આત્માની માતૃભાષા/1
ધીરુ પરીખ
ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો!
શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટો
ગજાવતો ચેતનમંત્ર આવતો!
પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી
ધપે ધરા નિત્યપ્રવાસપંથે;
ઝૂમી રહી પાછળ અંધકારની
તૂટી પડે ભેખડ અર્ધ અંગે.
વિરાટ ખોલી નિજ તેજઆંખ
કલ્યાણનો મંગલ પંથ દાખવે;
એ તેજ પીને નિજ સૃષ્ટિ ખીલતી
જોતી ઘડી, એ વધતી ઉમંગે.
અંગે લગાવ્યા હિમલેપ શીળા,
જ્વાલામુખી કિન્તુ ઉરે જ્વલંત!
મૈયા તણે અંતર શું હશે પીડા?
કે સૃષ્ટિચિંતા ઉરમાં અનંત?
વિશ્રામ કાજે વિરમે નહીં જરા
અકથ્ય દુ:ખે અકળાય હૈડે!
ઉચ્છ્વાસથી વાદળગોટ ઊડે,
ને દૂર ફેલે જલનીલ અંચળા!
ભમે ભમે દુ:ખતપી વસુંધરા!
ડગો ભરે તેજપથે અધીરાં!
એ તોય પૂરા ન થયા પ્રકાશ!
અંધારમાં આથડી ભૂતસૃષ્ટિ!
આ રક્તરંગી પશુપંખીપ્રાણી
પુકારતાં સૌ નખદંતનાશ.
ને લોહી પીને ઊછરેલ ઘેલી
આ લાડીલી માનવતા ધરાની
ઇતિહાસની ભુલભુલામણીઓ
રચે, અને કૈં જગવે લડાઈઓ.
ભોળી સ્વહસ્તે નિજ અંગ ચીરે
ને ભીંજતી આત્મ તણાં રુધિરે.
જળ્યાં કરે ચોદિશ કોટિ ક્લેશ!
શમે ન એ આગ અબૂઝલેશ!
કો સિંચતા જીવનવારિ સંત,
તોયે રહે પાવક એ ધગંત!
પેગામ દૈવી પયગંબરો વદ્યા,
શમી ન એ ભીષણ વિશ્વવેદના!
ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો!
યુગો તણી કૈંક પડી કતાર
આવે ધ્વનિ એહની આરપાર:
‘તું પાપ સાથે નવ પાપી મારતો!’
એ મંત્ર ઝીલ્યો જગને કિનારે
ઊભેલ યોગીપુરુષે અનેકે,
આરણ્યકોએ, ઋષિમંડલોએ;
સુણેલ બુદ્ધે, ઈશુએ, મહાવીરે.
ન તોય નિદ્રાજડ લોક જાગ્યાં
ડૂબી ગયો મંત્ર અનંતતામાં!
એ આજ પાછો ધ્વનિ સ્પષ્ટ ગાજતો
આ યુદ્ધથાક્યા જગને કિનારે.
ગાંધી તણે કાન પડ્યો, ઉરે સર્યો,
ને ત્યાં થકી વિશ્વ વિશાળ વિસ્તર્યો.
યુગોયુગોની તપસાધના ફળી!
જરી મહા અંતરવેદના શમી!!
માસે માસે, અભિનવ હાસે,
ઊગે બીજકલા;
યુગે યુગે પયગંબર જાગે
ભાંગે જગશૃંખલા.
