અશ્રુઘર/૨૩

૨૩

રમેશ, બાપુજી, મોટાભાઈ, ભાભી, મા, પ્રોફેસર એક પછી એક ખબર લઈ ગયાં. સૂર્યાનું સીમંત ઊજવી એને પિયર મોકલી દીધી એ સમાચાર સાંભળીને સત્ય અહેમદ તરફ જોઈને હસી પડેલો. અહેમદ દિવાળીની વાતનો સેનેટોરિયમમાં એની પાસે જ હતો.

કારતક-માગશર જૂના દર્દીઓની જેમ સાજા થઈ થઈને ગાતા ગાતા જતા રહ્યા. પણ સત્યની ઊલટીઓ કેમ કરી ઓછી થતી નહોતી. ગયે મહિને વડોદરા ડૉક્ટર પટેલ પાસે 15 દિવસ રહી આવ્યો : અમદાવાદ વાડીલાલમાં બે દહાડા જઈને વ્હીલે મુખે પાછો ફર્યો. ડૉક્ટર ગોખલે સેનેટોરિયમમાં દાખલ કરવાની ના કહેતા રહ્યા ને અહેમદે દાખલ કરાવ્યો. એ સત્યની નજીક બેસીને ગીતા-વાચન કરતો, ક્યારેક ગઝલ, કવિતા સંભળાવી એનું મનોરંજન કરતો. હજી લલિતા દેખાતી નહોતી. જિજીવિષા પણ હવે રોગની જેમ વળગી હતી.

સાજા માણસની જેમ વોર્ડમાં લટાર મારવાની ઇચ્છાઓને મારી નાખવી પડતી એ એને આત્મઘાત કરવા જેવું લાગવા માંડયું. એ પડયો પડયો 10 નંબરના ખાલી ખાટલાને જોઈ રહ્યો હતો. એટલામાં પેલા મૂંછાળે રાગડો તાણ્યો :

‘વાગે છે રે વાગે છે વનરાવન મોરલી વાગે છે.

તારી તે મોરલીને હીરે જડાવું.’

નર્સે એને છાનો રાખ્યો. ત્યારે ડોળા કાઢતો એના ભણી જોઈ રહ્યો. સત્યે જોયું તો એ મૂંછો આમળતો હતો, અહેમદ બેઠો હતો.

‘અહેમદ, પેલા ડોળાળાને કહે, બહું મૂંછો ન આમળ્યા કરે.’

‘કહીશું.’

‘ના. અત્યારે જ કહે. ભલે ઝઘડો થાય તો. આપણે કંઈ બાયલા નથી.’

‘તું વિચિત્ર છે, એને તારા કરતાંય વધારે રોગ છે. ગાવા દે ને બિચારાને!’

અહેમદ આમ કરીને પોતાને શું કહેવા માગતો હતો? એ જ ને કે એ પોતાના કરતાં વધારે ગંભીર દર્દી છે. અને એનું મૃત્યુ પોતા કરતાં વહેલું…’

એને બેઠો થતો જોઈને અહેમદ સૂવા માટે કરગર્યો.

‘ના, ભઈ, મને ઊઠવા દે. મારે—’

‘લે હું કહી દઉં છું એને.’ અહેમદ પેલાને મૂંછો ન આમળવા માટે અમસ્તો અમસ્તો કહેવા જતો હતો ત્યાં સત્યે એને રોક્યો.

‘એને કંઈ જ નથી કહેવાનું. મારે ડૉક્ટરના રૂમમાં જવું છે.’

‘શું કામ છે?’

‘આલ્બ્યુમીન વિષે વાત કરવી છે. એ બંધ થાય કે નહીં?’

‘થાય. ધરપત રાખ. તું આમ ઊઠબેશ કરીશ તો ન થાય.’

‘એટલે મારે બોલવું પણ નહીં. કેમ?’

‘બોલ. પણ ઊઠીશ નહીં, તારે આરામ કરવાનો છે.’

‘તું આરામવાળી ચૂપ મર. હું કહું એમ કર. ડૉક્ટર છે, જોઈ આવ જો.’

અહેમદ ગયો.

