંસ્કૃતિ’, મે, 1948; ‘સમયરંગ’(1978)માંથી]


૨૧.
આનંદની વહેંચણી

આનંદ એ વસ્તુ જ એવી છે કે એનો અનુભવ લેવા માટે બીજાને નોતરવાથી તે બેવડાય છે. દુ:ખોનો સંવિભાગ કરવાથી એની વેદના સહન કરવા જેટલી હળવી થાય છે અને સુખમાં કોઈનો ભાગ પાડવાથી તે બેવડાય છે, ઘણીવાર સાત્વિક બને છે અને એમાંથી સુખથીયે નિરાળો એવો નવો જ આનંદ પ્રાપ્ત થાય છે. સૌને આવા આનંદના સંવિભાગી કેમ કરાવાય? દરેકનું જીવન અલગ અલગ સ્વતંત્ર વહેણમાં વહે છે. તમામ દુનિયાને કાંઈ આપણે આપણા જીવનના સાથી બનાવી શકવાના નથી. પણ કળા દ્વારા – સાહિત્ય, સંગીત, ચિત્ર, સ્થાપત્યરચના દ્વારા આપણે અસંખ્ય લોકોને આપણા આનંદની ઝાંખી કરાવી શકીએ છીએ, અને જો વિશિષ્ટ જાતની શક્તિ કેળવેલી હોય તો જ્યાં અસંખ્ય લોકોને આનંદપ્રતીતિ થતી નહોતી ત્યાં આનંદ ગ્રહણ કરવાની શક્તિ અથવા ક્ષમતા અર્પી શકીએ છીએ. એને જ કલાદૃષ્ટિ કહે છે.

કાકા કાલેલકર
[‘જીવનનો આનંદ’(1936) પ્રસ્તાવનામાંથી]


૨૨.
વિવેચનનો પરિપ્રેક્ષ્ય

કવિતાએ વિવેચનને સંવેદના આપી છે તો વિવેચને કવિતાને પરિપ્રેક્ષ્ય પૂરું પાડ્યું છે. મેં ગુજરાતી સાહિત્યમાં લખ્યું છે ત્યારે વિશ્વસાહિત્યના પ્રવાહો વચ્ચે રહેલા ગુજરાતી સાહિત્યમાં લખ્યું છે. આમેય સાહિત્યનું પ્રાથમિક કાર્ય આપણી જાતની ઓળખ આપવાનું કે જાત અંગે આપણને સભાન કરવાનું છે એટલે આ તબક્કે જો મને પ્રશ્નો પૂછવામાં આવે કે તમે કોણ છો, તમે કોને માટે લખો છો, તમે શા માટે લખો છો, અને એ બધું ક્યાંથી આવ્યું છે – તો એના ઉત્તરમાં હું એટલું કહીશ કે હું કોણ છું એ જાણવા હું લખું છું અને એટલે મૂલત: મેં મારે માટે જ લખ્યું છે, મારી શોધ માટે લખ્યું છે અને એ જે મારામાંથી આવ્યું છે એમાં હું પ્રસિદ્ધ ફ્રેંચ ચલચિત્ર-દિગ્દર્શક ઇંગમાર બર્ગમૅનથી ઊંધું કહીશ કે ‘હું અંદર ઊભો છું બહાર જોતો.’ બર્ગમૅન કહે છે ‘I stood on the outside looking in.’ મારી શોધમાં હું સતત અંદર રહીને બહાર જોતો રહ્યો છું. આ જ કારણે ભાષા કે કલાસાહિત્ય અંગેના કોઈ એકપાર્શ્વ વિચારને બદલે હું બહુપાર્શ્વ વિચારનો પુરસ્કર્તા રહ્યો છું. મને ખબર છે કે કોઈ પણ એકપાર્શ્વ વિચાર પાછળ મનુષ્યની ક્યારેક ઉદ્ધતાઈ રહેલી છે, તો બહુપાર્શ્વ વિચાર પાછળ એનું દૈન્ય ડોકાતું હોય છે; તેમ છતાં કલાસાહિત્યના બહુપાર્શ્વ રૂપની મને ખેવના છે.

ચંદ્રકાન્ત ટોપીવાળા
[‘રણજિતરામ સુવર્ણચંદ્રક’(2002), સ્વીકાર-વક્તવ્યમાંથી]


૨3.
જીવંતતા

ખરું જોતાં, ઉચ્ચ કલાકૃતિઓ – પછી તે સંગીતના રાગો હોય, શિલ્પની મૂતિર્ઓ હોય, સ્થાપત્યના પ્રાસાદો હોય, સામાજિક તહેવારો અને ઉત્સવો હોય, નાનાં કે મોટાં કાવ્યો હોય કે સાહિત્યની અનેકવિધ કૃતિઓ હોય, એ બધી જીવતી વસ્તુઓ છે. જેમ આપણે ઐતિહાસિક પુરુષો વિશે વિચાર કરીએ છીએ, અને સમાજમાં એમનું સ્થાન કયું એ નક્કી કરીએ છીએ; એમના પ્રત્યે કૌતુક, આદર, ભક્તિ, તિરસ્કાર, ઉપેક્ષા કે જુગુપ્સા કેળવીએ છીએ, તે જ રીતે કલાકૃતિઓ પ્રત્યે પણ એમના જીવંતપણાને કારણે આપણાથી તેમ કર્યા વગર રહેવાતું નથી. જો મારે શ્રાદ્ધ કે બ્રહ્મયજ્ઞ કરવો હોય, તો હું કેવળ સેનાપતિઓ, તત્ત્વવિવેચકો, ઋષિઓ, કવિઓ, સુધારકો અને સંતોનું જ તર્પણ કરવા નહિ બેસું, પણ પોતાના વ્યક્તિત્વથી મારું અને મારા સમાજનું વ્યક્તિત્વ ઘડનાર સાહિત્યકૃતિઓનું પણ હું અવશ્ય તર્પણ કરું. મારા પૂર્વજોએ પહાડો, નદીઓ, વૃક્ષો, પશુપક્ષીઓ અને આકાશની જ્યોતિઓ તેમજ વાદળાંઓનું પણ તર્પણ નથી કરેલું? સાહિત્યકૃતિઓને પણ જો હું પૂજ્ય પિતરોને સ્થાને કલ્પું તો એમાં હું કશું અજુગતું નથી કરતો.

કાકા કાલેલકર
[‘જીવનભારતી’(1937)-માંથી]


૨૪.
મંત્રભાષા

સંસ્કૃત એ તો મંત્રભાષા છે. હું શબ્દપસંદગીમાં ઘણો જ સાવધ રહું છું. કેમકે મને પ્રત્યેક વર્ણના આંદોલનનો ખ્યાલ છે. ખરા ભાવકને તે જ ઝણઝણાવે છે. આપણા બીજમંત્રનો અર્થ શું છે? મંત્રશક્તિ જ બધાંને આંદોલિત કરે છે. ભાવકમાં જો પરંપરાનું અનુસંધાન જ ન હોય તો મુશ્કેલી પડે એમાં નવાઈ નથી. […] છંદમાં બધા શબ્દો યથાસ્થાને જ હોવા જોઈએ. મારે ક્યાંય લઘુ-ગુરુ મરોડવા પડતા નથી, એ શું બતાવે છે? […] ભાવક પોતે જો સજ્જ હોય ને એના ચિત્તમાં આપણા સાહિત્યવારસાના સંસ્કારો પડ્યા હોય તો મુશ્કેલી ન જ પડે. આટલી તૈયારી હોય એ પછી જ પ્રત્યાયનની વાત આવે. હું નથી ધારતો કે કોઈ અગવડ પડે. ઊલટું, નાદમાધુર્ય અને એમાં રહેલા સંગીતથી વિશેષ આનંદ પ્રાપ્ત થાય.

રાજેન્દ્ર શાહ
[‘તપસીલ’(સર્જક-કેફિયતો), સંપા. હર્ષદ ત્રિવેદી(1998)માંથી]


૨૫.
કવિતા અંગે દૃષ્ટિકોણ

કવિએ કેટલાં કાવ્યો લખ્યાં, કેટલી પંક્તિઓ લખી, કેવી ભાષા વાપરી, કેવા વિષયો લીધા, તેનાં કેટલાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં અને તેની કેટલી આવૃત્તિઓ થઈ એ ઉપરથી કવિની કવિતાને મૂલવવાના પ્રયત્ન હજી પણ આપણે ત્યાંથી નામશેષ છે એમ નહિ કહેવાય. આવી એકાંગી દૃષ્ટિ, સ્થૂલપ્રધાન વલણો, કાવ્યના એકાંશનું અને તે ય વિશેષે કોઈ સ્થૂલ અંશનું જ ઐકાન્તિક અનુસરણ નવીનોમાં પણ છે. હજી પણ છંદને ખાતર છંદ, પ્રાસને ખાતર પ્રાસ, અલંકારને ખાતર અલંકાર, શૈલીને ખાતર શૈલી કે વિષયને ખાતર વિષય પ્રયોજાય છે; કાવ્યના એકાદ અંગનો નિતાન્ત અતિરેકભર્યો પ્રયોગ થાય છે. નવીનોમાંના પ્રાય: દરેકની કોઈ ને કોઈ કૃતિમાં આવી કોઈ ને કોઈ ક્ષતિ આવેલી છે. અને તેટલે અંશે હજી આપણી કવિતાની દૃષ્ટિ તલગામી અને સમજભરેલી નથી થઈ એમ કહેવું પડશે.

સુંદરમ્
[‘અર્વાચીન કવિતા’(1946)માંથી]


૨૬.
વિવેચક – સાહિત્યમૂલ્યનું સ્થાપન

વિવેચકોએ શું કરવું એ વિશે કોઈ ધર્માચાર્યની અદાથી આદેશ આપવાનો આ સમય નથી. છતાં સાહિત્યનું મૂલ્ય આજના સમાજમાં સ્થાપવાનો પુરુષાર્થ એણે કરવાનો જ છે એ વિશે કોઈ અસંમત નહીં થાય. લોકશાહીના સિદ્ધાંતનું સર્વ ક્ષેત્રોમાં થતું આરોપણ, પ્રવર્તમાન સામાજિક સંદર્ભ સાથેની સાહિત્યની પ્રસ્તુતતાનો આગ્રહ, પરંપરાગત ઉત્કર્ષનાં ધોરણો પરત્વેની ડામાડોળ પરિસ્થિતિ અને ‘High Culture’નાં મૂલ્યો વિશે ઊભી થયેલી સંદેહવૃત્તિ – આ બધાંને કારણે જે વાતાવરણ ઊભું થયું છે તેમાં આજના સાહિત્યકારે, વિવેચકે અને સાહિત્યના અધ્યાપકે પ્રવૃત્ત થવાનું છે.

સુરેશ જોષી
[અધ્યાપકસંઘનું અધ્યક્ષીય વક્તવ્ય, ‘અધીત’(1974)માંથી]


૨૮.
અનુવાદની ઉપકારકતા

મહત્ત્વનો પ્રશ્ન છે આપણા દેશની ભાષાઓના સાહિત્યને જાણવાનો-સમજવાનો. દેશની ભાવાત્મક એકતાની આપણે ઘણી બધી વાતો કરીએ છીએ, અને ભાવાત્મક એકતા માટે યોજનાઓ કરીએ છીએ, પણ પુષ્કળ અનુવાદો દ્વારા આ બહુભાષી દેશને જોડવાની વાત કોઈ કરતું નથી. પરંતુ હું એવા કારણસર નથી કહેતો. શુદ્ધ સાહિત્યની દૃષ્ટિએ પણ આપણે માટે નિકટની ભાષાઓના સાહિત્યની જાણકારી આવશ્યક છે. આપણે આપણા સાહિત્યને, આપણી રચનાત્મકતાને અન્ય ભગિની ભાષાના સાહિત્ય થકી વધારે સારી રીતે સમજી શકીશું. મારા જ દેશની આજની આબોહવામાં શ્વાસ લેતા એ જ ભારતીય લેખકની નિયતિ ધરાવતા સાહિત્યકારો શું લખે છે, શું વિચારે છે, શા પ્રયોગો કરે છે, તે જાણવાથી મારી સાહિત્યિક પરંપરાનો વિસ્તાર થવાનો છે.

ભોળાભાઈ પટેલ
[‘સાહિત્યિક પરંપરાનો વિસ્તાર’(1996)માંથી]


૨૯.
વિવેચકની નિભિર્કતા

છેલ્લી વાત વિવેચકનાં સ્પષ્ટવક્તૃત્વ અને નિર્ભીકતાની. આને વિશે આપણે ત્યાં એક ભ્રમ પ્રવર્તે છે એમ કહું. કટુતા અને ઉગ્રતાને એના પર્યાય માનવામાં આવે છે. વિવેચક પોતાના અભિપ્રાયને છુપાવે નહીં, સ્પષ્ટતાથી કહી નાખે એટલે બસ. સત્યનિષ્ઠ હશે તે એમ કરવાનો જ. પણ સત્યનિષ્ઠ હોય એ શબ્દની ચોકસાઈનોય આગ્રહી હોય. ઉત્કટતા સારુ એ અત્યુક્તિ નહીં કરે. જ્યાં ‘ઠીક છે’ કહેવું હોય ત્યાં ‘ફક્કડ’ છે નહીં કહે; ‘સારું છે’ કહેવું હશે ત્યાં એ ‘અપૂર્વ છે, શકવર્તી છે’ એમ નહીં બોલે; ‘નબળું છે’ એમ બતાવવું હશે ત્યાં એ ‘સાવ નિકૃષ્ટ છે’ એમ નહીં લખે. કૃતિ જેવી હશે તેને જ અનુરૂપ વાણી સત્યનિષ્ઠ વિવેચક પાસેથી આવવાની. કૃતિએ પોતાની પર પાડેલી છાપ કે પોતાને કરાવેલી પ્રતીતિ પ્રત્યે હોય, તેટલી વાચકો અને કર્તા પ્રત્યે પણ વિવેચકની ફરજ છે.

અનંતરાય રાવળ
[‘સહૃદયધર્મ’ લેખ, ‘સાહિત્યનિકષ’(1958)માંથી]


૩૦.
સંશોધનનો મહિમા

જ્યારે તમે કોઈ મોટા ગ્રંથાલયમાં તમારા સંશોધનની સામગ્રી જોવા જાઓ છો ત્યારે તમે સદીઓથી થઈ રહેલા સંશોધનનાં અનેક પુસ્તકોની વચ્ચે ઊભા રહી જાઓ છો. તમે જ્યારે ઈન્ટરનેટ પર સંશોધન-સામગ્રી શોધો છો ત્યારે હજારો સંશોધન-કાર્યો તમારી આંખ સામે ખૂલતાં રહે છે. સંશોધન આમ એક પ્રલંબ ને મજબૂત સાંકળ છે જેની એક કડી તમે પણ બનવાના છો. એટલે, જે અભ્યાસીઓ નક્કર અને ભરોસાપાત્ર સંશોધન કરી શકતા નથી અને બીજા અભ્યાસીઓનાં સંશોધનનું ઝીણું પરીક્ષણ કરતા રહેતા નથી એ વિકસિત વિદ્યાજગતમાંથી ફેંકાઈ જવાના છે.

