અહો બત કિમ્ આશ્ચર્યમ્/માનવીય એષણાઓ


માનવીય એષણાઓ

સુરેશ જોષી

માનવી હોવાનું ગૌરવ શી રીતે લોપ પામ્યું? કદાચ આપણા માનવ્યમાં જ એનાં કારણો રહ્યાં હશે? ડેનિશ ફિલસૂફ ક્યિર્કેગાર્દે કહ્યું છે કે આપણી આ દુનિયામાં માનવીને દુભાવાને કારણ ઘણાં છે. આ પૈકીનાં સાત કારણો એણે ગણાવ્યાં છે. એ કારણો આજે પણ એટલે જ અંશે મોજૂદ છે! નાની નાની સામાજિક સમસ્યાઓ કે વ્યક્તિના અંગત પ્રશ્નો કે અમુક પ્રાસંગિક ઘટનાઓ ઝાઝા મહત્ત્વનાં નથી. આજના કથાસાહિત્યમાં એના પર ઝાઝો ભાર મૂકવામાં આવતો નથી. માનવીની નિયતિની જ આખરે તો એમાં મીમાંસા હોય છે. જે નવલકથા એ કક્ષાએ પહોંચતી નથી તે મનોરંજન લેખે કદાચ સફળ નીવડે તોય એનો કશો પ્રભાવ વરતાતો નથી. નવલકથાનું ઉત્પાદન જથ્થાબંધ થાય છે એ સાચું, પણ નવલકથા પાસેથી આપણે વધુ આકરી અપેક્ષા રાખતા થયા છીએ. ફિલસૂફોના કરતાં હવે નવલકથાકારોનો પ્રભાવ વધારે વરતાય છે એમ પણ કહેવાવા લાગ્યું છે. આજના યુગના બે વિશિષ્ટ નવલકથાકારો આલ્બેર કેમ્યૂ અને ઝ્યાં પોલ સાર્ત્ર છે. એમના કથાસન્દર્ભમાંથી આપણા યુગ વિશેનું જે સત્ય ઉપસાવી આપવામાં આવ્યું છે તેનો ખૂબ પ્રભાવ પડ્યો.

તો માનવી દુભાય છે શા માટે? કેટલીક વાર દુભાઈને જ માનવી પોતાનું આગવાપણું પોતાની આગળ ને બીજા આગળ પ્રમાણિત કરી શકે છે. દોસ્તોએવ્સ્કીનું એક પાત્ર કહે છે, ‘સજ્જનો, તમે પોતે જ જાણો છો કે જો કોઈ કશા કારણ વિના દુભાઈ જાય, જાણીજોઈને દુભાવાનું વહોરી લે તો પછી એનો અન્ત ખરેખર દુભાઈ જવામાં જ આવે.’ યુદ્ધ પણ દુભાયેલા માણસે મચાવેલો ઉત્પાત જ છે ને? એક બાજુ આત્મઘાત ને બીજી બાજુ હત્યા, આ બંને દુભાવાનાં જ પરિણામ નથી? એષણાઓની અતૃપ્તિ એ દુભાવાનું સૌથી મોટું કારણ છે. આ એષણાઓને ધર્મથી મર્યાદિત કરવાના પ્રયત્નો થયા છે. એનું દમન સદાચારના અંગરૂપ પણ લેખવામાં આવ્યું છે. આમ છતાં, હતાશા જેવું વિસ્ફોટક બળ બીજું નથી. માનવી હોવાની સ્થિતિમાં જ આનું બીજ રહ્યું છે. એષણા અને એની તૃપ્તિ – આ સમીકરણ કદી સરખું બેસતું જ નથી. ધીમે ધીમે હતાશાનું ઝેર ઝમ્યા કરે છે. માનવીનો પુરુષાર્થ ગમે તેટલો વિસ્તરે, આખા બ્રહ્માણ્ડનો નાશ કરવા સુધી વિસ્તરે, તોય એષણાઓનો છેડો આવી ગયો એવું કહી શકાવાનું નથી. દરેક અતૃપ્ત એષણાથી માનવીનું અભિમાન છંછેડાય છે. આ અતૃપ્તિના મૂળ કારણરૂપ ક્યાંક અન્યાય રહ્યો છે એવું માનવીને લાગવા માંડે છે. અપરાધ અને શિક્ષાનાં પલ્લાં હંમેશાં સરખાં રાખી શકાતાં નથી. વર્તમાનનો પટ અત્યંત સાંકડો છે. આથી તૃપ્તિને ઘડીભર ભોગવવાની મોકળાશ મળે ન મળે તે પહેલાં તો એ ભૂતકાળની વસ્તુ બની જાય છે. બીજી અનેક એષણાઓ ભાવિની અપેક્ષારૂપે આપણી ક્ષિતિજે ડોકાવા લાગે છે. એકસરખી આ દોડધામનો માનવીને થાક લાગે છે. સંસ્કૃતિ ધીમે ધીમે વિરતિમાં ફેરવાતી જાય છે.

