આપણો ઘડીક સંગ/પ્રકરણ ૧૯

૧૯

‘વિમળાબહેન! મને કાંઈ રસ્તો નહિ બતાવો?’

મહિલા સહાયક મંડળનાં સભ્ય માટે આ પ્રશ્ન કાંઈ નવો ન હતો, પરંતુ ફેર એટલો હતો કે આ વહેલી સવારે આ સવાલ પૂછનાર એક તાજાં જ બી.એ. થયેલાં બહેન નામે તરંગિણી હતાં!

આમ કહી તરંગિણીએ આંસુ લૂછવા પોતાનો રેશમી રૂમાલ ફરકાવ્યો ત્યારે મંડળની આખીય ઓફિસ સેન્ટની સુંદર સુવાસથી મઘમઘી ઊઠી.

વિમળાબહેન ક્યાંય સુધી સહાનુભૂતિભરી આંખે તરંગિણી તરફ જોઈ રહ્યાં. બિચારી છોકરી! હજુ હમણાં તો લગ્ન થયાં અને ત્યાં તો, તેણે હમણાં જ ડૂસકાભેર કહ્યું તેમ, આવા પતિ સાથે જિંદગી કાઢવી અશક્ય બની ગઈ.

શું કરવું?

આપઘાત!

ના!

વિમળાબહેન કાંઈક રસ્તો બતાવશે અને તે છોકરી, નામે તરંગિણી અહીં આવી. આ હતી તેની વાર્તા. કેટલી દુ:ખદ!

અત્યારે તે આશાભરી આંખે વિમળાબહેન સામે જોઈ રહી હતી…

‘કોઈ પણ રીતે એકબીજાને સમજી શકો એમ નથી?’

‘ના…’

‘લગ્ન પહેલાં આવું નહોતું લાગ્યું?’

‘ના…’

‘લગ્ન રાજીખુશીથી કરેલાં?’

‘માબાપની રાજીખુશીથી, હા!’

‘તમારી પોતાની?’

‘નાખુશીથી નહિ!’

‘ત્યારે આવું કેમ બન્યું?’

‘કોને ખબર.’

‘હવે ભેગાં રહી શકાય તેમ છે જ નહિ?’

‘ના!’

વિમળાબહેન વિમાસણમાં પડ્યાં.

‘વાંધો શો છે?’

‘સ્વભાવ.’

‘કોનો? તમારો કે તમારા પતિનો?’

‘અલબત્ત, એમનો.’

ત્યારે હવે શું કરવું? બંને નિરાશ થઈ ગયાં. તરંગિણી વારંવાર આંસુ સારતી બેઠી હતી. છેવટે વિમળાબહેને તેને ઉદ્દેશી :

‘બહેન!’

તરંગિણીએ ઊચું જોયું.

‘એક જ રસ્તો છે!’

‘કયો?’

‘છૂટાછેડા.’ વિમળાબહેને દુ:ખ સાથે કહ્યું. તરંગિણીએ નીચું જ જોઈ રાખ્યું.

‘નછૂટકે!’

તરંગિણીનાં આંસુ ન અટક્યાં.

‘એક પ્રયત્ન કરી જોઉં?’ થોડી વાર રહી વિમળાબહેને પૂછ્યું.

‘શો?’

‘તારા પતિને મળીને સમજાવું?’

‘નહિ માને!’ તરંગિણીએ ડૂસકાભેર કહ્યું.

‘જોઈએ!’

આખરે તરંગિણી કબૂલ થઈ : વિમળાબહેન તેના પતિને ન મળે ત્યાં સુધી તે કાંઈ પણ ઉતાવળું પગલું નહિ ભરે.

‘ક્યારે મળશો?’

‘રવિવારે સાંજે.’

‘જરૂર?’

‘જરૂર!’

‘હું હાજર રહું તો? કાંઈ વાંધો છે?’ તરંગિણીએ પૂછ્યું.

‘સારું, તું રહેજે.’

અને તરંગિણીનું સરનામું નોંધી રવિવારે સાંજે તેમને બંનેને મળવાનું વચન આપી, સાંત્વન અને શિખામણના બે શબ્દો કહી વિમળાબહેને તેને રજા આપી. તરંગિણી વિદાય થઈ ત્યારે તેના મોં પર સ્મિત હતું.

રવિવાર,

‘ભાઈ જટિ,

તું આળસુ અને અઘોરી છે તે હું જાણું છું છતાં તને આગ્રહપૂર્વક કહું છું કે આજે સાંજના તારા બધા કાર્યક્રમ રદ કરી માટે ત્યાં પાચેક વાગ્યે આવી પહોંચજે. સાથે વિનાયકને અચૂક લેતો આવજે. તમને એક સરસ ડિશ પીરસવા માગું છું. નહિ આવો તો નસીબ તમારાં! આવજે…

લિ. અતુલની આશિષ!

તા.ક. તને લેવા એક કાર આવશે.

લિ. અતુલ

તા. ક. તેમાં બેસતાં વિનાયકને નહિ આવડે, પણ તું શિખવાડજે.

લિ. અતુલ.

રજાઓમાં પણ રજા એવા રવિવારની સાંજે શું કરવું તે વિચારતો ધૂર્જટિ જમીને પડ્યો હતો ત્યાં તેના હાથમાં આ અતુલની ચિઠ્ઠી આવી પડી. ધૂર્જટિ ચિઠ્ઠી સામે જોઈ રહ્યો, હતી તો અતુલની એમાં કાંઈ શક ન હતો. શક હતો આ કારવાળી વાત પૂરતો….