વેઈન બૂથ
[‘ધ ક્રાફ્ટ ઓફ રિસર્ચ’(2003)માંથી, અનુ. રમણ સોની]


૩૧.
ગાંધી નામનો અનુભવ

સારું છે ‘ગાંધી’ ફિલ્મ એક અંગ્રેજે ઉતારી. હિન્દુસ્તાની ઉતારી શકત નહીં. પ્લાઝા સિનેમાના ફોયરમાં ફિલ્મ શરૂ થતાં પહેલાં હું લોકોને જોઈ રહ્યો હતો : રબારણો, મેવાડી રસોઈયા, સ્કૂલી ફ્રોક પહેરેલી ત્રણ છોકરીઓ, એક વહોરા સંયુક્ત કુટુંબ, કપાળની ઉપર વાળમાં સન-ગ્લાસીસ ચડાવેલી બે ઓફિસ-ગર્લ, ખાદીની મેલી ટોપી પહેરેલા બે મહારાષ્ટ્રીયન ડોસા, એક યુવા કોલેજિયન ટોળું, બે-ત્રણ ટેક્સી કે ટ્રક-ડ્રાઈવરો જેવા લાગતા પઠ્ઠાઓ… ત્રણ પેઢીઓ સાથે ઊભી હોય એવાં કુટુંબો…! […] રવિશંકરનું પાર્શ્વસંગીત પાછળ જ રહે છે, હિન્દી ફિલ્મોની જેમ બીભત્સ બનીને કાનમાં અથડાતું નથી. અને વિલન નથી, હેલન નથી, …નાચંનાચ નથી, ધનાધન નથી. […] સફળ હિન્દી ફિલ્મમાં જે હોય છે એ બધું જ નથી – અને 1983માં આ ફિલ્મે આખા ભારતને રડાવ્યું અને રડાવી રહી છે! પાંત્રીસ વર્ષમાં કોઈ સિપ્પી કે સાગર કે ચોપડાને આવી ફિલ્મ બનાવવી જોઈએ એવું કેમ સૂઝ્યું નહીં? […] કદાચ ‘ગાંધી’ ફિલ્મ પોપડા ચોંટી ગયેલા આપણા ગંદા રાજકારણને હાઈડ્રોજન પૅરોક્સાઈડની જેમ સ્વચ્છ કરશે, આ દેશ પર કેવા ઘટિયા દેશનેતાઓ આવી ગયા છે એ નવી પેઢીને સાફ સાફ બતાવી શકશે…! […] જેમ ‘ગીતા’ને દરેકે પોતાની દૃષ્ટિ અને પ્રકાશમાં સમજવાની હોય છે એમ ગાંધી નામનો અનુભવ દરેકે પોતાની રીતે કરવો પડશે.

ચંદ્રકાન્ત બક્ષી
[‘મહાત્મા અને ગાંધી’ (2003), પૃ. 120]


૩૨.
નાટક : વાચકની મનોભૂમિ પર

નાટક એ પ્રયોગનિષ્ઠ સ્વરૂપ છે. પ્રયોગનિર્ભર સ્વરૂપ છે. એની સાર્થકતા પ્રયોગમાં જ સિદ્ધ થાય છે. એ ખરું છે કે બધાં જ નાટકના પ્રયોગ થતા નથી. થઈ શકતા નથી; જેના પ્રયોગ થાય છે એ બધાં જ નાટક જોઈ શકાતાં નથી. સ્થળ અને કાળની મર્યાદાને કારણે, માનવીમર્યાદાને કારણે. તેમ છતાં પ્રત્યેક નાટક અભિનેય, અભિનયક્ષમ, પ્રયોગક્ષમ તો હોવું જ જોઈએ. દિગ્દર્શકની જેમ ભાવક પણ નાટકને ‘પ્રત્યક્ષ’ કરી શકે છે, ને જેનો પ્રયોગ ન થઈ શક્યો હોય, જેનો પ્રયોગ ન જોઈ શકાયો હોય એ નાટકની કલાત્મકતાને પ્રમાણી શકે છે. એની મનોભૂમિ એ જ એની રંગભૂમિ. ઉત્તમ નાટકના ઉત્તમ પ્રયોગનો જેટલો મહિમા છે એટલો સહૃદય અધિકારી ભાવકના આવા ‘સાક્ષાત્કાર’નો પણ મહિમા છે.

જયંત પારેખ
[અધ્યાપકસંઘમાં વક્તવ્ય, ‘અધીત વીસ’(1997)-માંથી]


૩૩.
જીવનચરિત્ર : કેવું

યુરોપખંડમાં કોઈ માણસમાં એકાદ ગુણ હોય અને તેણે થોડું ઘણું પરોપકારી કામ કર્યું હોય તો તેનું જન્મચરિત્ર લખાય છે. અને આપણા દેશમાં તો એક બીજાની અદેખાઈને લીધે કોઈની ઉત્કર્ષતા સાંભળીને સહન કરી શકતા નથી. એવા લોકો આપણા દેશીનું જન્મચરિત્ર લખનારને ખુશામદીઓ ઠરાવે અથવા વધારે વખાણ કર્યાં છે એમ કહીને અનાદર કરે છે. પણ સ્વદેશની ઉત્કર્ષતા કરવા જેઓ ચાહતા હોય અને સ્વદેશપ્રીતિ જેના મનમાં હોય તેઓએ પરોપકારી દેશીઓનાં જન્મચરિત્ર વાંચવાં, લખવાં અને તે ઉપર વધારે પ્રીતિ રાખવી.

દલપતરામ
[ દુર્ગારામ મહેતાજી, ‘બુદ્ધિપ્રકાશ’(નવે.76થી ઓક્ટો.77) ]


૩૪.
જીવનચરિત્ર : શા માટે

આપણા દેશમાં જન્મચરિત્રો લખવાની રીત ન હોવાથી આપણને ઘણું નુકસાન થાય છે. લોકોને સારા નમૂના માલમ પડતા નથી. અને તેથી પોતાની ક્ષુદ્ર બુદ્ધિને અનુસરી ક્ષુદ્રગતિ જ કર્યાં જાય છે. જ્યારે મહત્કર્મનાં દૃષ્ટાંત આપવાં હોય છે ત્યારે ઘણીવાર આપણને પેલે છેડેના ઠેઠ યુરોપખંડમાં તે ખોળવા જવું પડે છે, કેમ કે આપણા દેશનાં જોઈએ તેવાં ઇતિહાસિક ઉદાહરણો મળતાં નથી. એનું મુખ્ય કારણ તો એ છે કે આપણામાં વાસ્તવિક ચરિત્રો લખવાનો ધારો નથી; અને તેથી મહાપુરુષો હોય છે ત્યાં સુધી જ તેના દાખલાનો લાભ મળે છે, અને પછીથી તે જન્મ્યા જ ન હોય તે પ્રમાણે મળતો બંધ પડે છે. અથવા કોઈ વખતે તે મહત્કર્મો આપણી પતિત પ્રજાને પોતાની શક્તિની બહાર જ એટલે દરજ્જે લાગે છે કે તેને અલૌકિક ગણે છે. અલૌકિક ગણતાં અદ્ભુત કથાઓ તેમાં ઊમેરે છે, અને એ પ્રમાણે તેને સંપૂર્ણ અદ્ભુત રૂપ આપી પૂજવા મંડે છે. પણ તેઓ નકલ કરવા જોગ પુરુષ થઈ ગયા છે એ વાત તો તેમની કલ્પનાથી પણ દૂર રહે છે. આથી લાભમાં એ જ થાય છે કે પતિતપણું વધે છે. આપણા દેશની કરુણામય સ્થિતિનું આ પણ એક કારણ છે, અને તેથી મહાપુરુષોનાં મહત્કૃત્યો મનુષ્ય ભાવે વર્ણાવાની, એટલે, સ્વાભાવિક જીવનચરિત્રો લખાવાની હાલને સમયે બહુ જ જરૂર છે.

નવલરામ પંડ્યા
[‘નવલગ્રંથાવલિ’(1891)-માંથી]


૩૫.
સંસ્કૃત અને ગુજરાતી

સંસ્કૃતને ગુજરાતી અને ગુજરાતીઓ સાથે એકલો ફક્ત શાબ્દિક, ભાષાવિષયક, સંબંધ નથી; એથીયે વધારે અને ગાઢ, પરંપરાનો, સંસ્કૃતિનો, આનુવંશિક સંબંધ છે. અંગ્રેજીમાં લૅટિનમાંથી ઘણા તો પચાસ-સાઠ ટકા શબ્દ આવેલા હશે; ગ્રીકમાંથી એથીય ઘણા જ ઓછા. એમ છતાં લૅટિન-ગ્રીકના અભ્યાસ માટે અંગરેજ વિચારકો જે આગ્રહ રાખે છે તે આ સાંસ્કૃતિક, cultural, સંબંધને લઈને રાખે છે. અને એ અંગરેજી સંસ્કૃતિ પણ ત્રણ જુદાં જુદાં અંગોની બનેલી છે : હિબ્રુ ધર્મભાવના, ગ્રીકો-લૅટિનશાસ્ત્રીય વિચારણા અને એંગ્લો સેક્શન વંશના આનુવંશિક સંસ્કાર. એ ત્રણેના મિશ્રણથી આધુનિક અંગરેજી સંસ્કૃતિ ઉત્પન્ન થયેલી છે. પણ અહીં તો ધર્મભાવના, વિચારશૈલી, વંશ, બધાનો ઊગમ તમારા જ પૂર્વજો પ્રાચીન આર્યો અને તેઓની પ્રાચીન સંસ્કૃતિમાંથી થયેલો છે. એટલે અંગરેજીનો લૅટિન-ગ્રીક સાથેનો જે સંબંધ છે તેના કરતાં ગુજરાતીનો સંસ્કૃત સાથેનો સંબંધ ઘણો વધારે નિકટ છે.

જહાંગીર સંજાના
[‘અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો’(1955)]


૩૬.
બાળસાહિત્ય : કાલુંઘેલું નહીં

બાળકો માટે લખવું એટલે સહેલું ને જોડાક્ષરો ન હોય એવું લખવું, કાંઈક બોધપ્રદ લખવું, એમ મનાય છે. એમ પણ મનાય છે કે જરા કાલુંઘેલું, જરા વાર્તારૂપે, જરા સંવાદાત્મક હોય તો બાલસાહિત્ય બને. પરંતુ બાલવાચનમાં મોટાઓનાં સાહિત્યના બધા ગુણ હોઈ શકે, હોવા જોઈએ. માત્ર કક્ષાફેર હોય, વસ્તુફેર હોય, ભાષાફેર હોય; પણ તે સાહિત્ય તો હોય જ. બાલસાહિત્યમાં ભાષાની કોમલતા હોય અને ગૌરવ પણ હોય, ભાષાનું રૂમઝૂમતું સંગીત હોય ને વિચારની સૂક્ષ્મ ઝીણવટ પણ હોય, હૃદયને ડોલાવે એવું ડોલન હોય તો સાથે સુંદર તોલન પણ હોય.

ગિજુભાઈ બધેકા અને તારાબેન મોડક


૩૭.
કવિનો વિદ્રોહ

તેથી જ, કવિ તો એપોલો અને ડાયોનિસસ બંને દેવતા સામે સતત (અને સતત અનુભવ, સંપ્રજ્ઞતા, આનંદ તરફની સાચી દિશા શોધતા) વિદ્રોહમાં જ રત, રમમાણ રહે છે. કવિ આ વિદ્રોહ કરી શકે છે કેમ કે એની પાસે આ ધ્રુવદ્વયીથી જુદી જ વ્યવસ્થા સ્થાપી શકતું શબ્દતત્ત્વ છે. કવિ-શબ્દના પ્રકાશ વિના આપણી આનંદયાત્રા પ્રર્વતી ન શકત. આવો કવિ-શબ્દ, આ જ્ઞાનમીમાંસાના અને આ અસ્તિત્વમીમાંસાના, ‘ભાવના’ના અને ‘સ્ફોટ’ના નવા જ સંદર્ભમાં જેને સિદ્ધ કરે છે તે છે રમણીયતા. Form અને Flowના દ્વૈતને જ નહીં, એમની ધ્રુવદ્વયીની વ્યવસ્થાને જ રમણીયતા ઓળંગી લે છે. અને એ રીતે કલાકૃતિને નવી રીતે પામવાની શક્યતા ભાવકને એ અર્પે છે.

સિતાંશુ યશશ્ચંદ્ર
[‘રમણીયતાનો વાગ્વિકલ્પ’(1979), પૃ. 150]


૩૮.
બાળસાહિત્ય : આજે, નવેસર

આજના કોમ્પ્યુટર યુગમાં બાળકોના મનમાં હવે રાજા કે રાક્ષસ હીરો તરીકે રહ્યા નથી. એમ પણ કહી શકાય કે હવે સુપરમૅન જેવાં પાત્રોનો જમાનો આવ્યો છે. એટલે રાજા વગેરેની વાર્તાઓ કાલગ્રસ્ત બની રહેવાની. ‘એક હતો રાજા…’ની વાર્તાઓ બાળકના કૌતુકને અને વાર્તારસને સંતોષવાને બદલે બાળકની ગૂંચવણ વધારશે એવુંયે લાગે છે. હવે માત્ર બાળવાર્તા જ નહીં, તમામ બાળસાહિત્ય વિશે બાળમાનસના અનુભવીઓએ, જાગૃત વાલીઓએ અને સંનિષ્ઠ શિક્ષકોએ સાથે બેસીને બાળકોના મનોરંજન માટેની રીતિઓનું શોધન અને સંશોધન કરવું જરૂરી બની રહ્યું છે.

રમેશ પારેખ
[બાળવાર્તાઓની સમીક્ષા, ‘પ્રત્યક્ષ’,જુલાઈ-સપ્ટેમ્બર 1999]


૩૯.
સંસ્કૃતિ અને સાહિત્ય

માણસજાતે જગતના ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં સવ્યસાચીનું કામ કર્યું છે. એક હાથે એણે સંસ્કૃતિ નિપજાવી સાહિત્યધારામાં તેને ઓતપ્રોત કરીને વહેતી કરી અને બીજે હાથે એ સાહિત્યપ્રવાહથી નવતર મૂલ્યો અને નવતર સંસ્કૃતિનું સંચિન કર્યું. પ્રાચીન સાહિત્યની કથા-દંતકથા લઈને હોમર, વજિર્લ, શૅક્સપિયર, કાલિદાસ અને આધુનિક યુગના સાહિત્યકારોએ પોતાની સાહિત્યકૃતિઓ સજાવી છે. ગ્રીક અને રોમન સાહિત્યનો વિચાર કરીએ તો ગ્રીક સાહિત્યની પાંખમાં કાવ્ય, નાટક, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, ગણિત બધું જ છે. ગ્રીસને પગલે પગલે રોમનોએ પોતાનું સાહિત્ય વિકસાવ્યું અને એ બે સાહિત્યે આખા યુરોપમાં સંસ્કૃતિના દીવા પેટાવ્યા. આમ સંસ્કૃતિ અને સાહિત્ય પરસ્પર સર્જક અને વાહક રહ્યાં છે.