એષણાની અતૃપ્તિથી આવતી હતાશાને સમજવાને ઝાઝું ચિન્તન કરવું પડતું નથી. પણ એથી વધુ સૂક્ષ્મ પ્રકારનો અસન્તોષ આપણી આજુબાજુ પડેલા વિશૃંખલ વિશ્લિષ્ટ હકીકતના પુંજને કારણે આપણે અનુભવીએ છીએ. જ્યાં સુધી એ હકીકતમાં વ્યવસ્થા સ્થાપી શકતા નથી ત્યાં સુધી નરી અરાજકતાને કારણે આપણને બધું અર્થશૂન્ય લાગવા માંડે છે. આ અર્થશૂન્યતા પણ આપણને આપણી શક્તિ અને લાચારીનું ઉગ્ર ભાન કરાવે છે. આ પરિસ્થિતિમાંથી કોઈ માનવી છટકી શકે એમ નથી. પ્રકૃતિની ઉદાસીનતા, બાહ્યા વિશ્વની ઉદ્દણ્ડતા માનવીને દુભવે છે, એના અભિમાનને ઇજા કરે છે. બુદ્ધિ એનો ઉકેલ લાવી શકતી નથી. માનવીની ચેતના એને પહોંચી વળતી નથી. ધર્મ કે નીતિનાં કામચલાઉ આશ્વાસનો ઝાઝા ખપમાં આવતાં નથી. વિજ્ઞાન સમગ્ર અરાજકતાને આવરી લેવા જેટલું સમર્થ નથી, એનું ક્ષેત્ર હવે બદલાઈ ગયું છે. મનુષ્યની પોતાની આજુબાજુના પરિવેશને સમજીને એને વિશે વ્યવસ્થિત સ્વરૂપનું જ્ઞાન મેળવવાની સહજ વૃત્તિ અને એ જ્ઞાનપ્રાપ્તિનાં મર્યાદિત સાધનો – આ પાયાની અસંગતિ, એમાં રહેલું બેહૂદાપણું, આલ્બેર કામ્યૂની વિચારણામાં ને સર્જનાત્મક કૃતિઓમાં સામર્થ્યપૂર્વક નિરૂપાયું છે. કોઈ પરમ તત્ત્વ કે શૂન્યને સ્વીકારવાથી કદાચ આ પરિસ્થિતિમાંથી ઊગરી જઈ શકાય. પણ આજ સુધીના એવા પ્રયત્નો કારગત નીવડ્યા હોય એવું લાગતું નથી.

આ સિવાય આપણા જમાનામાં માનવી માનવીને કઠે એવી બીજી પરિસ્થિતિ ઊભી થઈ છે. માનવી માનવીને અળગો પાડે છે. એક જૂથ બીજા જૂથથી અળગું રહે છે. બંને એકબીજાને અવગણે છે. માનવીમાં રહેલી જન્મજાત અસમાનતાને કારણે આ કોઈ ને કોઈ રીતે અનિવાર્ય બની રહે છે. સમાનતા સ્થાપવાના એના પ્રયત્નો સફળ નીવડ્યા નથી. સમાનતા ને સહિષ્ણુતા ધર્મો પણ કેળવી શક્યા નથી. આ અસમાનતા એક પક્ષે દર્પમાં ને બીજે પક્ષે અવમાનનામાં પરિણમે છે. એમાંથી દ્વેષ જન્મે છે! સંચિત થયે જતો દ્વેષ હંસિક બનીને યુદ્ધ રૂપે ફાટી નીકળે છે. જડ બન્યા વિના સહિષ્ણુ બનવાની કળા હજી માનવીએ શીખવાની છે.

