અશ્રુઘર/૩

સામેના જાળિયામાં એક અજાણ્યું કબૂતર બેઠું હતું.

અજાણ્યું એટલા માટે કે તે શ્વેત હતું. આવું કબૂતર અહીં પહેલી જ વખત આવ્યું હોઈ સત્યે ખૂબ ધ્યાનથી જોયું. બિચારાની એક પાંખ ઘવાઈ હતી. તિવારીની ગોફણનો તો પ્રતાપ નહીં હોય? એની પાંખ હમણાં ખરી પડશે એમ લબડતી હતી. સત્યની દૃષ્ટિ લલિતાના મોં પર ગઈ. એ વાંચતી હતી. આજે તે મજામાં હતી. આજે નહીં અત્યારે, હા, અત્યારે તે ખુશમિજાજમાં હોય એમ લાગતી હતી. પાછું એણે ઘવાએલા કબૂતર ભણી જોયું. આવતી કાલે એ એક – પાંખાળું જઈ જશે. એક પાંખે તે કેટલુંક ઊડી શકશે? અત્યારે તો બિચારું થઈને સનેટૉરિયમના જાળિયામાં બેઠું છે. એને એની કબૂતરી હશે? પણ એ જ પોતે કબૂતરી હોય તો? તો એને પોતાનો કબૂતર હશે? હોય તો એ સાથે કેમ નથી? કદાચ તે વિધવા…

સત્યને પોતાના મન પ્રત્યે ક્રોધ આવ્યો. બાજુમાં વાંચતી લલિતાને એનાથી પુછાઈ ગયું :

‘શું વાંચો છો?’

‘હણાતાં હીર.’

સત્ય પાછો કબૂતરની લબડતી પાંખને જોઈ રહ્યો. પોતે બનુસ નહોતું ઓઢવું તોય ઓઢીને બેઠો. નં. 7 અને નં 9 રાત્રિની નર્સને લેવા બસસ્ટેન્ડ પર ગયા હતા. એમની બીડીઓનાં સળગતાં લાલ ટપકાં હલનચલન કરતાં હતાં. સત્ય બોલ્યો નહીં એટલે લલિતાએ વાત આરંભી :

‘તમે આ પુસ્તક વાંચ્યું છે? ના વાંચ્યું હોય તો ખાસ વાંચવું જોઈએ. રોગ મટયા પછી દર્દીએ ખોરાકપાણી અને કામ-શ્રમથી નિયંત્રણ રાખવાનું આ પુસ્તક સૂચવે છે. પોતાના ઉદાહરણ દ્વારા એક રોગી અસાધ્ય રોગ સાધ્ય કેવી રીતે બને તે શીખવે છે.’

‘મને ઊંઘ આવે છે.’

નંબર અગિયારે મોંઢેમાથે ઓઢીને લંબાવ્યું હતું. એને જોતાં કહ્યું :

‘તે ઊંઘી જાવ ને ‘ લલિતાએ કહ્યું, ‘હું ક્યાં રોકું છું!’

‘પણ હું ઊંઘવાનો ડોળ ન કરું ત્યાં લગી મને ઊંઘ નથી આવતી. મને રાતનું અજવાળું ગમતું નથી. કોઈ જાગતું હોય ને મને ઊંઘતો જુએ એ હું પસંદ નથી કરતો. અને એટલા કારણસર હું રાતના અજવાળાને આવકારતો નથી. હું અહીં આવ્યો ત્યારથી જ આ રોગ મને વળગ્યો છે. એટલા ખાતર ડૉક્ટરના કહેવા-સમજાવ્યા છતાં હું દિવસની નિદ્રા લેતો નથી. સાચું પૂછો તો મને અજવાળું નથી ગમતું એ હકીકત કહેવાનીય મને ગમતી નથી. મને ડૉક્ટર ઘણી વખતે આશીર્વાદ આપે છે ‘તું સુખી થાય-થશે’ ત્યારે મને એમ થાય છે ‘ઘણું જીવ’ એમ કહે તો સારું. પહેલાં હું વડીલોનાં વચનની અવમાનના કરતો હતો. હવે મને વડીલજન અત્યંત આદરપાત્ર લાગે છે. વડીલો કહે તે બધું સત્ય નથી હોતું પણ સાંભળવા લાયક તો હોય છે. ડૉક્ટર કહે છે મને – ટૉલ્સ્ટૉયનો ખૂબ આદર કરું છું. ડૉક્ટરે મને લખવાની મનાઈ કરી. હું એક અક્ષર પણ લખતો નથી. હા, પત્ર લખવાની છૂટ છે.’