જયંત પંડ્યા
[‘અક્ષરાયન’(1985)માંથી]


૪૦.
યુરોપીય વિદ્યા અને પરાશ્રિતતા

આપણા દેશમાં પરદેશમાંથી મળેલા વિશ્વવિદ્યાલય સાથે દેશના મનનું સંમિલન થઈ શક્યું નથી. ઉપરાંત, યુરોપીય વિદ્યા પણ અહીં બંધિયાર પાણીના જેવી છે, આપણે તેનું ચાલતું ગતિશીલ રૂપ જોવા પામતા નથી. સનાતનત્વ-મુગ્ધ આપણું મન તો બધાની ફૂલચંદનથી પૂજા કર્યા કરે છે. યુરોપની વિદ્યાને આપણે સ્થાવર રૂપમાં પામીએ છીએ એને તેમાંથી વાક્યો ચૂંટી લઈને એનું રટણ કર્યા કરવું એને જ આધુનિક રીતની વિદ્વત્તા માનીએ છીએ. દેશના સામાન્ય લોકોના બધા મુશ્કેલ પ્રશ્નો, મહત્ત્વની જરૂરિયાતો, અને કઠોર વેદનાને આપણાં વિશ્વવિદ્યાલયો સાથે કશો સંબંધ નથી. અહીં દૂરની વિદ્યાને આપણે જડ પદાર્થની પેઠે વિશ્લેષણ દ્વારા શીખીએ છીએ, સમગ્ર ઉપલબ્ધિ દ્વારા નહીં. આપણે તોડી તોડીને વાક્યો ગોખીએ છીએ અને તે ટુકડા કરીને ગોખેલી વિદ્યાની પરીક્ષા આપીને છુટકારો અનુભવીએ છીએ. ટેક્સ્ટબુકને વળગેલાં આપણાં મન પરાશ્રિત પ્રાણીની પેઠે પોતાનો ખોરાક પોતે મેળવી લેવાની, પોતે શોધી લેવાની ઇચ્છા ખોઈ બેઠાં છે.

રવીન્દ્રનાથ ઠાકુર
[‘રવીન્દ્રનિબંધમાલા : 1’, અનુ. નગીનદાસ પારેખ, 2002માંથી]


૪૧.
માનવકંઠ અને વાદ્ય

સંગીતનું કલ્પન પ્રથમ તો સંગીતકારના મનમાં ઊઠે. ઘણાખરા વાદકો કંઠવિહીન હોય છે, તો પણ તેઓ વગાડે છે ત્યારે એમનું મન તો ગાતું જ હોય છે. વાદ્ય તો જડ વસ્તુ છે. માનવકંઠ અને એનો શ્રુતિપૂર્ણ રવ જ સંગીતનું ચૈતસિક સ્વરૂપ પ્રગટ કરી શકે છે. વાદ્ય, અલબત્ત, કંઠને હંમેશાં સહારો આપતું રહ્યું છે, જેમકે સંગતમાં સારંગી જેવાં વાદ્યો, અને કંઠના ઘડતરમાં તંબૂર અને સ્વરમંડળ સરખી નાદપૂરિત વીણાઓ. વીણાના ઝંકારમાંથી ગાયનના મીંડ સરખા ‘પ્લાવિત ગમક’-અલંકારોના અને કેટલીક અન્ય ગમકોના નિર્માણની પ્રેરણા વાદ્ય-વાદનમાંથી મળી હોય તેમ બને; પણ સંગીતનું મુખ્ય આકલન તો કંઠ દ્વારા જ સિદ્ધ થાય છે, તે સૌનો અનુભવ છે. વાદ્યમાં કલ્પનાઓ ઉતારવી અત્યંત કષ્ટસિદ્ધ છે; જ્યારે તે જ વસ્તુઓ કંઠમાં આસાનીથી સ્ફુરાયમાન બને છે. ભારતીય સંગીતનો સારોયે ઇતિહાસ અને તેનું વિશ્લેષણ તો તે હંમેશાં કંઠ્યસંગીતના જ વિકાસ પર નિર્ભર હોવાનું કહે છે. ભારતીય ગાંધર્વ તેના અખિલસ્વરૂપના ઉત્થાન-નિર્માણ માટે કંઠ્યનું, ગેયનું, સદૈવ આભારી રહ્યું છે તે હકીકત છે.

મધુસૂદન ઢાંકી
[‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’, 1974, અંક:2]


૪૨.
કવિ અને નૈસગિર્ક પ્રતિભા

ત્યારે એમ કહી શકાય કે કાવ્ય થવાનું નિમિત્ત અમુક પ્રકારની પ્રકૃતિમાં જ હોય છે. ગમે તેટલા અભ્યાસથી, ગમે તેટલા સાહિત્યસંગ્રહથી, કશાથી એ પ્રકૃતિ આવતી નથી. એને નૈસગિર્ક પ્રતિભા કહે છે. જે એવી પ્રતિભાવાળા હોય તે કવિ થઈ શકે. કવિ શબ્દોને વાપરે છે પણ શબ્દોની પાર દેખે છે, વ્યવહારના સંબંધોમાં ફરે છે પણ તે સંબંધોની પારના વિશ્વને સર્વદા પોતાનું ગણે છે. ગદ્યનો ઉચ્ચાર કરે છે પણ વ્યાકરણની પારના પદ્યને જ સાકાર કરતો હોય છે. જગતમાં અવલોકન કરવાની જેને ટેવ હશે તે જોઈ શકશે કે માણસોમાં પ્રકૃતિના અનેક અને અનંત પ્રકાર છે. સૃષ્ટિના એના એ જ પદાર્થોમાં પ્રકૃતિ-અનુસાર નવાં નવાં વિશ્વ જુદાં જુદાં મનુષ્યોને સમજાય છે. તેમાં જે મનુષ્યને સ્થૂલની પારનું દર્શન થતું હોય, સ્થૂલની પારની રચના કલ્પનામાં પ્રતીત થઈ જતી હોય, સ્થૂલની પારના સંબંધો ઉપજાવી નવાં વિશ્વ કરવાની શક્તિ સહજ રીતે જ આવેલી હોય, તે વર્ગમાં કવિઓની ગણના થઈ શકે છે.

મણિલાલ ન. દ્વિવેદી
[‘સુદર્શન ગદ્યાવલિ’ (1919)-માંથી]


૪૩.
આનંદ અને મનોરંજન

લોકપ્રિય સાહિત્યને જેમ ઉચ્ચભ્રૂ ને મધ્યભ્રૂ વર્ગ સ્વીકારવાની આનાકાની કરી, તેને હલકી કક્ષાનું ગણી, તેની ઉપેક્ષા કરે છે, તેની ઠેકડી ઉડાડી મજાકો કરી કડવા હળવા કટાક્ષો કરે છે તેવી જ રીતે લોકપ્રિય સાહિત્યને માનનારો એક વર્ગ પણ ઉચ્ચ, મહાન, સંકુલ અને અનેક સંકેતો ધરાવતા સાહિત્યને સ્વીકારતો નથી. એમના મતે આ ઉચ્ચભ્રૂ ભદ્ર વર્ગ દંભી અને કૃતક છે. આ અલગ અલગ ધ્રુવ પરની વિચારણામાં પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ બંને પોતપોતાના પૂર્વગ્રહોને, માન્યતાઓને સજાવી-ધજાવીને અને તર્કના આટાપાટાની જટાજાળમાં ગૂંથીને લોકપ્રિય સાહિત્યનું પૃથક્કરણ, અર્થઘટન અને મૂલ્યાંકન કરતા રહે છે. બંને પાસે પોતપોતાની માન્યતાઓને સંરક્ષવાની, તથા સ્વબચાવની યુક્તિપ્રયુક્તિઓ મોજૂદ જ છે. આમ તો આ બંને પક્ષો એક પ્રકારની સાંપ્રદાયિકતાથી પીડાય છે. આ પ્રકારની અસ્પૃશ્યતા બંને પક્ષોની મર્યાદા બની રહે છે. લોકપ્રિય સાહિત્ય મનોરંજન(entertainment)ને તો ઉચ્ચભ્રૂ સાહિત્ય આનંદ(plesure)ને પોતાના પ્રચાર-પ્રસારમાં કેન્દ્રવર્તી તત્ત્વ ગણે છે.

નીતિન મહેતા
[‘નિરંતર’(2007), પૃ. 14]


૪૪.
સૂચિનો મહિમા

સૂચિ અનેક તથ્યોનાં તાળાં ઉઘાડી આપનાર કૂંચી છે. શુદ્ધ અને સંપૂર્ણ હકીકત તરફ જવાની સગવડ એ પૂરી પાડે છે. એક બાજુથી એ, થયેલા કામનો અંદાજ આપી નિરર્થક શ્રમમાંથી આપણને ઉગારે છે તેમ બીજી બાજુથી, અણઉકલ્યા કોયડાઓ તરફ આંગળી ચીંધે છે ને એ રીતે વિદ્યાવિકાસને વેગીલો બનાવે છે. જ્ઞાનવિજ્ઞાનના પ્રસ્ફોટના આ યુગમાં સૂચિનું જેટલું મહત્ત્વ આંકીએ એટલું ઓછું છે.

જયંત કોઠારી
[‘સાહિત્યિક તથ્યોની માવજત’(1989), પૃ. 217]


૪૫.
રંગભૂમિ અને ‘મિથ્યાભિમાન’

1869માં રચાયેલા મિથ્યાભિમાન નાટક સુધી પહોંચતાં દલપતરામની નાટ્યલેખનકલા અદ્ભુત વિકાસ દાખવે છે. મૂળ કથાવસ્તુ એમને કદાચ લોકવાર્તામાંથી મળ્યું હોય, તો પણ એમણે સર્જેલું જીવરામ ભટ્ટનું પાત્ર મૂર્ખતા અને ધૂર્તતાના વિચિત્ર રસાયણસમા મિથ્યાભિમાનીનું અમર દૃષ્ટાંત બની ગયું છે [….] 1922 સુધીમાં આવતાં એની નવ આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ હતી એ જોતાં અન્ય કોઈપણ નાટકને ગુજરાતે આટલું બિરદાવ્યું નથી એ પણ સમજાશે […] મિથ્યાભિમાનની તખ્તાલાયકી નિ:સંશય છે પણ એના પ્રકાશન પછી પોણી સદી સુધી એ ભજવાયું નથી [….] તે પછી ગુજરાત વિદ્યાસભાના નટમંડળે દલપતરામની નાટ્યસૂચનાઓને ઠીકઠીક અનુસરીને ભવાઈની શૈલીમાં આ નાટક અનેકવાર ભજવ્યું હતું [….] આમ ગુજરાતી અભિનેય નાટકોમાં પણ એ માગ મૂકાવનારું છે.

યશવંત શુક્લ
[‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’-3 (1976, 2005)માંથી]


૪૬.
વિવેચન ગુણદર્શન નહીં પણ યથાર્થદર્શન

ગુજરાતી કવિતામાં છીછરાપણું, અધકચરાપણું, માયકાંગલાપણું હોય તો તે આપણા કહેવાતા વિવેચનને આભારી છે. આપણા વિવેચકો ગુણદર્શન માટે ખડે પગે હોય છે એ જાણવા છતાં મારાથી આમ કહેવાઈ જાય છે, કારણ કે જેની જરૂર છે તે ગુણદર્શન નહીં પણ યથાર્થદર્શન છે. જાણ્યા વગર વખાણ કરવાં તે જાણી જોઈને ગાળ દેવા કરતાં કોઈ પણ રીતે સારી વાત નથી. અને ઘણી વખત તો મગનું નામ જ કોઈ પાડતું નથી. ‘શરૂઆતમાં આમ જ હોય’, ‘બધું ઓછું પ્રથમ પંક્તિનું હોઈ શકે?’, ‘વિકાસ થતો જાય છે’ – આવું આવું જ્યારે કોઈ વિવેચક તરફથી કોઈને વિશે સાંભળવા કે વાંચવા મળે છે ત્યારે ખરે જ બહુ ભૂંડું લાગે છે. અને નાના બાળકને નાનાં ડગલાં ભરતાં જોઈ પ્રોત્સાહન ખાતર વાહવાહ પોકારે છે એવી વાહવાહ ઉંમરલાયક માણસને પાપા પગલી ચાલતા જોઈને પોકારવાનું પણ આપણે ત્યાં હજી અટક્યું નથી.

ઉમાશંકર જોશી
[‘34ની કવિતા ’લેખ, 1935,’ શૈલી અને સ્વરૂપ’(1960)માંથી]


૪૭.
યુનિવસિર્ટીમાં વિદ્યાપ્રાપ્તિ?

સંખ્યાબહુલતાને કારણે શિક્ષક-શિષ્ય વચ્ચેનો પ્રત્યક્ષ સંપર્ક ઝાઝો સંભવિત રહેતો નથી. પ્રામાણિકપણે એ કબૂલ કરવું રહ્યું કે શિક્ષકો પણ પોતાના જ્ઞાનના સામર્થ્યથી ઝાઝો પ્રભાવ પાડે એવા રહ્યા નથી. એમાં દરેક યુનિવસિર્ટીમાંથી થોડાક સુખદ અપવાદો મળી રહે. આ વિષય શીખવો હોય તો અમુક વિદ્યાપીઠના અમુક અધ્યાપક પાસે જ જવું જોઈએ એવી જે પરિસ્થિતિ પશ્ચિમમાં છે તેવું કશું આપણે ત્યાં ખાસ નથી. મોટા ભાગના વિદ્યાર્થીઓ પણ યુનિવસિર્ટી કૅમ્પસમાં, વિદ્યાપ્રાપ્તિની પ્રવૃત્તિમાં સંડોવાયા વિના, અહીંતહીં ભટકતા ને ઈતર પ્રવૃત્તિઓમાં રાચતા દેખાય છે. પરીક્ષા પસાર કરવા પૂરતું એ ધંધાદારી દૃષ્ટિએ ચાલતા વર્ગોમાંથી ‘હૅન્ડ આઉટ્સ’ને રૂપે મેળવી લે છે. એટલું જ નહીં, યુનિવસિર્ટીના કેટલાક શિક્ષકો સીધી કે આડકતરી રીતે આવી ધંધાદારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે. આ બધું યુનિવસિર્ટીના મૂળ ઉદ્દેશને વિફળ બનાવવામાં મોટો ભાગ ભજવે છે.

સુરેશ જોશી
[‘વિદ્યાવિનાશને માર્ગે’, (1985), પૃ. 63]


૪૮.
વિચારવારસો

જે વિચારો બતાવ્યા છે તે મારા છે, ને મારા નથી, તે મારા છે, કેમકે તે પ્રમાણે વર્તન કરવાની મારી ઉમેદ છે; તે મારા આત્મામાં ઘડાઈ ગયા જેવા છે. મારા નથી, કેમકે તે મેં જ વિચાર્યા છે એમ નથી; તે કેટલાંક પુસ્તકો વાંચ્યા પછી બંધાયેલા છે. મનમાં જે ઊંડું ઊંડું જોતો હતો તેને પુસ્તકોએ ટેકો આપ્યો. જે વિચારો વાંચનાર પાસે રજૂ કરું છું તે હિંદુસ્તાનમાં સુધારાની ધૂનમાં નહીં આવેલા એવા ઘણા હિંદી ધરાવે છે, એ તો કંઈ સાબિત કરવા જેવું રહેતું નથી. પણ તે જ વિચારો યુરોપના હજારો માણસો ધરાવે છે એ હું વાંચનારના મનમાં મારા પુરાવાથી જ ઠસાવવા માગું છું. જેને તે શોધ કરવી હોય, જેને તેવો અવકાશ હોય, તે માણસ તે પુસ્તકો જોઈ શકશે. જ્યારે મને અવકાશ મળશે ત્યારે તે પુસ્તકોમાંથી કંઈક કંઈક વાંચનાર આગળ રજૂ કરવાની ઉમેદ છે. મારા વિચાર ખોટા નીવડે તો તેને પકડી રાખવાનો મારો આગ્રહ નથી. જો તે સાચા નીવડે તો તે પ્રમાણે બીજાઓ કરે એમ દેશના હિતાર્થે સાધારણ રીતે લાગણી રહેશે.