માનવીઓ સન્તોને સહી લેતા નથી. આપણાં ધોરણોથી ઊફરાં ચાલ્યાં જતાં માનવીઓ આપણને પોતીકાં લાગતાં નથી. માનવસહજ નિર્બળતા જ આપણું રક્ષાકવચ છે. જેઓ એને જ ફગાવી દઈને ખુલ્લે છોગે ફરે છે તેને આપણે સહી શકતા નથી. સન્તો આપણી અપૂર્ણતા સામે દર્પણ ધરીને ઊભા છે. માનવી એથી દુભાઈને છંછેડાઈ ઊઠે છે. સન્તોને ઝેર પાઈ દે છે કે ગોળીએ વીંધે છે.

માનવીને દુભાવાનું સૌથી મોટું કારણ તો છે મરણ. મરણ તો પશુને પણ છે, પણ માનવી મરણને ઓળખે છે. પશુને એની જાણ હોતી નથી. મરણ વડે માનવીને ન્યાય થાય છે એમ પણ માનવામાં આવે છે. મરણ કષ્ટદાયક હોય છે તેથી માણસ એનાથી દુભાતો નથી. કેટલીક વાર માનવી મરણથી બચવા માટે એથી વધુ કષ્ટ ભોગવતો હોય છે, પણ મરણ માનવીના જીવનને નર્યું અર્થશૂન્ય ને બેહૂદું બનાવી દે છે. જો મરણ નિશ્ચિત જ હોય તો પછી આપણે માટે આ બધી નાની નાની ચિન્તાઓ, ઉન્નતિ માટેના ઉધામા, સમાજ સ્થાપીને રહેવાની ખટપટ, રાજકારણના પેચીદા વ્યૂહ, ધર્મનાં આશ્વાસનો – આ બધાંનો શો અર્થ? મરણથી આ બધું હાસ્યાસ્પદ નથી બની જતું? મરણ ભલભલા સન્તોને મહાત્માઓને પણ કઠે છે. ઇસુના પણ અંતવેળાના ઉદ્ગાર આવા હતા : ‘સ્અ ર્ય્ગ, ુરઅ રચજા ાર્રે ર્કજિચંીહ સી?’

ઉત્કટ દુર્દાન્ત વૃત્તિઓ હોવી એ પણ દુભાવાનું એક કારણ છે, એ માનવવ્યવહારનું આખું ગણિત વ્યસ્ત કરી નાખે છે; એક છેડે માનવી પોતાના પરિવેશને સમજીને વ્યવસ્થા સ્થાપવા ઇચ્છે છે, શ્લિષ્ટ હકીકતોથી અકળાય છે તો બીજે છેડે એની જ દુર્દાન્ત વૃત્તિઓ તન્ત્ર અને વ્યવસ્થાને ભેદીને અરાજકતા આણી દે છે. આ વૃત્તિઓ કશું પારદર્શી રહેવા દેતી નથી. આપણું જ્ઞાન ધૂંધળું બને છે. પછી સત્ય અને ભ્રાન્તિ વચ્ચેનો વિવેક કરવાનું મુશ્કેલ બને છે. પણ બીજી બાજુથી આ જ દુર્દાન્ત વૃત્તિઓ અસાધારણ સર્જનમાં કારણભૂત બને છે. એનો પ્રેર્યો માનવી સાહસ કરે છે, એકી સાથે આઠદસ પગલાં આગળ ભરી દે છે. પણ એથી સમતુલા જળવાતી નથી. ઇતિહાસ અશુદ્ધ થઈ જાય છે ને એને થાળે પડતાં વાર લાગે છે. આને સામે પક્ષે, આની પ્રતિક્રિયારૂપે, લાગણીઓનો જ છેદ ઉડાવીને અમાનવીકરણ સિદ્ધ કરવાના પ્રયત્નો થાય છે. માનવી આમ અ-માનવી થવા, અ-માનવી લેખે જીવવા મથવા લાગ્યો છે. એની સર્જનાત્મક અભિવ્યક્તિઓમાં પણ એ વલણનું વર્ચસ્ આપણા જમાનામાં દેખાય છે. માનવી પોતાને પણ કેવળ એક પદાર્થની જેમ જોઈ શકવાનો હતો? વસ્તુલક્ષિતા અને આત્મલક્ષિતા વચ્ચેનો માર્ગ હજી માનવી શોધ્યા કરે છે.

