અવલોકન-વિશ્વ/વિવિધ વિચારધારાઓની ઓળખ – કાન્તિ પટેલ

વિવિધ વિચારધારાઓની ઓળખ – કાન્તિ પટેલ


42-Ideology-199x300.jpg


Ideology: An Introduction – Terry Eagleton
ABS Publishers, Verso and New Delhi, 2007
ઓક્સફર્ડ ડિક્શનરીએ ઈ.સ. 2016માં Post-truthને વર્ષના અત્યંત નોંધપાત્ર શબ્દ તરીકે ઓળખાવ્યો છે. હકીકતોની ભરમાર અને ભ્રામક ભાતીગળ સત્યોને વેચવાની જે સ્પર્ધા સામ્પ્રત સમયમાં ચાલી રહી છે, તેને અંગે આ નિર્ણય લેવાયો છે એવું સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યું છે. અંગત માન્યતાઓ તથા લાગણીને પ્રભાવિત કરે એવા ઉદ્ગારોની વચ્ચે વસ્તુલક્ષી તથ્યોનું વજન ઓછું થતું ગયું છે. સત્યને સાબિત કરવાની જવાબદારીમાંથી રાજનેતાઓ મુક્ત થઈ ગયા છે. લોકમતને કેળવવામાં તેઓ પાવરધા થઈ ગયા છે. આપણે ‘પોસ્ટ મોર્ડન’ યુગમાંથી ‘પોસ્ટ ટ્રુથ’ યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. આનો અર્થ એ થયો કે સિદ્ધાંતોની ઐસીતૈસી. મને જે લાગ્યું તે ખરું.

અઢારમી સદીમાં વિવિધ વૈજ્ઞાનિક સિદ્ધાંતો તથા શોધોના ફળસ્વરૂપે તર્કસંગત, બૌદ્ધિક વિચારણાનો પાયો નંખાયો. એ દરમિયાન જ તત્ત્વચંતિન અને તત્ત્વચંતિકોની ઉમદા પરંપરા ઊભી થઈ. અઢારમી અને ઓગણીસમી સદી દરમિયાન કલા-સાહિત્ય, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સમાજવિજ્ઞાન, રાજનીતિ, ઇત્યાદિ તમામ ક્ષેત્રે વિધવિધ વ્યક્તિઓ તથા પરિબળોને પ્રતાપે જીવનનાં વહેણ તથા મૂલ્યોમાં આમૂલ પરિવર્તનો આવ્યાં, જેને પરિણામે વીસમી સદી, માનવઇતિહાસની દૃષ્ટિએ અનેક રીતે નિર્ણાયક બની રહી. મહાસત્તાઓના સંઘર્ષો ઉપરાંત વિવિધ ચળવળો તથા ગતિવિધિનું તે ઉદ્ગમસ્થાન બની રહી.

એકવીસમી સદીને આરંભે એક એવી ઘટના ઘટી જેણે સમગ્ર જગતને હલબલાવી મૂક્યું. તા. 9.11.2001ના રોજ અમેરિકાનાં વિવિધ શહેરો પર આતંકી હવાઈ હુમલાઓ થયા જેમાં હજારો લોકોએ પ્રાણની આહૂતિ આપી. ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવરો જમીનદોસ્ત થઈ ગયા. ઓસામા બીન લાદેન દ્વારા કરાવાયેલા આ હુમલાઓ બાદ વૈશ્વિક રાજનીતિમાં ઝડપી ફેરફારો આવ્યા. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને મળીને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી અડ્ડાઓ પર હવાઈ હુમલાઓ કર્યા. લાંબી, ખૂનખાર લડાઈ બાદ ઓસામા બીન લાદેનનો ખાતમો કર્યો. તેમ છતાં આતંકવાદી સંગઠનોએ હાર માન્યા સિવાય વિશ્વભરમાં ઠેકઠેકાણે, અવારનવાર હુમલા કરવાનું ચાલુ રાખ્યું. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ ઉપરાંત અન્ય અનેક યુરોપીય દેશોમાં ઇસ્લામિક સંગઠનો દ્વારા ઘાતક હુમલાઓ થતા રહ્યા છે.

