અહો બત કિમ્ આશ્ચર્યમ્/વિસ્તાર જ વિહાર


વિસ્તાર જ વિહાર

સુરેશ જોષી

આ ઋતુમાં આકાશ અને પૃથ્વીનું પરિરમ્ભણ આપણામાં પણ હર્ષના રોમાંચ જગાડે છે. આકાશ આત્મીય બનીને પાસે સરી આવે છે. કપૂરના ઢગલા જેવાં વાદળો પવન સાથે દોડે છે. નદીઓ પારદર્શકતા ખોઈને મીંઢી બની છે, તળાવનાં હૃદય ઊંડાં બન્યાં છે. ઘેરાયેલા આકાશની પડછે વૃક્ષોની આકૃતિ ઊપસી આવે છે. કોઈ આવા વાતાવરણને મ્લાન કહે. મને એવું લાગતું નથી. એમાં એક પ્રકારની વિહ્વળતા છે, જે મધુર રીતે આપણને ક્ષુબ્ધ કરે છે. આપણી બધી પ્રાપ્તિને અપ્રાપ્તિનો પુટ આપ્યો હોય એવું લાગે છે. ધાન્યના ઊગેલા અંકુરો ખેતરને છેડે ઊભા રહીને જોઈએ તો આંખમાં હરિતવર્ણની અંજનશલાકા સ્નિગ્ધતાને આંજી દેતી હોય એવું લાગે છે.

આષાઢનો આ પહેલો દિવસ છે. પાવાગઢ પાસે જ છે, અને એના શિખરને વાદળો ભેટતાં પણ હશે, પણ તે અહીંથી દેખાય એમ નથી. પહેલાં તો આંગણામાં પારિજાત હતું, રાતરાણી હતી, હવે તો ઘરને આંગણું જ નથી, ઓટલો જ નથી. એને ‘ફલેટ’ કહે છે તે સાચું છે – બધું જ સપાટ! બધાં બારણાં વાસીને અળગાં બેસી રહે. નાનાં બાળકો તો સર્વવ્યાપી. એને કોઈ ઘર પારકું નહીં. પણ એય પ્રવેશી શકે નહીં. મોટેરાઓ તો પોતાના અળગાપણાને વિશિષ્ટતા ગણે, એના અહંકારની પોટલી બાંધીને સાચવ્યા કરે. માનવીના મુખને જોવાનો આનન્દ કેટલો બધો છે! કેવળ જોઈ રહેવાના સુખનો મને ખૂબ લોભ છે. પૃથ્વીનાં બધાં જ રૂપ ગમે છે. હૃદય રસથી છલકાતું હોય ત્યારે બધું આનન્દથી રસાઈ જાય છે. પણ હૃદયના કંજૂસ લોકોના શબ્દમાં સ્નિગ્ધતા નથી હોતી, કર્કશતા હોય છે. એઓ શબ્દો માપી જોખીને વાપરે છે. લાગણી હોવી એને એઓ કદાચ શાપ લેખતા હશે. બહુ મિતભાષી, નિયન્ત્રિત સજ્જનોને મળું છું ત્યારે પ્રાણ રૂંધાય છે. પણ શબ્દોનો અજસ્ર ધોધ વહેતો હોય તો એનો ખળખળ અવાજ સાંભળવો ગમે છે.

વિસ્તરવું એ પ્રાણનો સ્વભાવ છે. નદી દોડીને વિસ્તરે છે. પવન આકાશનો સ્પર્શ કરાવે છે. સમુદ્રનો સામો કાંઠો દેખાતો નથી, મેદાનના વિસ્તારમાં આંખ વિહાર કરીને સુખી થાય છે. કવિતામાં ભાષા વ્યવહારના મર્યાદિત સંકેતોમાંથી મુક્ત થઈને વિહાર કરે છે. વિસ્તાર હોય તો જ વિહાર થઈ શકે. આથી જ જેઓ બધું સંકોચીને કચ્છપવૃત્તિ ધરાવતા પોતે પોતાના દરમાં ભરાઈને જીવે છે તેમને હું સમજી શકતો નથી. સંકોચની પાછળ લઘુતાગ્રન્થિ રહી હશે, ભય પણ હશે જ. પણ એ એક વ્યાધિ છે. સંકોચને બદલે વિસ્તાર જ આપણે તો સાધવો જોઈએ.

કોઈકને મળીએ તો હૃદય મુક્તિ અનુભવે, વિહારનું સુખ મળે; પણ કોઈકની ઉપસ્થિતિમાં આપણી વાણી પણ રૂંધાઈ જાય છે, દૂર ભાગી જવાનું મન થાય છે. કેવળ ઔપચારિક વ્યવહાર પતાવીને નાસી છૂટીએ છીએ. કોઈ વાર એકાન્ત પણ ગમે છે. પણ તે પ્રાણ રૂંધી નાખે એવું સાંકડું નહીં હોવું જોઈએ. સીમાહીન એકાન્તથી હું ભયભીત થઈ નથી ઊઠતો. મેં જોયું છે કે નાના નાના સ્વાર્થ, વાસનાઓ, અલ્પ આકાંક્ષાઓ જ માનવીને સંકોચે છે, વામણો બનાવે છે. એ મોટા આસને બેઠો હોય તોય એની ક્ષુદ્રતાને સંતાડી શકતો નથી. જેનો આત્મા પરમાત્મા સ્વરૂપ હોય તે જ આત્મસ્થ આત્મપરાયણ, આત્મલીન બની શકે. સાર્ત્ર ગભરાઈ ઊઠીને કહે છે કે ઇતર તે જ આપણું નરક. જે ઇતર છે તેને આપણે ઓળખતા નથી, તેની સાથેના સમ્બન્ધની કોઈ ભૂમિકા સ્થાપી શકતા નથી, આપણે તો જે પર છે તેને જ પરમ ગણીએ છીએ, કારણ કે તેને નિમિત્તે જ આપણે આપણી સંકુચિતતાને ઉલ્લંઘી જઈ શકીએ છીએ. આથી જે પરાત્પર છે તે જ શ્રેષ્ઠ છે, જે પર છે તેને હૃદયની વિશાળતાથી આપણું આત્મીય બનાવીએ ત્યારે જ આપણને ચેન પડે.

14-7-72