આપણો ઘડીક સંગ/પ્રકરણ ૧૬

૧૬

આજે ધૂર્જટિએ અતુલને મળવાનું મન થયું. અતુલ મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ના છેલ્લા વર્ષમાં ભણતો ધૂર્જટિનો મિત્ર હતો. ધૂર્જટિનાં નાજુક કારીગરીવાળાં કલામય વલણો અને વિચારોને અતુલ પહોંચી વળતો. ધૂર્જટિ સાથે વાત કરતાં અતુલ જાણીજોઈને અસહ્ય રીતે બુઠ્ઠાં અને બરછટ એવાં વિધાનો કરી તેને અકળાવી નાખતો. આથી ધૂર્જટિ અને અતુલની સાઠમારી એકબીજાને તો આનંદ આપતી જ, સાથે મિત્રોને પણ…

અપરિચિત અને નિરંકુશ એવી ઉર્મિઓના ઊભરાઓથી છવાઈ ગયેલા પોતાના આંતરતંત્રને અતુલની ઠંડી અસરની જરૂર છે, તેમ ધૂર્જટિને ઊડે ઊડે લાગવા માંડ્યું. તેથી જ આજે અતુલને મળવા તે સિવિલ હોસ્પિટલ બાજુ ફર્યો.

બસની બારીમાંથી બહાર જોઈ રહેલી ધૂર્જટિની આંખો સડકને કિનારે વહી રહેલી દુકાનો, મકાનો, હોટેલોની હારમાળાને યંત્રવત્ નોંધી રહી. અત્યારે ધૂર્જટિનું ચેતન અંદર એટલું કેન્દ્રિત થઈ ગયું હતું કે આ બધા માટે ધૂર્જટિએ એક જ લેબલ સ્વીકારી લીધું — ‘બાહ્ય જીવન.’ તેને આ ‘બાહ્ય જીવન’ની વિવિધતા, વિચિત્રતા એવા કશામાં રસ ન પડ્યો…

ધૂર્જટિનું મન અત્યારે બે જ હસ્તી સ્વીકારતું હતું — પોતાનું જીવન, વિરુદ્ધ જગતનું જીવન… આવું પહેલાં કદી બન્યું ન હતું. કારણ તો ધૂર્જટિને પણ જડ્યું ન હોત. અતુલે પૂછ્યું હોત તો તરત કહી આપત કે આનું કારણ અર્વાચીના!

‘હલ્લો! જટિ, તું ક્યાંથી?’ હાથમાં સ્ટેથોસ્કોપના ગૂંચળાને ઉછાળતો અતુલ કમ્પાઉન્ડમાં જ મળ્યો. તેની ઊચાઈ, તેની પહોળાઈ, તેની જાડાઈ — બધાથી તે તરત તરી આવ્યો. તેના કાળા વાળથી કાળા બૂટ સુધી તંદુરસ્તી નીતરતી હતી. રોગોનું તો તે હાલતુંચાલતું અપમાન હતો.

‘જટિ… ડિયર!’ કહેતાં જટિને લગભગ ભેટી પડ્યો. ઘણા દિવસો દરિયાઈ સફર કર્યા પછી છેવટે જમીન દેખાઈ હોય તેવી લાગણી ધૂર્જટિને થઈ આવી.

‘તને મળવા જ આવ્યો, યાર!’ ધૂર્જટિએ કહ્યું.

‘મજાનું! શો વિચાર છે? જરા મારી સાથે ફરીશ? પછી રૂમ્સ પર જઈએ.’

‘ચાલ, ફરવા જ આવ્યો છું.’ કહી ધૂર્જટિ અતુલ સાથે જોડાયો.

‘આજ તો તને નરી કવિતા બતાવું!’ થોડું ચાલ્યા પછી અતુલે પેલી જૂની તકરાર શરૂ કરી.

‘કવિતા? કબાટમાં છોકરીઓ ભરવા માંડ્યો છે કે શું?’ ધૂર્જટિએ કહ્યું.

‘ચાલ તો ખરો! એવી છોકરાઓ બતાવુંને કે સ્વપ્નાં આવે!’

ધૂર્જટિની આંખના ખૂણા પર સોનેરી વીજળી વીંઝાઈ રહી. એ અર્વાચીનાની ઝલક હતી.

‘પડ્યો લાગે છે!’ અતુલે પડકાર્યો… અતુલ ધૂર્જટિને પૂરેપૂરો ઓળખતો હતો.

‘ક્યાં?’ ધૂર્જટિએ ઝબકીને પૂછ્યું.

‘અલ્યા! શરૂઆતમાં ડબો બાંધીને પડજે!’ પ્રેમપારાવારમાં પડનારા શિખાઉને આટલું સૂચન અત્યારે બસ છે એમ માની અતુલે આ વાત ત્યાં જ પડતી મૂકી; બીજી મિનિટે ધૂર્જટિને તેમ જ વાતને બીજી લોબીમાં વાળી લીધાં.

‘મેં તને નરી કવિતા બતાવવાનું વચન આપ્યું હતું ને? આમ આવ.’ કહી અતુલ ધૂર્જટિને એક ઓરડામાં ખેંચી ગયો અને…

‘જો… જટિ! આ છે બ્રેઇન!’ એક કાચના વાસણમાંના પ્રવાહીમાંથી નરી માટીના લોચાને હાથમાં લેતાં અતુલે જટિને સમજાવવા માંડ્યું.

‘એમ કે?’ જટિ જિજ્ઞાસાથી તે જોવા નીચો નમ્યો, અને ત્યાં તો… મગજ… મારું મગજ… માણસનું મગજ… વિચારો… આદર્શ… ધૂર્જટિના મનની એરણ પરથી તણખા ઊઠ્યા.

