અશ્રુઘર/૨૦

૨૦

પંદર દિવસ પછી સૂર્યા આવી. ભાઈ તો એના એ જ હતા. રમતીવાળા બનાવ પછી તો એ કોઈ કંઈ પૂછતું તેનોય ઉત્તર આપતો નહીં. જમીને સીધો ખેતર ભણી રવાના થઈ જતો. સૂર્યા જો અંદરના ઓરડામાં હોય તો તે બહારના ખંડમાં બેસતો. એ બહાર આવે તો સત્ય ખેતરની વાટ પકડતો. માને ગંધ આવી ગઈ જ હતી. તે ઘણીવાર ધૂંધવાતી પણ એ તે શું કરી શકે એ સિવાય.

એના બાપુજી આજે દાતરડાં કકરાવવા ગયા હતા. મા એકલી હતી. અચાનક સત્યને પેન સાંભરી. એણે મા પાસે માગણી કરી.

‘હશે, જોને કબાટમાં. તે દિવસે તેં તારા બાપુને નહોતી આપી?’ કબાટ ફેંદયું. પેન તો ન મળી પણ ચાંલ્લાની નોટ મળી.

કુતૂહલવશ પોતાને કેટલો ચાંલ્લો મળ્યો છે, એ જોવાનું સત્યને મન થયું. આ લોકોએ…ને એણે ચાંલ્લાની રકમ જોતાં જોતાં એમાંથી એક કાગળ એને મળી આવ્યો. લલિતાના અક્ષરવાળો કાગળ અહીં ક્યાંથી? તેણે વાંચ્યો. ‘તમે મારા પર ખોટો – સાવ ખોટો આક્ષેપ કરો છો. હું તમારા ગામના કોઈ પણ મનુષ્યને ઓળખતી નથી. મારે કોઈ પુરુષ જોડે ઓળખવા જેવો સંબંધ નથી. હું તો માત્ર શિક્ષિકા છું એટલે મારા વિદ્યાર્થીઓને જ ઓળખું છું. નિશાળના કર્મચારીઓને જ ઓળખું છું. સત્યનું નામ મેં તમારે મોંએ જ અહીં સાંભળ્યું. એ પણ એમના લગ્નમાં તમે મને આમંત્રણ આપવા આવ્યાં એટલે, બાકી મારે–અમારે એવો કશો અજણતો કહી શકાય એવો પણ સંબંધ નથી. મેં એમને ક્યાંય જોયા નથી. એય મને ઓળખતા નથી.’

‘ઓળખું છું.’

એણે કાગળ માને બતાવ્યો.

‘આને હું ઓળખું છું. તમે મારા પર શત્રુનું કામ કર્યું છે. એને તમે ફસાવી છે. એણે તમારું શું બગાડયું છે?’

‘આ છલ છે; તમારું રાક્ષસી છલ.’ કહીને નાના બાળકની જેમ રડી પડયો, સૂર્યા ત્યાં ઊભી હતી તે ખસી ગઈ. માએ કશો પ્રત્યુત્તર ન આપ્યો. એટલે ખાધાપીધા વગર તે ખેતરમાં જતો રહ્યો.

લીલીછમ સીમ પર સત્યને ચીડ ચડી. પગની ઠેસ મારીને એને ફેંકી-ઉશેટી દેવાનું મન થયું. પોતાની ચોતરફ અગ્નિના છોડવા ઊગી નીકળતા હોય એવું એને લાગ્યું.

‘લલિનું એમણે મારા માટે શસ્ર બનાવ્યું છે.’

ઠચૂક ઠચૂક ઠચૂક

હિસ્સોય ઠય. હિસ્સોય ઠય.

નારણ આંબા પર ચડયો હતો. રસ્તા પરની ડાળી કાપતો હતો. સત્યે નારણને બૂમ પાડી. પણ નારણ તો અત્યારે હિસ્સોય હિસ્સોય કરવામાંથી જ ક્યાં ઊંચો આવે એમ હતો. સત્ય ઊઠયો. ગયો. એણે જોયું તો સામે છેડેથી અહીં આવતાં આવતાંમાં તો રસ્તા પરની ડાળી લગભગ લબડી ગઈ હતી.

‘એય લુચ્ચા, તને આ ડાળી કાપવાનું કોણે કહ્યું? કેમ કાપી નાખી તેં? તને એ કાપવાનો શો અધિકાર છે? તું અત્યારે બીજી ડાળ ફૂટાડી શકે એમ છે? તું નીચે ઊતર, કહું છું. મારી સામે ડહાપણ ના કરતો, લબાડ.’

ડાળીને બદલે નારણ જ નીચે કપાઈ પડશે એમ તે થરથરવા લાગ્યો.

સત્યનો ક્રોધ વિચિત્ર છે. ઉપર રહ્યે રહ્યે જ ધ્રૂજતો ધ્રૂજતો તે કરગર્યો.

‘ભૈશાબ, મને તો બાપુજીએ કહ્યું’તું, મારો કશો ગુનો નથી.’

‘તું લબાડ, નીચે મર. એ કંઈ આંબાના બાપ છે, તે તને આવો હુકમ કરે?’