સેનેટોરિયમનો માળી ખભે કોદાળી મૂકી વોર્ડમાં રહી બગીચા તરફ ગયો, કાળું ખડક જેવું એનું અંગ પાંપણ વાસીને ભીંસી દીધું. એને ગળતેશ્વરની શિલાઓ યાદ આવી. પોતે કૉલેજમાં હતો ત્યારે ગળતેશ્વર પ્રવાસે ગયો હતો. ‘પ્રો. મૅયો પણ સાથે આવ્યા હતા. પોતે તે વખતે કેટલો બધો તંદુરસ્ત હતો. ગળતેશ્વરની મહીસાગર નદીમાં સાગર નહોતો એટલે ઊંચી ટેકરીની શિલા પર બેસીને દૂર દૂરથી વહી આવતો કાળો પથ્થરવિસ્તાર આંખમાં ભરી ભરીને નીચેના ભાગમાં કેડ લગીના જલપટામાં એક તરફ છોકરાઓ ન દેખે એમ સ્નાન કરતી કન્યાઓની ઘઉંવર્ણ – ગોરી ત્વચા પર ઠાલવી દેતો હતો. તે વખતે બીજી તરફ સ્નાન કરતા પ્રો. મૅયોએ પોતાને કેટલો આગ્રહ કર્યો હતો પણ તે ‘હાથપગ ધોવાય’ એટલા પાણીમાં સ્નાન કરે કે! પોતે તો નવડાવાનું શીખ્યો છે, શરીર પલાળવાનું એને ન ગમે કે! પ્રો. મૅયો નદીને અંજલીમાં લઈને મસ્તક પર પુણ્ય ચડાવતા હતા. તે જોઈને પોતે એમની મશ્કરી પણ કરેલી :

‘સંત, સુનો પૂર્વે ભારતવર્ષમાં એક ઋષિ થઈ ગયા. અગસ્ત્ય એમનું નામ. તમે એમની જેમ ન કરતા નહીં તો આ બિચારીઓને પથરાઓમાં શરીર ઘસીઘસીને જલસ્નાનનો લહાવો લેવા વારો આવશે.’ એમણે તે વખતે ‘પાપી’ કહીને પોતાના તરફ અંજલી છાંટી હતી. સત્યની વાસેલી દૃષ્ટિ આગળ અસંખ્ય પથ્થર ઊંડવા લાગ્યા. પથ્થરનો વંટોળ ક્ષણે ક્ષણે પોતાના ચેતસકેન્દ્ર તરફ ધસી આવતો હોય એવી વિભીષણ અનુભૂતિ એને થઈ આવી. આણંદ તાલુકા જેવડું ગરુડ હાઝવુશ હાઝવુશ કરતું પોતાના મસ્તક પર ચકરાવો લેતું; ચિચિયારીઓ પાડતું લાગ્યું. એ ભયથી દોડી જવા લાગ્યો.

વડોદરા હૉસ્પિટલમાંથી પોતાને અહીં લાવવામાં આવ્યો ત્યારે સ્ટેશન પર ચક્કર આવ્યાં હતાં એવાં ચક્કર આવ્યાં. પગ ઊપડયા નહીં. પગ પર ચાદર પડી હતી. એનો પણ એને ભાર લાગતો હતો. ચાદર કોઈ ઊંચકી લે એમ ઇચ્છા થઈ. પણ પોતાની આ અશક્તિને એ ન રચ્યું. પગનાં તળિયામાં ગોળ ગોળ ફરવું શરૂ થયું. પછી ઢીંચણથી પગ મરી પડયાનો વિચિત્ર અનુભવ થયો. સળગેલી દિવાસળીનો અર્ધભાગ આગળથી પડી જાય એમ પગ-બન્ન્ પગ ખરી પડયા. એક સણકો આવ્યો અને હોળીમાંથી નાળિયેર વેગળું ગબડે એમ મસ્તક છૂટી પડયું…ક્યાંક ક્યાંક….માત્ર છાતીથી પેઢા સુધીનો ભાગ તપી ગયેલી પથારીમાં પડયો રહ્યો હતો. ભયંકર વિચારસ્વપ્નથી તેના મુખમાંથી ચીસ નીકળી પડી. પરસેવાથી રેબઝેબ શરીરને અહેમદે લૂછવા મંડયો.

‘શું થયું?’

‘અહેમદ, સૂર્યાને પત્ર લખ. મારી તબિયત સારી છે.’

‘લખીશ.’

‘ના લખીશ લખીશ એમ નહીં. લખ’

અહેમદ ‘પેન નથી’ કરીને ઊભો થયો. સત્યને પોતાની પેન સાંભરી. બાપુજીને કંકોતરી લખવા માટે આપી હતી ત્યારની પાછી મળી નથી.

‘સારું પછી ડૉક્ટર પાસેથી…માગીને…’ પણ સત્યનું મન ક્યાંક બીજું જ બોલવા જતું હતું.

‘એ ન આવે. ક્યાંથી આવે? એને આવવા જેવું….’

પાછો સૂર્યાના વિચારે ચડયો એને આ કેટલામો મહિનો જતો હશે! છી આવો વિચાર? પણ એમાં શું? એને છોકરી આવશે કે છોકરો? છોકરી આવે તો એના જેવું જ મોં આવશે. ને છોકરો હશે તો….

