અશ્રુઘર/૧૧

૧૧

ઘેર આવ્યા પછી સત્યના બાપુજી ક્રોધને સંભાળી ન શક્યા. એ રંજમાં તો પોતે અણછાજ્યું ન વર્તી બેસે એ ભયે પેટ દાબીને બેસી રહ્યા હતા. કુપુત્રે સોનાની થાળીને લાત મારી એ એમને અસહ્ય થઈ પડયું. ઘેર આવીને તરત જ પત્નીને લેવા માંડી :

‘તું બૌ પાછળ પડી’તી. લે લઈ લે હવે તારા કુંવરનું મોં! જોઉં છું કયો પંચવાળો એને કન્યા આપે છે. પાછા કહે છે, મને “ટીબલો” થઈ ગયો હતો. મરી કેમ ન ગયો, સાલા અકકરમી.’ સત્ય ઊભો ઊભો પોતે લખેલી વાર્તાનાં કાગળિયાં ફાડતો હતો. દિવાળીના મનમાં એક સાથે બબ્બે દુકાળ પડયા, એ તો વિમૂઢ થઈ ગઈ. પરગામથી ભૂખ્યા તરસ્યા બાપ-દીકરાને થાળી પીરસવાનું પણ એનામાં ભાન ન રહ્યું. ‘તે કોઈ નહીં આલે છોડી તો કુંવારો નૈ રહે કંઈ. ને રહેશે તોય શું તે આટલા મિજાજ કરો છો?’

‘પણ તારો સગલો પંચ વચ્ચે ભસી વળ્યો એનું શું?’

માબાપને ઇચ્છિત માથું કૂટવા દેવા સત્યે મોકળાશ આપી. બટકું રોટલો ને દહીં ખાઈને એ બકરીને લઈ ખેતર ભણી ઊપડી ગયો. જોયું તો વાડેથી સૂર્યા ફાંદનાં પાન ચૂંટતી હતી. સત્યે બકરીને શેઢા પર છૂટી મૂકી દીધી.

ઓચિંતાનો સત્ય આવતાં સૂર્યાના મોં પરથી એક કેફલ ભાવસૃષ્ટિ અચાનક નીચે પડી ગઈ.

‘કેમ બોલતી નથી? મેં કંઈ ઓછો તારી સાથે ઝઘડો કર્યો છે? કે પછી રીસ તો નથી ચડીને?’

‘હું શું કામ તમારા પર કશા અધિકાર વગર રીસાઉં?’

‘અધિકાર? એ વળી શું છે તે—?’ શેઢા પર ઊગેલા ઘાસ પરથી કૂતરિયાં તોડી તોડીને એના સ્કર્ટ પર ચોંટાડવા લાગ્યો.

સૂર્યાએ કશો ઉત્તર ન આપ્યો. આગળ વધી.

‘ઊભી રહે ને, આગળ શું કામ જાય છે? અહીં પાન ઘણાં છે.’

‘ઘણાં છે, પણ ઘરડાં છે.’

સત્ય એથી હસ્યો.

‘કેમ હસો છો? ઘરડાં પાન કહીને મેં કંઈ તમારા પર શ્લેષ નથી કર્યો!’

‘કરે તોય મને વાંધો નથી. હું કંઈ તારા કરતાં નાનો નથી. સરખો છું.’ એણે ધીમેથી કંકાસિનીનું રતૂમડું ફૂલ સૂર્યાના વાળમાં ખોસી દીધું.

પોતાના વાળની આવી શુષ્ક છેડછાડ થતી જોઈ સૂર્યા છેડાઈ પડી. તે દિવસની સાંજ એને યાદ આવી. સત્યને પોતાનું નૈકટય આપવામાં જે તત્પરતા બતાવી હતી એના બદલામાં પોતાનો તિરસ્કાર કર્યો હતો! અને ઉજાણીના દિવસે પોતે એકલી છે એ જોવા આવ્યો હતો કાપુરુષ!