‘પણ…પણ…સતિભૈ રસ્તા પર હતી…તમારી ડાળ…ભૈશાબ…રસ્તા પર…એટલે વૈશંકર છોકરાં કેરીઓ તોડી જતેલાં.’ ઊતરતાં ઊતરતાં એણે લોચા વાળવા માંડયા.

‘શટ અપ.’

‘નૈ બોલું, ભૈશાબ. પણ તમે ક્યાં નથી જાણતા બાપુજીનો રૂવાબ.

એ કહે એટલે…’

લમણું તમતમી ગયું. એના પર હાથ ફેરવતો જતો રહ્યો. નારણ કુહાડી પણ લેવા ન રહ્યો.

ઘેર જતી વખતે સત્યે જોયું કે રસ્તો આખો કુરૂપ લાગતો હતો. આંબાની ડાળથી તે ભર્યો લાગતો હતો. શોભતો તો એવો હતો કે જાણે રસ્તો મનુષ્યની જેમ બોલશે એવો, ખેતરનો શેઢો પૂરો થાય ત્યાંથી એ પણ ગમી જાય એવો વળાંક લેતો હતો. નારણ છેટે જઈને ઊભો હતો એટલામાં સામે શેઢે ચરતા બળદ પર ગોરિયો (બળદ) ઠેક્યો અને એના સીસોંટાથી ખેતરનાં બધાંય પંખી ધ્રૂજી ઊઠયાં. નારણ એને પકડી શકવાની હિંમત ન કરી શક્યો. ઘેર આવ્યો ત્યારે સત્ય તાવને લઈને આવ્યો હતો. એ રાત્રે સૂર્યાએ એને માથે હાથ મૂક્યો, માથું દબાવાનો યત્ન કર્યો; પરંતુ સત્ય જાણતો નહોતો એ હાથ સૂર્યાનો છે….અંધકાર પ્રપંચી તંદ્રામય સ્થિતિમાં સત્યે લલિતાને પાસે બોલાવી ત્યારે જોસથી એના માથા પર ફટકો લગાવીને તેની લલિતા દૂર અંધકારમાં ભળી ગઈ હતી. સૂર્યાના તિરસ્કારને હવે સીમા નહોતી રહી.

તાવ ગયો. બે દિવસ સત્યને રિબાવીને પાછો જતો રહ્યો. એને ઊંડે ઊંડે ભયનો છોડ ઊગતો હોય એવું લાગ્યું. ડૉક્ટર પટેલની સલાહ યાદ આવી. તેલનું તળેલું બહુ ખાવું નહીં. સ્પર્શને શત્રુ માનવો. ‘માનીએ જ છીએ ને, પણ સ્વપ્ન શત્રુ બની બેઠું છે એનું શું?’ એણે પાછું સૂર્યાનું શરીર જોયું. તિરસ્કાર, ધિક્કાર અને ક્રોધથી તે લાલચોળ થઈ ગયો. સૂર્યાને જોવામાં એને જોઈને અહેમદની વાત સાંભરી આવતી. એ મૂર્ખ પાછો ક્ષમા આપવાનું શીખવાડે છે. હશે, ભૂલ તો બધાયથી થાય, મનુષ્ય નહીં કરે તો ઈશ્વર ભૂલ કરશે? હશે. હશે હશે શું વળી? સત્યે દાંત ભીડયા. ચાર દિવસ પહેલાં એક રાતે એના પેટમાં લાત મારવાનું મન થઈ આવેલું. પણ કોણ જાણે કેમ લલિતા યાદ આવતાં એને અંધારામાં બોચી પકડીને બેત્રણ ઘુમ્મા લગાવી દીધેલાં. સત્યને તે દિવસે સાંજે ખેતરમાં સૂર્યાને તમાચો લગાવી દીધો હતો તે પ્રસંગ યાદ આવ્યો. વિચારમાં ને વિચારમાં પોતે તળાવ તરફ જઈ પહોંચ્યો હતો એનુંય ભાન ન રહ્યું.

વડ નીચે શ્વાન તરફ જોઈને ઓવારા પરની સ્રીઓ પરસ્પર સમજી શકાય એવું હસતી હતી. બેત્રણ સારસ પક્ષીઓ નજીકમાં આવતા આસોનું ગીત ગાતાં હોય એમ ડોક ઉલાપી નિર્જન પાળ પર દોડયાં ગયાં. એક યુવતીનો અવાજ આવ્યો, ‘અલે સતિભૈ, પેલાં કૂતરાંને ઢેખલો મારોને, જાય અહીંથી નબરાં.’

બીજી બટકબોલીએ સૂર પુરાવ્યો :

‘રહેવા દે ને હમણાં જ પૈણાં છે.’

સત્યને એમની જુગુપ્સક મશ્કરીથી ત્યાં બેસવાનું ન ગમ્યું. ઊઠયો અને થોડેક ગયો હશે – ને ઊલટી થઈ. લોહીના બેચાર લચકા જોઈને તેની નજર ધ્રૂજી ગઈ. કેટલીક વાર પછી પેઢામાં ભારે સણકો લાગ્યો – તે બેસી પડયો. મૂત્રાશયમાં સરર સરર થતું લાગ્યું અને મોડે ઘેર પહોંચ્યો ત્યાં લગી રહ્યું અને લોથ થઈને ખાટલામાં પડયો.