મોહનદાસ કરમચંદ ગાંધી
[‘હિન્દ સ્વરાજ’ની પ્રસ્તાવના : 22.11.1909]


૪૯.
સંસ્કૃત સાહિત્ય

સંસ્કૃતના વૈચારિક સાહિત્ય ઉપરાંત તેના સર્જનાત્મક સાહિત્યનું પણ ઘણું મોટું મૂલ્ય છે. સંસ્કૃતનું નાટ્યસાહિત્ય આવી વિશિષ્ટતા અને રસવત્તા ધરાવે છે. સંસ્કૃત ઊમિર્કાવ્યોનું સાહિત્ય પ્રમાણ તેમ જ ગુણવત્તાની દૃષ્ટિએ એટલું સમૃદ્ધ છે કે જગતના ઉત્તમ સાહિત્યમાં તેને સહેજે સ્થાન આપી શકાય. તેમાં જે સંવેદનશીલતા, ભાવોની સુકુમારતા, ભાષાસામર્થ્ય, લાઘવ અને વ્યંજકતા પ્રતીત થાય છે તેને કારણે કાવ્યરસિકોને માટે તે એક અક્ષયનિધિ બની રહે તેમ છે. 1968માં સંસ્કૃત કવિતાનો અંગ્રેજી અનુવાદ દ્વારા પરિચય કરાવતું એક પુસ્તક પેંગ્વિન ગ્રંથમાળામાં પ્રકાશિત કરવામાં આવ્યું તે દર્શાવે છે કે આજના સુશિક્ષિત અને સંસ્કારી વિશ્વનાગરિકને માટે જગતનાં અન્ય સાહિત્યોની જેમ સંસ્કૃત સાહિત્યમાં પણ ઘણું એવું છે જે તેને ઊંચી કોટિનો કાવ્યસ્વાદ આપી શકે. આ ઉપરાંત એ હકીકત પણ નોંધપાત્ર છે કે સંસ્કૃત નાટકે અને ઊમિર્કાવ્યે અર્વાચીન પાશ્ચાત્ય સાહિત્યનાં તે બે સ્વરૂપોનાં નવવિધાન પરત્વે પણ પ્રભાવ પાડ્યો છે.

હરિવલ્લભ ભાયાણી
[‘સંસ્કૃત પરિષદ’માં કરેલું વક્તવ્ય, ‘પ્રવચનો’(2005)માંથી]


૫૦.
કળા : સામગ્રીનું રૂપાંતર

કલાકારની સાધના અત્યંત દુષ્કર છે. પરંતુ અંતે જ્યારે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે તો ખરો ચમત્કાર સર્જાઈ જાય છે. જીવનનું સમસ્ત ઋત – અંતસ્તત્ત્વ (દર્શન, સંવેદન, અનુભૂતિ સહિતનાં તમામ સત્ત્વો) પોતે જ વિરલ સૌંદર્યરૂપે પ્રગટ થાય છે. આમ Content પોતે જ રૂપાંતર પામી રચનારૂપે પ્રગટ થાય છે, ત્યારે પેલો કલાકાર માનવી વિશ્વકર્માને આસને બેઠેલો દેખાય છે.

ભોગીલાલ ગાંધી
[‘મિતાક્ષર’ (1970)માંથી]


૫૧.
ભારતીય સર્જકની જવાબદારી

ભારતીય સમાજજીવનમાં એક સૂક્ષ્મ સાંસ્કૃતિક સંચલન હું અનુભવી રહ્યો છું. સંસ્કારની, મૂલ્યોની અથડામણમાંથી આપણું જીવન પસાર થઈ રહ્યું છે. એમાંથી ભારતીય સમાજની કેવી ભાત ઊઠી આવશે, જીવનનાં કયાં મૂલ્યો બળવાન બની પ્રતિષ્ઠા પામશે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ આ સમગ્ર પરિસ્થિતિમાં ભારતીય સર્જક પર એક મોટી જવાબદારી રહેલી મને દેખાય છે. પંડિતયુગની જેમ સર્જકે કોઈ પયગંબરનો, ક્રાન્તદ્રષ્ટાનો પાઠ ભજવવાનો છે એવું હું સહેજ પણ માનતો કે સ્વીકારતો નથી. મારે કહેવાનું એટલું જ છે કે આ વસ્તુજગતની સામગ્રીમાંથી ઉત્તમ કોટિની નવલકથાઓ રચી શકાય એવી ક્ષમતા છે. એના તરફ વિમુખતા કેળવવાથી ગુજરાતી નવલકથા પાંડુવર્ણી બનશે એમ હું માનું છું.

જયંત ગાડીત
[‘નવલકથા, વાસ્તવ અને વાસ્તવવાદ’ (1985), પૃ. 69]


૫૨.
વિજ્ઞાન અને ફિલસૂફીનો સમન્વય

આઇન્સ્ટાઈનનો સાપેક્ષતાવાદ ન્યુટનના વિજ્ઞાનને સંદતર ઉથાપતો નથી, એને પૂરક બની રહી વધારે વ્યાપક બને છે. ક્વોન્ટમ વિજ્ઞાન ન્યુટનના વિજ્ઞાનને અને / કે સાપેક્ષતાવાદને ઉથાપતો નથી, એ બંનેને પૂરક બની રહી, સૂક્ષ્મ ઘટનાઓના વિશ્વ સુધી એનો વ્યાપ વિસ્તારી વિજ્ઞાનીને અને સામાન્ય જનને પ્રતીતિ કરાવે છે કે આજનું વિજ્ઞાન કુદરત પર કાબૂ મેળવી આપણું જીવન સુલભ બનાવતાં સાધનોપૂરતું મર્યાદિત નથી રહ્યું. એના પ્રશ્નો આપણને જીવનના ગહન લાગતા પ્રશ્નોને નવસેરથી પૂછવાની, એમના વિશે ચંતિન કરવાની ફરજ પાડે છે. ધર્મ, અધ્યાત્મશાસ્ત્ર, ફિલસૂફીમાં વિજ્ઞાનથી મહદંશે સ્વતંત્ર રહીને આ પ્રશ્નો હજારો વર્ષોથી પુછાયા છે, વિચારાયા છે. આજના યુગમાં બંને વચ્ચે સમન્વય થયો છે. નિરીક્ષ્ય વિધિનું માનવચેતનાના ઈક્ષણથી સ્વતંત્ર અસ્તિત્વ છે કે નહીં, અને ભાષા એના અસ્તિત્વના સ્વરૂપને કઈ રીતે ઘડી આપે છે – એવા તાત્ત્વિક પ્રશ્નો ક્વોન્ટમ વિજ્ઞાનીએ પૂછવા પડે છે, એને વિચારવા પડે છે. સાચો ક્વોન્ટમ વિજ્ઞાની હવે ફિલસૂફ પણ છે.

રસિક શાહ
[ ‘અંતે આરંભ’, ભાગ 2, (2009), પૃ. 17 ]


૫૩.
લોકસાહિત્ય અને કોપીરાઈટ

આઇન્સ્ટાઈનનો સાપેક્ષતાવાદ ન્યુટનના વિજ્ઞાનને સંદતર ઉથાપતો નથી, એને પૂરક બની રહી વધારે વ્યાપક બને છે. ક્વોન્ટમ વિજ્ઞાન ન્યુટનના વિજ્ઞાનને અને / કે સાપેક્ષતાવાદને ઉથાપતો નથી, એ બંનેને પૂરક બની રહી, સૂક્ષ્મ ઘટનાઓના વિશ્વ સુધી એનો વ્યાપ વિસ્તારી વિજ્ઞાનીને અને સામાન્ય જનને પ્રતીતિ કરાવે છે કે આજનું વિજ્ઞાન કુદરત પર કાબૂ મેળવી આપણું જીવન સુલભ બનાવતાં સાધનોપૂરતું મર્યાદિત નથી રહ્યું. એના પ્રશ્નો આપણને જીવનના ગહન લાગતા પ્રશ્નોને નવસેરથી પૂછવાની, એમના વિશે ચંતિન કરવાની ફરજ પાડે છે. ધર્મ, અધ્યાત્મશાસ્ત્ર, ફિલસૂફીમાં વિજ્ઞાનથી મહદંશે સ્વતંત્ર રહીને આ પ્રશ્નો હજારો વર્ષોથી પુછાયા છે, વિચારાયા છે. આજના યુગમાં બંને વચ્ચે સમન્વય થયો છે. નિરીક્ષ્ય વિધિનું માનવચેતનાના ઈક્ષણથી સ્વતંત્ર અસ્તિત્વ છે કે નહીં, અને ભાષા એના અસ્તિત્વના સ્વરૂપને કઈ રીતે ઘડી આપે છે – એવા તાત્ત્વિક પ્રશ્નો ક્વોન્ટમ વિજ્ઞાનીએ પૂછવા પડે છે, એને વિચારવા પડે છે. સાચો ક્વોન્ટમ વિજ્ઞાની હવે ફિલસૂફ પણ છે.

રસિક શાહ
[ ‘અંતે આરંભ’, ભાગ 2, (2009), પૃ. 17 ]


૫૪.
કવિતા સીધી ભાવક પાસે

કાવ્યો પરત્વે મારા સંગ્રહોમાં મેં ક્યારેય કંઈ નિવેદન કર્યું નથી. એવું કરવાની જરૂરિયાત મને જણાઈ નથી. કવિતા સીધેસીધી એના ભાવક પાસે પહોંચે ને ભાવક એનો સ્પર્શ પોતાની રીતે પામે ને આહ્લાદ અનુભવે. કાવ્યના સૌંદર્યને અને રસને પામવાની પ્રક્રિયા મને તો પ્રેયસીના અવગુંઠનની ઓથે રહેલા વદનના સૌંદર્યને અને ઓષ્ઠના રસને પામવા સમી લાગી છે. કોમળ સ્પર્શથી મહીન આવરણને જરા આઘું કરી મુખની સુરખી અને નેત્રની દ્યુતિ ઝીલી શકાય. પ્રત્યેક ભાવક નિજી સંસ્કાર અને રુચિ પ્રમાણે રસાનુભાવ કરે એમાં વચ્ચે આવવાનું ન હોય.

રાજેન્દ્ર શાહ
[ ‘સંકલિત કવિતા’(1983)-નું નિવેદન ]


૫૫.
કળા દ્વારા મનુષ્યત્વની ઓળખ

અંતે એટલું કહેવાનું કે સાહિત્ય પ્રતિબદ્ધ હોય કે અપ્રતિબદ્ધ, એ આપણી ઘણી વિસ્મૃતિઓને ઢંઢોળે છે. નવેસરથી સ્મૃતિ, ભાષા, પરંપરા, સાંપ્રત પરિસ્થિતિઓ, વંચિતો, અન્યાય સહન કરનારાઓ, સત્તાનો ભોગ બનનારાઓ અને સાંસ્કૃતિક-અન્યોની સાથે આપણો મનુષ્ય તરીકેનો નવો સંબંધ સ્થાપે છે. કલાસાહિત્યની અનેકમાર્ગી ધારાઓ આખરે તો આપણી અંદર રહેલા પરંતુ ક્યારેક ક્યારેક ખોવાઈ જતા મનુષ્યની સન્મુખ આપણને લઈ જાય છે. તત્ત્વત: અનેકકેન્દ્રી, સંકુલ મનુષ્ય કલા-સાહિત્યમાં અનેક ભાષાઓથી લખાતો રહેતો હોય છે, દરેક રચનાના વાચને નવી નવી શોધ-યાત્રાનો આરંભ કરતો રહેતો હોય છે અને સૌંદર્યમીમાંસાનાં અનેક સ્થાનકો સાથે આપણો મેળાપ કરાવતો રહેતો હોય છે.

નીતિન મહેતા
[નય-પ્રમાણ (2010)માંથી]


૫૬.
કળા દ્વારા મનુષ્યત્વની ઓળખ

અંતે એટલું કહેવાનું કે સાહિત્ય પ્રતિબદ્ધ હોય કે અપ્રતિબદ્ધ, એ આપણી ઘણી વિસ્મૃતિઓને ઢંઢોળે છે. નવેસરથી સ્મૃતિ, ભાષા, પરંપરા, સાંપ્રત પરિસ્થિતિઓ, વંચિતો, અન્યાય સહન કરનારાઓ, સત્તાનો ભોગ બનનારાઓ અને સાંસ્કૃતિક-અન્યોની સાથે આપણો મનુષ્ય તરીકેનો નવો સંબંધ સ્થાપે છે. કલાસાહિત્યની અનેકમાર્ગી ધારાઓ આખરે તો આપણી અંદર રહેલા પરંતુ ક્યારેક ક્યારેક ખોવાઈ જતા મનુષ્યની સન્મુખ આપણને લઈ જાય છે. તત્ત્વત: અનેકકેન્દ્રી, સંકુલ મનુષ્ય કલા-સાહિત્યમાં અનેક ભાષાઓથી લખાતો રહેતો હોય છે, દરેક રચનાના વાચને નવી નવી શોધ-યાત્રાનો આરંભ કરતો રહેતો હોય છે અને સૌંદર્યમીમાંસાનાં અનેક સ્થાનકો સાથે આપણો મેળાપ કરાવતો રહેતો હોય છે.

નીતિન મહેતા
[નય-પ્રમાણ (2010)માંથી]


૫૭.
યુગપરંપરા

આપણી આજની સંવેદનશીલતા અને મધ્યકાળની સંવેદનશીલતા વચ્ચે ફરક રહેવાનો. આપણે ત્યારની સંવેદનશીલતાને કલ્પનાથી માણવાની છે. મધ્યકાળના એ બોધને એ યુગપરંપરા સાથે સાતત્ય કેળવીને સમજવાનો છે. પોતાનાં યુગલક્ષી મૂલ્યોને એમણે યુગધર્મી બનીને સાહિત્યના સાધન દ્વારા પ્રબોધ્યાં છે એ ધ્યાનમાં રાખીને જ એ સાહિત્યની તપાસ કરવાની રહે છે. એમાંના ઉત્તમ અંશો આજનાં ધોરણોની જિકરથી અવગણાઈ ન જાય એટલી તકેદારી રખાય તો પણ ઘણું. એ સમયે માનવચેતના વિવિધ કાવ્યરૂપોમાં કેવી પ્રગટી છે તે જોવાનું છે. આજનાં સાહિત્યસ્વરૂપો જે આનંદ આપણને આજે આપે છે એવો આનંદ એ સમયનાં સાહિત્યસ્વરૂપોમાંથી જુદા જુદા સ્તરના પ્રજા-સમૂહોએ મેળવ્યો છે. […] એ કવિઓએ માનવધર્મ સમજીને સાહિત્યને ઉપાસ્યું છે અને પોતાનું જે કંઈ હીર હતું એને એમાં વ્યક્ત થવા દીધું છે.

