આપણો ઘડીક સંગ/પ્રકરણ ૧૪

૧૪

વિમળાબહેનને આવતા અનેક ક્રાંતિકારી વિચારોમાં એક એવો પણ હતો કે એક કાયદો પસાર કરાવીને છોકરા-છોકરીનાં મા-બાપને સીધેસીધાં મળતાં અટકાવી દેવાં જોઈએ. જો એમ થાય તો જ સ્ત્રીપ્રવૃત્તિનું ક્ષેત્ર બરોબર વિશાળ થાય; કેમ કે આમ જો એ લોકો બારોબાર લગ્ન નક્કી કરી નાખે તો વિમળાબહેન જેવાંનું પછી કાર્ય શું રહે?

થયું પણ એવું જ. એમને ચંદ્રાબાને બીજી વાર મળવાની તક મળે તે પહેલાં ચંદ્રાબા અર્વાચીનાને ત્યાં આવી ચઢ્યાં.

‘આવો, ચંદ્રાબા! આવો!’ અર્વાચીનાનાં બાએ તેમને ખૂબ ઉમળકાભેર આવકાર્યાં.

બૂચસાહેબ જાળને છેડે રાહ જોતા કરોળિયાની કલ્પનાએ ચઢ્યા હતા.

ચંદ્રાબા બેઠાં.

‘ચંદ્રાબા!’ અર્વાચીનાનાં બાએ ઔપચારિક વાતચીત પૂરી થતાં પ્યાદું બે ખાનાં ચલાવી રમત શરૂ કરી.

જવાબમાં ચંદ્રાબા પણ શેતરંજના પાક્કા ખેલાડીની જેમ મોં પરના ભાવ જેમ ને તેમ રાખી રહ્યાં.

‘કે’દિવસની તમને કહું કહું કરું છું, પણ…’ અર્વાચીનાનાં બાએ યોગ્ય આનાકાની સાથે વાત મૂકવા માંડી.

‘કહો ને!’ ચંદ્રાબા બોલ્યાં.

‘જટિભાઈ માટે આપણી અર્વાચીનાનો વિચાર કરો… તો!’

સ્ટવ ઉપરની કડાઈમાં તાજી જ ફૂલી ઊઠેલી પૂરીના મોં પર જે પ્રસન્નતા હોય છે તેવી જ પ્રસન્નતા બૂચસાહેબે ચંદ્રાબાના ચહેરા પર જોઈ.

‘હું તો ખુશ થાઉં!’ ચંદ્રાબાએ કબૂલ કર્યું.

‘ત્યારે…’ અર્વાચીનાનાં બાએ શેતરંજીની કિનાર સરખી કરતાં આટલા ‘‘ત્યારે’’માં ઘણુંબધું કહી નાખ્યું.

‘મેં તો કીધુંને કે મને તો કાંઈ જ વાંધો નથી. પણ જટિ-અરુ હવે કાંઈ છોકરાં નથી કે આપણે નક્કી કરીએ.’ ચંદ્રાબાએ વાટાઘાટોને બીજા તબક્કામાં આણી મૂકી.

‘એ છોકરાં નહિ હોય, પણ આપણે મા-બાપ તો છીએ જ ને?’ બૂચસાહેબે હકીકત તરફ ધ્યાન દોર્યું.

‘મેં તો એને છૂટો જ મૂકી દીધો છે.’ હાથમાં દોરી ઝાલી ઊભો રહેલો છોકરો ઊડતા પતંગ માટે જેમ કહે તેમ ચંદ્રાબાએ જટિ માટે કહ્યું.

‘એ તો ખરું. એમનું મન પહેલું.’ બાએ ચંદ્રાબા સાથે ખભા મિલાવ્યા.

‘એ લોકો જ વાત ન લાવે ત્યાં સુધી આપણે ચૂપ જ રહેવું?’ બૂચસાહેબે પ્રશ્ન રજૂ કર્યો.

‘મારો એ જ આગ્રહ છે.’ ચંદ્રાબાએ ભારપૂર્વક કહ્યું : ‘એમની લાગણી એમને પોતાને જ શોધી કાઢવા દ્યો.’

‘એ તો એ લાગણી જ એમને શોધી કાઢશે.’ બૂચસાહેબે શ્રદ્ધાપૂર્વક કહ્યું અને સાશંક ઉમેર્યું, ‘ભય એક જ છે!’

‘કયો?’

‘વિમળાબહેન!’ બૂચસાહેબે ભયગ્રસ્ત અવાજે જાહેર કર્યું.

‘પણ એ તો ઊલટાં આ લગ્ન થાય તેની તરફેણમાં છે!’ બાએ બચાવ કર્યો.

‘કેમ કે ચંદ્રાબા આનાકાની કરે તો આ લગ્ન ન થાય તેમ તે જાણે છે!’ બૂચસાહેબ એમને વિશે ખૂબ જાણતા હતા.

‘અને હું આનાકાની નથી કરતી અને ‘‘હા’’ પાડું છું એમ જાણો તો?’ ચંદ્રાબાએ કહ્યું.

‘તો તે છૂટાછેડા માટે સમજાવે!’ સાહેબને ખાતરી હતી.

*