મહેતરાણી આવી.

આજનો પેશાબ સત્યે શીશીમાં લીધો નહોતો.

ખાલી શીશી પડેલી જોતાં તે બબડી.

‘હજી શેંહું ભર્યું નથ્ય.’

અહેમદે શેર સંભળાવ્યો :

‘ફૂલ મુરઝા ગયે તો ક્યા ગમ હૈ

ખિલનેવાલી કલીકી બાત કરો.’

સત્યે ફરી વાર સાંભળવા ઇચ્છા બતાવી. આજે જમતી વખતે સર્વદમન ન આવ્યો. કેટલાય દિવસોથી જાણે એ ન આવતો હોય એવું સત્યને લાગ્યું.

‘અહેમદ સર્વદમન કેમ નથી આવ્યું?’

‘સર્વદમન? એ વળી કોણ?’

નર્સ આવી.

‘હજી તેં પેશાબ કેમ નથી આપ્યો?’ પછી અહેમદને એ ભાંડવા મંડી.

‘તમેય ભૂલી ગયા? એટલું તો યાદ રાખવું જોઈએ. થોડું મને એવું બધું યાદ રહે. તમે લોકો સાથે ન હો તો અમે લખી લખીને પણ યાદ રાખીએ. ડૉક્ટર એક વખત પૂછી ગયા, હમણાં ગંગાએ ફરિયાદ કરી, આ તો પહેલેથી આવો જ નફકરો છે. એને જો બધું યાદ રહેતું હોત તો અહીઁ આવત ખરો કે? મારો છોકરો હોત તો હું એને—’ પાછી સત્યને ખભે હાથ મૂકીને કંઈ પણ બોલ્યાચાલ્યા વગર નર્સરૂમમાં જતી રહી.

અહેમદે બાટલી હાથમાં લીધી. સત્યને ખુરશીમાં બેસાડી બાથરૂમમાં લઈ ગયો.

શીશીમાં પેશાબ ઝીલતી વખતે સત્યને શરમથી મરવા જેવું લાગ્યું. અહેમદે કેટલું સમજાવ્યો ત્યારે તે લેંઘાના બટનને ખોલી શકેલો. અહેમદની હાજરીમાં આ રીતે પોતાનો પેશાબ આપે એ હકીકત એને માથાવાઢ જેવી લાગી.

‘એમાં રડે છે શેનો? પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવાનો વળી.’

‘ના, ના બને. હું અશક્ત છું. અહેમદ તું અત્યારે ને અત્યારે સૂર્યાને પત્ર લખી દે, એ કશી ચિંતા ન કરે.’

એને કહેવું હતું તો બીજું જ કંઈ પણ ‘એ કશી ચિંતા ન કરે.’ એમ કહીને પેશાબની શીશી અહેમદને આપી દીધી.

ડૉક્ટરે યુરિનટેસ્ટ કર્યા પછી અહેમદને બોલાવ્યો.

‘ઊલટીઓ હજીયે એટલી જ થાય છે ને?’

‘હા’ અહેમદે ટેસ્ટટયુબને જોતાં ઉત્તર આપ્યો. એમાંના પ્રવાહીનો રંગ જોતાં એ પણ ધોળો ફગ બની ગયો.

‘હવે એને ઘેર લઈ જાવ. તમે સમજુ છો. God may… I cant say, what even God can do in this case.’

અહેમદ ખિન્નવદને પાછો સત્ય પાસે આવ્યો. કંઈ બોલ્યો નહીં. સત્ય એના મોંને સાગરમાં પડેલા મરજીવાની જેમ તરણું પકડવાની મસે તાકી રહ્યો.

‘ઘેર કાગળ નહીં લખીએ તો ચાલશે, રમેશભાઈ આવે છે. ‘અહેમદે ખેતરમાં નજર કરી કહ્યું.’

‘રમેશ આવે છે?’

‘હા.’

‘અહેમદ, જા દોડ તું. એને અહીં લગી આવવાની તસ્દી ન આપ બિચારાને. કહે, સત્ય મરી ગયો. એ હવે તારી સાથે બોલી શકશે નહીં. જા. ઊઠ દોડ ભાઈ.’

અહેમદની આંખમાં ઝળઝળિયાં આવ્યાં.

તે દિવસે સત્ય એકનો બે ન થયો તે ન જ થયો. ઘેર જવાની વાત હવે નહીં જ. કહીને એ રમેશ સામે રાતી આંખે તાકી રહેલો.

બીજે દિવસે ટેમ્પરેચર વધી પડયું હતું. ડૉક્ટર રાઉન્ડ મારવા આવ્યા ત્યારે અહેમદને પ્રાર્થના કરવા કહ્યું. ગીતા વચન કરતી વખતે અહેમદ બોરબોર આંસુથી રડી પડયો.