‘અને આ છે હૃદય!’ અતુલ ખીલ્યો હતો : ‘છે ને? કે ગુમાવ્યું છે?’

માણસ… હૃદય… આવું!… આવું!… હૅમ્લેટ… કોણે લખ્યું… લખ્યું લેખકે…

અને આ બાજુ અતુલ રણે ચડ્યો હતો.

‘આમ તો આવ!’ તેણે એક ખાનું ખેંચ્યું : ‘અમારે ડિસેક્શન માટે!’

જટિની આંખ આગળ એક મૃતદેહ ખેંચાયેલો પડ્યો હતો… ધૂર્જટિનું મગજ હાર્યું… મારું મગજ… પેલું… ધૂર્જટિને વિચારો આવતા અટકી ગયા… બસમાં હતો ત્યારે ધૂર્જટિ બે દુનિયા જોતો હતો… અત્યારે હવે તેને માટે એક જ જીવન હતું… પોતાનું… અને તે પણ જીવન નહિ, એક ઝનૂન માત્ર જ. બહારની કોઈ રાક્ષસી તાકાત સામે ધૂર્જટિએ પોતાની જાત સંકોરી લીધી. તેનો ચહેરો તંગ થઈ ગયો. એક પ્રાણીની જેમ જિંદગી માટે તે ઝઝૂમી રહ્યો.

બીજી જ પળે તે ભાનમાં આવ્યો. અતુલે ખાનું પાછું ધકેલી દીધું. માત્ર પગના પંજા દેખાતા હતા. જટિની આંખો તે પર જડાઈ રહી. ‘આ માણસને મા હશે, બાપ હશે…’ આવા વિચાર આવવા જ જોઈએ? આવવા જ જોઈએ… આવવા જ જોઈએ… ધૂર્જટિ ખિજાઈ ગયો… અતુલ તેને આગળ દોરી ગયો…

‘મૃત્યુ મરી ગયું રે લોલ! કેમ, જટિ?’ અતુલ ખૂબ આનંદમાં હતો.

ધૂર્જટિ જવાબ આપવા ગયો, પણ…

‘અતુલ!… ચાલને બહાર જઈએ!’ ધૂર્જટિએ કહ્યું.

‘ચાલને, બહાર જ જઈએ છીએ. બીજું જોવું છે?’

‘પછી કોઈ વાર!’ કહી ધૂર્જટિ અતુલથી પણ આગળ નીકળી ગયો.

પાછા ફરતાં ધૂર્જટિનું જગત જડ બની ગયું. તે અંદરથી સ્તબ્ધ બની ગયો. વિચારો, લાગણીઓ, ઊમિર્ઓ, આવેગો, કલ્પનાચિત્રો — બધું જ થંભી ગયું. જાણે સૂમસામ…

…અને ધૂર્જટિએ દૈનિક વ્યવહારનો ટેકો લીધો. બસની બારીની બહાર એ જ રસ્તો પથરાઈ રહ્યો હતો. તડકો જામતો જતો હતો. હોટેલમાંથી ઊઠતા અવાજો, હસતા ચહેરાઓ, વાહનના વળાંકો, આકાશના કટકાઓ — બધુંય જાણે ધૂર્જટિની ચેતનામાં ચિતાના ભડકાની માફક વારેવારે ભભૂકી ઊઠતું… તેનું અંતર સ્મશાનવત્ અમાનુષી શાન્તિથી અકળાતું હતું… બહુ ઊડેથી તે આ બધું તટસ્થતાથી જોઈ રહ્યો હતો.

દિવસ આખો તે સોફામાં નિશ્ચેષ્ટ પડી રહ્યો. સાંજ પડી. માંદગીમાંથી ઊઠ્યો હોય તેમ તે ઊઠ્યો. કપડાં ઠીકઠાક કર્યાં. બહાર જતાં ચંદ્રાબા પર તેની નજર પડી… કોઈ અસ્પષ્ટ કરુણાથી તે ગૂંગળાઈ ગયો. અને બૂચસાહેબના દીવાનખાનામાં હાથમાં પાણીનો પ્યાલો લઈ ચાલી આવતી અર્વાચીનાને પણ આજે તો ધૂર્જટિ બેધ્યાનપણે જોઈ જ રહ્યો. જાણે બધું જ ભૂલી ગયો હોય તેમ…

પણ ત્યાં તો બીજી જ પળે, અર્વાચીના નજીક આવતાની સાથે જ, ધૂર્જટિમાં પેલા મૃતદેહની સાક્ષીએ જાગેલું જિંદગી માટેનું ઝનૂન ફરી એક વાર જાગ્રત થઈ રહ્યું.

અકથ્ય આત્મીયતાભર્યા અવાજે તેનાથી અર્વાચીનાને પુછાઈ ગયું, ‘છૂટાં તો નહિ પડી જઈએને, અરુ!’

અર્વાચીનાની આંખ જવાબમાં છલકાઈ ગઈ.

અને એ સાંજે અર્વાચીનાથી છૂટા પડી ઘેર જતાં ધૂર્જટિને એમ ચોક્કસપણે લાગવા માંડ્યું કે તેના જીવનનો પહેલો આશ્રમ હવે પૂરો થવા આવ્યો છે… જોકે હવે પછી શરૂ થતો આશ્રમ આ પેલી જૂની વ્યવસ્થા પ્રમાણેનો ગૃહસ્થાશ્રમ જ હશે કે પછી સીધો સંન્યસ્તાશ્રમ હશે તે હજુ અનિશ્ચિત હતું!

*