‘ખબરદાર મને અડયા તો.’ સૂર્યાની રક્તદૃષ્ટિ જોઈને સત્યને વધારે ચાનક લાગી. સૂર્યાના ક્રોધને તે પરખી શક્યો નહોતો.

પોતે તોડેલાં પાન એની થેલીમાં નાખવા ગયો ત્યારે તે સત્યથી દાઝતી હોય એમ દૂર ખસી.

‘કોઈ નથી એટલે —’ એણે છીંડા તરફ દૃષ્ટિ નાખી.

‘હા.’ સત્ય હજી અક્ષત હસતો હતો.

‘કોઈ નથી એટલે તો આપણને થાય કે આપણે કેવળ બે જ જણ છીએ.’

સત્યે પોતાને પાનનાં ભજિયાં ખૂબ ભાવે છે, એમ કહી સૂર્યાના સ્કર્ટ પર કૂતરિયો ફેંકી.

‘ભાભીને તો હઝીય મારા પર રોષ હશે એટલે એમને મારા માટે વાડકી મોકલવાની બિલકુલ ઇચ્છા નહીં થાય પણ તું જો એમને છેતરીને મારે માટે લાવીશ તો મેં ન ખાવાનો નિશ્ચય કર્યો છે તો પણ તારા હાથનું ખાવા એને તેડીશ.’

સત્ય એને વારંવાર ખેતરના છીંડા તરફ વિહ્વલ નજરે જોતાં પાછું પૂછી બેઠો, ‘તું ગભરાતી હોય એમ લાગે છે. પણ દોસ્ત, હું કંઈ રાક્ષસ નથી. તું મને સાંજે ભજિયાં આપી જઈશ ને?’

સૂર્યા ફરી.

‘તમને લાજ નથી આવતી? હવે હું સમજી શકું છું કે તમારો આશય ભૂંડો છે. નિર્લજ્જતાને પણ કોઈ સીમા હોય છે. રાક્ષસને માથે કંઈ શીંગડાં નથી હોતાં.’

સત્યને હવે સમજ પડી. આ વિચિત્ર કન્યાને પોતાના પ્રેમની લેશમાત્ર અભિપ્સા નથી. એનો તેને ખ્યાલ થયો. તોય એણે સૂર્યાની આંખોને તપાસી છતાં પણ એને વિશ્વાસ ન બેઠો. આવી સુશિક્ષિત છોકરી પોતાના આ પ્રકારના મીઠા વર્તનનો આવો ભૂંડો અર્થ કરી બેસે એ સત્ય ન માની શક્યો.

‘સૂર્યા, તું મને સમજી શકી નથી.’

‘નિર્વીર્ય મનુષ્યને સમજવાનું હું શીખી નથી. ક્યારેય નહીં.’

સૂર્યા હજી કંઈક વધાર બોલી નાખત પણ એના મનોતંત્રને પલમાત્રમાં સત્યે છિન્નભિન્ન કરી નાખ્યું. પોતે શું બોલી હતી તેનું વિસ્મરણ કેવળ સત્યના એક જ તમાચામાં થઈ ગયું. આંખ સમક્ષ અલક્ષ્ય ગ્રહને તોડી નાખીને સત્ય ત્યાંથી ખસી ગયો ક્યારે ને એ તમ્મરમાંથી મુક્ત ક્યારે થઈ એનોય એને ખ્યાલ ન રહ્યો.