*

ટેરી ઈગલટનના 2007માં પ્રકાશિત ગ્રંથ ‘આઈડિયોલોજી એન ઇન્ટ્રોડ્ક્શન’ વિશે વાત કરતી વખતે ઉપરોક્ત ભૂમિકા અનિવાર્ય છે. ‘આઇડિયોલોજી’ માટે આપણે વિચારધારા પર્યાય યોજીએ છીએ. ઐતિહાસિક સંદર્ભે, સમય અને સમાજ-સાપેક્ષ વિવિધ વિચારધારાનું પ્રાધાન્ય રહ્યું છે. તદનુસાર વિવિધ સામાજિક પરિબળો સક્રિય થતાં હોય છે, તેનો પ્રભાવ કળાજગત પર પડે છે. પ્રત્યેક કળા પોતાના સમયની સામાજિક વાસ્તવિકતાનું પ્રતિબંબિ ઝીલે છે, તેથી જ તત્કાલીન કળાજગતના જે કંઈ અવશેષો, જેવી પણ હાલતમાં મળે છે, તેને આધારે તે સમયના માનવજીવનનું તારણ કાઢવામાં આવે છે. સાચી કળાને સ્થળ અને કાળનાં બંધનો નડતાં નથી એવું સ્વીકાર્યા પછી પણ કેટલેક અંશે તે સ્થળકાળ-બાધિત છે એમ માનવાનું રહે છે.

આના ભરપૂર દાખલાઓ સાહિત્ય અને કળાકૃતિઓમાંથી મળી રહે છે.

માર્ક્સવાદના મૂળમાં સામાજિક અસમાનતા તથા તેની સામેના સંઘર્ષની વાત વણાયેલી છે. તેથી એવું માનવાનું મન થાય કે એ પ્રકારનું નિરૂપણ કરતી કૃતિઓમાં જ તેની નિસબત દેખાય. પણ વાસ્તવમાં તેમ નથી. આ સંદર્ભે ટેરી ઇગલટન, માર્ક્સવાદના પ્રણેતા અને કાર્લ માર્ક્સના સહયોગી ફ્રેડરિક એન્જેલ્સનું એક વિધાન ટાંકે છે. ઈ.સ. 1888માં જર્મન ફિલસૂફી અંગેના તેમના ગ્રંથમાં તેમણે નોંધ્યું છે, ‘રાજકીય અને આર્થિક સિદ્ધાંતોની સરખામણીમાં ‘કળા’ એ ઘણી સમૃદ્ધ અને વધુ અપારદર્શક છે. કારણ કે પ્રમાણમાં એ ઓછી આદર્શવાદી છે. અહીં માર્ક્સવાદી આદર્શનો ચોક્કસ અર્થ સમજવો જરૂરી છે. આદર્શવાદ એ કંઈ ચોક્કસ સિદ્ધાંતોનું ગુચ્છ નથી. વિવિધ વર્ગભેદમાં રાચતા સમાજમાં માણસો તેમની વિવિધ ભૂમિકા ભજવે છે; મૂલ્યો, વિચારો તથા કલ્પનો થકી તેઓ તેમના સામાજિક કામમાં એકમેક સાથે સંકળાયેલા છે, અને તેથી જ કદાચ અખિલાઈમાં સમાજને જોવાની દૃષ્ટિ તેઓ કેળવી શકતા નથી. ઈગલટનને મતે, આ અર્થમાં એલિયટની ‘ધી વેસ્ટ લૅન્ડ’ આદર્શવાદી રચના છે. એમાં માણસ પોતાના અનુભવને અર્થ આપવાનો પ્રયત્ન કરે છે, એ રીતે, જેનાથી સમાજની સાચી ઓળખ એ કેળવી શકતો નથી, બલ્કે સમાજની કૃતક છબી તે ઝીલે છે. એન્જેલ્સનું માનવું છે કે કળાનો આદર્શ સાથેનો સંબંધ ઘણો સંકુલ છે. જે સમાજમાં તે નીપજે છે તેની વિચારણા તથા જીવનરીતિનો તે અંશ છે. સમાજનો એક વર્ગ અન્ય વર્ગ ઉપર વર્ચસ્વ ધરાવે છે – જેને સહજ રીતે સ્વીકારવામાં આવે છે. અથવા તો એને વિશેની સભાનતાનો અભાવ હોય છે. કળા અને સાહિત્યને સમજવા માટે આ સામાજિક પ્રક્રિયાને બૃહદ્ પરિપ્રેક્ષ્યમાં જાણવી જરૂરી બને છે.