છેલ્લે આવે છે શ્રદ્ધા. શ્રદ્ધાનું મૂલ્ય તરીકેનું સ્થાન ડગમગી ચૂક્યું છે. ધર્મ જે શ્રદ્ધા સ્વીકારવાનું કહે છે તે તો લગભગ અપ્રસ્તુત બની ગઈ છે. આપણે અહીં એ શ્રદ્ધાની વાત કરતા નથી. જેટલે અંશે ભવિષ્ય અજાણ્યું છે, આપણી ગોચરતાની બહાર છે તેટલે અંશે શ્રદ્ધા રાખવાનો પ્રશ્ન ઊભો તો થાય જ છે. ‘શ્રદ્ધા રાખવી’ એ પ્રયોગ કઠતો હોય તો ‘જોખમ ખેડવું’ એમ કહીએ. ગમે એવો ગણતરીબાજ વહેવારુ માણસ પણ થોડું જોખમ તો ખેડતો જ હોય છે. વળી હું કેવળ મારા જ અનુભવોમાંથી નિષ્પન્ન થતાં મૂલ્યોનો નિર્ણય લઈ શકું નહીં. એમ કરવા જતાં હું એમાંથી અળગો પડી જાઉં. પણ બીજાના અનુભવો સાથે મારે પરોક્ષ પણ પરિચય જ હોય છે. આથી એ અનુભવોમાંથી નિષ્પન્ન થતા નિર્ણયો મારે શ્રદ્ધાથી જ સ્વીકારવાના રહે. જ્યાં સુધી માનવવ્યવહારને હું સ્વીકારું છું ત્યાં સુધી આ શ્રદ્ધા વિના ચલાવી લેવાની ખુમારી રાખવી મને પરવડે એમ નથી. પણ જોઈએ તેથી વધુ માત્રાની શ્રદ્ધા મને પાંગળો બનાવે એ પણ હું સ્વીકારું છું. શ્રદ્ધા સ્વીકારવાની પાછળ સહીસલામતીને વળગી રહેવાની વૃત્તિ હોય છે એ તો ખરું, પણ એ શ્રદ્ધાને અનુસરવાની કોઈ મને ફરજ પાડે તો મારું અભિમાન તે સહીસલામતીને પણ ફગાવી દેવા તૈયાર થાય.

માનવી જે એકલવાયાપણું અનુભવે છે એનાં બે મુખ્ય કારણોમાં એક તો એને એના કાર્યથી ઘણે છેટે ફેંકી દેવામાં આવ્યો છે તે છે. એ કાર્યનું સમગ્રતયા આકલન કરીને એનાં સમ્ભવિત પરિણામોની જાણકારી મેળવી એનું એ નિયન્ત્રણ કરી શકે એવી પરિસ્થિતિ હવે રહી નથી. હિરોશીમા પર પ્રથમ અણુબોમ્બ ફેંકનાર વિમાની જો આકાશમાં ખૂબ ઊંચેથી બોમ્બ ન ફેંકતો હોત, નિશ્ચિહ્ન માનવીઓ અને એકાકાર ભૂખણ્ડને જ ન જોતો હોત, કેવળ બટન દબાવવાનું જ એનું કામ ન હોત તો કદાચ પોતાના કાર્યને એણે જુદી રીતે વિચાર્યું હોત… પણ આજનું રાજ્યતન્ત્ર માનવી અને માનવી વચ્ચે, માનવી અને સંસ્થા વચ્ચે, માનવી અને શાસક વચ્ચે, અનેક પ્રકારના સંકુલ અન્તરાયો, વ્યવસ્થા સ્થાપવાના નામે, ઊભા કર્યા વિના રહી શકતું નથી.