૧૯૩૦ના ગાળામાં ઉમાશંકર વીરમગામ છાવણીમાં સત્યાગ્રહી સૈનિક તરીકે સક્રિય હતા. તેમનું વય ત્યારે ૧૯નું. મહાત્મા ગાંધીની અસહકારયુક્ત અહિંસક સ્વાતંત્ર્ય ચળવળ ત્યારે મધ્યાહ્ને હતી. ત્યારે ગાંધીસ્થાપી ગૂજરાત વિદ્યાપીઠમાં તેઓ છએક માસ રહ્યા હતા. ત્યારે ત્યાં તેઓ ખાદીકામની પ્રવૃત્તિમાં આનંદ લેતા. ‘વિશ્વશાંતિ’ જેવું એમનું પ્રથમ યશોદાયી કાવ્ય રચાયું આ ગાળામાં. ૧૯૩૦માં સત્યાગ્રહની લડત વખતે જે જેલવાસ ભોગવ્યો તે ગાળામાં આ ખંડકાવ્યનાં વિચારબીજ રોપાયાં હતાં. તેઓએ લખ્યું છે: “જીવનનું નિયામક તત્ત્વ પશુબળ નહીં પણ પ્રેમ છે, અને તેનાથી જ વિશ્વમાં શાંતિ સ્થપાશે… જેલમાં એ શ્રદ્ધા ચિંતનના સિંચનથી ફાલી. ત્યાં સૂઝેલું વિશ્વશાંતિ પરનું એક નાટક બહાર આવીને અર્ધું લખ્યા પછી પૂરું કરવાના વિચારમાં હતો ત્યાં આ (‘વિશ્વશાંતિ’) કાવ્ય લખવાનું સૂઝ્યું… સવારે સૌ વહેલા ઊઠે. વિદ્યાપીઠની લાંબી અગાશીમાં આંટા મારતાં એનાં ખંડકો મનમાં ઘાટ લેતા. પછી આખો વખત એ જ મનમાં ઘોળાયા કરે. દિવસભર છ કલાક ખાદીકામ કરતાં સંખ્યાબંધ પંક્તિઓ હું ઉતારી લેતો. રોજની પચાસથી સો જેટલી. છઠ્ઠા ભાગની પંદર પંક્તિઓ થોડા દિવસ પછી લખાયેલી. તે સિવાયનું આખું ‘વિશ્વશાંતિ’ પાંચ દિવસની સરજત છે” આ છે ઉમાશંકરની પોતાના ખંડકાવ્ય ‘વિશ્વશાંતિ’ વિશેની કેફિયત. તો આટલી પ્રસ્તાવના આ ખંડકાવ્યના પહેલા ખંડ ‘મંગલ શબ્દ’નું રસપાન કરવા માટે પર્યાપ્ત છે. કાવ્યનો ઉપાડ આ પ્રમાણે છે:
‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો!
શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટો
ગજાવતો ચેતનમંત્ર આવતો!’
આ માંગલ્યની ભાવના સનાતન અને સાર્વત્રિક છે તે અહીં આરંભે ‘શતાબ્દીઓ’ પદના નિર્દેશથી પામી શકાય છે. માનવ-માનવ વચ્ચે ચિરશાંતિનો માર્ગ તે માંગલ્યનો માર્ગ છે. આ માર્ગ પ્રકાશમય ગતિનો અથવા પ્રકાશ તરફની ગતિનો છે. સૂર્યોદય માટે કવિ એક પ્રભાવક અને ભવ્ય કલ્પનામય પંક્તિ રચે છે: ‘વિરાટ ખોલી નિજ તેજઆંખ’ આ સૂર્યરૂપી વિરાટની તેજસ્વી આંખ શું દાખવે છે? કવિ તરત જ બીજી પંક્તિમાં કહે છે: ‘કલ્યાણનો મંગલ પંથ દાખવે.’ આ વિરાટની પણ ઝંખના છે કે મનુષ્ય મંગલ પંથે આગળ વધે. અને તે પણ માત્ર આપણો તત્કાલનો ગાંધીકેન્દ્રી ભારતદેશ જ નહીં, બલકે સમસ્ત પૃથ્વી આ કલ્યાણ પંથે આગળ ધપે તેવી કવિચિત્તની ભાવના છે. પણ ઈશ્વરે સર્જેલી આ પૃથ્વી પર જ્વાળામુખીનું પણ અસ્તિત્વ છે. આથી કવિ પૃથ્વીમાતા વિશે ચિંતવે છે:
‘મૈયા તણે અંતર શું હશે પીડા?
કે સૃષ્ટિચિંતા ઉરમાં અનંત?
વિશ્રામ કાજે વિરમે નહીં જરા
અકથ્ય દુ:ખે અકળાય હૈડે!’
પૃથ્વીની પીડા એટલે જ પૃથ્વીવાસી જીવમાત્રની પીડા! આથી જ કવિ આગળ જતાં કહે છે: ‘ભમે ભમે દુ:ખતપી વસુંધરા!’ આગળ પીડિત પૃથ્વી માંગલ્યના, કલ્યાણના તેજમાર્ગે અધીરી બની પગલાં આગળ ધપાવે છે. આમ પૃથ્વીની સતત ભ્રમણપ્રક્રિયા છતાં પ્રકાશપથની પૂર્ણ પ્રાપ્તિ થઈ લાગતી નથી અને એથી જ ‘અંધારમાં આથડી ભૂતસૃષ્ટિ!’ આનું પરિણામ શું આવ્યું? કવિ માનવજાતની યુગો જૂની વાસ્તવિકતા પ્રત્યે ધ્યાન દોરતાં જણાવે છે:
‘ને લોહી પીને ઊછરેલ ઘેલી
આ લાડીલી માનવતા ધરાની
ઇતિહાસની ભુલભુલામણીઓ
રચે, અને કૈં જગવે લડાઈઓ.’