‘આઇડિયોલોજી’ શબ્દપ્રયોગ, આજે આપણે જે અર્થમાં પ્રયોજીએ છીએ, તે રીતનો પહેલીવાર નિર્દેશ કાર્લ માર્ક્સે કર્યો. ‘ધી કેપિટલ’ જેવા ઐતિહાસિક ગ્રંથના આ લેખકે મૂડીવાદી પશ્ચિમી સમાજરચનાનું જે પૃથક્કરણ કર્યું તે કોઈ પણ સહૃદયી ચંતિક માટે આંખ ઉઘાડનારું નીવડ્યું. તેની વિચારણાને ઘડવામાં જર્મન ફિલોસોફરો – ખાસ કરીને હેગલનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. તેણે એ કબૂલ્યું છે કે ફિલોસોફરો વિશ્વનું અર્થઘટન કરે છે. પણ એ પૂરતું નથી. વિશ્વને બદલવાની વાત વધારે મહત્ત્વની છે. વાસ્તવિક સ્તરે જગતપરિવર્તનની અનિવાર્યતા જોનાર આ ચંતિકે વર્ગભેદને અનુલક્ષીને જ ક્રાંતિની વાત કરી હતી.

માર્ક્સ કે માર્ક્સવાદના વ્યાવહારિક સ્તરે, અન્યાય અને જુલમ સામેનો પ્રબળ વિરોધ અને તેનાં આનુષંગિક પરિણામોને જોતાં એવું માનવાનું મન થાય કે કાર્લ માર્ક્સ સર્જનાત્મક કળાઓ તથા સાહિત્યના વિરોધી હશે. આ વાતનો છેદ ઉડાવતાં, ટૅરી ઈગલટને તેમના ‘માર્ક્સવાદ અને સાહિત્ય વિવેચન’ ગ્રંથના આરંભે નોંધેલું: ‘કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એજેંલ્સ તેમનાં રાજકીય અને આર્થિક લખાણોને લીધે વધારે જાણીતા છે, નહીં કે તેમનાં સાહિત્યિક લખાણોને લીધે, પણ માર્ક્સ અને એંજેલ્સ કેવળ એ વર્ગના નહોતા. કાર્લ માર્ક્સે કવિતા આદિ સર્જનાત્મક કૃતિઓ રચવા ઉપરાંત નાટ્યવિવેચન તથા સૌંદર્યશાસ્ત્ર વિશે લેખો લખેલા. એક જર્મન બૌદ્ધિક તરીકે પ્રશિષ્ટ સાહિત્ય તથા ફિલસૂફીની પરંપરામાં ઊછરવાને કારણે કળા અને સાહિત્ય પ્રત્યે તેને ખૂબ જ લગાવ હતો. આવું જ ફ્રેડરિક એંજેલ્સને વિશે પણ કહી શકાય. તેણે મોટું કામ કર્યું કે મૂળ જર્મનીમાં લખાયેલા કાર્લ માર્ક્સના સાહિત્યને અંગ્રેજીમાં અનુવાદિત કરી વિશ્વભરમાં પહોંચાડ્યું. પણ આ બંને જણા મળીને સૌંદર્યશાસ્ત્રનો કોઈ નવતર વિભાવ પણ આપી શકે એટલા સમર્થ હતા. પણ તેમની સમક્ષ એનાથી મોટું કામ પડ્યું હતું – તે માર્ક્સના વિચારોને નક્કર ભૂમિ પર ઊતારવાનું. તેમ ન થયું હોત તો ‘માર્ક્સવાદ’ જેવી સંજ્ઞાનો જન્મ ન થયો હતો.