ચિમનલાલ ત્રિવેદી
[‘ભાવરેખ’, (2000), પૃ. 41]


૫૮.
સાહિત્યવિચાર અને સમજ

સાહિત્યવિચારમાં અનેક પરિવર્તન થયાં છે, એનાથી રોમાંચ અનુભવવો એક વાત છે, એને સમજી-પચાવીને પોતાની નિષ્ઠા કેળવવી એ બીજી વાત છે. જ્યાં સુધી આ સમજવા-પચાવવાનું બનતું નથી ત્યાં સુધી બધિરતાનો જ અનુભવ થાય છે. વિજ્ઞાન ને મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર ને નૃવંશશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, ભાષાવિજ્ઞાન ને સૌંદર્યમીમાંસા – એમ જ્ઞાનની જુદી જુદી શાખામાં એક પછી એક અનેક પરિવર્તન થયાં છે, એક પછી એક અનેક અભિગમ પ્રગટ્યા છે, એક પછી એક અનેક સિદ્ધાંત સ્થપાયા છે. પ્રત્યેક પરિવર્તનને, પ્રત્યેક અભિગમને, પ્રત્યેક સિદ્ધાંતને સમજવા-પચાવવાનું ખરેખર દુષ્કર છે ને છતાં સમજવા-પચાવવા જેવું તો છે જ, કારણ કે પ્રત્યેક પરિવર્તન, પ્રત્યેક અભિગમ, પ્રત્યેક સિદ્ધાંત કોઈક ને કોઈક નવી સૂઝ તો વ્યક્ત કરે છે, અનુભવની નવી દિશા ઉઘાડી આપે છે. જ્ઞાનની અનેક શાખાઓએ સૌંદર્યમીમાંસા, કલામીમાંસા, સાહિત્યમીમાંસા પણ કરી છે, ત્યારે કોઈક નવી સૂઝ વ્યક્ત કરી છે.

જયંત પારેખ
[ગુજરાતીનો અધ્યાપકસંઘનાં ‘પ્રમુખીય પ્રવચનો’ (1997)]


૫૯.
અનુવાદની ભાષા – પોતાની ભાષા

ભાષાન્તરનું પ્રથમ કાર્ય તો એ હોવું જોઈએ કે જે ભાષામાં એ કરવામાં આવે તે જાણનારાઓ એ વિનાપ્રયાસે સમજી શકે; અર્થાત્ જો ગુજરાતીમાં ભાષાન્તર કર્યું હોય તો તે પહેલે તો ખરેખર ગુજરાતી જ હોવું જોઈએ. એક અંગ્રેજી સમાલોચક લખે છે તેમ Whatever else a translation may fail to do, it must talk its own language, અર્થાત્, બીજા ગમે તે દોષ ભાષાંતરમાં હોય, પણ તેણે પોતાની ભાષા તો બોલવી જોઈએ. મતલબ કે તે ભાષા જ એકલી જાણનાર કોઈ માણસ એ ભાષાન્તર વાંચે તો એને એમ ન લાગવું જોઈએ કે [આ] વાંચું છું તે મારી ભાષા નથી.

જહાંગીર સંજાના
[ ‘અનાર્યના અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો’(1955) ]


૬૦.
મનુષ્યધર્મ

ઇતિહાસમાં એ વાત અવિસ્મરણીય રહેશે કે જ્યારે ઉપલા વર્ગના અને વર્ણના પ્રતિષ્ઠિતો વિદેશી વિધર્મી સત્તા સાથે હાથ મિલાવી સ્વાર્થસાધના કરી રહ્યા હતા ત્યારે, અસંખ્ય ભક્તો-સંતો-કવિઓએ (ખાસ કરીને નીચલા વર્ગના ગણાય એમણે!) અસાધારણ જોખમો, અત્યાચારો અને મોત સુધ્ધાંને આવકારી લઈ વિષમ પરિસ્થિતિનું ચિત્ર આલેખ્યું હતું; અન્યાય અને અનાચાર, દંભ અને વિલાસ સામે નિર્ભયપણે, નિષ્ઠાપૂર્વક પડકાર ફેંક્યો હતો; અને આર્યધર્મની ઊખડી રહેલી ઈમારતના પાયામાં સાચા માનુષી ધર્મની પુન:સ્થાપના કરી સમસ્ત જનસમુદાયોને ધૈર્ય, હિંમત, વીરતા અને આસ્થાને પંથે દોરી હતી.

ભોગીલાલ ગાંધી
[ ‘મિતાક્ષર’ (1970), પૃ. 237 ]


૬૧.
દલિત આંદોલન

રખે કોઈ એવું માની લે કે ‘આક્રોશ’ [સામયિક અને એના આંદોલન] પહેલાં દલિત સમસ્યાને લઈને કોઈ કવિતાસર્જન થયું નથી. દલિતો થકી પણ થયું છે ને બિનદલિતો થકી પણ. ભક્તિયુગ કે ગાંધીયુગમાં ક્વચિત્ લખાયેલા કવિતાસાહિત્યથીય પહેલાં દલિત તૂરી-કલાકારોની ભવાઈકવિતા દલિતકવિતાની જ પુરોગામી કવિતા છે. વર્ણ અને જ્ઞાતિને સાંકળતા સોશ્યલ સેટાયર ભવાઈકવિઓની વિશિષ્ટ અભિવ્યક્તિઓ હતી. આઝાદી પહેલાં અને પછીના સમયમાં ‘પેંથર’ની જેમ બીજાં દલિત-સામયિકોમાં દલિતવિષયક કવિતાઓ પ્રસંગોપાત્ત છપાતી હતી. ફર્ક હતો તો ‘દલિત સાહિત્ય’ કે ‘દલિત કવિતા’ની વિશિષ્ટ ઓળખ સાથેના નામાભિધાનનો, એક સમજણપૂર્વકના નિર્ધાર સાથે લોંચ થયેલા દલિત સાહિત્ય આંદોલનનો.

નીરવ પટેલ
[‘ગુજરાતી દલિત કવિતા’-સંપાદન(2010)ની પ્રસ્તાવના]


૬૨.
રસાનુભૂતિ : સંવેદના તેમજ બૌદ્ધિકતા

રસાનુભૂતિ મુખ્યત્વે માનવહૃદયના સૂક્ષ્મ ભાવોની આજુબાજુ રચાય છે, પણ અધિકારી વ્યક્તિની બૌદ્ધિકતાનો આનંદ તેના ક્ષેત્રની બહારનો નથી. તેથી સાહિત્યિકતા, અથવા કલા, કેવળ ભાવોની અનુભૂતિમાં પર્યવસિત થતી નથી, બલકે તેમાં વિશાળ બૌદ્ધિકતાના ખેલને પણ અવકાશ છે. આથી જીવનની ક્ષુદ્રતા ઉપર ગંભીર ચંતિન પણ તેમાં વિષય બનીને આવી જાય છે. કલાનો મર્મ એટલે જ રસાનુભૂતિ. આથી, રસાનુભૂતિ એટલે કેવળ રતિ વગેરે આઠ કે નવ સ્થાયીભાવ કે તેત્રીસ વ્યભિચારી ભાવનો ઉત્કર્ષ અથવા ઉપચય – એટલું જ નહીં; કલામીમાંસા એટલે જે તે વિભાવાદિ સામગ્રીમાં જે તે સ્થાયી, વ્યભિચારીની લીલા સમજવી, સમજાવવી એટલું જ નહીં પણ તેમાં, અર્થાત્ રસાનુભૂતિના રહસ્ય રૂપે થતા તેના ચંતિનમાં, મેધાવીઓનો બુદ્ધિવિલાસ તથા કર્મઠ કર્મયોગીઓની નિર્મમ કલા-સાધના પણ સમાવેશ પામી જાય છે. રસસૂત્રનું આ જ રહસ્ય છે.

તપસ્વી નાન્દી
[‘ગુજરાતી વિવેચનનો અનુબંધ’-1, સંપા.ચંદ્રકાન્તટોપીવાળા]


૬૩.
લેખનસમયે ખલેલ?

આમ [લેખનકાર્યના] દરેક સમયે મને ખલેલ પહોંચતી રહે છે : [કોઈનો ફોન, કોઈ મળવા આવે, વગેરે]. પણ તોય આ બધા વચ્ચે હું લખવાનું ગોઠવી દઉં છું. એના માટે મારે ક્યાંય ભાગવું નથી પડતું. કેટલાક લેખકો કહે છે કે તેઓ એકાંત ટાપુ પર જ લખી શકે. એમ તો ખલેલ ન પહોંચે એ માટે તેઓ ચંદ્ર પર પણ જઈ શકે છે. હું તો માનું છું કે આમ ખલેલ પડવી એ જીવનનો એક ભાગ છે. અને ક્યારેક તો આમ અવરોધ પહોંચે તેનાથી ફાયદો પણ થાય છે. જ્યારે તમે બીજા કશાકમાં વ્યસ્ત હો છો ત્યારે તમારો પરિપ્રેક્ષ્ય બદલાય છે, કે તમારી ક્ષિતિજ વિસ્તરે છે. એટલે બીજા લેખકો કહે છે એવી શાંતિમાં મેં ક્યારેય લખ્યું નથી, પણ છતાં હું કહેતો રહીશ કે ગમે તેટલા અવરોધ વચ્ચે લખવાથી કંઈ ફરક પડતો નથી.

ઈઝાક બાશેવિસ સિંગર
[અનુ. શરીફા વીજળીવાળા, ‘વાર્તાસંદર્ભ’ (2001), પૃ. 21]


૬૪.
વિવેચનસિદ્ધાંતો અને વિદ્યાશાખાઓ

સાહિત્ય અને વિવેચનને લગતા અર્વાચીન સિદ્ધાંતો અત્યંત સંકુલ અને વિદગ્ધ હોય છે. તેના પ્રણેતાઓ ભાષાવિજ્ઞાન, તર્કશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, મનોવિશ્લેષણ, ઇતિહાસ અને સમાજવિજ્ઞાન જેવી વિદ્યાશાખાઓમાં ઊંડે ઊતરેલા હોય છે […] આ પ્રકારનું વિદ્યાકીય વાતાવરણ ભારતીય પ્રશિષ્ટ યુગના વિદ્યાક્ષેત્રે જે બૌદ્ધિક પ્રખરતા પ્રવર્તતી હતી તેની સાથે ઘણું સૂચક સામ્ય ધરાવે છે. અભિનવગુપ્તના રસસિદ્ધાંતનો તેના શૈવદર્શન સાથે રહેલો ગાઢ સંબંધ, જગન્નાથ પર નવ્ય ન્યાયનો પ્રભાવ, ભોજના ‘શૃંગારપ્રકાશ’માં આપેલી વિસ્તૃત વ્યાકરણચર્ચા, ભર્તૃહરિના વ્યાકરણદર્શનનો અનેક આલંકારિકો પર પ્રભાવ, વગેરેનાં દૃષ્ટાંત આપણે આપી શકીએ.

હરિવલ્લભ ભાયાણી
[‘ભારતીય સાહિત્યસિદ્ધાંત’લેખ,’પ્રવચનો’(2005),પૃ.11]


૬૫.
આત્મકથા : અંત:પ્રવેશ માટે નિમંત્રણ

આત્મકથાને સામાન્ય રીતે સોનાના ચમકતા શબ્દોમાં જડિત શાશ્વત સત્ય માનવામાં આવે છે. આત્મપ્રશંસાની કલાકૃતિ! મૂળભૂત સત્ય છે લેખકની પોતાની જરૂરિયાત. […] આત્મકથાનો લેખક પોતાના વાચકને ઘરના ઉંબરાની સામાન્ય સીમાથી પણ ક્યાંક વધુ અંદર આવવા માટે નિમંત્રિત કરે છે. અને આ સંદર્ભમાં સચ્ચાઈ સાથે બાંધછોડ એ ફક્ત આમંત્રિત માટે જ નહીં, પણ આમંત્રણ આપનાર માટે પણ અપમાનજનક છે.

અમૃતા પ્રીતમ
[‘ભારતીય નારીઓનાં પદચિહ્ન’, રંજના હરીશ (2011)]


૬૬.
સાહિત્ય-અનુભવ

અન્ય વિદ્યાશાખાઓ યા શાસ્ત્રો જે અસ્તિત્વમાં છે તે માનવીનો અને તેના પરિવાર, સમાજ, રાષ્ટ્ર, દેશ, જગતનો પરિચય કરાવે છે; તેમના વિશે જ્ઞાન અને સમજ આપે છે; તેમાં શું સારું અને ઉપાદેય છે તેમ જ શું નરસું અને હેય છે, તેનો વિવેક શીખવે છે. સાહિત્ય, નવી જ સર્જેલ સૃષ્ટિના દર્શન દ્વારા, જીવન અને જગતનાં પરિચય-માહિતી-જ્ઞાન-સમજ આપવાને બદલે, જીવનનો પોતાનો અપરોક્ષ ઉત્કટ અનુભવ કરાવે છે. એ અનુભવ આપણી કેવળ બુદ્ધિને જ નહિ, આપણા સમગ્ર આત્માને – સંવેદના, બુદ્ધિ, કલ્પના, ચેતનાને – સ્પર્શી રહે છે. સાહિત્ય આપણને એક જ જીવનમાં ઘણાં બધાં જીવનનો અનુભવ કરાવી શકે છે. આ બાબતમાં સાહિત્ય અન્ય તમામ શાસ્ત્રો અને વિદ્યાઓથી ભિન્ન તરી આવે છે.

જશવંત શેખડીવાળા
[‘સાહિત્યાલેખ’, (1996)માંથી]


૬૬.
વિદ્યામંદિરોની પુન:પ્રતિષ્ઠા જરૂરી

લક્ષ્મી અને સત્તાએ સરસ્વતીને બંદી બનાવી મૂકી છે, તેમાંથી તેને મુક્ત કરવી જોઈએ. દેવમંદિરોની જેમ વિદ્યામંદિરોની પુન:પ્રતિષ્ઠા થવી જોઈએ અને તેમાં પેટભરુ, ગણતરીબાજ પૂજારીઓને બદલે સાચા આરાધક ભક્તોને પૂજારીની પ્રતિષ્ઠા આપવી જોઈએ. તો જ આપણા સંસ્કારવારસાને બજારભાવે વેચાતો અને નષ્ટ થતો અટકાવી શકીશું અને આપણી સંસ્કારદરિદ્રતાને કાંઈક ઓછી કરી શકીશું. ભાવનાશીલ, નિ:સ્પૃહ અને નિષ્ઠાવાન મૂઠીભર લોકોનો પુરુષાર્થ પણ આપણી વર્તમાન દુર્દશાને સુધારી શકશે.

હરિવલ્લભ ભાયાણી
[‘વિચારવિહાર’ (2000)-માંથી]


૬૭.
કવિ : શબ્દ અને લયની માવજત

શબ્દ એક એવો ઘોડો છે જે જરીકમાં પાડી નાખે. ઘણીવાર પ્રશ્ન થાય કે શબ્દ સાથે ક્યાં પનારું પાડ્યું. આના કરતાં કહો કે, સુથાર થયા હોય તો કેવું! પણ પછી થાય છે કે ખુરશીના પાયા બરોબર ન કર્યા હોય તો ગ્રાહક આવીને આપણા માથામાં મારે તોપણ એને અધિકાર છે. વિવેચકો […] છેવટે તો અહિંસક છે. રચનાકારે પોતે જ શબ્દને – શબ્દલયને વફાદારીપૂર્વક એને યોગ્યતમ સ્વરૂપે સ્થાપવો રહ્યો. જમાનાના આશીર્વાદરૂપે જે અનેકવિધ ઉત્તમ કવિતાનો ભાવક તરીકે આનંદ મેળવ્યો છે તેણે ભીતર સર્જકના કાનમાં એટલું જ કહ્યું છે : જોજે હોં, તને વાંચવા પ્રેરાય તેની તારે હાથે વંચના ના થાય.

