આંગણે ટહુકે કોયલ/એક અંધારી ઓરડી

૧૭. એક અંધારી ઓરડી

એક અંધારી ઓરડી રે, બીજી વેરણ રાત વાલા!
ત્રીજી ઝબૂકે વીજલડી રે, ચોથલા વરસે મેઘ વાલા!
કરસનજી કાગળ મોકલે રે, રાધાજી! રમવા આવ્ય વાલા!
આવું તો ભીંજાય ચૂંદડી રે, ના’વું તો તૂટે નેહ વાલા!
તમથી ભલાં ઓલ્યાં પંખીડાં રે, માળો મેલી નવ જાય વાલા!
પારેવડાં પગ ટૂકડાં રે, બેસંતાં બેલાડય વાલા!
હાલું હાલું હરિ કરી રિયા રે, હાલ્યાનો નહીં જોગ વાલા!
વાલમ વળાવા હું રે ગઈ’તી, ઉભી રહી વડલા હેઠ વાલા!
વડલો વરસે સાચે મોતીડે રે, એનો પરોવ્યો હાર વાલા!
આંસુડે ભીંજાઈ કાંચળી રે, ધ્રૂસકે તૂટ્યો હાર વાલા!
વાલ્યમ વળાવીને ઝાંપલે આવી, ઝાંપલો ઝાંખો ઝબ્બ વાલા!
વાલ્યમ વળાવીને શેરીએ આવી, શેરીએ સૂનકાર વાલા!
વાલ્યમ વળાવીને ઘરમાં આવી, ઘરડું ખાવા ધાય વાલા!
સાસુ કે’ વહુ પીળાં પડ્યાં રે, સસરો કે’ વહુને શા રોગ વાલા!
જેઠ કે’ વહુ કાં પીળાં પડ્યાં રે, જેઠાણી કે’ વહુ શાં દખ વાલા!
દેરીડો કે’ દખ હું જાણું રે, વાલ્યમના વિજોગ વાલા!

પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક કે સોશ્યલ મીડિયાનું જયારે અવતરણ ન્હોતું થયું ત્યારે મનોરંજન સાથે મેસેજ આપવા ઉપરાંત સમાજ સુધારણાનું કામ ફોકમીડિયા એટલે કે લોકમાધ્યમો કરતાં. દુહા, છંદ, ઉખાણાં, અર્થ નાખવા, બોધદાયી વાર્તાઓ, ભવાઈના વેશ, દેશીનાટકો, લોકસંગીત, લોકવાર્તા-આ બધું ફોક મટિરિયલ છે. આજનાં પ્રચલિત અને હાથવગાં મીડિયાને આપણાં પરંપરાગત લોકમાધ્યમો ગર્વભેર ત્રાડ પાડીને કહી શકે છે કે ‘રિશ્તેમેં હમ તુમ્હારે બાપ લગતે હૈ...!’ લોકમાધ્યમનું પોત ભલે મનોરંજન છે પણ એનું કર્તવ્ય તો સંદેશો, જીવનબોધ આપવાનું છે. આપણાં લોકગીતો જ જોઈ લો, ગમે ત્યાં, ગમે તેના કંઠે ગવાતાં હોય તો મજા આવી જાય ખરું ને? પણ એ માત્ર મજા માટે નથી, મજા લેતાં લેતાં આપણને મેસેજ મળી જાય એ જ તો એનો ઉદ્દેશ છે. પોતાની આધિ, વ્યાધિ, ઉપાધિથી મૂંઝાયેલા માનવને ઉપદેશ ગમે? ના, એને તો આનંદદાયી માધ્યમને ખોળે જ ખેલવું હોય છે એટલે જ લોકમાધ્યમો આનંદનું આભ વરસાવીને બોધનાં બીજ વાવી દે છે! ‘એક અંધારી ઓરડી રે...’ લોકગીતમાં જેનો પતિ પરદેશ જઈ રહ્યો હોય એવી વામાનો છાનો વિલાપ છે. રાધા-કાનનો ઉલ્લેખ ભલેને રહ્યો પણ આ લોકગીત જનસામાન્યના ઘરની ઘટનાને આલેખે છે. પોતાનો પુરૂષ લાંબો સમય બહાર રહેવાનો હોય એ કઈ પત્નીને ગમે? છતાં નોકરી-ચાકરી માટે પુરુષને ઘરથી દૂર રહેવું જરૂરી બની જતું હોય છે એટલે બન્ને પક્ષે વિરહની વેદના છલકતી રહે છે પણ કઠોર કાળજાનો પુરૂષ હૈયામાં સંઘરી રાખે ને જૂઈનાં ફૂલ જેવી નાજુક નારી વ્યક્ત કરીદે જે લોકગીત, લોકવાત બની જાય છે. ધોધમાર જળ વરસાવતી મેઘલી રાતે વીજળી ઝબુકે છે એવામાં પતિને પોતાનાથી દૂર જવાનું થયું, જવું અનિવાર્ય છે એટલે આજની અને હવે પછીની દરેક રાત વેરણ બની રહેશે. પતિ કહે, થોડે સુધી તું પણ આવ, સ્ત્રી અવઢવમાં છે, વરસતા વરસાદે કેમ જવું? ન જાય તોય દુઃખ થાય. પોતાનો અણગમો વ્યક્ત કરવા પત્નીએ કહ્યું કે તમારા કરતાં પંખીડાં વધુ સારાં, માળો છોડીને, પરિવારને છોડીને દૂર નથી જતાં! અરે પારેવાં તો હંમેશા જોડીમાં જ રહે છે. પત્નીએ મેણાં માર્યાં છતાં પુરૂષ તો ગયો, પોતે વળાવવા ગઈ. વડલા તળે ઉભી પણ વડલો મોતીડે વરસ્યો એવું લોકગીત કહે છે પણ અહીં વડલો તો માત્ર પ્રતીક છે, નાયિકાની આંખો મોતી જેવાં આંસુ વરસાવતી હતી! પિયુને વળાવીને આવી તો ઝાંપો, શેરી, ઘર બધું જ જાણે કે ખાવા ધસે છે. પોતાના ચહેરા પરથી નૂર ઉડી ગયું એટલે પરિવારના સભ્યોને પણ ચિંતા થઇ કે વહુને બીમારી લાગુ પડી કે શું? પણ દિયર સમજી ગયો કે ભાભીને વિયોગની વેદના સતાવે છે.