આત્માની માતૃભાષા/24


પ્રશિષ્ટ સંસ્કાર

દક્ષા વ્યાસ

પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા

ઊઠી વ્હેલા પ્રભાતે ઝટ ઘર-વખરી ગોઠવે વાળીઝાડી,
ખાટી છાશે ભીંજાવી ગગરી-કળશિયા માંજી સોને મઢી દે;
મેંડાં શીંગાળી ગૌઆ દુહી લઈ હળવે કોઢથી બ્હાર કાઢે,
ધાવેલા વાછડાને જરીક કૂદવી લે ઓસરી આંગણામાં.
ને ડાહી થૈ ઘડીમાં શિર પર મટુકી મૂકીને સ્હેજ બાંકી,
જાતી વાવે, ભરીને ચઢતી પગથિયાં શી પનિહારી, જાણે
આવે છલકાતી હેલે શિર રવિઘડૂલી લૈ ઉષા વ્યોમપુત્રી.

આજે અંગાંગ વ્યાપી હૃદય ભરી દઈ યૌવનાનંદ રેલ્યો.
ને આવી લગ્નવેળા, નવ ગૃહશણગારે સગાં કે સંબંધી,
ના પિત્રાઈ, ન ભાંડુ, ન કંઈ થઈ શકે પાંગળી દાદીથી તો.
બાપુ સ્વર્ગે બિરાજે, કઠિન હૃદયની માવડીયે વળી ત્યાં.
ને આ નિર્ભાગણીને નહિ મહિયરમાં માડીનો માડીજાયો.
મોંઘેરી ઊગરેલી દીકરી અટૂલી આ અશ્રુસીંચેલ વેલી.

વાળી કચ્છો ચઢીને ઊંચી નિસરણીએ, ગારથી ભીંત લીંપે,
લીંપે ને ગાય ગીતો મન ભરી ભરીને ગુપ્ત ઉલ્લાસપ્રેર્યાં.
ભીંતો રંગે ઉમંગે અબરખ-ખડીથી, સ્વસ્તિકોથી સુહાવે,
ચોંટાડે બારસાખે વરખ રજત કે સ્વર્ણના સુજ્વલંત.
ને આસોપાલવેથી સખીકરચૂંટિયાં કોમળાં પાંદડાંમાં,
ગૂંથંતી આમ્રપર્ણો, રુચિર હરિયાળાં રચ્યાં તોરણોયે.
હાવાં પ્રીતે પધારે વર લઈ અસવારી, ભલા, એ જ ખોટી.
મુંબઈ, જુલાઈ ૧૯૩૮


‘પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા’ એવું પ્રલંબ શીર્ષક, દ્રગ્ધરા છંદ અને ગૃહજીવનની માધુરી સાથે જોડાયેલો વિષય બોટાદકરનું સદ્ય સ્મરણ કરાવે છે અને પ્રશિષ્ટ પરંપરા સાથે ભાવકને જોડે છે. વસંતતિલકા અને અનુષ્ટુપમાં અંકિત બોટાદકરનું ‘લગ્નોદ્યતા’ આ પ્રકારની કવિતામાં અનન્ય કહી શકાય તેવું કાવ્ય છે. એમાં છંદની પ્રવાહિતા, પ્રાસાદિકતા તથા લગ્નતત્પર કુમારીના હૃદયભાવને મળતી રોચક વાચા દિલ જીતી લે છે. કુતૂહલ જાગે કે ગાંધીયુગના અગ્રણી કવિ આવા ઠાવકા વિષય સાથે શી રીતે પાનું પાડે છે. કન્યા પોતાના લગ્ન માટે ઓશીકાનાં કવર, ચાદર, ચાકળા, રૂમાલ ભરત ભરીને તૈયાર કરતી હોય એવી પરંપરા છે. સામાન્ય રીતે કન્યાને પોતાના લગ્ન માટે પોતાનું ઘર પોતે જ તૈયાર કરવાની નોબત આવતી નથી. સૌ એને તો ફૂલની જેમ હાથમાં ને હાથમાં રાખતા હોય છે. અહીં વિષય પ્રત્યેનો અભિગમ નવીન છે. કાવ્યની નાયિકા એક અનાથ ગ્રામકન્યા છે. પાંગળી દાદી સિવાય તેનું કોઈ નથી. એથી લગ્નટાણે પોતાને માટે પોતે જ ઘર શણગારવું એનું ભાગ્ય છે. બીજા ખંડમાં એનું આ નોંધારાપણું સ્પર્શક્ષમ રીતે ઊઘડ્યું છે. ‘અશ્રુસીંચેલ વેલી’નું રૂપક કરુણની એક રેખા અંકિત કરી જાય છે. પ્રથમ ખંડમાં લગ્નોત્સુક ગ્રામકન્યાનું નર્યું તાજગીભર્યું મુગ્ધ કલ્પનાચિત્ર ઊપસે છે. કવિ એને વ્યોમપુત્રી ઉષા રૂપે કલ્પે છે: આવે છલકાતી હેલે, શિર રવિઘડૂલી લૈ ઉષા વ્યોમપુત્રી. પ્રસ્તુત વર્ણન પર ઋગ્વેદના ઉષાસૂક્તનો પ્રભાવ જોવાયો છે. અલબત્ત એ દૂરાકૃષ્ટ લાગે છે. ખાટી છાશે ભીંજવેલા ગગરી-કળશિયાનો ચળકાટ, ‘મેંડાં શીંગાળી’ ગાય, ધાવેલા વાછડાને ઓસરી-આંગણામાં કૂદવી લેતી કન્યાનું અલ્લડપણું અને માથે મટુકી મૂકી વાવે પાણી ભરવા જતી પનિહારી… દ્વારા સર્જાતું ગતિચિત્ર જીવંત ગ્રામીણ પરિવેશ વચ્ચે ભાવકને મૂકી દે છે. એ એક રોમાંચક અનુભવ આપે છે. વિસ્મયનો ઉજાસ આ આખા ખંડ ઉપર પથરાયેલો છે. બીજા ખંડના અભાવને ભરવા જ હોય તેમ ત્રીજા ખંડમાં ગારથી ભીંત લીંપતી, ગીતો ગાતી, ભીંતને અબરખ-ખડીથી રંગતી, વરખથી શણગારતી, તોરણોથી સજાવતી કન્યાનું ખચિત ચિત્ર રજૂ થાય છે. બસ. હવે તો અસવારી લઈ પ્રિયજન આવે એની જ ખોટ! અહીં રુચિર, સુજ્વલંત, ગુપ્ત જેવા શબ્દો કંઈક અડવા લાગવાના. ‘માડીનો માડીજાયો', ‘આસોપાલવમાં આમ્રવર્ણની ગૂંથણી’ જેવા પ્રયોગો પણ સહજ લાગતા નથી. દ્રગ્ધરાના સહજ વહેણમાં ‘ભીંજાવી', ‘છલકાતી’ જેવી જગાઓ ખટકે છે. ‘મેંડા શિંગાળી ગૌઆ', ‘ધાવેલા વાછડાને', ‘આવે છલકાતી હેલે', ‘ને આવી લગ્નવેળા'—માં ગાગાગાગા લગાગાનો સહજ સંધિસંવાદ સધાતો નથી. તથાપિ કૃતિનો પ્રથમ ખંડ કવિકલ્પનાની દીપ્તિથી અને જીવંત ગતિચિત્રથી આકર્ષી રહે છે. એક કોડવતી કન્યાના ઔત્સુક્યની, એના અંતરના ઉમળકાની સાક્ષાત્કૃતિ અહીં અનાયાસ થાય છે.