ઉમાશંકર જોશી
[‘થોડુંક અંગત’, (સંપા. સ્વાતિ જોશી, 1999)-માંથી]


૬૮.
કવિને છંદજ્ઞાન જરૂરી

મારી દૃઢ માન્યતા છે કે કવિને છંદોનું જ્ઞાન હોવું જ જોઈએ. કવિતારચનામાં પ્રવેશ કરનારે પંગિળનું જ્ઞાન મેળવી લેવું જોઈએ. એમાં જેની હથોટી પાકી થઈ હોય, લયની સૂઝસમજ સુપેરે આવી ગઈ હોય તે જ અછાંદસ રચના કરી શકે. એની અછાંદસ કૃતિમાં પણ એક પ્રકારનો લય હોય છે. છંદ પર કાબૂ મેળવ્યા વિના અછાંદસ લખવાની ચેષ્ટા કરવી નિરર્થક છે.

બચુભાઈ રાવત
[‘બુધ-સભા’વક્તવ્ય, 1980; ‘કુમાર’, ફેબ્રુઆરી 1998માંથી]


૬૯.
પાઠ્યપુસ્તકની ભાષા

પુસ્તકની ભાષા બાબતમાં અનેક સ્થાનિક બોલીઓ અને શબ્દો કરતાં ખેડાયેલી વ્યાકરણશુદ્ધ ભાષા અને વધારેમાં વધારે પ્રચલિત થયેલા શબ્દો વાપરવા જોઈએ. મૌખિક વ્યાખ્યાનમાં શ્રોતાની સગવડ મુખ્ય હોય, પણ પુસ્તકી લખાણમાં લેખક, વાચક અને પુસ્તકનો વિષય – ત્રણેયની અરસપરસ સગવડ જળવાવી જોઈએ. લેખક પોતાની જ સગવડ અને સંતોષની દૃષ્ટિએ લખે તો જેને ગરજ હશે તેટલા જ વાંચશે. પણ લેખક વાચકના હિતાર્થે અને પુસ્તકના વિષયને સારામાં સારી રીતે રજૂ કરવા માટે લખતો હોવાથી એને ભાષાની યોજનામાં કેટલીક મોકળાશ અને સ્વતંત્રતા પણ જોઈએ જ. પણ તે સાથે જ કેળવણીના ક્ષેત્રમાં આવતાં ને તેને માટે જ લખાયેલાં પુસ્તકોમાં ભાષાની જે પ્રકારની યોજના કેળવણી લેનાર માટે યોગ્યમાં યોગ્ય વાહન થઈ શકે એવી હોય તે જ થવી જોઈએ.

કિશોરલાલ ઘ. મશરૂવાળા
[‘સમૂળી ક્રાંતિ’ (1948, પુન: 2007), પૃ. 124]


૭૦.
ફિલ્મ : અભિનેતા અને કેમેરા-ટેકનિક

હું જટિલ-વિષમ અસરોને તિરસ્કારું છું. મારો પોતાનો કેમેરા અભિનેતાના હલનચલન માટેની સંયોજકકલાને સવલત આપવા ગોઠવાયો હોય છે. જ્યારે કેમેરા ફ્લોર પર મુકાયેલો હોય અથવા તો અભિનેતાનાં નસકોરાંની આસપાસ ઘૂમતો હોય ત્યારે કેમેરા જ અભિનય કરે છે, અભિનેતા નહિ. કેમેરાએ પરાણે ઘૂસવું ન જોઈએ. કેટલાક વિવેચકો કહે છે કે મારી કેમેરા ટેક્નિક જૂની પ્રણાલી પ્રમાણે છે. અને પલટાતા સમય સાથે હું તાલ મેળવી શક્યો નથી. આ સાંભળી હું આશ્ચર્ય પામું છું. સમય એટલે? મારી ટેક્નિક મારા માટેની વિચારણાનું, મારા પોતાના તર્ક અને અભિગમનું પરિણામ છે.

ચાર્લી ચૅપ્લીન
[‘મારી આત્મકથા’,ચૅપ્લિન, અનુ. રવીન્દ્ર ઠાકોર (2004) પૃ. 145]


૭૧.
સિદ્ધાંત અને વ્યવહાર

સિદ્ધાંતચર્ચા અને ગ્રંથવિવેચન વચ્ચે ઝાઝો સંબંધ દેખાતો નથી. સિદ્ધાંતચર્ચામાં સ્વીકારેલાં ગૃહિતો ગ્રંથવિવેચનમાં બાજુએ મૂકી દેવાતાં દેખાય છે. રૂપલક્ષી દૃષ્ટિબિંદુનો સ્વીકાર સિદ્ધાંતલેખે કર્યો હોય પણ કૃતિના વિવેચનમાં રૂપરચના, એનાં ઘટકો, એ ઘટકો વચ્ચેનો અન્વય, ભાષાનો વિનિયોગ – આ મુદ્દાઓ ચર્ચાયા ન હોય એવું જોવા મળે છે, સહેલાઈથી ઓળખાવી દઈ શકાય તેવા છંદ, અલંકારની વાત થાય છે; પણ કાવ્યમાં એ છંદની સાભિપ્રાયતા, કાવ્યમાં એનું function – એ વિશેની ચર્ચા ઝાઝી દેખાતી નથી.

સુરેશ જોશી
[‘અરણ્યરુદન’(1976), પૃ. 3]


૭૨.
વિવેચકની સૌંદર્યનિષ્ઠા

સત્યનિષ્ઠા વગરની શુષ્ક બુદ્ધિ, દક્ષતા, ચાલાકી, વકીલના જેવી પટાબાજી એ બધી વસ્તુઓ વ્યવહારમાં ગમે તેટલી ઉપયોગી હોય પણ વિવેચનમાં તો તે વિષવત્ વર્જ્ય ગણવાની છે. કેમકે સચ્ચાઈ વગરની કેવળ બુદ્ધિ એ બહુ ઠગારી વસ્તુ છે. કોઈપણ સાહિત્યકૃતિને સાચો ન્યાય આપવામાં એ ભારે વિઘ્નરૂપ નીવડે છે. ગુણયુક્ત વસ્તુને દોષયુક્ત બતાવવી અને દોષયુક્તને ગુણયુક્ત બતાવવી એ એને મન રમતવાત છે. એવી દક્ષતા માણસને શરૂઆતમાં આકર્ષક પણ થઈ પડે છે. પણ દક્ષતા, ચાલાકી, પટાબાજી એ સઘળી વિવેચનના ધ્યેયથી ચળાવનારી વસ્તુઓ છે. એટલે વિવેચકે જે આદર કરવાનો છે તે એવી ધૂર્તોચિત દક્ષતાનો નહિ પણ નિર્વ્યાજ સચ્ચાઈ અને નિખાલસતાનો. કશો પણ ઢાંકપિછોડો કર્યા વગર, કોઈની પણ બીક કે શરમ રાખ્યા વગર જેવું હોય તેવું કહી નાખવું, એવી પ્રામાણિક નિખાલસતા – એ પ્રકારનું સત્યમય સ્પષ્ટવક્તૃત્વ – નહિ હોય તો વિવેચકમાં બીજી ગમે તેટલી ગુણસંપત્તિ હશે તો પણ તે નકામી નીવડવાની. વિવેચકને આવશ્યક એવા ગુણો તો અનેક ગણાવી શકાય એમ છે, પણ એ સઘળામાં અનિવાર્ય અગત્યના એવા બે જ છે : સૌંદર્યનિષ્ઠા અને સત્યનિષ્ઠા.

વિશ્વનાથ ભટ્ટ
[‘સાહિત્યસમીક્ષા’(1937; ત્રીજી આ. 1984), પૃ. 21-22]


૭૩.
યુનિવસિર્ટીમાંથી લેખકો મળે છે?

પચાસ વર્ષથી આપણા ઇલાકામાં યુનિવ્હસિર્ટી સ્થપાઈ છે, અને પ્રત્યેક વર્ષે સંખ્યાબંધ ગ્રેજ્યુએટો તૈયાર થાય છે. તેઓ પોતે માંહ્યોમાંહ્ય ગુજરાતી દ્વારા પોતાના વિચાર સરખાવે, તો એમનું પોતાનું જ્ઞાન પણ વધારે ચોક્કસ, સ્પષ્ટ, તેજસ્વી અને અંતરમાં સુપ્રતિષ્ઠિત અને અનુસ્યૂત ન થાય? આપણે ‘યુનિવ્હસિર્ટીમાં વ્હર્નાક્યુલર દાખલ કરો’ એમ ઉચ્ચ અવાજે માગણી કરીએ છીએ, પણ એ વિષયમાં આપણું પોતાનું જ કર્તવ્ય આપણે પોતે કેટલું થોડું કરીએ છીએ! મ્હોટા ગ્રંથો લખવાની સર્વની શક્તિ ન હોય, પણ એક ગુજરાતી માસિક વાંચવાની, એમાં લખવાની, સુધારવાની, અને સર્વ રીતે સારી સ્થિતિમાં મૂકવાની પણ કૃપા ન કરીએ? બંગાળી ભાષાનું સાહિત્ય કેવું વિશાળ છે એ સર્વના જાણવામાં છે, તમિલ ભાષામાં તો જૂના વખતથી જ મોટું સાહિત્ય છે અને મરાઠી માસિકના એક તંત્રી અમને જણાવે છે કે લગભગ સો ગ્રેજ્યુએટોએ એમના પત્રમાં લખવાનું કબૂલ કર્યું છે. ત્યારે શું ગુજરાત જ સ્વકર્તવ્ય કરવામાં પાછળ રહેશે? ‘નહિ રહે’ એમ ઉત્તર દેવો અમારા હાથમાં નથી. એ ઉત્તર ગુજરાતે જ દેવો જોઈએ, અને તે માત્ર મુખ થકી નહિ, પણ કૃતિ દ્વારા દેવો જોઈએ.

આનંદશંકર ધ્રુવ
[‘વસંત’, વર્ષ 1 અંક 1 : 1913]


૭૪.
વિવેચકનું પોતાનું સાહિત્યશાસ્ત્ર?

સહેજે પ્રશ્ન થાય કે, વિવેચકે પોતાનો સાહિત્યવિચાર સ્પષ્ટ કરવો જોઈએ કે નહિ? જો કે જુદી જુદી શૈલીની અસંખ્ય કૃતિઓ જોડે તેણે કામ પાડ્યું હશે, તો તેની રુચિઓ પસંદગીઓ કે અગ્રિમતાઓ તરત પ્રત્યક્ષ થઈ જશે. તેણે કૃતિવિવેચનમાં કયાં પાસાંઓ પર ભાર મૂક્યો છે કયાં કયાં મૂલ્યો પુરસ્કાર્યાં છે, તેનો અંદાજ પણ મળી જશે; અને, લાંબા સમયની વિવેચન-પ્રવૃત્તિમાંથી તેના આગવા સુસંગત વિચારો કે વિચારસરણી જેવું પણ શોધી આપી શકાશે. પણ, પોતા પૂરતું તેણે સાહિત્યશાસ્ત્ર ઊભું કરી લેવું આવશ્યક છે ખરું? કેમકે, સાહિત્યશાસ્ત્ર રચવાનો પ્રયત્ન કરવો, એટલે જ સ્વતંત્ર સુસંગત વિચારોનું તંત્ર ઊભું કરવું. અને, આવું તંત્ર અમુક રીતે પરિબદ્ધ બની જતું હોય છે.

પ્રમોદકુમાર પટેલ
[‘વિવેચનની ભૂમિકા’(1990), પૃ. 48]


૭૫.
વિવેચન કેવળ ભાવકલક્ષી?

વિવેચના, જોવા જઈએ તો, વિવેચક અને કૃતિ વચ્ચેનો વાર્તાલાપ છે. ભાવક બાજુમાં બેઠોબેઠો એ સાંભળે. વિવેચક કોઈકોઈ વાર ભાવક તરફ મોં ફેરવીને બોલે તો ભલે એમ થાય. વિવેચના માત્ર ભાવકને નજરમાં રાખીને ન થવી જોઈએ. આવી વિવેચનાઓ મોટેભાગે અધ્યાપકો અને પત્રકારોને હાથે લખાતી હોય છે. ભાવકની યોગ્યાયોગ્યતાનો વિચાર કરીને કૃતિની મૂલવણી ત્યાં થતી હોય છે! આવી પરિસ્થિતિમાં ‘વિદ્યાર્થીઓને ઉપયોગી’ સમીક્ષાનાં પુસ્તકો ઢગલાબંધ બહાર પડતાં હોય છે. આવાં પુસ્તકોમાં કૃતિ નહિ, પણ વિવેચનાના બહાના હેઠળ અધ્યાપક જ ડોકાયા કરતો હોય છે. કૃતિની અમુક જ – પરીક્ષામાં ખપ લાગે તેવી? – બાજુને એ સ્પર્શે છે. એટલે વિવેચનાની સમગ્રતા આવાં લખાણોમાં જોખમાતી હોય છે. કૃતિના અટપટા માર્ગોમાં ઘૂમી વળવાની તકો ભાવકની દયા ખાઈને આ ‘વિવેચક’ જતી કરતો હોય છે! વિવેચકની જવાબદારી ભાવક પ્રત્યે છે, પણ તે પ્રકારની નહિ. સૌંદર્ય જોવામાં મજા છે તો સૌંદર્ય બતાવવામાં ઓછી મજા નથી, એવો અનુભવ વિવેચકનો હોય. તાટસ્થ્ય અને તાદાત્મ્ય – બંનેનો સ્વાદ એમાં ભળે છે.

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
[‘પૂર્વાપર’,(1976), પૃ. 25]


૭૬.
સમીક્ષકની સજ્જતા

સાહિત્યસમીક્ષાનું મુખ્ય ઉત્પાદક બળ તો સાહિત્યનો આનંદ જ છે. જેને એ નથી તેણે આ પ્રવૃત્તિની ચેષ્ટા ન કરવી જોઈએ. પણ આનંદ માત્ર બસ નથી. કવિઓ જન્મે છે, બનતા નથી, એમ મનાય છે. પણ કવિઓને પણ અભ્યાસ આવશ્યક હોય છે, તો સમીક્ષકની તો મૂળ પ્રવૃત્તિ જ અભ્યાસની અને મીમાંસાની છે. વિજ્ઞાન, ઇતિહાસ જેવા વિષયનાં પુસ્તકોની સમીક્ષા માટે તે તે વિષયનું અદ્યતન જ્ઞાન સમીક્ષકને હોવું જોઈએ […] સમીક્ષકને સાહિત્યના સર્વ પ્રકારોની જાણ હોવી જોઈએ. તે વિના તે નવી કૃતિનો અર્થ અને તેનું તાત્પર્ય પૂરેપૂરું સમજી ન શકે. તેમ જ તેણે જુદાજુદા દેશોનાં સાહિત્યોનો અને વિવેચનવ્યાપારનો પરિચય રાખવો જોઈએ. સર્જકને માત્ર એક દેશનું પ્રભુત્વ બસ થાય, વિવેચકને કદી નહિ. વિવેચકનો જ્ઞાનપ્રદેશ ફિલસૂફી જેટલો વિવિધ અને વ્યાપક હોવો જોઈએ. વિવેચના એક રીતે ફિલસૂફીની પ્રવૃત્તિ છે.

