અહો બત કિમ્ આશ્ચર્યમ્/હીરામઢ્યું અંધારું


હીરામઢ્યું અંધારું

સુરેશ જોષી

શરદ્ તો ગઈ, હેમન્ત પણ જશે અને હવે આવશે શિશિર, આ શિશિરના કવિ છે જીવનાનન્દ દાસ. આ આપણી ચિરપરિચિત પૃથ્વી કશીક પ્રાગૈતિહાસિક ધૂસરતાના આવરણમાં લપાઈ જશે. ઝગમગતાં નક્ષત્રો વચ્ચે ઘુવડની બે નિષ્પલક આંખો તગતગી ઊઠશે. અહીં પાંદડાં પર ઝિલાયેલું ઝાકળનું બિન્દુ એને ખોળે સૂર્યને ઘડીભર રમાડશે. પછી નિર્મમ ભાવે બધી લીલા સંકેલી લેશે. શિશિરનો સ્પર્શ અસ્થિને વીંધીને મજ્જા સુધી પહોંચશે. આ જન્મની નહીં એવી કશીક વેદના ધબકી ઊઠશે. બંધ બારીઓની તરાડમાંથી થોડીક વહેરાઈ ગયેલી ચાંદનીની સળીઓ મારી પથારી પર વેરાઈ જશે. કોકડું વળીને બેઠેલા પ્રહરો સહેજેય જાણે ખસવાનું નામ જ નહીં લે.

કરેણ હવે કંજૂસ બની ગઈ છે. હવે બે ત્રણ ફૂલોનાં લઘુક ઉચ્ચારણથી એ પોતાની વાત પતાવી દે છે. શિરીષ પણ બોલતાં બંધ થઈ ગયાં છે. ફૂલોનું મુખ જોઈને હું કંપી ઊઠું છું. કાંટાસેરિયાનું સોનું સૂર્યના સોના સાથે ભળીને પ્રકાશી ઊઠે છે. કાંટાસેરિયાનું મૂળ નામ કંટકશ્રી હશે એવું અનુમાન કરવાનું મન થાય છે.

બળતો માણસ બળતાં વસ્ત્રથી છૂટવા ઇચ્છે તેમ હું સ્મરણોથી છૂટવા ઇચ્છું છું. એથી જ તો કોઈ વાર આ આખીય પૃથ્વી સળગી ઊઠેલી લાગે છે. બધી જ નિરાશાઓ એમાં ભડભડ બળે છે. બોલતી વેળાએ બે શબ્દો વચ્ચે રાખનો ડુંગર થઈ જાય છે. એ રાખના ઢગલા વચ્ચે મારા શ્વાસ સાપની જેમ ફર્યા કરે છે. મારું આ નક્કર શરીર એ કેવળ તરંગ જેવું લાગે છે. એ રજરજ થઈને હવામાં ઊડે છે, અને છતાં પૂરેપૂરું લુપ્ત થતું નથી.

ક્યાંક ખેતરમાં ડાંગરની પાણીથી ભરેલી ક્યારીઓમાં થોડાંક વાદળો તરતાં હશે. ત્યાં ઊભો ઊભો કોઈ ધોળો મોર પોતાના જ પ્રતિબિમ્બને ચાંચ મારતો હશે. કાળા ગ્રેનાઇટના પથ્થરમાંથી કંડારેલાં સદીઓ જૂનાં મંદિરો જેવી ભેંસ પાસેની તળાવડીમાં પડી હશે. એમના પગ નીચેથી, એ જે ધોળાં વાદળ પર ઊભી છે તે વાદળો પરથી એક મોજું પસાર થઈ જાય છે. આથી તારાઓ પણ કાદવથી છંટાઈ જાય છે. પછી મોડી રાતે જળના મલિન મુખેથી આખું આકાશ જાકારો સાંભળીને પાછું વળે છે. એનો હાહાકાર મારા શ્વાસની વીથિકાઓમાં ગાજી ઊઠે છે. ધીમે ધીમે નિષ્પર્ણ થતા જતા લીમડાની શાખાઓ મોહેં-જો-દડોની કોઈક માટીની તખતી પરની પ્રાચીન લિપિમાં રેખાંકન જેવી લાગે છે, અને હું આજની આ સંસ્કૃતિની નીચે કેટલેય ઊંડે ઊતરી જાઉં છું. કોઈક અજાણી ભાષાનો કલરવ મને ઘેરી વળે છે. મારી સામે જે આંખોને મીટ માંડી રહેલી જોઉં છું તેમાંનું આકાશ સાવ જુદું જ આકાશ છે. જળનું યૌવન વધારે વાચાળ લાગે છે. પવન હજી તોતડું તોતડું બોલતો સંભળાય છે. પૃથ્વીના મુખ પર હજી પ્રસવની ધારનાં ચિહ્નો છે. સમય બરડ નથી બન્યો. એ સૃષ્ટિનો શ્વાસ ઉછીનો લઈને હું પાછા વળવાનો પ્રયત્ન કરું છું. અનેક રાત્રિનાં પશુઓનાં ધણની પગની ખરીમાંથી તણખા ઝરે છે.

માગશર મહિનાનું હીરામઢ્યું અંધારું બહાર વિસ્તર્યું છે. વૃક્ષો એની ડાળીઓથી એ અન્ધકારના અક્ષરોને જ આખી રાત ઘૂંટ્યા કરે છે. હવામાંથી બધો ભેજ શોષાઈ ગયો છે. બંધ કરેલી મૂઠીની જેમ કોકડું વળીને એક ચકલો મારા ઓરડામાં બેઠો છે. કેડસમાણાં નિદ્રાના કળણમાં ખૂંપીને સૅમ્યુઅલ બૅકૅટની પેલી નવલકથાના પાત્રની જેમ હું ચાલતો છતાં નથી ચાલતો. અન્ધકારમાં વીંઝાયેલા પવન સાથે અથડાઈને હું કદીક ભાનમાં આવું છું.