સત્યે જોયું તો પોતાના ખાટલા ઉપરથી લાઈટ બંધ થઈ ગઈ હતી. એને તેનો હવે જ ખ્યાલ આવ્યો. વૉર્ડમાં ફક્ત એક જ લાઈટ હતી. જન્નુના ખાટલા પરની.

લલિતા હજીયે બેઠી હતી. એને હજી સાંભળવું હતું. નંબર 11 ઘસઘસાટ ઊંઘતો હતો.

‘કેમ એકદમ ચૂપ થઈ ગયા? કોઈ યાદ આવ્યું?’

‘લલિતાબેન મારે કપાળે હાથ મૂકશો?’

‘કેમ તાવ આવ્યો છે? ‘ લલિતાએ સત્યના કપાળ પર હાથ મૂક્યો.

‘શરીર તો ટાઢું છે. શું થાય છે?’

એના અવાજમાં ચિંતા ઊતરી આવી હતી. લગીર.

સત્યનું મૌન જોઈ એ પાછી એની બેઠક પર બેસી ગઈ.

સત્યે પોતાને હાથ મૂકવાનું કહ્યું એ હવે એના મનમાં ખેડણ જમીનમાં દાણો નાખ્યા જેવું લાગવા માંડયું. એ બેઠી થઈ, પતિએ બનુસ ઓઢયું હતું એના ઉપર નર્સ પાસેથી બીજું માગી લાવી ઓઢાડયું. લાઈટ કરીને પતિનું ઊંઘલ્યું મોં નીરખી લીધું. પાછું આછું પાતળું અંધારું સત્ય પર ઓઢાડી નર્સ રૂમમાં સૂવા જતી રહી.

જન્નુના ખાટલા પરની લાઈટ પણ બંધ થઈ ગઈ.

તિવારીની રામધૂન પણ ટૂંટિયું વાળીને સૂઈ ગઈ.

નં. 7 સપનું વલૂરતો હશે.

નર્સરૂમમાંથી કૉફીના ઘૂંટડા આવતા પણ ક્યારના બંધ થઈ ગયા. બહાર તમિસ્રનો મહાસાગર ઘુઘવતો હતો. એમાં લોહીની ઊલટી જેવી શિયાળવાંની લાળી હતી, ક્વચિત સડક પર જતાં-આવતાં વાહનોનો દિવસ જેવો ભ્રાન્ત પ્રકાશ હતો, આણંદસ્ટેશન પરથી ઊપડી ચૂકેલી છેલ્લી ટ્રેનની વિદાય વખતે વળીવળીને પાછળ જોતા સ્વજન જેવી ગતિ હતી, બળદની ખરીઓ જેવું અંધારું જલ સત્ય પાંપણ પર છલકાતું અનુભવી રહ્યો.

મા કેવળ બે વાર પોતાની ખબર જોવા આવી ગઈ. બે જ વખત ફ્કત! માત્ર પહેલી વખત અને છેલ્લી–ના, બીજી વખત! મામાને ઘેર પોતાને અભ્યાસ કરવા મૂક્યો ત્યારે કેટલું રડી હતી એ! સત્યની નજરમાંથી એક પ્રસંગ ફૂટી આવ્યો. ત્યારે એ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હશે. ઓટલા પર બેઠો બેઠો એ કવિતા ગોખતો હતો. ગામમાં એક ગાંડી હતી. સ્રીઓ એને રોટલો-છાશ આપીઆપીને દળણાં દળાવતી. સત્યને ખીજવવાનો એક પ્રકારનો આનંદ આવતો હતો. કવિતા ગોખવાનું પડતું મેલીને તે વખતે ગાંડીનો સાલ્લો ખેંચવા ગયેલો. પછી જો થઈ છે! આ ઘરમાંથી પેલા ઘરમાં પકડદોડ શરૂ થઈ હતી. માનો જીવ પણ એ ગાંડી પાછળ પંખીની જેમ ઊડતો હતો. મા ન હોત તો તે દિવસે પોતે હેમખેમ ન બચત.

સર્વદમનના ભસવાનો અવાજ આવ્યો.