રામનારાયણ પાઠક
[‘સાહિત્યાલોક’(1954)-માંથી]


૭૭.
ઉત્તમતાનું ધોરણ

‘નવનીત-સમર્પણ’નું સંપાદન મેં 1966-2000 સુધી સંભાળ્યું હશે. દરમિયાન છાપવા માટે આવેલી ઘણી મેટર વાંચી હશે. પરંતુ હું એવું શીખ્યો કે વાંચીને ભૂલી જવું. દરેક એડિટરને કચરો વાંચીને ભૂલી જવાનું આવડતું હોય છે. છતાં સારું વાંચીને યાદ રાખ્યું છે. દરરોજ એટલો બધો કચરો વાંચ્યો હોય! – તમે વાચક હો તો અધૂરેથી છોડી દઈ શકો – પરંતુ એડિટરે તો પૂરું વાંચવું જ પડે. એટલે નરસું ભૂલવા માટે પણ ઉત્તમ વાચનની જરૂર પડતી. વળી, ગુજરાતીના ઉત્તમ લેખકો અને વિશ્વના ઉત્તમ લેખકો વચ્ચેનો ભેદ રાખવો પડે. વિશ્વના ઉત્તમ લેખકોની પડછે ગુજરાતના ઉત્તમ લેખકને ભૂલવા પણ પડે.

ઘનશ્યામ દેસાઈ
[એક ઈન્ટરવ્યૂ, 2006; ‘બંધ બારણાં’(વાર્તાસંગ્રહ, 2014)]


૭૮.
સર્જકનો ક્રીડાવ્યાપાર

સર્જનાત્મક લેખનમાં વ્યવહારના અનુભવથી જુદો અનુભવ છે. અહીં અનુભવ પહોંચાડવાનો કે સંક્રમિત કરવાનો નથી. અહીં અનુભવ કરાવવાનો છે. સંવેદન પહોંચાડવાનું નથી, સંવેદન જગાડવાનું છે. લેખન, આ માટે, કશાકને સ્વરૂપમાં લાવવા (en-forming) માટે ક્રિયારત અને ક્રીડારત બને છે. લેખનના આ ક્રિયાવ્યાપારને કે ક્રીડાવ્યાપારને આચાર્ય કુન્તકે ‘પરિસ્પન્દ’થી ઓળખાવ્યો છે, જગન્નાથે રમણીય અર્થકરણથી અને આનંદવર્ધને ધ્વનનથી ઓળખાવ્યો છે. શબ્દ શબ્દ વચ્ચે, શબ્દ અને અર્થ વચ્ચે, વાક્યાંતર્ગત સીમા અને આન્તરવાક્ય સીમાઓ વચ્ચે જે ગતિશીલતા કે ઊર્જા જન્મે છે એને કારણે લેખનમાં શબ્દ અને અર્થ નિશ્ચિત રૂપમાં સ્થિર રહી શકે તેમ હોતા નથી. શબ્દ અને અર્થ બંને બહુગામી, બહુઅર્થી અને બહુપરિમાણી કલેવર લઈને સામે આવે છે.

ચન્દ્રકાન્ત ટોપીવાળા
[‘રમણીય સંક્રમણ’(2014), પૃ. 11]


૭૯.
ઊંચી કવિતાનું ટકાઉપણું

ઊંચી કવિતા તો ટકાઉ હોય ભાવઘનતાએ, સાધારણીકરણે (by generalisation), ઉચ્ચીકરણે (by sublimation); અર્થાન્તરન્યાસ સૂચન અને ધ્વનિએ ફરી ફરી ચાખતાં જુદા જુદા સ્વાદ ચખાડી શકે, પ્રથમ કરતાં પછીનાં વાચનો દરમિયાન રસિક લાગે, અનેક વાચને કિમપિ પ્રિય વસ્તુ બની જાય; પ્રથમ દર્શને દુર્બોધ, ત્રુટક કે વિસંવાદી રહી ગયા હોય એવા અંશો ભાવોમિર્ કલ્પનાભાવનાના ગોંફમાં પોતપોતાનું સ્થાન મેળવી લે, એની કલાનો ચમત્કાર સમય જતો જાય તેમ તેમ વધારે વિસ્મય ઉપજાવતો બને. સારી કવિતા તો લાંબા સમય લગી એકસરખી તેજસ્વી રહે તે જ, ત્યારે પ્રાસંગિક રચનાઓ તો થોડા સમયમાં ફૂલોની જેમ વાસી થઈ જાય છે.

બલવંતરાય ઠાકોર
[‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’,(1943), પૃ. 103]


૮૦.
અસાહિત્યિક લોકો

આમ વિચારવાથી અસાહિત્યિક લોકોનો એક આખોય વર્ગ ઊપસી આવે છે. એ ઘણા છે, સાહિત્યિક લોકો ઓછા છે. એ અસાહિત્યિક લોકોમાં નીચેનાં લક્ષણો હોય છે. એક, એ લોકોને એક જ વાર એક પુસ્તક વાંચવું પૂરતું છે. એનો ઉપયોગ થઈ રહે એ નકામું છે. બીજું, તેમને માટે વાંચવું એ સમય ગાળવાની ન છૂટકાની પ્રવૃત્તિ છે. ત્રીજું, તેમનો કોઈ કૃતિ સાથેનો પહેલો પરિચય એ કોઈ પણ રીતે પરિણામજનક ઘટના નથી. જ્યારે સાચા સાહિત્યિક માણસ માટે એ પ્રેમ કે ધર્મ કે શોક જેવી મૂલગામી અસર થઈ પડે છે. ચોથું, એમને મન વાચન એ સતત સાન્નિધ્યવાળી પ્રવૃત્તિ નથી. […] તે લોકો માત્ર આંખથી જ વાંચે છે, તેમની પાસે લય અને શબ્દ માટે કાન નથી. એથી એ વર્ગ શૈલી વિશે તદ્દન નિરુત્સાહી હોય છે.

દિગીશ મહેતા
[‘પરિધિ’(1976), પૃ. 110]


૮૧.
કળા અને શાસ્ત્ર

વિજ્ઞાન આપણા વિચારોમાં વ્યવસ્થા આણે છે. નીતિ આપણાં કાર્યોમાં પાયાની હેતુલક્ષિતા લાવે છે, જ્યારે કળા આ વિશ્વની દૃષ્ટિગોચર, સ્પર્શગોચર અને શ્રુતિગોચર ઘટનાઓના જ્ઞાનગ્રહણમાં સંવાદ સ્થાપી આપે છે. પણ આ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની મૂળભૂત ભિન્નતા ઓળખી લેવાની બાબતમાં તેમ જ એવી ભિન્નતાનો પૂરો સ્વીકાર કરવાની બાબતમાં સૌંદર્યમીમાંસા ખરેખર જ બિલકુલ મંદ રહી છે. પણ, સૌંદર્યતત્ત્વ વિષે અધ્યાત્મશાસ્ત્રીય રૂપની તાત્ત્વિક ખોજ ન કરતાં તેના પ્રત્યક્ષ અનુભવનું જ જો આપણે વિશ્લેષણ કરીએ તો એ વાત આપણી ધ્યાન બહાર ન રહી જાય. આપણે કળાની એક પ્રતીકાત્મક ભાષા લેખે વ્યાખ્યા કરી શકીએ. પણ એ રીતની વ્યાખ્યાથી તો સર્વસાધારણ જાતિ (genus)નો જ ખ્યાલ સૂચવાય, કળાના વિશિષ્ટ સ્વરૂપનો ખ્યાલ એમાંથી મળતો નથી. આધુનિક કળામીમાંસામાં આ પ્રકારની સર્વસાધારણ જાતિ વિષે ચર્ચાવિચારણા કરવાને એટલો ઉત્સાહ પ્રવર્તે છે કે એને કારણે કળાનાં વિશિષ્ટ એવાં તત્ત્વો જે એમાં ઢંકાઈ જતાં હોય કે મૂળથી જ તેનો છેદ ઊડી જતો હોય એવો ભય લાગે છે.

અર્નેસ્ટ કાસિરર
[અનુ. પ્રમોદકુમાર પટેલ, ‘તત્ત્વસંદર્ભ’(1999), પૃ. 45]


૮૨.
લોકસાહિત્ય અને પ્રત્યાયનનાં માધ્યમ

કંઠસ્થ અને લિપિબદ્ધ બંને સંસ્કૃતિઓનો આંતર્-સંબંધ, લોકવાઙ્મયને સમજવા માટે જરૂરી છે. પૃથ્વી પરની સમગ્ર માનવચેતનાએ જાણે પાસું બદલ્યું હજી થોડીક સદીઓ પહેલાં. પ્રત્યાયનમાં સમૂહમાધ્યમો આવ્યાં, લેખન, મુદ્રણ, આધુનિક ઈલેકટ્રોનિક માધ્યમો. એ માત્ર બહારના જ ફેરફારો નથી. માનવની ભીતર, એની આંતર્ચેતના પર પણ, આની અસરો થઈ છે. આ કાંઈ સમાચારોનું ને વિગતોનું માત્ર સ્થળાન્તર કરતી વસ્તુઓ નથી, પણ એ જે સામગ્રીને ધારણ કરે તેનાં સ્વરૂપો પણ બદલે એવાં વાહનો છે. ચિત્તનો વેગ વધી ગયો છે. શબ્દનાં તકનિકી રૂપાન્તરો થયાં – લિપિ કે લેખનથી માંડીને કોમ્પ્યુટર પ્રિન્ટ આઉટ સુધીનાં – એણે ચિત્તને ઝંઝેડી નાખ્યું છે.

કનુભાઈ જાની
[‘લોકવાઙ્મય’(1992), પૃ. 78-79]


૮૩.
બહુસંસ્કૃતિવાદ

‘બહુસંસ્કૃતિવાદ’ સંજ્ઞા સાહિત્યક્ષેત્રમાં નહીં, પણ શિક્ષણક્ષેત્રમાં ઉદ્ભવી છે; અને સાહિત્યક્ષેત્રમાં પહોંચી છે. આમ તો એ અમેરિકાના એક આંદોલનની સોગાદ છે; જેમાં એવી ધારણા કરવામાં આવી છે કે પારંપરિક મુખ્યપ્રવાહની સંસ્કૃતિએ હંમેશાં લઘુમતી જૂથોના અને જાતીયજૂથોના સાહિત્યપ્રદાનની ઉપેક્ષા કરી છે. અનેક પ્રકારની વાનગીઓ, સંગીત, નૃત્ય, વ્યવહારમાં બોલાતા કેટલાક શબ્દો, સમૂહમાધ્યમોની શ્રેણીઓ – આ બધામાં મુખ્યપ્રવાહથી ઈતર અનેક ગૌણ પ્રવાહો દાખલ થયા છે, તો સાહિત્યક્ષેત્રમાં એની કેમ ઉપેક્ષા થઈ રહી છે. આ શૈક્ષણિક આંદોલન માને છે કે લઘુમતી જૂથો અને જાતીય કે વંશીય જૂથો જો એમની પોતાની સંસ્કૃતિઓનો અભ્યાસ કરે તો એમના આત્મગૌરવમાં વધારો થાય. આ કારણે બહુસંસ્કૃતિવાદનું આંદોલન સાહિત્યના મુખ્યપ્રવાહમાં લઘુમતી અને વંશીય સાહિત્યનો સમાવેશ ઇચ્છે છે. ટૂંકમાં સાહિત્યના મુખ્ય પ્રવાહને વિસ્તારવાની એમાં નેમ છે. બહુસંસ્કૃતિવાદ સાંસ્કૃતિક બહુવિધતાનો ઉત્સવ છે.

ચન્દ્રકાન્ત ટોપીવાળા
[‘રમણીય સંક્રમણ’ (2014), પૃ. 43]


૮૪.
જ્ઞાનનો સમન્વય

આપણું વિવેચનસાહિત્ય પોતાના વિષયને સ્ફુટ કરવાને વધારે વિશાલ અને ઊંડી દૃષ્ટિથી જોવાનો પ્રયત્ન કરતું જાય છે. અંગ્રેજી દ્વારા ઉપલબ્ધ થતું બીજી મહાપ્રજાઓનું સાહિત્ય જોઈને તેની દૃષ્ટિ વિશાલ બને છે અને તત્ત્વજ્ઞાન જોઈને ઊંડી બને છે. આમ થવામાં કંઈક સંસ્કૃત સાહિત્યની ઉપેક્ષા થતી જણાય છે. પશ્ચિમનું વિવેચનસાહિત્ય જેમ લાંબા ઇતિહાસ ઉપર પ્રતિષ્ઠિત થયું છે, તેમ આપણું પણ આપણા પ્રાચીન ઇતિહાસ ઉપર પ્રતિષ્ઠિત થવું જોઈએ. પશ્ચિમના વિચારોનો તેણે સંપૂર્ણ લાભ લેવો જોઈએ પણ તેની સાથે પોતાના ઇતિહાસનો પણ અભ્યાસ કરવો જોઈએ. આમ નથી થતું તેનું કારણ એ છે કે આપણા શિક્ષિતો આપણા વિવેચન કરતાં પશ્ચિમના વિવેચનનો ઇતિહાસ વધુ જાણે છે. આપણા કાવ્યશાસ્ત્રના ગ્રંથોના કેટલાક વિચારો ઘણા જ તાજા અને સ્વતંત્ર વિચારપદ્ધતિને ગતિ આપે તેવા છે, આપણે તેનો અભ્યાસ નહીં કરીએ ત્યાં સુધી આપણું વિવેચન માત્ર પશ્ચિમના બદલાતા વિચારોના પડઘા રહેશે અને આપણો અભ્યાસ આપણા ભૂતકાળમાં મૂળ ઘાલી કદી સ્વતંત્ર રીતે વધશે નહીં.

રામનારાયણ પાઠક
[‘રા. વિ. પાઠક ગ્રંથાવલિ : 4’ (1991)માંથી]


૮૫.
સાહિત્યમૂલ્ય

જીવનમાં સ્વીકારેલાં મૂલ્યોની માવજત કરાવવા સાહિત્ય પાસે જઈએ તો મને લાગે છે કે, અવળો પંથ ગ્રહણ કરવા જેવું છે. સાહિત્ય અને જીવનના સંબંધ પરથી જ આ વસ્તુ સ્ફુટ કરવા પ્રયત્ન કરું. રામનારાયણ પાઠકે જીવન અને સાહિત્યના સંબંધની વાત કરતાં જીવનને વૃક્ષ અને સાહિત્યને વૃક્ષ પર આવેલા ફૂલ સાથે સરખાવ્યાનું મને યાદ છે. એમાંથી એક વસ્તુ એ ફલિત થાય છે કે જીવનમાં જેવા રસકસ એવું એનું સાહિત્ય. પણ આ સાદશ્ય જરા આગળ લંબાવીને કહું કે એ પણ એટલું જ સાચું કે વૃક્ષમાં પૂરેલા ખાતરની ગંધ અને પુષ્પની ગંધ એકસરખી નહિ પણ તદ્દન ભિન્ન હોય છે. અનેક ક્રિયા-પ્રતિક્રિયાઓમાં એનું પરિવર્તન (transformation) થતું હોય છે. જીવન પર સાહિત્ય આધારિત છે એ વાત સાચી છે પણ એ જીવન જ્યારે સાહિત્યમાં આવે છે ત્યારે એનું સીધેસીધું પ્રતિબંબિ સાહિત્યમાં પડતું નથી, પણ આવું પરિવર્તન પામીને એ સાહિત્યમાં આવે છે. સાહિત્યનાં મૂલ્યો, પરિણામે જીવનનાં સ્વીકૃત મૂલ્યોથી ભિન્ન હોય છે.