એકલવાયાપણાનું બીજું કારણ સમૂહ વડે થતો વ્યક્તિત્વનો લોપ. ક્યિર્કેગાર્દે કહ્યું હતું કે સત્ય વ્યક્તિને મુખે ઉચ્ચારાય ત્યાં સુધી સાચું. જ્યાં એ ટોળાને મોઢે ચઢ્યું કે ખલાસ! પછી એનો ઉચ્ચાર વિકૃત થવાનો જ. સત્યનું અવિકારીપણું જાળવવાને માનવી કેટલી રીતે મથે છે! ઇસુના વધસ્થાને પણ ‘તો સત્ય આખરે છે શું?’ એનો જ પડઘો ગાજે છે.

આ સત્ય સ્થપાઈ ચૂકેલું છે, સિદ્ધ વસ્તુ છે એમ જો માનીને ચાલીએ તો બધું પૂર્વનિર્ણીત છે એમ જ આપણે સ્વીકારવાનું રહે. એવું દૃષ્ટિબિન્દુ આજના માનવીય સન્દર્ભમાં ભાગ્યે જ વાજબી લેખાય. સત્ય નિષ્પન્ન થતું આવે છે, ને એ જે રીતે નિષ્પન્ન થતું આવે છે તે રીતિમાં ક્ષતિનો પણ ફાળો રહ્યો હોય છે. ક્ષતિ અને પૂતિર્ને એકસાથે આવરીને સત્ય રહ્યું હોય છે. એમાં વિરોધોનો છેદ ઉડાવી નથી દીધો હોતો, એ વિરોધ પણ સત્યની ધાતુમાં આત્મસાત્ થઈ ગયા હોય છે. સત્ય સિદ્ધ થવાની પ્રક્રિયાને માનવવ્યવહારની પ્રત્યક્ષતાના માધ્યમમાં જોવી ઘટે.

મારું સત્ય એ મારું ચારિત્ર્ય, પણ એ ચારિત્ર્ય સિદ્ધ થતું આવે છે. મારું આશ્રયસ્થાન, મારો વ્યવસાય, સમ્બન્ધો ને આ બધાંની વચ્ચે રહીને ચાલ્યા કરતી મારી જીવવાની સંકુલ પ્રક્રિયા ક્રમશ: મારું ચારિત્ર્ય સિદ્ધ કરે છે. મારા ચારિત્ર્યનું વર્ણન કરવું હોય તો આ પ્રંક્રિયાનું વર્ણન કરવાનું રહે. આથી જ તો અસ્તિત્વવાદી સર્જકો ઘડાઈ ચૂકેલાં ચારિત્ર્યલક્ષણોને નહિ પણ એ જે સન્દર્ભમાં સિદ્ધ થતાં આવે છે તે સન્દર્ભને મહત્ત્વ આપે છે. કાફકાએ અસ્તિત્વવાદની છાપ સ્વીકારીને લખ્યું નથી, એ તો એના આયુષ્ય પછીથી શક્ય બન્યું. તેમ છતાં ‘ધ કાસલ’માં કાફકા એના પાત્રને ક્ કહીને ઓળખાવે છે. એ મોજણીદાર છે, પણ એ વ્યવસાય એ આચરતો નથી, એ અનિકેતન જ છે. દુર્ગમાં સત્તાધીશ છે એવી લોકવાયકા જ એણે સાંભળી છે ને ત્યાંથી એ આદેશ મેળવવા મથે છે, એ આદેશ અનુસાર વર્તવાની એનામાં તત્પરતા છે, આમ છતાં એ દુર્ગનું વાસ્તવિક અસ્તિત્વ, ત્યાં પહોંચવાનો માર્ગ, ત્યાંના સત્તાધીશ કે એમના આદેશ – આ કશા પરત્વે એ નિશ્ચિત કશું જાણી શકતો નથી. આ આખી પરિસ્થિતિ કાફકાએ પોતાની આગવી રીતે, અચરજ પમાડે એવી સૂઝથી, વર્ણવી છે. આમાંથી એને કશું સ્પષ્ટ શબ્દોમાં તારવી આપવાનો લોભ નથી, પણ એનો ધ્વનિ આપણે કળી શકીએ છીએ. માનવસમ્બન્ધને આધાર આપનાર ભૂમિકા જ જાણે સરી ગઈ છે; માનવવ્યવહારના સંદર્ભથી અતીત એવું કોઈ પરાત્પર તત્ત્વ આપણું મૂલ્ય બની શકતું નથી.