સર્વદમનને ટાઢ વાતી હશે. આમ ને આમ ભસ્યા કરશે તો કો શિયાળવું એને ફેંદી નાખશે. એને ખરી માયા લાગી છે હમણાંની! સત્યે બનુસ બહાર મોં કાઢયું. પોતાના શરીરની ગરમીમાંથી પગને બહાર કાઢી પોતાના ખાટલા પાસે પડેલા નં. 11ના સ્ટૂલ પર મૂક્યો. આંખ મીંચી, ખોલી. આંધળુંકિયું કરતી કોક મુક્તકેશા જેવો અંધકાર પોતાના શરીર પર વાંકો વળેલો લાગ્યો. અંધકારને જાણ્યે–અજાણ્યે સજીવ માની બેસીને હવે તેને સ્પર્શવાની અભિલાષા સેવી રહ્યો. એણે પોતાની ઘ્રાણેન્દ્રિય નજીક કશોક સંચાર થતો સાંભળ્યો. સત્ય બેઠો થઈ ગયો. વૉર્ડ ની મચ્છરદાનીઓના ફરકાટમાં કોક સંચલન કરતું હતું. અંધકાર. એણે આંખને વધારે શ્રમિત કરી. વૉર્ડમાં મચ્છરદાનીઓનો અસ્પષ્ટ ફરકાટ એણે દીઠો. અસંખ્ય અનારકારોનો સંચાર એની દૃષ્ટિમાંથી બહાર આવ્યો.

પોતે નાનો હતો ત્યારે ગામનો પાડો વીફરેલો. મા કહેતી હતી – પોતાને તો એનું સ્મરણ પણ નથી – કે રસ્તા વચ્ચે પોતે કિલ્લો બનાવતો હતો ત્યારે રમણે ચડેલા પાડાની હડફેટે આવતાં આવતાં માત્ર એક ચીસ પાડે એટલામાં બચી ગયેલો. સત્યવાનને લેવા યમ પાડા પર આવ્યા હતા. સારું થયું પોતાની ભેંસને પાડી આવી.

નં. 9 બબડતો હતો. રબારીઓ બબડતાં હશે કે આખો દિવસ તે સીમમાં રહેતા હોય છે ને એકલા હોવાથી તે ઘેટાં, બકરાં; ગાયો, ભેંસોને નામ પાડી પાડીને બોલાવતા હોય છે. નં. 9ને ઊંઘ જોડે વાત કરવાની આદત એટલે જ પડી હશે. દિવસે જો એના હાથમાં વાતો કરનારું–ના, સાંભળનારું મળે તો ઢોરના કોટે ડહેલું વરગાડી દે. કોઈ કોઈ વાર એને વાડામાં પેસી જતી પારકી ગાય જેવી ઊંઘ લાગતી. કોઈ વાર એની વઢકણી ‘જેતાની મા’ જેવી લાગતી. કોઈ વાર તો ઊંઘના લાગણીશીલ મૃદુ ખભા પર માથું ઢાળી દઈ સડસડ રડી પણ લેતો અને તે વખતે ‘જેતાની મા’ના સઘળા અપરાધ બુદ્ધ ભગવાનની જેમ એ માફ કરી દેતો.

માફી ઉપરાંત વ્યાજ પણ આપવાનું વચન આપી દેતો.

‘આવતી હોળીએ તને અઢીશેરની ચાંદીનાં કલ્લાં કરાઈ આલેશ હોં! અને પોતે ને પોતે પાછો એને કહેતો, ‘પાસા મને છાંછયું તો નૈ કરો ને!’ ને રડી પડતો. આજે વળી કંઈ જુદું જ હતું. વાતે ચડયો હતો :

‘માંના, આવ્વા દે, આવ્વા દે. એક રાટું ડુલ કરી નાંખેસ જા. પણ એક ફરા આવ્વા દે એ ગટોરપટોર ગનુડીને. ભુરીભટ કાવલી કાવલી મારી ગનુડી.’

સત્યે ગોટપોટ ઓઢી લીધું. આવતીકાલે પોતે વૉર્ડમાં ‘ગોબરકાકાની ગનુડી’ની વાર્તા માંડશે. મજા આવશે.

ડૉક્ટરે લખવાની મનાઈ કરી છે, થોડું વળી કહેવાનું ના કહ્યું છે. ટેસ પડશે. ‘ગોબરકાકાની ગનુડી’ બપોરે જ માંડીશ. લલિતા તો પેટ પકડીને હસી પડશે. ડૉક્ટર પટેલને નં. 11 સિરિયસ લાગ્યો? એને કશું થવાનું. નથી. ડૉક્ટર કંઈ ઈશ્વર નથી. એ તો કહે! મટી ગયું જુઓને લલિતાબેન.