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
[‘અન્વીક્ષા’(1970), પૃ. 25]


૮૬.
સાચો સર્ગવિધિ

ભાવક, કાવ્યકૃતિ, વાસ્તવ, ભાષા, કવિ – એ સર્વ ઘટકો વચ્ચેની પારસ્પરિકતાનું સૂચન કાલિદાસ વાગર્થને પાર્વતીપરમેશ્વરનું ઉપમાન બનાવતી પેલી વિખ્યાત અલંકાર-સંરચના વડે કરે છે. કવિ દર્શાવે છે તેમ વાણી અને અર્થ અસમ્પૃક્ત તો છે જ, પણ એમની એ સહિતતા પાર્વતી અને પરમેશ્વરની સહિતતા જેમ, પરસ્પર એવી પ્રભાવક છે કે એમાંથી અર્ધનારીશ્વરનું, વાગર્થનું, કાવ્યનું અપૂર્વ રૂપ પ્રગટ થાય છે. ભાવક, કૃતિ, વાસ્તવ, ભાષા અને કવિ, એ પ્રત્યેકનું એક કાવ્યબાહ્ય આદિ રૂપ હોય છે. એ પ્રત્યેકનું ભવ-સ્વરૂપ છે. આ ‘ભવ’, આ હોવાપણું એક સ્થગિત બિન્દુ બની રહે, તો કશું સર્જન સમ્ભવે નહીં. સર્જનની શક્યતા ‘ભવ’માં નહીં, ‘ભવાન્તર’માં છે. વાસ્તવથી ભાવક સુધીના પ્રત્યેક ઘટકનું ‘ભવ’-ત્વ જ્યારે પોતાનું અને પરસ્પર ‘ભવાન્તર’ કરી શકે ત્યારે જ સાહિત્યનો સાચો સર્ગવિધિ શક્ય બને.

સિતાંશુ યશશ્ચંદ્ર
[‘અસ્યા: સર્ગવિધૌ’(2002), પૃ. 138]


૮૭.
નાટકની સમસ્યા : સમસ્યાપ્રધાન નાટક

પ્રશ્નનિર્ભર નાટકો (વિચારબંધ પણ આધારિત નાટકો) તો અમુક અંદાજી સમીકરણો છે. નાટક એ વિચારો રજૂ કરવાનું તૈયાર ઘટક નથી, જ્યારે વિચારસરણીઓનું વાહન બનવાનો એ પ્રયત્ન કરે છે ત્યારે બીજું કંઈ નહિ પણ એને તે વિકૃત તો કરી મૂકે જ છે – તેનું વરવું સરલીકરણ તે કરી નાખે છે. એ વિચારધારાને તે સાવ પ્રાથમિક રૂપની કરી નાખીને તેને વણસાડી મૂકે છે. એ વિચારસરણી સરળ નિર્દોષ રૂપમાં સંભવે છે, પણ તે એના ખરાબ અર્થમાં, વિચારસરણીઓ પર નિર્ભર બધાં જ નાટકો ‘પ્રાદેશિક’ બની જાય એવું જોખમ ધરાવે છે. નાટ્યગૃહને જો તત્ત્વજ્ઞાન, રાજ્યશાસ્ત્ર કે વિતંડાવાદના પુનર્કથન પૂરતું જ સીમિત કરી દેવામાં આવે તો, આવા ઉપયોગ સિવાય નાટ્યગૃહનું સાચું કાર્ય શું હોઈ શકે? મનોવૈજ્ઞાનિક નાટક, પૂરતું મનોવૈજ્ઞાનિક હોતું નથી. મનોવૈજ્ઞાનિક સત્ય જ્ઞાન માટે તો મનોવિજ્ઞાનનું પ્રકરણ જ વાંચી લઈ શકાય. આ કે તે રાજકીય વિચારસરણીને નાટક રૂપે રજૂ થતી જોવા કરતાં હું મારું હંમેશનું વર્તમાનપત્ર વાંચવાનું પસંદ કરું કે મારી પસંદગીના રાજકીય ઉમેદવારના ભાષણને હું સાંભળી લઉં.

યુજિન આયોનેસ્કો
[અનુ. પ્રમોદકુમાર પટેલ, ‘તત્ત્વસંદર્ભ’ (1999), પૃ. 199]


૮૯.
નારીવાદી કૃતિ એટલે?

સાહિત્યમાં નારીવાદ એટલે શું અથવા તો નારીવાદી કૃતિની વિભાવના શી એ અંગે સંદિગ્ધતાને કોઈ અવકાશ ન રહેવો જોઈએ. સ્ત્રીને કેન્દ્રમાં રાખી લખાયેલી કૃતિ કે સ્ત્રીને મુખે રજૂ થયેલી કથા નારીવાદી ગણાઈ જાય એવી સંભાવના રહે જ છે. સ્ત્રીની વ્યથાકથા હોય, અથવા આત્મકથારૂપે રજૂ થયેલી કથા હોય તેથી કૃતિ આપોઆપ નારીવાદી બની જતી નથી. લૈંગિક ભેદને કારણે સ્ત્રીને કોઈ અન્યાય કે અત્યાચારના ભોગ બનવું પડે કે એનો દરજ્જો નીચો ગણાય તો એ નારીવાદી વિષયવસ્તુ બની શકે. આમ ઘણીવાર કેટલીક કૃતિઓ ઉપરછલ્લી રીતે નારીવાદી લાગતી હોવા છતાં, જો સ્ત્રીપાત્રને ખસેડીને એને સ્થાને પુરુષપાત્ર ગોઠવી દેવામાં આવે, અને તોયે સ્થિતિ યથાવત્ રહેતી જણાય તો એ વાસ્તવમાં નારીવાદી કૃતિ નથી. વળી ક્યારેક કૃતિમાં નારીવાદી ઝોક હોય છે કે અંશત: નારીવાદી વળાંક હોય છે, પણ કૃતિ સાદ્યંત નારીવાદી નથી હોતી.

હિમાંશી શેલત
[‘આધુનિકોત્તર સાહિત્ય’ (2006) સંપા. સુધા પંડ્યા -માંથી]


૯૦.
શબ્દમહિમા

હું માનું છું કે કોઈપણ ભાષાના ધોવાણની શરૂઆત એના શબ્દભંડોળથી થતી હોય છે. સૌ પહેલાં ભાષકો પોતાની પાસે હોય એવા શબ્દોને પણ પડતા મૂકીને એની જગ્યાએ પરભાષાના શબ્દો વાપરવા માંડતા હોય છે. કેમ કે એ ભાષાના શબ્દો સાથે એક ચોક્કસ પ્રકારની કહી શકાય એવી સામાજિક પ્રતિષ્ઠા જોડાયેલી હોય છે. હકીકત એ છે કે એ પ્રતિષ્ઠા ભાષાની સંરચનાનો એક ભાગ નથી હોતી. એ પ્રતિષ્ઠા તો ભાષકોએ પોતે જ જે તે ભાષાને આપેલી હોય છે. કોઈ પણ ભાષા સંરચનાના સ્તરે બીજી ભાષાથી ચડિયાતી કે ઊતરતી નથી હોતી. પણ ભાષક જો bilingual [દ્વિભાષી] હોય તો ઓછી પ્રતિષ્ઠાવાળી ભાષાને બદલે વધુ પ્રતિષ્ઠાવાળી ભાષા વાપરવાનો પ્રયાસ કરતો હોય છે. ગુજરાતીમાં પણ કંઈક એવું બન્યું છે. […] એટલે આપણે એટલું તો ચોક્કસ કહી શકીએ કે એ પ્રક્રિયાનો પ્રભાવ આપણી ભાષાના અસ્તિત્વ પર પણ પડવાનો.

બાબુ સુથાર
[‘સંધિ’-35, જુલાઈ-સપ્ટેમ્બર, 2015]


૯૧.
વિવેચન – સિદ્ધાંત અને પ્રત્યક્ષ

સિદ્ધાંતનો જ્યારે પ્રત્યક્ષમાં વિનિયોગ કરવાનો આવે ત્યારે વિવેચકની સમજનું પ્રવર્તન સૌથી વધુ સક્રિય રીતે થતું હોય છે. સાહિત્યકૃતિ કે સાહિત્યસ્વરૂપના વિશેષો અને કાર્યશીલતાની એક વ્યાપક અભિધારણા રૂપે જે સિદ્ધાંત રચાયો હોય છે એ હવે, સમય અને સ્થળના જુદા સંદર્ભોમાં, કૃતિનાં સૌંદર્યઘટકોને ગ્રહવા-ઓળખવાની દિશા તરફ – એટલે કે સર્વસામાન્યથી વિશેષ તરફ – ગતિ કરે છે. એ રીતે, જેને તર્કની ભૂમિકાએ વિવેચક સમજ્યો ને પામ્યો હતો એ સિદ્ધાંતને હવે તેણે કૃતિમાં રસકીય ભૂમિકાએ સમજવાનો, પ્રતીત કરવાનો થાય છે. બંને તબક્કે એક વિશેષ સમજનું પ્રવર્તન હોય છે. સિદ્ધાંતની વિનિયોગક્ષમતા જ્યાં સુધી વિવેચકચિત્તમાં ઝિલાય નહીં ત્યાં સુધી તેને એ કૃતિવિવેચનમાં ઔચિત્યપૂર્વક યોજી શકતો નથી. એટલે, વિવેચક ક્યારેક સિદ્ધાંતના ચોકઠામાં કૃતિનાં ઘટકોને ગાણિતિક રીતે ગોઠવી દેવાની અજમાયશો કરતો હોય છે ત્યારે કૃતિનું ભાવન થતું નથી – એનો એક કોષ્ટકબદ્ધ આલેખ મળે છે.

રમણ સોની
[‘ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે’(2013)]


૯૨.
ગદ્ય અને કવિતા વચ્ચે ભેદ

ગદ્ય અંગે વિચારવાનું પ્રાપ્ત થાય ત્યારે, પ્રથમ, એનું કવિતાથી ભિન્ન રૂપ સ્પષ્ટ કરવાનું અનિવાર્ય બને છે. ગદ્ય અને કવિતા વચ્ચે પહેલી નજરે ચડી આવતી પ્રથમ ભિન્નતા એ બંનેના બહિશિર્લ્પને લગતી છે. કવિતા એ અભિવ્યક્તિની એક એવી રીતિ છે, જે તંતોતંત નિયમિત પરિમાણ (measure)થી નિબદ્ધ હોય છે, છંદના નિયમિત નિબદ્ધ લયને વશ હોય છે; જ્યારે ગદ્ય એ અભિવ્યક્તિની એવી રીતિ છે, જે પરિમાણના નિયમિત, નિબદ્ધ લયનો છેદ ઉરાડી શક્ય એટલી વિવિધ લયછટા પ્રગટ કરવા મથે છે.પરંતુ, નિયમિત નિબદ્ધ લયને વશ થતી અભિવ્યક્તિ એ પદ્ય છે, અને પદ્ય એ હંમેશાં કવિતા હોય જ એવું નથી.

નટવરસિંહ પરમાર
[‘પ્રબોધકાળનું ગદ્ય’(1991) માંથી]


૯૩.
પ્રતિબદ્ધ સાહિત્ય

પ્રતિબદ્ધતા સામાન્ય રીતે સમાજ પ્રત્યેના દાયિત્વનો ભાવ, એક જવાબદારીનો ભાવ પ્રકટ કરે છે. સમાજ એટલે અહીં કચડાયેલો, પીડાયેલો, સર્વહારા વર્ગ. પ્રતિબદ્ધ સાહિત્યનું પ્રયોજન આ વર્ગની વેદનાને, એના જીવનની સમસ્યાઓને, એ સમાજની વિષમતાઓને રેખાંકિત કરવાનું કહેવાય. પ્રતિબદ્ધ સાહિત્યકાર માટે સાહિત્ય એક સાધન, એક માધ્યમ છે; એક રીતે પ્રચારનું માધ્યમ બને છે. સાધ્ય તો સામાન્ય જનનું હિત છે અથવા એને લગતું કોઈ ધ્યેય છે. શુદ્ધ કલાવાદીઓના સામેના છેડાની વાત કહી શકાય. કલાવાદી સાહિત્યકારનું દાયિત્વ, એટલે કે એની પ્રતિબદ્ધતા, સાહિત્ય પ્રત્યે છે. કોઈ રચના કલાકૃતિ થઈ કે નહીં, કોઈ કાવ્ય કાવ્ય બન્યું કે નહીં, એ જ એને માટે મહત્ત્વની વાત છે. જ્યારે પ્રતિબદ્ધ સાહિત્યકારને માટે રચના કોઈ સામાજિક વાસ્તવને વ્યક્ત કરવાનું એક સ્વરૂપ છે. એટલે કે માર્ક્સવાદી દૃષ્ટિકોણ એકાંતિક કલાવાદી દૃષ્ટિકોણને નકારે છે. એનો અર્થ એવો નથી કે એ કલાનાં ધોરણોને નકારે છે. કવિતા કવિતા તો થવી જરૂરી છે, પણ એમાં એક સામાજિક અભિજ્ઞતા હોવી જોઈએ.

અનિલ દલાલ
[‘અન્વેષણ’(2008) માંથી]


૯૪.
સાહિત્યશાસ્ત્રનો સમૃદ્ધ ઇતિહાસ

અન્ય શાસ્ત્રો સામે સાહિત્યશાસ્ત્રનું ગુમાન એટલા માટે પણ છે કે સાહિત્ય-શાસ્ત્રનો પ્રલંબ અને સમૃદ્ધ ઇતિહાસ છે. આ અતીત-ગૌરવ પણ માંડ બે-દોઢ સદીના, હમણાં હમણાંથી ઊભાં થયેલાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર કે ઇતિહાસને ગાંઠે ખરું? શાસ્ત્રો હતાં નહીં, ત્યારે સમાજજીવનની આથિર્ક, સામાજિક, સાંસ્કૃતિક ઊથલપાથલોને સાહિત્યે, ખાસ કરીને મહાન સાહિત્યે અકબંધ રાખી છે. જગતનાં મહાકાવ્યો આનાં ઉદાહરણો છે. સાહિત્ય આકાશમાંથી ટપકી પડેલું નથી. એ ચોક્કસ સ્થળ, કાળ, પરિવેશની નીપજ હોય છે. સામાજિક ચંતિન સર્જક દ્વારા Personified થયેલું હોય છે. તેથી જૂનું હોય તોપણ સાહિત્ય આજે આપણને ગમે છે.

ભરત મહેતા
[‘રેખાંકિત’(2009) માંથી]