‘મૂર્ખા રડે છે શું? કાલે તો મને શીખવતો હતો, પરિસ્થિતિનો સ્વીકાર કરવાનું, કરને, માસ્તર મોટો. એ તો સ્વીકાર કરવાનો સમય આવે ત્યારે જ શક્તિ-અશક્તિની પરીક્ષા થાય છે. રડતાં તો મારી લલિતાનેય આવડે છે. સૂર્યા પણ બે મહિના પર તારી જેમ આંસુ દેખાડી ગઈ. તમે બધા….’

અહેમદ પોતાના મિત્રના હોલવાઈ જવાની અણી પર આવેલા દીવાની જ્યોત જેવા મુખને સજલનેત્રે ક્યાંય લગી તાકી રહ્યો. એ પત્ર લખવા જેટલો સ્વસ્થ થયો એટલામાં તો સત્યના ખાટલા સમક્ષ લલિતા આવી ઊભી.

‘તું આવી પહોંચી!’ સત્ય ખાટલામાંથી ઊઠવા ગયો.

‘સૂઈ રહો.’ લલિતાએ એને પાછો સુવાડી દીધો. અને પાસે બેઠી, કપાળે હાથ મૂકીને. અંદરથી પાંદની જેમ કંપી ઊઠી.

‘આ વખતે તને મારી બીક ન લાગી? ‘

‘ના. ધમકાવીને પાછી ન કાઢશો. એટલું કહી રાખું છું.’

‘ધમકાવીને? હા. એમ કરીને તને પાછી મેલું? તને ડર ન લાગે? નથી લાગતો?’

‘ના. એવું તમે નહીં કરો. તમે મને વિશ્વાસ નથી આપ્યો? હું હવે તમારા ઘરમાં રહેવા આવી છું. નિશાળનું હવે મને લપ નથી.’

‘તો એમ કહે ને મારું લપ સ્વીકારવા આવી છે.’ ને તરત મોંમાંથી વિષાદજન્ય ઉદ્ગાર નીકળી પડયો, નોકરી છૂટી ગઈ…

‘હવે?’ ને એણે લલિતાનો હાથ પોતાની છાતી પર મૂકી જોરથી કહ્યું :

‘કંઈ નહીં–હું છું ને!’ પછી સૂર્યાના સીમંત–સમાચાર આપ્યા.

‘હું જાણું છું. ભલુએ કહ્યું હતું–તમે…’

‘હા. ગાંડી, એમાં ખચકાય છે શું? અહેમદની શરમ ન રાખતી. એમાં સંકોચ શેનો? એને નથી તો પછી આપણને કેમ હોઈ શકે? હું બાપ બનવાનો છું. ફાધર. પિતા. અન્ડરસ્ટેન્ડ! પણ છોકરીનો બાપ બનીશ. સૂર્યાને છોકરી આવશે. એની મા જેવું રૂપાળું ગોળમટોળ મોં હશે એને, હું એને ખૂબ ભણાવીશ. તારી જેમ શિક્ષિકા નહીં થાય એ સમજી? ડૉક્ટર થશે ડૉક્ટર. નોકરી છૂટવાનો તો ભય નહીં ને!’

ને પછી સત્યે ઉપરાછાપરી બે પાંચ ઉધરસ ખાધી. પછી અહેમદને ઉદ્દેશી કહેવા મંડયો :

‘આવોય ક્યારનો શું લખે છે અરે, મૂર્ખ, આ લલિતા આવી. તું ઘેર કાગળ લખતો હોય તો લખી દે, સત્યે લલિતાને પણ….’

હસ્યો.

‘લખાવી દઉંને?’ એણે લલિતા તરફ જોયું.

‘હવે પૂછો છો શું?’

અહેમદના મોં તરફ જોઈને એણે કહ્યું.

‘આ પણ એના પૂર્વજન્મમાં તારી જેમ મારી પ્રિયતમા હતો. નહીં તો આમ ક્યારનો રડે નહીં. એય, સૂર્યાને પત્ર લખી દે કે સત્યજીત અબ બડે આરામમેં હૈ. ચિંતાબિંતા ન કરે. અને છોકરી આવે તો જલદી કાગળ લખે.’ પછી એ ધીરે ધીરે ગાવા માંડયો :

‘ફૂલ મુરઝા ગયે તો ક્યા ગમ હૈ

ખિલનેવાલી કલીકી બાત કરો.’

અહેમદ હજી એવી જ રીતે લખ્યે જતો હતો. લલિતાને થયું સત્ય હજી કંઈક બોલશે, પરંતુ જે સત્ય હોય છે તે કંઈ વારંવાર બોલે નહીં. એ તો માત્ર હોય છે.