સત્ય પડખું ફર્યો. નં. 11 ઘરર ઘરર ઘોરતો હતો. આટલું બધું ઘોરે છે? આટલું બધું? આટલું? અરે આ તો ઉપરથી વિમાન પસાર થઈ ગયું! ‘હું ય કેવો છું?’ અત્યારે વિમાન પસાર થયું, ભય તો ખરો જ વળી! વૉર ચાલે છે. પાકિસ્તાન સમજતું નથી બિચારું એનાં સ્વજનો ભારતમાં જ પોષાય છે. અહેમદનો મસીઆઈ ભાલેજમાં ચાર વર્ષથી છે. થાપણામાં જ સિરાજચાચા ક્યાં નથી?

કુટુંબ લઈને વસે છે. સિરાજચાચાનો જમાઈ પાકિસ્તાનપક્ષે સિપાઈ છે, અને પુત્ર ભારતપક્ષે કેપ્ટન છે. સાળો-બનેવી કોને પ્રથમ ગોળી મારશે? સિરાજચાચા કુરાન લઈને ખેતરમાં જતા રહે છે એમ અહેમદ કહેતો હતો. આખો દિવસ કુરાનને ખાટલામાં મૂકીને આકાશનું કુરાન વાંચે છે.

બબડે છે એકલા એકલા. અહેમદ જેવું કોઈ મળી જાય તો વાતે ચડે છે : જમાઈ મારી પુત્રવધૂને વિધવા જોવા ઇચ્છે છે. પુત્ર મારી પુત્રીને વિધવા જોવા ઇચ્છે છે. તમારો હેતુ સ્રીઓને અનાથ કરવાનો હોય તો પછી કર્યે જાવ, લડયે જાવ, મર્યા પછીય લડો, લડયા પછીય લડો. પણ ધીમેધીમે ન લડો. ઉતાવળ કરો. જેથી વિધવા પુત્રીને માથે હાથ મૂકી આશ્વાસન આપતી વિધવા સાસુને કોઈ બચી ગયેલો રાક્ષસ બદનજર કરતો ન જુએ.

અમદાવાદમાં પેલો ‘બાદશાહ’ શાયર પોતાના એક પત્રમાં લખે છે, ‘મેરા બાપ પાકિસ્તાન પાકિસ્તાન બોલતા હૈ ઔર પાન ચબાતા હૈ, ઉનકે તીન લડકે અપને એક ભાઈકે સામને બંદુક ચલાતે હૈં વો ઉનસે સહા નહીં જાતા.’ પછી એક શેર લખે છે :

પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્ર પણ હતા;

કોણે કર્યો પ્રહાર મને કંઈ ખબર નથી.

એ પાછો પોતાને કહે છે, દોસ્ત સત્યા, મરને દો ઉનકો. અપન બાદશાહકો તો શાયરો પર રાજ્ય કરના હૈ, તુમ્હે મૈં અપના વડાપ્રધાન બનાઉંગા. હિંદુસ્તાન પાકિસ્તાન જબ લડલડકે થક જાયેં તબ મૈં શાયરીસ્તાન રચુંગા. જિસમેં લડે તો મગર દો લડે, એક મૈં ઔર દૂસરી મેરી અકલમંદ બીબી. તુઝે લડના હો તો યાર લડનેવાલી ઢૂંઢ લેના વરના મેરી રચી શાયરી ગાની પડેગી.

સત્યે પડખું બદલ્યું.

પોતાને અનિદ્રાનો રોગ તો નથી થયો ને! રમેશે પત્રમાં લખ્યું હતું, ખૂબ નિદ્રા લેજો. રાત્રે જો ઊંઘ ન આવે તો ખુલ્લી બારીમાંના અવકાશને એકટશ તાક્યા કરજો. અવકાશ જોવાથી અવકાશમય બની જવાય છે. શરત માત્ર એટલી કે અવકાશને પોતાના સમગ્રથી જોવાનો હોય છે. ઊંઘ એટલે જ કદાચ અવકાશમાં ભળી જવું. પોતાની ઉપસ્થિતિનો અખ્યાલ. સત્યને થયું જો એમ જ હોય તો ભલે પોતે આ રીતે યુગપર્યંત જાગૃતદશામાં રહે. જે સ્થિતિ પોતાની ઉપસ્થિતિને દબાવી દે, લુપ્ત કરી દે એવી સ્થિતિ જો નિદ્રાસ્થિતિ હોય તો અખંડ જાગૃતિ સારી.

સત્યે આંખ ખોલી. બળી.

કારખાનું બોલી ઊઠયું.

ટ્રેઈન કોક શહેરને લઈ આવી. અમદાવાદ આવ્યું તો નહીં હોય.

મામી બહુ ચોખ્ખી. ટી. બી.થી તો બાર ગાઉ ભાગે.