આ પરિસ્થિતિની વિશદ સંવિત્તિ એ માનવી તરીકેનું આપણું પ્રથમ લક્ષણ છે. આથી જ દોસ્તોએવ્સ્કીનો ભોંયતળિયાનો આદમી બધું છેલ્લી હદ સુધી જઈને સમજી લેવા ઇચ્છે છે. ફિલસૂફોને એ સંભળાવી દે છે, ‘તમે જેને ડરના માર્યા અરધુંપરધું પણ જોઈ શક્યા નથી તેને મેં છેલ્લે સુધી પહોંચીને જોયું છે. તમે તમારી કાયરતાને સદા ઠાવકા ડહાપણ તરીકે ઓળખાવતા આવ્યા છો ને સુખાળવા તાકિર્ક બુટ્ટાઓથી તમારી જાતને સદા છેતરતા આવ્યા છો, પણ સત્ય એ છે કે તમારા કરતાં હું વધારે જીવતો છું.’ પણ એ વધારે જીવતા હોવું, એ જ શું પાપ નથી? દોસ્તોએવ્સ્કીની નવલકથા ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’માં જે અપરાધની વાત કરી છે તે આ વધારે પડતી સજીવતાનો જ અપરાધ નથી શું? આને કારણે થતો અનિવાર્ય વિષાદ જ માનવીના માનવ્યનું વ્યાવર્તક લક્ષણ જાણે બની રહ્યું છે. આ વિષાદમાંથી માનવી છટકી શકે ખરો? આ વિશે ક્યિર્કેગાર્દે કરેલું ચિન્તન સંભારવા જેવું છે. વિષાદની અનુભૂતિ પોતે જ વિષાદ ભોગવનારામાં ક્રાન્તિકારક ફેરફાર કદાચ લાવી દે, એવો કશોક ફેરફાર એને શ્રદ્ધાને માર્ગે વાળે, પણ જો એવો ફેરફાર ન થવા પામે તો એ અન્તર્મુખ બનીને પોતાના વિષાદની મોઢેમોઢ ઊભો રહે, એમ કરવાથી જ એ સબળ બને, કદાચ આ અન્તર્મુખ બનીને રહેવાની સ્થિતિને ભેદીને એ બહાર નીકળે, જીવનમાં ઝંપલાવે, મહાન કાર્યોની જટાજાળ ઊભી કરીને મનોવિનોદ કરવા મથીને અન્તે તો આ ઉધામાથી એ પોતાના વિષાદને વધુ સ્પષ્ટ રીતે જુએ. આમ કર્મ પોતે જ વિષાદથી બચીને રહેવા માટેનું છદ્મ છે તે સ્પષ્ટ થઈ જાય.

વિશદ સંવિત્તિની સાથે સંકળાયેલો આ વિષાદ એ કરુણનો સ્થાયી ભાવ છે. એ વિષાદનું ઉદ્દીપન ને આલમ્બન યોજવામાં સર્જકે ભારે સાવધાની રાખવી પડે. પરિસ્થિતિઓ પ્રતીકરૂપ બની રહેવી જોઈએ. પાત્ર જીવતું બને કે ‘રસ્તે ચાલતાં ભેટી જાય’ એવું ‘સાચું’ બને, એનો એના કાર્ય જોડે અસન્દિગ્ધ સમ્બન્ધ બાંધીને કર્તાક્રિયાપદને જોડી શકીએ – આ પૂરતું નથી. કદાચ આ રીતે ‘સાચું’ બનતું પાત્ર જ નર્યું ખોટું હોય છે. પાત્ર આપણું પ્રતિનિધિ છે એવો સન્તોષ એ રસાસ્વાદની કોઈ અનિવાર્ય શરત નથી.