સામેના રસ્તા પરથી એકાદ બસ ખોડંગાતી જતી દેખાય છે. એની પાસેના ખ્રિસ્તી દેવળમાં ઇસુ ખ્રિસ્ત હાથમાંના ઘેટાના બચ્ચાને સહજ નીચે ઉતારે છે. એમના ખુલ્લા થયેલા હાથ વચ્ચે આજુબાજુની કબરમાંથી ઊભા થયેલા લેઝેરસો સમાઈ જાય છે, દેવળના છાપરા પરનો ક્રોસ કશાક અદૃશ્ય ભારથી ઝૂકી ગયો છે. પાસેની મસ્જિદમાંથી મુલ્લા વહેલી સવારની બાંગ પુકારે છે.

સામેના મકાનનાં છાપરાં પર તોફાનની આંગળીઓ ફરી વળે છે. હવામાં વીંઝેલા ચાબૂકના જેવો કડાકો થાય છે. વૃક્ષો કોઈ જુલમગાર આગળ ઝૂકીને કુરનિશ બજાવે છે. કમાટીબાગ આખો કોઈ દારૂડિયાની જેમ લથડિયાં ખાય છે. મ્યુઝિયમમાં આરસપહાણમાં કેદ થઈને સૂતેલું શિશુ સળવળે છે. વિશ્વામિત્રી પરનો પુલ પોતાના પગ વાળીને સહેજ વાર ઊભડક બેસવાનું વિચારે છે. બાગમાંનાં વાંસ આદિવાસીઓનું જૂથ નૃત્યમાં ડોલે તેમ ડોલી રહ્યા છે. રસોડામાં માંજીને ચકચકતાં કરેલાં વાસણો ધરતીકમ્પનો આંચકો લાગ્યો હોય તેમ સહેજ હાલી ઊઠે છે. મારા ટેબલ પરનાં પુસ્તકો પર તીડનાં ટોળાં ઊતર્યાં હોય એવું લાગે છે અને એકાએક સવાર ઊગે છે.

મોન્તાલેએ એની એક કવિતામાં નોંધ્યું છે કે કવિતા તો ઈશ્વર સુધી પહોંચવાની સોપાનપરમ્પરા છે. એવું કહીને એ તરત જ એકરાર કરે છે કે એની કવિતા વાંચનારને એવું લાગવાનો સંભવ નથી. મનેય વિચાર આવે છે કે જે ઈશ્વર સુધી પહોંચે તે ઈશ્વરને જેવો ને તેવો મૂકીને શા માટે પાછો આવે? ઈશ્વર તે કાંઈ બીજા માળ પછીનું કાતરિયું છે? વહેલી સવારે સામસામે છેડે આછો સૂર્ય અને ફિક્કો ચન્દ્ર દેખાતા હોય છે ત્યારે એ બેને જોડનારી કેડી દેખાય છે ખરી?

કોઈ વાર પવનનો સ્પર્શ થતાં મને આ જન્મે નહિ જોયેલો એવો કોઈ સમુદ્ર યાદ આવે છે. એની રેતીમાં અંકાયેલી ભરતીનાં ફીણની ઝૂલ નજર સામે દેખાય છે. પ્રાચીન કાળના કોઈ તન્તુવાદ્યની જેમ બજી ઊઠતાં તમામ વૃક્ષોને હું સાંભળું છું. ક્ષિતિજના પાત્રમાં છલકાતા નીલ આસવ જેવા એ સમુદ્રને હું જોવા ઝંખું છું.

વારજેનબર્ગ નામના એક ડચ કવિની કવિતા યાદ આવે છે : તમારા શહેરમાં કોઈ કવિ છે ખરો? એ શબ્દોને એકબીજા ઉપર કોઈ અંગકસરતનો ખેલ કરનારા છોકરાઓની જેમ ઊભા કરતો હોય, વૃક્ષોને બદલે પંક્તિઓને છેદતો હોય. દિવસ દરમિયાન કોઈને ખબર ન પડે એ રીતે સ્વચ્છન્દે ઉપજાવેલા નગરમાં પોતાનું કામ કરતો હોય – જો એવો કોઈ કવિ હોય તો એને કવિપદ આપશો નહીં; અરે કાંઈ પવિત્ર ગાયની હત્યા થોડી જ થઈ શકે? આથી હું ખાલી ટાઇપરાઇટર આગળ બેસીને બીજી બીડી બનાવું છું. બિયરનો એક વધુ જામ ઠાલવું છું. મારા પરસેવાથી ભીના પગની વાસને દૂર રાખું છું.

કોઈ રણપ્રદેશમાં થઈને લાંબી મુસાફરી કરી હોય તેમ મારા હોઠની ચામડી ઉતરડાઈ ગઈ છે, આંખની પાંપણો પર ધૂળના કણ છવાઈ ગયા છે, શ્વાસમાં તપેલ રેતીની ગરમી છે, પગમાં રેતીના ડુંગરો ખૂંદ્યાનો થાક છે. પણ જીભ પર ખજૂરની મીઠાશ છે. પવનનો ગુંજારવ મારા કાનમાં છે. આ બધું મનશ્ચક્ષુ સામે જોતો હું બેઠો હોઉં છું ત્યાં બારીની પાળ પર બેસીને એક કાબર કલબલે છે. દિવાસ્વપ્ન તૂટી જાય છે. આ શિશિરની ઉષ્માહીન સવારે મેદાનમાં લીલી લીલી પાણી છાંટવાની પાઇપોના સર્પોને લંબાઈને પડેલા જોઉં છું.

15-12-72