મામા કંઈ ઓછા નથી. આજ લગી એ પોતાને – સૌને ગાંધીજી જેવા દયાવાન લાગતા હતા. ભાણેજને ભણાવવાથી પુણ્ય પણ મળે અને બહેનની અનાર્થિકતા પોષાય. સમાજ જાણે મામાએ ભાણેજ ભણાવ્યો. સત્ય હસ્યો. ટી. બી. માં રાક્ષસત્વ છે, નહીં. એને બિઝનેસમેન બનાવવો છે મારે.’ પણ પોતે અપલક્ષણો નીકળ્યો. મામાનું કહ્યું માનવું જોઈએ.

સવાર પડયું.

નં. 9 રોજની જેમ સત્યની મચ્છરદાની ઊંચે ચડાવવા ગયો. જાગ્યો. એવો જ એ સત્યની સેવામાં લાગતો. પણ આજે તો મચ્છરદાની પડી હતી જ ક્યાં? સત્ય આઠ વાગવા છતાં ઊંઘે એથી એને આશ્ચર્ય થયું.

ઉઠાડયા વગર ‘છો ઊંઘે ત્યારે’ કહીને એ દાતણ ચાવતો ચાવતો વૉર્ડ બહાર નીકળી ગયો. નર્સ રિપોર્ટનાં પાટિયાં ખખડાવી ખખડાવીને સવારની ગોળીઓ દરેકના ઓશીકે મૂકી ગઈ ત્યારેય તે ન જાગ્યો. નલિની તાજાં ફૂલ વાળમાં ખોસીને ‘માછીડા રે હોડી હલકાર…’ ગાવા મંડી. તિવારી ગરમ ધાબડો ઓઢીને દાંતમાં બીડી દબાવતો જન્નુને ‘કૈસી રહી દોસ્ત?’ કહી ગયો. નં. 7નું વલુરવું પાછું આરંભાઈ ગયું. રાતની નર્સ સફેદ વસ્રોમાં અને નં. 7ને તાજાં ખીલેલાં ફૂલ જેવું સ્મિત આપતી ગઈ. નં. 7ને ખમીશ પહેરવું નથી ગમતું. આખો દિવસ બંડી પહેરી વૉર્ડના મુખીની પદવી શોભાવે. પડછંદ શરીર જેવો પડઘંદ અવાજ એ કાઢી શકતો અને નવા દર્દીને પોતાનો રાવણીઓ બનાવી દેતો. નવા દર્દીને હજૂરિયા બનાવવાની એની રીત અનોખી હતી, નવા દર્દીનો સગો બની જતો એ. લલિતા આગળ એનું ન ચાલ્યું. લલિતાએ પતિને દાતણ કરાવ્યું. ગોળીઓ ગળાવી. ભીના અંગૂઠાથી એનાં હાથમોં લૂછયાં. પછી વૉર્ડ બહાર ભીના વાળને સૂકવતી ઊભી. એણે જોયું હજીય સત્ય ઊંઘે છે. એકદમ પોતાની દૃષ્ટિ વાળી લીધી. સત્યને કોઈ સૂતેલો જુએ એ ગમતું નથી ને! પણ પોતે ક્યાં…છે. એણે પાછું જોઈ લીધું. સત્યને ઊંધા ઊંઘવાની ટેવ છે. રાતનું અજવાળું એમને પસંદ નથી, પણ અત્યારે તો સૂર્યપ્રકાશ છે. એ ઊંધા કેમ ઊંઘતા હશે, ચતા સૂનારને કોઈ જીવતો મનુષ્ય શું કલ્પતો હશે?…એમને અત્યારે બધાંય જોતાં હશે. નંદાડી મુઈ નફ્ફટ ત્યાં ઊભી છે! મોંમાં સાલ્લાનો છેડો દાબીને ખીખીઆરી કરે છે પાછી! સવારના પહોરમાં આમ સાથળ લગીના ઉઘાડા પગે એને રાંડને ટાઢશરમેય – ને એવાય પણ એમને સૂતેલા જુએ છે…લલિતા ઝટપટ વૉર્ડમાં દોડી ગઈ. ‘ઊઠો’ કહીને એણે સત્યના શરીર પરથી બનુસ ખેંચી લીધું. નં. 11ની નબળી આંખો મરદ થઈ ગઈ. સત્ય દાતણપાણી કરવા ગયો ત્યારે એણે લલિતાને પાઈની કરી નાખી. સૂર્ય ખાસ્સો ઊંચે ચડી ગયો હતો.