રાજનીતિજ્ઞ જોન બી. થોમ્સન, કોઈ પણ વિચારધારાને પ્રવર્તમાન પ્રબળ પરિબળોમાંથી માર્ગ કાઢી તેને અર્થ આપવાની પ્રવૃત્તિ તરીકે ઓળખાવે છે. એમાં અનેકવિધ અભિગમો જોવા મળે છે. ઈગલટન આવા છ અભિગમોને સ્વીકારીને તેની ચર્ચા કરે છે. સશક્ત સત્તાધીશ પોતાને અનુકૂળ માન્યતાઓ તથા મૂલ્યોને કાયદાકીય રૂપ આપે તે સ્વયંભૂ છે એવું પ્રતિપાદિત કરી તેની અનિવાર્યતા સિદ્ધ કરે. વળી એમાં એવા કેટલાક વિચારો કે દરખાસ્તો હોય અને જે એને માટે મુશ્કેલી નોતરે તો તેને સિફતથી બાજુ પર મૂકી દે. પોતે માનેલા કે સ્વીકારેલા વિચારો કે ધોરણોથી વિપરીત કંઈ પણ સાંભળવા કે સ્વીકારવા તૈયાર ન થાય. ચતુરાઈથી સામાજિક વાસ્તવિકતાને છાવરવાનો પ્રયત્ન કરે. આદર્શવાદનો મુખવટો પહેરીને સંઘર્ષ ટાળવા મથે. અંતે આંતરવિરોધોની અવગણના કરીને પોતાની ચોક્કસ વિચારધારાને આદર્શ લક્ષ્ય તરીકે રજૂ કરે. વળી ઉપરોક્ત ગૃહિતો એકમેકને અનુકૂળ થઈને રહે એ બાબતનો ખાસ ખ્યાલ કરવામાં આવે.

રાજકીય દૃષ્ટિએ ડાબેરી તથા જમણેરી ઉભય વિચારધારાના સમર્થકો પોતાની નીતિ-રીતિને આગળ કરીને સત્તા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ હોય છે. આદર્શ વહીવટ આપવાની બાંયેધરી આપીને તેઓ ક્વચિત્ સત્તા ગ્રહણ કરે પણ ખરા. પણ આપેલાં વચનો પાળવાનું એટલું સહેલું નથી હોતું. કેનેથ મિનોગ નામના રાજનીતિજ્ઞ તો એવું કહેવા પ્રેરાયા છે કે સર્વ પ્રકારની વિચારધારા રાજકીય રીતે એકમેકની વિરુદ્ધની હોય છે. વાસ્તવિક સ્તરે સુચારુ રીતે શાસન કરવાની ક્ષમતા કે ઇચ્છાશક્તિનો અભાવ હોય છે. વિચારધારાને નક્કર રૂપ આપવા માટેનાં સૂઝ તથા આવડત તેમનામાં નથી હોતાં. આધુનિક અને પ્રગતિશીલ અભિગમ નથી હોતો. તેથી મુક્ત રાજકીય વિચાર ધરાવનારનું સ્વાતંત્ર્ય, નૈતિક અધિકાર ધરાવવાનું સ્વાતંત્ર્ય તથા મુક્ત અર્થતંત્ર જેવી બાબતોને તેમાં સ્થાન નથી હોતું. અને છતાં એને જ આદર્શ માનીને ઘણાંખરાં રાષ્ટ્રો પોતાની નીતિ-રીતિ ઘડતાં હોય છે. કોઈ ને કોઈ પ્રકારની વિચારધારાનો મુખવટો પહેરીને તેઓ પ્રજાને ભરમાવીને રાજ કરે છે.

આપણને જરૂર પ્રશ્ન થાય કે વીસમી સદીના અંત સાથે કોઈ નક્કર રાજકીય-સામાજિક વિચારધારાને વરેલી વ્યક્તિઓનો કે રાજ્યશક્તિનો પણ અંત આવ્યો છે, એવું જો ટેરી ઈગલટન માનતા હોય તો પછી ‘આઇડિયોલોજી’ વિશે પુસ્તક લખવા તેઓ કેવી રીતે પ્રેરાયા? આનો એક ઉત્તર તો એ હોઈ શકે કે પોતે માર્ક્સવાદી વિવેચક છે, એટલે કોઈ ચોક્કસ અને નક્કર વિચારધારાની તેમને તલાશ છે.

ટેરી ઈગલટનને એક સરસ વિધાન કર્યુ છે.

‘Ideology is always most effective when invisible.’

ટેરી ઈગલટનને પશ્ચિમી દેશો તથા ત્યાંના બૌદ્ધિકો વિશે આ જ ફરિયાદ રહી છે. માનવતાવાદનાં બણગાં ફૂંકનારા આ બૌદ્ધિકો પોતાનાં વાણી અને વ્યવહાર દ્વારા આપણને મૂંઝવી દેતા હોય છે. આને અનુષંગે એમણે જે વાત કરી છે તે આપણને વિચારતા કરી મૂકે એવી છે. પોતાના પ્રાસ્તાવિકનો આરંભ તેમણે એક અવતરણથી કર્યો છે, જે નીચે મુજબ છે.

