આંગણે ટહુકે કોયલ/બાર વરસની ગણગારી

૪૮. બાર વરસની ગણગારી


બાર વરસની ગણગારી ગૂજરી,
સવા વરસનો પરણ્યો, રે હવે કેમ રે’વાશે!
દળવા બેસું તો પીટ્યો બાજરો રે માગે,
પાટલી એક એને મારું, હૈયામાં વાગે
રે હવે કેમ રે’વાશે!
પાણીડાં જાઉં તો પીટ્યો છેડે વળગ્યો આવે,
છેડો મેલે ઢોર મારી નાખે
રે હવે કેમ રે’વાશે!
રોટલા ઘડું તો પીટ્યો ચાનકી રે માગે,
તાવિથો એક એને મારું
રે હવે હૈયામાં વાગે.
ધાન ખાંડું તો પીટ્યો ઢોકળું રે માગે,
વેલણું એક એને મારું
રે હવે હૈયામાં વાગે.

સ્ત્રી સહનશીલતાની મૂર્તિ છે, શક્ય હોય ત્યાં સુધી સહે પણ જયારે એનું સ્ત્રીત્વ ઘવાય ત્યારે એ છંછેડાયેલી ગીરની સિંહણ બની જાય એ પણ એટલું જ સાચું છે. એ મેણાં, માર ખાઈ લેતી, અડધો-પડધો રોટલો ખાઈને પણ પરોઢથી માંડી મધરાત સુધી ઘરકામ કરતી. પિયરમાં ન જવાદે તોય બે આંસુડાં સારીને મૌન રહેતી. એ અભિમાની ન્હોતી પણ સ્વાભિમાની જરૂર હતી જયારે પોતાના માહ્યલા પર ઘાવ પડે ત્યારે એ બધાં બંધનો ફગાવીને બંડ પોકારતી! ગૂર્જરગામિનીઓએ લોકગીતોમાં બંડ પોકાર્યાના દાખલા છે જ. લોકગીત લોકસમાજનો આયનો છે એટલે સમાજનો ડાઘવાળો કે કદરૂપો ચહેરો પણ એમાં પ્રતિબિંબિત થયા વિના રહે જ નહિ ભલેને આપણા નાકનું ટીંચકું ચડી જાય, અરિસાનો સ્વભાવ જેવું હોય એવું બતાવવાનો છે. સારું હોય એની પ્રશંસા કરવી ને બૂરું હોય એની ટીકા કરવી એ લોકનું લક્ષણ છે. લોકસમાજમાં વ્યાપેલી બદીઓ, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ-વગેરે સમયાંતરે લોકગીતોમાં ઉજાગર થતાં જ રહ્યા છે. લોકનો રાજીપો જેમ લોકગીતોમાં વ્યક્ત થયો છે એમ એની નારાજગી પણ એમાં ઉભરાઈ છે. ‘બાર વરસની ગણગારી ગૂજરી...’ ગુણીયલ ગુજરાતી કન્યાનું વિપ્લવગીત છે! એક તો બાળલગ્ન ને એય વળી સવા વરસના વર સાથે...! બે બે ઘાવ ઝીલનારી આ બાલિકાએ જગતના ચોકમાં યક્ષપ્રશ્ન પૂછ્યો કે તમે સૌ સમાજના મોભીઓ મને જવાબ આપો કે મારાથી સાસરિયે કેમ રહેવાય? બાળલગ્ન જે તે સમયે પરંપરા હતી પણ સામેનું પાત્ર પણ સમાનવયનું તો હોવું જોઈએ;અહીં તો માત્ર સવા વર્ષનું અણસમજુ બાળક એનો વર છે! કન્યા વર પ્રત્યેની પોતાની ભારોભાર નારાજગી વ્યક્ત કરવા એની સાથે અમાનુષી વર્તાવ કરે છે. પોતે ઘંટીએ દળવા બેસે ત્યારે બાળવર ખાવા માટે બાજરો માગે છે તો પોતે પાટલી મારે છે, પાણી ભરવા જાય ત્યારે સાડીનો છેડો પકડીને સાથેસાથે આવે છે પોતે ખૂબ શરમાય છે પણ જો છેડો મુકાવી દે તો બજારમાં ક્યાંક ઢોરઢાંખર એને હડફેટે લઈને મારી નાખે તો? રોટલા ઘડવા બેસે ત્યારે ચાનકી માગે, અનાજ ઓઘાવે-ખાંડે ત્યારે ઢોકળું માગે-આમ દરેક વખતે પોતે વરને આકરી સજા કરે છે પણ અંતે પોતે જ કબૂલે છે કે હું આવી સજા કરું છું પણ મને પેટમાં બળે છે, હૈયામાં ઠેસ વાગે છે. દુર્વ્યવહાર કર્યા પછી પણ અફસોસ એટલે થાય છે કે ભારતીય ભાર્યાને મન ભરથાર જ સર્વસ્વ હોય છે. દીકરીને દૂધ પીતી કરવી, વિધવાએ પુન: લગ્ન ન કરવાં, પતિના મૃત્યુ બાદ પત્નીએ સતી થવું આવા ઘાતક રિવાજોએ સ્ત્રીઓને કેટલીય સદી પાછળ ધકેલી દીધી. આજેય એની અસર વર્તાય છે. ખોટે પાટે ચડેલી પરંપરાઓ, કુરિવાજો, દેખાદેખી, આમ કરશું તો બીજા શું માનશે? આમ નહિ કરીએ તો સમાજ કેવું વિચારશે? આપણે એકલા પડી જઈશું-જેવી વિચારધારાને કારણે સમાજને ખૂબ નુકસાન થયું છે ને હજુ પણ થઇ રહ્યું છે ત્યારે લોકગીત પ્રત્યક્ષ કે પરોક્ષરીતે સમાજ સુધારણાનું કામ કરતાં આવ્યાં છે.