સત્ય બકરી તરફ ગયો. ખેતરમાં એની હાજરી જોઈને છીંડામાંથી રતિલાલ પાછો ગામરસ્તે ચડી ગયો. અંદર આવવાની એની હિંમત છીંડામાં જ ઓસરી ગઈ હતી. આંબા નીચે બેઠેલા રમતુડા કોળીને જોતાં સત્ય એ તરફ ગયો. નાનો હતો ત્યારે એ રમતુડો પોતાને ચોરી કરવા લઈ જતો હતો. એક વખત લાટમાં એની સાથે કપાસ ચોરવા ગયો હતો ત્યારે બાપુજીએ ઘરમાં લટકાવ્યો હતો એ એને યાદ આવ્યું. દૂરથી જોયું તો રમતુડો સફેદ સસલાને પાછલા પગથી પકડીને ઝૂલાવતો હતો. એનાં બેસવામાં, એના હાથ ઝુલાવલામાં એક પ્રકારની તૃપ્તિ ઝૂલતી હતી. નાહક એને શરમમાં નાખવો એ સત્યને ન રુચ્યું. એ છીંડા તરફ દ્રુતગતિએ ચાલી જતી અભિમાની છોકરીને જોઈ રહ્યો. એ રસ્તાને પણ જોતી હોય એમ એની ચાલ પરથી લાગતું હતું. સત્ય વાડે વાડે ચાલ્યો. હજી એનો રોષ શમ્યો નહોતો. એક રૂપાળી છોકરી પોતાને નિર્લજ્જ કહે એ કેમ ચલાવી લેવાય? પોતે જે શેઢા પર ચાલતો હતો ત્યાં રહીને રસ્તા પર જતા મનુષ્ય ઓળખી શકાય, જોઈ શકાય એવી આછી પાતળી નીચી વાડ હતી. સૂર્યા હવે રસ્તા પર આવી ગઈ હતી. હમણાં બે મિનિટ બન્ને પરસ્પરનાં મુખ જોઈ લે એટલાં નજીક આવશે. વચ્ચે કાંટાની વાડ હશે તોય મોં કંઈ ઓછું બદલાઈ જવાનું હતું. સૂર્યાના મોં પરનો રૂદિત વિષાદ સ્પષ્ટ જોઈ શકાતો હતો. સત્યે જોયું. સૂર્યા નીચું મોં રાખીને પોતે એકલી જ આ રસ્તા પર જાય છે એવા ભાવથી પસાર થઈ ગઈ. સત્યે ફરી વાર એને તમાચો લગાવી દીધો હોય એમ તે પોતાને બચાવી લઈને પસાર થઈ ગઈ.

‘સૂર્યા, ઊભી રહે.’

કોણ જાણે સત્યથી બોલાઈ ગયું. પણ એ તે ઊભી રહે કે? એણે પાછળ જોયું. રમતુડો ખભે લૂગડું નાખીને અમસ્તો લટાર મારવા નીકળ્યો હોય એમ આવતો હતો. એના ખભા પરનું સસલું ફરી લટકતું જોતો હોય એમ તે પોતાના હાથને જોઈ રહ્યો. રસ્તા પર આવીને એ દૂર ગામ તરફ જતી મુલાયમ પીઠને જોઈ રહ્યો.

‘ચ્યમ સતિભઈ?’

સત્યને કશું બોલવાનું ન ગમ્યું. તે ઘર તરફ વળ્યો. ધીમે ધીમે જતો તોય રસ્તો તીવ્ર ગતિથી પગમાંથી પાછળ સરકી જતો લાગ્યો. બકરી આગળ કૂદતીક હતી એ તેને ન ગમ્યું. ‘રમતી’ કહીને બે બૂમ પાડી તો એ વધારે તાનમાં આવી અને દોડી. રમતુડો પોતાની આગળ થઈ ગયો હતો. એના ખભે પોટલામાંથી લોહી નહોતું ટપકતું તોય સત્યને ચીડ ચડી. પોતે સ્કૂલમાં ભણતો હતો ત્યારે ભલું વાઘરીની માને એક દિવસ કહી આવેલો કે મારે સસલીનું શાક ખાવું છે. રમતુડાને શાકભાજી નથી મળતાં કંઈ? તે આવું…

એને એક પ્રશ્ન મનમાં ઉપસ્થિત થયો; અને તે એને ચિંતવ્ય લાગ્યો. સૂર્યા પોતાને નિ:સંદેહ ચાહે છે ખરી? એ તો પોતાને એક દિવસ કહેતી હતી કે મને જો તમારાથી આનંદ પ્રાપ્ત થતો હોય તો તમારામાં પણ મને રસ છે. એને કયા પ્રકારના આનંદની અપેક્ષા હશે. ખેતરમાં તે દિવસે પોતાને અણછાજતી રીતે વળગી પડેલી તેનો પોતે અયોગ્ય અર્થ કર્યો છે, એવું તેને લાગ્યું.