આંકડાશાસ્ત્રની દૃષ્ટિએ મુસલમાનોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અત્યારે તેમની સંખ્યા માનવજાતિના ચોથા ભાગ જેટલી છે. જે 2025 સુધીમાં ત્રીજા ભાગ જેટલી થઈ જશે. ઇટાલીમાં એક સ્ત્રી દીઠ એક બાળક છે. એક દિવસ આપણે લઘુમતીમાં મુકાઈ જઈશું. એક સૂચન કરવાનું મન થાય છે. મુસલમાનો પોતાનાં વૃત્તિવલણો નહીં બદલે તો તેમને સહન કરવું પડશે. સહન કરી જ રહ્યા છે. તેમને માટે પ્રવાસ કેટલો દુષ્કર થઈ ગયો છે? ક્યારેક તો તેમને રસ્તા વચ્ચે ઉતારી દેવામાં આવે છે. તેમની સ્વતંત્રતા હણી લેવામાં આવી છે. મધ્ય એશિયા કે પાકિસ્તાનમાંથી આવ્યા હોય તો તેમને નિર્વસ્ત્ર કરીને તપાસવામાં આવે છે. તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે. આ અપમાનજનક સ્થિતિમાંથી બચવા માટે તેમણે તેમનાં બાળકો પ્રત્યે વધારે સખત થવાની જરૂર છે.

પુસ્તકનો તથા પ્રસ્તાવનાનો આ જાતનો આરંભ કોઈ પણ વાચકને મૂંઝવે છે. અવતરણચિહ્નો વિના મૂકાયેલા આ શબ્દો પ્રસ્તાવનાકારના જ હોય એમ લાગે પણ પરિચ્છેદને અંતે ખુલાસો મળે છે કે આ શબ્દો અંગ્રેજી નવલકથાકાર માટિર્ન એમિસના છે. વીસમી સદીના ઉત્તરાર્ધથી વકરેલો આતંકવાદ એકવીસમી સદી માટે ચિંતાનો વિષય બન્યો છે. અલ્પસંખ્યક ધર્માંધ લોકો દ્વારા આચરવામાં આવતી હિંસક ઘટનાઓને લીધે સમગ્ર કોમ-ધર્મના લોકોને સહન કરવું પડે એ બરાબર તો ન જ કહેવાય. સલામતી ખાતર લેવાતાં પગલાંના ભોગ બિચારા નિર્દોષ લોકોને બનવું પડે, એ ક્યાંનો ન્યાય? પહેલી નજરે માટિર્ન એમિસનું વિધાન સહાનુભૂતિની ભાવનાથી થયેલું લાગે. પણ પછી ખબર પડે છે કે એ કોમવાદી ભાવનાથી થયેલું છે. ‘તેઓ ભલે એવા હોય, અમે એવા નથી.’ એવો ગર્વીલો મિજાજ એમાં જોવા મળે છે.

ઈગલટન એવું સૂચવવા માગે છે કે આપણા માનવબંધુઓ પ્રત્યે આપણને જે નિસબત હોવી જોઈએ એ હોતી નથી. તેમની અવદશા માટે આપણે જવાબદાર ન હોઈએ તો પણ આપણો વ્યવહાર અનુકંપાભરેલો હોવો જોઈએ. પશ્ચિમી દેશો તેમની પ્રગતિ અને સંસ્કૃતિ વિશે મગરૂરી અનુભવે છે. વિશ્વભરના તમામ દેશોના નાગરિકોનું ત્યાં સન્માન છે. રાષ્ટ્ર, જાતિ કે ધર્મને નામે કોઈ ભેદભાવ રખાતો નથી. આ એક સારી વસ્તુ છે. તેમ છતાં તેમની પણ મથરાવટી મેલી છે. તેમનો પણ ઇતિહાસ લોહીથી રંગાયેલો છે.