યુગોથી માંગલ્યની ઝંખના કરતી માનવજાત લડાલડીના માર્ગેથી હજુ પરત ફરી નથી. (આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનાં વિનાશક પરિણામોની યાદ આબાદ રીતે ગૂંથાયેલી જણાશે.) હજુ પણ આટઆટલાં લોહી રેડાયાં છતાં કવિ કહે છે: ‘શમે ન એ આગ અબૂઝલેશ.’ આવી પરિસ્થિતિમાંથી માનવજાતને ઉગારવા યુગેયુગે સંતોનું આગમન થયું છે. અને એટલે જ કવિ કહે છે: ‘કો સિંચતા જીવનવારિ સંત, તોયે રહે પાવક એ ધગંત.’ સંતોની અમૃતવાણીના સિંચન છતાં પણ જાણે પૃથ્વીપટેથી ક્લેશની ધગધગતી આગ બુઝાઈ નથી. બરાબર આટલે સુધી કાવ્યમાં આવ્યા પછી ઉમાશંકરની આત્મશ્રદ્ધા ડગી નથી; બલકે વધુ સુસ્થિર બની આશા જગવે છે — કવિહૃદયમાં અને જનહૃદયમાં: ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો.’ વળી કવિ આ ખંડની પ્રથમ પંક્તિ દોહરાવે છે. આ પુનરુક્તિમાં માંગલ્યની પૂર્ણ શ્રદ્ધા પ્રકટી રહે છે. ઉમાશંકર પોતાની ભાવના ‘તું પાપ સાથે નવ પાપી મારતો!’ એ અવતરણચિહ્નમાં મૂકીને દૃઢાવે છે. જગતમાં મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે. પણ એનો અર્થ એ નથી કે મનુષ્યમાત્ર ધિક્કારપાત્ર છે. મનુષ્યમાંથી અને મનુષ્યવિશ્વમાંથી પાપનો નાશ કરવાનો, દુરાચારનો નાશ કરવાનો છે, અમંગલનો નાશ કરવાનો છે. અને જો આમ થશે તો જ વિશ્વમાં સાચા અર્થમાં વિશ્વશાંતિ સ્થપાશે. આ મંગલમય શાંતિમંત્ર આપણા અનેક પૂર્વજ યોગીઓ, આરણ્યકો, ઋષિઓએ ઝીલ્યો હતો અને પ્રસાર્યો હતો. પરંતુ ‘નિદ્રાજડ’ લોકોમાં હજુ જાગ્રતિ આવી નથી. પરંતુ એથી કંઈ કાળભગવાન થંભી ગયા નથી! યુગે યુગે નવા યુગપુરુષો અવતાર લે છે અને આ વિશ્વશાંતિના મંગલ શબ્દને પ્રસારે-પ્રચારે છે. આવો વિશ્વશાંતિનો મંગલમય શબ્દ જાણે કે મહાત્મા ગાંધીના આંતરકર્ણે પડ્યો છે અને તેઓ સમસ્ત વિશ્વમાં, મનુષ્યમાત્રના હૃદયમાં મંગલમય શાંતિની સ્થાપના કરવા ઝઝૂમી રહ્યા છે, ઘૂમી રહ્યા છે. અને જાણે કે આ યુગની માનવોની યુદ્ધેપ્સા ટળવા લાગી હોય તેમ જણાય છે. ગાંધીના આ પ્રયત્નોથી —
‘યુગોયુગોની તપસાધના ફળી!
જરી મહા અંતરવેદના શમી!!
કવિ આમ કહી આ પહેલા ખંડ ‘મંગલ શબ્દ'ને અંતે આશાવાદ વ્યક્ત કરે છે કે યુગે યુગે કોઈ ને કોઈ પયગંબર આવે છે અને કલાન્ત સૃષ્ટિને શાંત કરતો જાય છે. આ પ્રથમ ખંડ ઉમાશંકરની આશા અને ભાવનાનું શબ્દાંતરણ છે. એમાંનાં પ્રાસાનુપ્રાસો, વર્ણસગાઈ, કલ્પન-કલ્પનાઓ અને ચિંતનાત્મક પંક્તિઓ કાવ્યને આસ્વાદ્ય બનાવે છે. અલબત્ત, ઉત્તમ કલાકસોટીએ ભલે કદાચ આ કૃતિ થોડી ઊણી ઊતરે; પરંતુ એમાંના ભાવનાવાદને કારણે તત્કાલીન સમયે તે ધ્યાનપાત્ર બની હતી.