તો પછી ‘વાર્તા’નું શું? વાર્તા બહેલાવીને કહેવાની આવડતનું શું? પાત્રનાં માનવલક્ષણોનું શું? વળી નવલકથાને જો માનવવ્યવહાર સાથે સમ્બન્ધ હોય એટલું સ્વીકારીએ તો એ વ્યવહારના નિરૂપણની વાસ્તવિકતાનું શું?

આપણા વિશ્વને જાણવાની આપણી અદમ્ય જિજ્ઞાસા અને એને માટેનાં આપણાં કરણોની મર્યાદા આ માનવીય પરિસ્થિતિની એક પાયાની અસંગતિ છે. આલ્બેર કેમ્યૂએ ‘મીથ ઓફ સિસિફસ’માં આ અસંગતિનું નિરૂપણ કર્યું છે, ને એની નવલકથાઓમાં વિશિષ્ટ કથાસન્દર્ભ યોજીને એને મૂર્ત પણ કરી બતાવી છે. બાહ્યા વિશ્વ અને આન્તરવિશ્વ વચ્ચેની objective dialectical unity હેગલે સ્વીકારી હતી. ક્યિર્કેગાર્દે આવી કશી એકતા સ્વીકારી નથી. એ આ વિશ્વોની એકતાનો છેદ ઉડાવી દે છે. એ અપારદર્શી અને અભેદ્ય એવી એકલતાની વચ્ચે પુરાઈને રહે છે. એની આ નિયતિ એણે સ્વીકારવી જ રહી. આની સ્વીકૃતિ એક વિશિષ્ટ પ્રકારનું ખમીર માગી લે છે. આ સ્વરૂપની માનવીની હદપારી, એથી થતો વિષાદ કશા સસ્તા સમાધાનથી દૂર થાય એવાં નથી. intersubjectivity નહિ, પણ intersubjectivity આપણે કેળવી શકીએ. આ ફિલસૂફીમાં એક પ્રકારનું મહત્ત્વનું પ્રસ્થાન બની રહ્યું. હાઇડેગર આ પરિસ્થિતિનું બયાન કરતાં ‘thrown into Being’ એવી સંજ્ઞા યોજે છે. પોતાના અસ્તિત્વની અંદર ફેંકાઈને રહેવાની આ સ્થિતિ, એવી જ સ્થિતિમાં રહેતા બીજાઓ જોડે શો સમ્બન્ધ બાંધવાની ભૂમિકા રચી શકે? ને જો સમ્બન્ધોના અંકોડા ન હોય તો ઇતિહાસ શેને આધારે ગૂંથી શકાય? આનાં બે પરિણામો કથાસાહિત્યમાં જોવામાં આવે છે. જેને આપણે કથાનો નાયક કહીએ છીએ તે પોતાની સંવેદનાઓ અને અનુભૂતિની અંદર જ સીમિત થઈને રહ્યો છે. કેમ્યૂની ‘ધ આઉટસાઇડર’નો નાયક એનાં સંવેદનોની સીમામાં જ રહીને અહેવાલ આપ્યે જાય છે. એ સંવેદનો કશી બુદ્ધિજન્ય વિભાવનાના સ્તર પર પહોંચે તે પહેલાં જ વર્ણવાતા હોય છે. આવી અપરોક્ષતાને કારણે જ એમાં એક વિલક્ષણ પ્રકારની નિષ્ઠા અને પ્રમાણભૂતતાનું તત્ત્વ પ્રવેશે છે. બીજું લક્ષણ એ જોવામાં આવે છે કે આ નાયકને પૂર્વઇતિહાસ હોતો નથી. એવા આ આગળપાછળના કશા સમ્બન્ધથી એ જોડાયેલો હોતો નથી.

8-2-67