આને અનુષંગે ઈગલટન પહેલો ઉલ્લેખ નાઝીઓનો કરે છે. ફાસીવાદની પણ એક ચોક્કસ વિચારધારા હતી, જેવી આપણે ત્યાં નકસલવાદની છે. હિટલરે સમગ્ર જર્મન પ્રજાને પોતાની ‘આઇડિયોલોજી’ થકી વશીભૂત કર્યંુ હતું. એને પરિણામે હજારો નિર્દોષ યહૂદીઓની કતલ કરવામાં આવી. તેમને ગૅસચૅમ્બરમાં દાટી દેવાયા. બંને વિશ્વયુદ્ધો કોઈક ને કોઈક વિચારધારાને આધારે ખેલાયાં. અમેરિકાએ હિરોશીમા-નાગાસાકી પર અણુબોંબ ઝીંકી હજારો નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યાં.

મધ્યયુગમાં ધર્મયુદ્ધો થતાં હતાં, તે વાત ઇતિહાસસિદ્ધ છે. પણ એકવીસમી સદીમાં ધર્મના કેન્દ્રમાં ભીષણ સંગ્રામ થશે એવું કોણે ધાર્યું હતું? આતંકવાદીઓની પણ પોતીકી વિચારધારા છે. આતંકવાદ સામેનું યુદ્ધ માનવીય સભ્યતાના રક્ષણ માટે છે અને તેમાં વિશ્વનાં ઘણાંખરાં રાષ્ટ્રો જોડાયેલાં છે પણ એ બધાં સમાન વિચારધારા ધરાવે છે એ માનવું ભૂલભરેલું છે. દરેક રાષ્ટ્રનો પોતાનો સ્વાર્થ છે. વીસમી સદીમાં માઓત્સેતુંગે ચીનમાં ક્રાંતિ આણીને આધુનિક વિશ્વમાં તેને અદકેરું સ્થાન અપાવ્યું. પણ પ્રજાને તેની કિંમત ચૂકવવી પડી. રશિયામાં પણ લેનિન-સ્તાલિનના સામ્યવાદી શાસનમાં જે કંઈ થયું તેનો ઇતિહાસ સાક્ષી છે.

આઇડિયોલોજી થકી રાષ્ટ્રો વિકસ્યાં છે એ કબૂલ કરવું પડે. પણ કોઈ પણ વિચારસરણી પ્રાયોગિક સ્તરે અણિશુદ્ધ રહી નથી. રહી શકે એમ નથી. ટેરી ઈગલટનના આ ગ્રંથનો વ્યાપ ઘણો મોટો છે. માર્ક્સવાદી પાર્શ્વભૂમાં તેમણે કરેલું ચંતિન અનેક રીતે વિચારણીય બની રહે છે.

નોંધ:

લેખમાં ઈગલટનના પુસ્તકમાંની વિચારણાનો એક વ્યાપક પરિચય આપ્યો છે. એટલે અહીં, એના અનુક્રમ (contents)ના નિર્દેશોને આધારે પુસ્તકના આયોજનની વાત નોંધવી આવશ્યક છે. ‘What is Ideology?’ એવા પહેલા પ્રકરણમાં વિચારધારાની અનેક અર્થછાયાઓની ચર્ચા કર્યા પછી બીજા પ્રકરણમાં Ideological Strategies (વિચાર ધારાગત વ્યૂહરચનાઓ)ની વાત કરીને ઈગલટન 3જાથી 6ઠ્ઠા પ્રકરણ સુધીમાં વિચારધારાઓ અને વિચારકોની વિચારણાઓનો સમયાનુક્રમે ચિતાર આપે છે. જેમકે (પ્રકરણ 3) From the Enlightenment to the Second Internation થી (પ્ર. 6) ‘From Schopenhauer to Sorel’. 7મા પ્રકરણમાં ઈગલટન Discourse and Ideologyની – મૂર્ત વાદ-સંવાદ અને અમૂર્ત વિચારધારાની – ચર્ચા કરે છે. 250 જેટલાં પાનાંમાં વિસ્તરેલો આ ગ્રંથ એક મહત્ત્વના વિમર્શને આપણી સામે ધરે છે.

*

કાન્તિ પટેલ
વિવેચક, સંપાદક.
ગુજરાતીના પૂર્વ-અધ્યાપક, મુંબઈ.
52, જૂહુ નીલસાગર, જૂહુ,
વીલેપાર્લે (પ.), મુંબઈ 400049
98205 76761

*