આચમની/૧૦

૧૦

વસંતની હવા ફરકી. આંબે મોર આવ્યા. મંજરીની મીઠી માદક સુગંધથી સમસ્ત વાતાવરણ મહેકી ઊઠ્યું. ભમરીઓ અને ભમરાઓ ગુંજાર કરવા લાગ્યાં. આંબાની ડાળીએ ડાળીએ મંજરીના ગુચ્છોનો ફુવારો ઊછળી ઊઠ્યો. આંબાની બાજુમાં જ રહેલા ઊંચા તાડની તપસ્યામાં જાણે વિઘ્ન આવી પડ્યું. તેનો સમાધિ-ભંગ થયો. જરા વ્યાકુળ નેત્રોથી જોયું તો આંબો મંજરીના વૈભવથી ઝૂલી રહ્યો હતો. તાડે કહ્યું : ‘અલ્યા આંબા શેઠ, તમે સંસારી લોકો માયામાં જ અટવાયા કરશો? આ મંજરીને લીધે મધુ-લોભી ભમરા તને ઘેરી વળે છે, શાંતિનો ભંગ કરે છે. અને મંજરી પણ કેટલા દિવસ? આવી ક્ષુદ્ર અને ક્ષણભંગુર આસક્તિનો ત્યાગ કર. મારી જેમ ઊર્ધ્વગામી થા. આમ પથારો કરી પહોળો થઈ શું બેઠો છે?’ તાડના દુર્વાસા સમા ક્રોધથી જરાયે વિચલિત થયા વિના આંબાએ કહ્યું : ‘તપસ્વી મહારાજ, શું કરીએ? અમારા જેવા સંસારીનું સુખ તો કોઈને ફળ આપવામાં અને કોઈને છાયા ઢાળવામાં જ છે. ઊર્ધ્વની વાત ભલા, અમે શું સમજીએ?’ થોડા દિવસમાં મંજરીઓ ખરી ગઈ. અને નાની ટચૂકડી કેરીઓ વિસ્મયથી જગતને નિહાળતી બહાર આવી. વળી તાડે તાડૂકીને આંબાને કહ્યું : ‘અરેરે… આંબાશેઠ, મંજરી માંડ ગઈ ત્યાં આ તારાં કચ્ચાં-બચ્ચાં આવ્યાં. આવી પળોજણ જ તને માયામાં પૂરી રાખે છે. હવે ભમરા ગયા ને પોપટ, કોયલ આવશે. તારા જેવા જીવના નસીબમાં શાંતિ ક્યાંથી?’ આંબાએ જવાબ ન આપ્યો. કાચી કેરીઓ પક્ષી ઠોલે, છોકરાં પથરા મારી કેરી પાડે અને અંતે પાકી કેરી ઉતારી લેવા માટે પણ માણસો આંબાને ઝંઝેડે ત્યારે પણ તાડ ઉપદેશ આપતો જ રહ્યો. કહે : ‘આંબા, જ્ઞાનવાન થા. મારી જેમ ઊંચો વધ. એકાકી બની જા. મારી છાલ જો તપસ્યાથી કેવી કઠિન છે ! એમ પોચટતા છોડી પ્રબળ બન, આંબાશેઠ !’ ત્યાં એક દિવસ એક માણસ તાડ પર ચડ્યો, તાડને છેદવા લાગ્યો અને છેદમાંથી તેનો રસ ટપકે તે ઝીલવા નીચે માટલું બાંધી ચાલતો થયો. તાડને ઘણી પીડા થઈ. પેલું માટલું ધીરે ધીરે ભરાવા લાગ્યું. તપસ્વીને ઉદાસ જોઈ આંબાએ કહ્યું: ‘મહારાજ, આપની ટટ્ટાર ને કઠિન કાયામાં જ રસ પૂરી રાખ્યો ન હોત તો? મારા રસની વાત જવા દો, એ તો ચૂસી ચૂસી ભૂખ્યા જન પેટ ભરશે. પણ આપના રસમાંથી તો દારૂ બનાવીને ભાન ભૂલી જશે. મહારાજ, જરા નીચા નમીને જોયું હોત તો ! રસ રેલાવ્યો હોત તો !’ તાડ પાસે જવાબ નહોતો. આંબો ભારમુક્ત બની ડાળીઓ ઝુલાવતો હતો. તાડના ઊંચા ને એકમાત્ર થડમાંથી ટપક ટપક થતું તેનું હીર ઠલવાઈ જતું હતું.

***