આંગણું અને પરસાળ/અનિષ્ટના ભારણ વચ્ચે વરદાન


એક અનિષ્ટના ભારણ વચ્ચે થોડાંક વરદાન

આખી દુનિયાનો માનવસમાજ અત્યારે એક અનિષ્ટના ભારણ નીચે છે, બલકે એના સકંજામાં છે. આમ તો માનવજગતને ઘણી મહામારીઓનો અનુભવ છે. પ્લેગ જેવા રોગોએ અનેક માણસોનો, ખૂબ નિર્દય રીતે, જુગુત્સાભર્યો વિનાશ કરેલો. પણ આ, કોરોના-વાયરસ-વ્યાધિ જાણે છૂપા વેશે છેતરતો હોય એવો આતંકી છે. એણે આપણને વ્યાપક સમાજમાંથી ખસેડીને કેવળ પરિવાર-સીમિત કરી દીધા છે. બચવાનો આ જ સૌથી કારગત ઉપાય છે. પૂરવેગે દોડતી દુનિયા સ્થગિત થઈ ગઈ છે... પુરાઈ ગઈ છે ભયાવહ પશુથી ડરીને પોતાની ગુફામાં. એટલે અત્યારે ક્યાંય ટોળાં નથી, સમુદાયો પણ નથી, મંડળીઓ પણ નથી. જાહેર પરિવહન-સાધનો અને ખાનગી વાહનો પણ નથી –બધું બંધ છે... –અને એથી ધૂમાડો પણ નથી, ધૂળ નથી, ઘોંઘાટો નથી. સ્થગિતતાની સાથે જ, ઉચાટની વચ્ચે શાંતિ આવી છે – એમ કહીએ કે એક પ્રશાન્તિ વ્યાપી ગઈ છ.ે પર્યાવરણ શુદ્ધ થતું ગયું છે. બધા જ પ્રકારનાં પ્ર-દૂષણો જાણે વિરામ લઈ રહ્યાં છે. એટલે નદીઓ ચોખ્ખી છે, આકાશ ચોખ્ખું છે – આકાશી જ્યોતિઓ વધુ ઉજ્જ્વળ લાગે છે. પ્રદૂષણનું અ-પારદર્શક આવરણ દૂર થતાં જ અદૃષ્ટ પર્વતો દૃષ્ટિગોચર થતા ગયા. ઘોંઘાટ ગયો એટલે પંખીરવ – લગભગ આખો દિવસ – સંભળાતા થયા. મનુષ્ય-સામ્રાજ્ય એકાન્તબદ્ધ અને સીમિત થતાં જ પ્રકૃતિનું સામ્રાજ્ય પ્રસરતું જણાય છે – અનુભવાય છે. પશુ-પંખીઓને, વૃક્ષો-પર્વતો-જળાશયોને પોતાની છિનવાયેલી સૃષ્ટિ પાછી મળી છે. શહેરી ઘરોમાં રહેલાં આપણાં સૌના ઇન્દ્રિયાનુભવો નરવા બન્યા છે. જોયેલાં ને કદી ન જોયેલાં સુંદર પંખીઓ હવે ઘર પાસેનાં વૃક્ષો પર, કંપાઉન્ડ વૉલની બેસણીઓ પર, નીચે આંગણામાં, અરે સરિયામ રસ્તાઓ પર જોવા મળે છે. એમના કંઠસ્વર – મનુષ્ય-વાહનોની ચિચિયારીઓ બંધ થતાં – વધુ સ્પષ્ટરૂપે, વધુ મધુર રૂપે સંભળાય છે. ઊંડા શ્વાસ લેવાનું મન થાય છે. ગરમીના દિવસોમાં પણ વાયુની લહર સહ્ય – અને સવારે-સાંજે શીતળ લાગે છે. વાયુનો આ સ્પર્શ તો અનુભવેલો જ નહીં! અનિષ્ટના ભારણ વચ્ચે આ મનોહર ઈષ્ટો એક ઊંડા આનંદનો અનુભવ આપે છે. ને તરત વિચાર આવે છે કે આપણે જ આ ઈષ્ટોનું ગળું દબાવી દીધેલું ને! વિકાસને નામે માનવજાત પ્રકૃતિ પર કેટલું મોટું દમન આચરતી ગઈ છે. ઔદ્યોગિક અને ટૅક્નોલૉજીકલ ‘હરણફાળ’ ને નામે – હરણની પાછળ ધસતાં જીવલેણ અનિષ્ટોને નજરઅંદાજ કરતાં રહ્યાં આપણે. એ શું અનિવાર્ય જ હતું? ધારો કે પાછા વળી શકાય કે ફરી શકાય એવું ન હતું, પણ એ કમનસીબ તો હતું. ‘હિંદસ્વરાજ’ના ગાંધીજી આપણને ક્યાંક અવ્યવહારુ, રૂઢિબદ્ધ લાગતા હતા. હવે આજે ફરીથી એમની ચેતવણીઓ સ્પષ્ટ અવાજે સંભળાય છે. આ રોગ-અનિષ્ટ છેવટે તો જશે. કોઈ અનિષ્ટ કાયમી હોતું નથી. પણ હવે નવાં મહેમાન થઈને આવેલાં પ્રકૃતિનાં આ મિષ્ટ ઈષ્ટો શું ફરી વિદાય લેશે? ફરી પાછાં આપણે એ જ બેફામ વેગે દોડીને પ્રદૂષણના આતંકીને જ ખુલ્લું મેદાન આપવાનાં? અત્યાર વરદાનરૂપે આવીને પ્રકૃતિએ આપણી સાન કંઈક ઠેકાણે આણી છે એ આપણી સમજમાં કોઈ મહત્ત્વનું પરિવર્તન લાવશે? આપણે બેફામ વેગને ખાળી શકીશું? ખાળવા ‘વિચારી’ શકીશું? કદાચ નવીનતર પેઢી – કિશોરવયનાંની ઉદીયમાન પેઢીના સંવેદન-વિચાર-જગતમાં કંઈક ઊગે તો ઊગે... એવું વિચારવું પણ ગમે છે. ઈષ્ટ અને અનિષ્ટ, અત્યારે તો આપણી સામે કંઈક નવાં રૂપો ધારણ કરીને દેખાઈ રહ્યાં છે...

૨૨.૪.૨૦૨૦