પણ ત્યાં તો ચારેકના સુમારે ખરેખર તો આવી!

અતુલના આગ્રહ મુજબ વિનાયકને રસ્તામાંથી સાથે લીધો.

‘તને બેસવું તો ફાવશેને?’

‘કેમ?’ વિનાયકે આશ્ચર્યથી પૂછ્યું.

‘ના… કદાચ ચક્કર આવે તો…’

‘પણ મને કારમાં ચક્કર આવતાં જ નથી!’ વિનાયકને ખોટું લાગ્યું.

‘ના. આ તો કાર… જરા… ઊચી જાતની છેને… એટલે!’ ધૂર્જટિએ ખુલાસો કર્યો.

‘એમ કે?’ વિનાયકે ચાલતી કારે પડતું મૂકવા હૅન્ડલ પર હાથ નાખ્યો.

‘અતુલે ચિઠ્ઠીમાં લખ્યું’તું!’

‘નાલાયક!’ વિનાયકે ગુસ્સો અતુલને મળવા પર મુલતવી રાખ્યો.

અતુલની રૂમ્સ પર પહોંચ્યા, તો તરંગિણી! ધૂર્જટિ-વિનાયકે સામસામું જોયું.

‘હવે મહેમાન જ બાકી છે!’ અતુલે બહાર નજર કરતાં કહ્યું.

‘કોણ મહેમાન છે?’

‘વિમળાબહેન!’ તરંગિણીએ કહ્યું.

‘વિમળાબહેન?’ ધૂર્જટિ અને વિનાયક કોરસમાં બોલી ઊઠ્યા.

‘ઓળખો છો?’ તરંગિણીને નવાઈ લાગી.

‘મારો નોકર ઉપાડી ગયાં!’ ધૂર્જટિએ ધા નાખી.

‘પેલો મેં મોકલ્યો’તો એ? રામપ્રસાદ?’ અતુલે તપી જતાં પૂછ્યું.

‘હા.’

રામપ્રસાદ મૂળ અતુલનો નોકર. ડો. અતુલ આ રામપ્રસાદ ઉર્ફે તેમના રામ મારફત ‘સંતતિનિયમન’ની વિરુદ્ધ પત્રિકાઓ વહેંચતો હતો. આ બાજુ વિમળાબહેન એ જ સંતતિનિયમ માટે ઝુંબેશ ચલાવતાં હતાં. અતુલ અને વિમળાબહેનની આ જૂની અદાવત.

‘હવે સમજાયું!’ વિનાયકે કહ્યું. આટલા માટે રામાનું તે દિવસે અપહરણ થયેલું… ‘હવે સમજાયું!’

‘તો વિમળાબહેન અત્યારે સમી સાંજે અતુલને ત્યાં કેમ ઊતરી આવે છે?’

અતુલ ગંભીર થઈ ગયો.

‘અમારો ઝઘડો પતાવવા!’

‘તમારો?’

‘મારો અને તરંગિણીનો!’

‘તમે બે કોણ છો?’ વિનાયક આવી બાબતમાં ગોલમાલ નહોતો ચલાવી લેતો.

‘પતિ-પત્ની!’ તરંગિણીએ તરંગવત્ સ્વરોએ કહ્યું. અતુલે જવાબ આપવાનું તેના પર છોડ્યું હતું.

‘ક્યારનાં?’ વિનાયકે પૂછ્યું.

‘એકાદ કલાક થયો હશે!’ અતુલે કહ્યું.

‘ક્યાં સુધી?’ ધૂર્જટિએ પૂછ્યું.

‘કોણ જાણે!’

…અને એટલામાં વિમળાબહેનને આવવાનો વખત થયો. તરંગિણીની તકરાર એ હતી કે વિમળાબહેનની સ્ત્રીપ્રવૃત્તિ પ્રત્યાઘાતી હતી અને ‘નવી નારી’ના જન્મથી આડે આવે છે.

‘બાળકો જન્મે, એ મૂળ બાબતની જ વિરુદ્ધ જો વિમળાબહેન હોય તો ‘નવા નારી’ જન્મે જ શી રીતે?’ અતુલે તરંગિણીનું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ કર્યું.

એટલામાં વિમળાબહેન આવ્યાં.

*

તરંગિણીની જ વિનંતીથી તેના પેલા ખરાબ સ્વભાવના પતિશ્રીને સમજાવવા આવેલાં વિમળાબહેનને એવા કડવા અનુભવો થયા કે…

કહેવાય છે, તેમને જે ખુરશી બેસવા માટે આપી તેનો પાયો જ અતુલે જાણીજોઈને રમતો રાખ્યો હતો.

અને અતુલે તેના કહેવાતા ગરમ સ્વભાવનો પણ સારો એવો પરચો આપ્યો. વિનાયક અને ધૂર્જટિ માથેય ઘણું આવ્યું.

એટલું તો એક ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારવામાં આવે છે કે આ બનાવ પછી પતિ-પત્નીના ઝઘડાઓ જેવી જાહેર પ્રવૃત્તિઓમાં કદી પણ નહિ પડવાનો વિમળાબહેને છેવટનો નિર્ણય કર્યો અને તે અચોક્કસ મુદત સુધી અમદાવાદ છોડી ગયાં, છાંડી ગયાં.

એ હવાફેર અને આરામ માટે આબુ ઊપડી ગયાં ત્યારે તે ખર્ખર અમદાવાદ છોડે છે કે કેમ તેની ખાતરી કરવા બૂચસાહેબ પોતે સ્ટેશન પર હાજર રહેલા, તે તો અર્વાચીનાનાં બા પણ કબૂલ કરે છે.

*