*

સૂર્યાને જતી જોઈ અહેમદે એના ઓટલા પરથી બૂમ મારી.

‘સૂર્યાબહેન.’

બે બીજી બૂમનો પણ કશો અર્થ વળ્યો નહીં એટલે તે જાતે એની પાછળ ગયો.

‘સાંભળો છો કે? મારે ઘેર તમે ફક્ત પાંચ મિનિટ આવશો તો હું રાજી થઈશ.’

સૂર્યાને તે પોતાને ઘેર લઈ ગયો.

‘દૂધ પીશોને? એમાં પાણી ઉમેરાય નહીં એટલે તમને બાધ નહીં આવે!’

એવો કશો વિનય ન કરવાનો એણે આગ્રહ વ્યક્ત કર્યો. એણે ઘરમાં નજર કરી તો અંદર અંધકાર હતો.

‘અમ્મા પરગામ ગઈ છે, મારી માસીની સુવાવડ કરવા માટે અને જી વાણિયાને ઘેર પ્રણામ કરવા ગયા છે. તમારી ભાભીને એના પિયરમાં ગમતું નથી ને એટલે થોડાક પૈસા તો જોઈશે ને! અને એકલો અહેમદ ઘેર છે. બોલો, હું તમારું સ્વાગત હવે દૂધથી કરું ને?’

થેલીને મૂકી તે લીમડા નીચે ચણ ચણતાં મરઘીનાં બચ્ચાંને જોઈ રહી.

‘તે દિવસે ઘેર આવીને ઋચાઓ સંભળાવી ગયા હતા એવું નહીં બોલોને’

અહેમદના કપાળ પર ઝૂલતી બાંકી લટોને જોતાં એણે પ્રશ્ન કયોર્

સત્યનો તમાચો તાજો થતાં એ વ્યગ્ર થઈ બેઠી.

‘મને પાણી આપોને!’

‘પાણી?’

પાટીદારની છોકરી મુસલમાનનું પાણી માગે એ – પણ સત્યને તો પોતાના જલનો કશો બાધ નથી આવતો. એણે કશો પણ પ્રતિભાવ વ્યક્ત થવા દીધો નહીં. પાણી પીને તે ખાટલામાં બેઠી. ભીંત પર અહેમદની છબીને તે તરસી દૃષ્ટિથી તાકી રહી. એની પાસે સત્ય ઊભો હતો એય ખ્યાલ ન રહ્યો.

‘ડાકોર માણેકઠારી પૂનમને દિવસે અમે ગયા હતા ત્યારે રોડ-ફોટોસ્ટુડિયોમાં બંનેએ સાથે પડાવ્યો હતો. મારી અમ્માને મારા કરતાં સત્યનો ફોટો વધારે પસંદ છે. સૂર્યાબેન, મારી અમ્મા તો કહે છે તું એની પાસે સાવ નાજુક લાગે છે. મને એ ઘણી વાર મશ્કરીમાં કહે છે તું તો સત્યની વહુ છે વહુ.’ ને એ હસી પડયો.

સૂર્યા ઊઠી. અહેમદના અંધારા ઘરમાં પેઠી. એણે અહેમદની વાતને કાને અડવા દીધી નહીં.

‘અંદર આવોને, આ શું ચળકતું દેખાય છે?’

અહેમદ અંદર ગયો.

‘મિયાઉં.’

