અશ્રુઘર/૧૫

૧૫

સત્ય સૂર્યાને તદ્દન ભૂલી બેઠો. સૂર્યા પોતાને ઘેર આવી હતી. પોતાની સાથે એનું વાગ્દાન થયું હતું. પોતે એને….ના; કંઈ જ એને યાદ ન રહ્યું. લલિતાને પોતાને ઘેર રહેવા માટે કહી દીધું હતું – એ પોતાના જ ઘરમાં પોતાની જ સાથે રહેશે. એવા મનોરમ્ય ખ્યાલમાં તે ઘેર આવ્યો. રમતીને બાંધી એના ગળે હાથ ફેરવ્યો. બેસીને એને ચૂમી. એની પીઠ પર ન વાગે એવી હળવી ટપલી મારી, સુરભિના રમકડાંને વારંવાર ચાવી ભરી આપી, મંજુને કવિતા ગાતાં શીખવાડયું. માને ઓચિંતી ‘મા’ એવી બૂમ પાડી ભડકાવી અને એના હાથમાંથી સાવરણી ખૂંચવી લઈ પરસાળ વાળવા મંડયો.

‘તું પરણ્યા પહેલાં જ ગાંડો થઈ જઈશ તો પછી સૂર્યા આખો જનમારો મને ભાંડશે.’

ઉમંગી માને હજી આ પચ્ચીસ-ચોવીસ વર્ષનો છોકરો પાંચમી ચોપડી ભણતા સતિ જેવો લાગ્યો. માનો આ હર્ષોદ્ગાર સત્યને ઇંજેક્શનની સોય જેવો લાગ્યો.

‘મા, લગ્નની આટલી બધી ઉતાવળ કેમ કરે છે તું? મારા પ્રોફેસરને મળ્યો ત્યારે એમને પણ ઉતાવળ જ લાગી. એમ કરને મા, એમ. એ થઈ ગયા પછી પરણું તો કેવું?’

‘લગ્નપડીકુંય આવી ગયું. તારા બાપુજી ઉમરેઠ કંકોતરી છપાવા ગયા. અને તું જોતો નથી આ ધમાલ બધી અનાજ, તેલ, ઘરેણાંગાંઠા – બોલ્યા, એમે થયા પછી પૈણું. ના બા મારે એવું નથી કરવું. છો બધા ઉતાવર છે એમ કહે, તને પેલા અહેમદીએ તો નથી ચડાવ્યો ને?’

સત્યે કંઈ સાંભળ્યું નહીં.

‘પણ હું…’

શું બોલવું એ એને ન સમજાયું.