આચમની/૪૧

૪૧

જીવનમાં નિષ્ફળતા મળે, નિંદા થાય તેથી ગભરાઈ જવાની જરૂર નથી, કારણ કે આવા ઉપદ્રવો તો હિંમતથી અને સાબૂત જિગરથી જીતી શકાય છે. એવી જ રીતે માનસન્માન મળે, પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા વધે એ ભયસ્થાનોને પણ જીતી શકાય છે. માણસ જાગૃત રહે તો માનહાનિ અને ખુશામતને ધૂળનાં ઢેફાંની જેમ ફગાવી શકે છે. ખરું ચેતવાનું સ્થાન તો છે માણસ મટીને ભગવાન બની જવાનું કે અવતારી પુરુષની ગાદી પર બિરાજી શિષ્યો, અનુયાયીઓ, ભક્તોનાં ટોળાં જમાવવાનું. આમાં બન્ને પક્ષે ખોટ ખાવાનું છે. કોઈ સારા અને સાચા સાધકને અતીન્દ્રિય અનુભવો થાય, અલૌકિક શક્તિ મળે અને તરત તે પોતાની જાતને સામાન્ય માનવથી જુદો માનતો થઈ જાય છે. તેની આસપાસ આવી શક્તિથી અંજાઈ જતાં સમુદાય એકઠો થાય છે અને રજ માત્ર દિવ્યતાનો આભાસ હોય તે ગજ જેટલી ભારેખમ રાજસવારી બની જાય છે અને આ મહાવિભૂતિનાં બજારમાં પડઘમ વાગવા માંડે છે. સંતોએ આની સામે વારંવાર ચેતવણી આપી છે. સાધનાને માર્ગે આગળ વધતા માણસે જાણી લેવું રહ્યું કે અનંત ચેતનાની પાસે કોઈ પણ વ્યક્તિ મર્યાદિત જ રહેવાની અનંતના વૃક્ષ પર અનેક અવતારો નાનકડાં ફળની જેમ લટકે છે. સાધનાની પરિપક્વતા સંયમની પાળથી જ સાધી શકાય છે. એકનાથે કહ્યું છે :

અલૌકિક ન હોવાવે લોકા પ્રતિ, અંતહી શાશ્વતી ઓળખાવે.
જના માઝી વાર્તાવે જના સારીખે, અલૌકિક ન હોવાવે લોકા પ્રતિ.

લોકોમાં પોતે અલૌકિક છે એવું ન બતાવે. નાશવંત દેહને બદલે સહુમાં જે શાશ્વત ચૈતન્ય છે તેની ઓળખાણ કરાવે. સામાન્ય જન વચ્ચે સામાન્ય રહી વર્તે અને અલૌકિકતાનું પ્રદર્શન ન કરે ! આપણા ધૂળિયા સંતોએ પણ કહ્યું છે :

ઢકે ઢકે ને ઢકે કુંભાર નીંભાણે જી
બાફ નકરંધી બાયરે, તે ઠામ પકંતે કી?

કુંભાર જેમ માટલાંને પકવવા નિભાડાને ચારેકોરથી છાંદી અંદર આગ પેટાવે છે એવી જ રીતે તારી સાધનાને ઢાંકી રાખ. અંદરની ગરમી બહાર નીકળી જશે તો ઠામ પાકશે શી રીતે? અને અત્યંત ટૂંકમાં સચોટ સલાહ :

ઢક પરદા રાખ બાજી
ગુરુ ગોરખ દોનોં રાજી

પોતાની સિદ્ધિઓને જે ઢાંકી જાણે છે એ જ પરમ પ્રકાશને પામવા અધિકારી બને છે.

***