અંધારામાં રસોડાના ખાલી માટીપાત્રમાં જીભ ફેરવીને ઊંભેલો બિલાડો ચૂલાની બેળ પર કૂદી ગયો. એ જેવો કૂદ્યો કે તરત કૃત્રિમ ભયને લીધે તે અહેમદના શરીરને લગભગ વળગી ગઈ.

‘બિલાડીની બીક લાગે છે? વિસ્મયજનક તમારું વર્તન છે હો! મને તો એમ કે તમને અંધારાની બીક લાગી હશે.’ હજી સૂર્યા દૂર ખસી નહીં.’

‘અંધારું તો મારી વૃત્તિ છે. હું એનાથી ડરું તો મનુષ્ય કઈ રીતે કહેવાઉં!’

અહેમદ એને બહાર લાવ્યો. અલબત્ત એને બહાર લાવવામાં એને સહેજ પ્રયત્ન કરવો પડયો.

‘હવે મને પ્રતીતિ થઈ કે તમે તમારા મિત્રના સાચા મિત્ર છે.’

‘બિલકુલ સાચું કહ્યું તમે. હું તમને બે શબ્દ કહુંતો ખોટું તો નહીં લગાડોને?’

‘તે દિવસે મારી વાડીએ પણ તમે આવું જ કરી બેઠાં હતાં, હં એના સંદર્ભમાં જ આ વાત કરું છું. તે દિવસે પણ તમે પ્રકાશને અંધકાર સમજી બેઠાં હતાં.’

અહેમદે સૂર્યાની કશી સંમતિ વગર જ પોતાના બે શબ્દોને વિકસાવ્યા.

‘હું પણ કૉલેજ સુધી જઈ આવ્યો છું. આપણું શિક્ષણ ક્યારેય અંધકારનો દુરુપયોગ કરવા આંગળી ચીંધતું નથી. આવેગને હું મનુષ્યનો સ્વાભાવિક ધર્મ ગણું છું એ પણ તમને સાથે સાથે કહી દઉં. તમને ખબર હશે. ધર્મ કદીય વિકૃત નથી હોતો. ધર્મની વિકૃતિમાં અંધકારને સ્થાન નથી. તમારો અંધકાર આ રીતે અમારા-મારા અંધકારથી અલગ પડી જાય છે.’

સૂર્યાથી ન રહેવાયું.

‘મેં એવી વિકૃતિ બતાવી એમ તમે કઈ રીતે કહો છો?’

‘મેં એ જોયું છે. હું તમારા ગાંડા અંધકારનો સાક્ષી છું. એટલે તમે અયોગ્ય દલીલ ન કરશો. તમે મારા બોલવા પર માઠું ન લગાડશો. હું તમારો વડીલ નથી. ભાઈ છું. સમજો કે ભાઈ જેવો છું ને એટલે કહું છું. તમે જે હમણાં અનુભવ્યું–કર્યું એમાં હું તમને દોષ નથી દેતો. હું તો કેવળ લાલબત્તી ધરવા ઇચ્છું છું. તમારે માનવું ન હોય તો હું શું કરું? તમે તમારાં સ્વામી છો.’

સૂર્યાએ થેલી લીધી.

‘બસ?’

‘હા બસ. હું ધર્મશાસ્ર સાંભળવા નહોતી આવી. તમારા કરતાં કદાચ હું બે ચોપડી વધારે ભણી છું. મને લાલબત્તી ધરવાનો લહાવો તમે સારો લીધો. તમારા જેવાના ભક્તસમુદાયનો મને તિરસ્કાર થાય છે. પ્રેમ એટલે શું એ તમારા જેવા માળાધારીઓને શું સમજાય? અંધકારને આત્મસાત્ કરવાની પ્રમત્ત શક્તિ તમારા જેવા પાસેથી રાખવી, એ પથ્થરને માટીમાં રોપી ઉગાડવાની આશા રાખવા જેવું છે. અને અંધકારને તો હું ક્યારની વરી ચૂકી છું. તમે મને લાલબત્તી ધરનાર કોણ? અનુભવ્યો છે કોઈ વખત અંધકારને?’

