આંગણું અને પરસાળ/રસ્તા અને આપણે


રસ્તા અને આપણે

આપણે સૌ, હજારો વર્ષોથી, ભાષા સાથે ચાલતાંચાલતાં કેટલાકેટલા શબ્દોમાં હરતાંફરતાં રહ્યાં છીએ! ‘માર્ગ’માં અને વળી ‘મારગ’માં; વળી ‘પથ’માં વિસામો કર્યો ને પછી કેટલો ‘પંથ’ કાપ્યો! પછી ‘રસ્તા’ આવ્યા. આવ્યા તો ક્યાંથી? આપણા માર્ગમાં જ એમણે રસ્તા બનાવ્યા ને આપણને આપ્યા. ‘રાહ’ પણ ચીંધ્યો. પણ છેવટે તો આપણે રસ્તો સ્વીકાર્યો. એટલે હવે તો સૌથી વધુ વપરાશનો શબ્દ ‘રસ્તો’ છે; ને સૌથી વધારે વપરાશ પણ આપણે રસ્તાનો જ કરીએ છીએ ને? જુઓ ને, આ રસ્તો! આપણને એના મૂળ અર્થમાં – એના સીધાસાદા પહેલા અર્થમાં મુકામ કરવા જ દેતો નથી! કંઈ કેટલાય રસ્તા બતાવ્યા જ કરે છે! તમારા ધ્યેયના રસ્તે, વિકાસના રસ્તે ચાલો ત્યાં તો વળી સામે બે રસ્તા છે – આ લેવો કે પેલો લેવો? રમણભાઈ નીલકંઠ નામના આપણા વિદ્વાન નાટ્યકારે ‘રાઈનો પર્વત’ નામનું જે સરસ નાટક લખ્યું છે, એમાં, નીતિના રસ્તે ચાલનાર પેલો રાઈ પણ એકવાર તો વિકલ્પના ત્રિભેટે આવીને ઊભો રહે છે. પોતાની જાતને સંબોધીને એ કહે છે

બે રહ્યા તુજ સમીપ માર્ગ જ્યાં,
તું ગ્રહે ઉભયમાંથી એક ત્યાં.

પણ કોઈ એકની પસંદગી ક્યારેક કપરી હોય છે. ત્યાં જ કસોટી છે. બરાબર વિચારો ને સાચે રસ્તે પડો. ખરેખર રસ્તા કસોટી કરતા હોય છે. આ કરે જ છે ને કસોટી – વરસાદ પછીના આપણા રસ્તા! શહેરના મોટા, સરસ, સપાટ રસ્તા પણ ખાડા-ગાબડાંથી આપણને અને આપણાં વાહનોને નૃત્ય કરાવી દે છે. જીવસટોસટનો ખેલ છે આ રસ્તાઓ પરના પ્રવાસો. અને સુધરાઈવાળા જ્યારે એ ખાડા પૂરે છે ત્યારે વળી ટેકરા કરીને અથડાવે છે આપણને! એટલે નૃત્ય એનું એ જ. ‘ખાડે પડો’ ને પછી ઝટ ‘રસ્તે પડો’ – બંનેના અર્થ એક જ થાય છે અહીં તો! આપણા આવા રસ્તા જોઈને, વળી કોઈ અમેરિકા કે યુરપ જઈ આવેલાઓ શેખી કરવાના – અરે જુઓ તમે ત્યાંના રસ્તા! વિશાળ, ને દર્પણ જેવા લિસ્સા. પાણીના રેલાની જેમ તમારી કાર સરકે છે ત્યાં... અરે પણ ભલા માણસ, દર્પણ જેવો રસ્તો જોઈને જ બેસી રહેવાનું? અમેરિકામાં તમે રસ્તા જ જોઈ આવ્યા કે રસ્તાની આસપાસ પણ જોયું? બંને બાજુ ઘેરાં લીલાં જંગલો અને ક્યારેક રંગબેરંગી વૃક્ષો જ વૃક્ષો. ને વચ્ચે રસ્તો. રસ્તો તમને આવા સૌંદર્યલોકમાં ન ફેરવે તો એ આપણો રસ્તો નહીં. રસ્તે જતાંજતાં વળી આવાં સૌંદર્ય-સ્થાનોમાં આપણી આંખ કોઈ નવી કેડી કોતરી લે તો તમે હવે સાચા રસ્તે છો. લો, જોયું ને? આપણે કેડીને તો ભૂલી જ ગયા! વિકાસની વાત કરતા વિદ્વાનો એક રૂપકની મદદ લે છે. કહે છે : નાનકડી કેડી જોતજોતાંમાં રાજમાર્ગ બની ગઈ. પણ કેડીની માયા પણ કંઈ ઓછી છે? કેમકે એ કેડી આપણે કોરી છે – આપણે જાતે કેડીમાંથી રસ્તો કર્યો છે. તૈયાર રસ્તે તો સૌ ચાલે, પણ રસ્તો ન હોય ત્યાં પણ રસ્તો કાઢે એ ખરો શોધક, અને એ જ સાચો રસિક. એટલે જ ઉમાશંકર જોશીએ કહ્યું હશે ને કે ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી.’ આ કુંજો જોવા માટે કેડી જોઈએ. રસ્તા જો અસંખ્ય છે તો કેડી અનંત છે. તમારો પગ પૂરા વિશ્વાસથી આગળ જાય તો નવી કેડી પડે ને પછી અનુસારકો નવો ચીલો પાડે. આવા તો કેટકેટલા રસ્તા આપણા પગની છાપને ઝંખતા ઊભા હોય છે! આપણામાં ઇચ્છા અને સ્ફૂર્તિ જોઈએ. સૌંદર્યનો આનંદ પામવા અનેક રસ્તે ફરી વળેલાને વળી નવાનવા રસ્તાની અભિલાષા જાગે. કવિ ઉશનસ્ની કાવ્યપંક્તિ યાદ આવી જાય છે. કવિ કહે છે –

‘અરે કૈં કૈં રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા.’

નવેનવે રસ્તે આપણાં ચરણની મુદ્રા, એની છાપ અંકાય એ સંકલ્પ સાથે અહીં સ્હેજ પથનો વિસામો લઈએ ને?

૧૦.૧૧.૨૦૦૫