‘ના. બાપા ના. અંધકારની હે અધિષ્ઠાત્રી, અમે અમારા દુર્ભેદ્ય અંધકારને સ્પર્શી પણ શક્યા નથી. એવાં અમારાં દુર્ભાગ્ય હજી ફૂટી નથી નીકળ્યાં. સૂર્યાબેન મારી પત્નીને એક પુત્ર આવ્યો છે. એનું મોં મારા જેવું છે. તમે અઠવાડિયા પછી આવજો એનું નામ પાડવા. તમે એનું નામ તિમિર પાડશો તો પણ મને વાંધો નહીં હોય.’

‘મારે એવી શી પડી છે નામ પાડવાની?’

‘એ તો તમે કહ્યું, સમજ્યા. પણ મારે તો એ બહાને તમને ખાતરી કરાવવી છે કે અમારો અંધકાર રખડુ નથી.’

સૂર્યા ઊભી થઈ ગઈ. સત્ય રસ્તા પરથી જતો હતો.

‘ખોટું ન લગાડશો હોં. મેં તો મારી મતિ પ્રમાણે ડહાપણ કર્યં.

પણ હું કંઈ તમારો વડીલ નથી કે તમારે મારા કહ્યા પ્રમાણે—’

‘હા તમે મારા બાપ નથી એ હું જાણુ છું.’ ને સડસડાટ ચાલતી થઈ.

અહેમદે આ રીતે પોતાને ઘેર બોલાવી પોતાના નારીત્વનું અપમાન કર્યું એ એને સત્યના સહસ્ર તમાચા જેવું લાગ્યું.

‘ઊભાં રહો સૂર્યાબેન. આ તમારી ચંપલ રહી ગઈ. રસ્તા પર છોકરાંએ હોળી બનાવવા ઝરડાં લઈ જઈને કાંટા વેર્યા છે. પગમાં વાગી બેસશે.’

સૂર્યા પાછી વળી, એટલે પાછી કહેવાની તક મળી જોઈને ‘સૂર્યાબહેન સત્યમાં મીઠાશ નથી ખરું ને? સાચું કહું ,મારા ધર્મમાં છલ આચરવાનો લગીર પણ આદેશ નથી. મને મારા મિત્રમાં પણ એટલે જ અપાર શ્રદ્ધા છે, એ મારો સમવયસ્ક ન હોત તો હું એની ભક્તિ પણ કરત. આવજો ત્યારે, જરા મને મશ્કરી કરવાની બચપણથી આદત છે એટલે ક્ષમા માગી લઉં છું. મારું ઘર તમારું સ્વાગત કરશે અમારી પ્રણાલિકા પ્રમાણે. ગમે ત્યારે આવી શકો છો. અહીં, એકલો હોઉં તોપણ ભયમુક્ત રીતે મારે ત્યાં પધારી શકો છો. તમને કોઈ સાશંક દૃષ્ટિથી નહીં જુએ એ કહી રાખું છું. મને લોકો સારી રીતે ઓળખે છે.’ અહેમદનો સ્વર ક્રમશ: ઊંચો થતો તરત બંધ થઈ ગયો. સૂર્યા લગભગ ભાગી ગઈ હતી. અહેમદ બબડતો હતો : ‘શું થાય-આદત ખુદાને બક્ષી કફનકો સુંઘતી હૈ!’

ગામમાં તલાટી જેવા સજ્જન અને એના ઢીંચણ જેવડા પિત્રાઈ રતિલાલ તો છે. એ આ મહેમાન છોકરીને પોતાના કરતાં વધારે સમજે છે, સમજે ત્યારે.

એને વધારે તો આ છોકરીના વર્તનથી એ આશ્ચર્ય થયા કર્યું કે આ એટલી સહજ રીતે પોતાના અપમાનને કેવી રીતે ભૂલી જઈ શકતી હશે? નહીં તો તે દિવસે એની ઝાટકણી કંઈ પોતે ઓછી નથી કાઢી!